કોયલના ટહુકાથી ઈશ્વરાનુભૂતિ વાયા આનંદાનુભૂતિ – ડૉ. સંતોષ દેવકર 10


સ્વ. ધીરૂભાઈ ઠાકરે મોડાસામાં વાવેલા શિક્ષણના બીજ આજે વટવૃક્ષ બની ગયા છે. મ. લા. ગાંધી કેળવણી મંડળનાં સુંદર કોલેજ કેમ્પસમાં રહેવાની અને નોકરી કરવાની પ્રભુકૃપાએ તક મળી. આંબા, સીતફળ, બદામ, જાંબુ, આસોપાલવ, લીમડો વગેરે વૃક્ષોએ કેમ્પસમાં અડ્ડો જમાવ્યો છે. આંબા પર આવેલી કાચી કેરીઓને કોલેજના વિદ્યાર્થીઓએ કચુંબર બનાવીને ખાઈ લીધું છે. હવે કોયલ અને તેના સાથી મિત્રોએ આંબા પર આસન જમાવ્યું છે.

હમણાં હમણાંથી રોજ વહેલી સવારે ઉઠીને ઘર બહાર ઓટલે બેસવાનું ખૂબ મન થાય છે. ઓટલા પર આંગણાના આંબા પરની કોયલનો મીઠો ટહુકો સાંભળવાની એક આદત પડી ગઈ. કોયલનો ટહુકો મીઠો નથી.. અત્યંત મીઠો હોય છે. બરાબર સવારે સાડા પાંચથી છ ના ગાળામાં એ જાણે આંબાડાળેથી મને બોલાવતી હોય એવું લાગે છે. મને પણ કોયલના ટહુકા બહુ ગમે છે. એના ટહુકાનો હું આદિ બની ગયો છું. મારી પત્નીને હળવાશ થઈ છે કારણ કે ઉઠતાવેંત ચાની માંગણી કરનાર, હમણાં હમણાંથી કોયલના ટહુકાના વ્યસની બન્યા છે. ટહુકો હ્રદયની પાર પહોંચે છે, દિલમાં એક ટાઢકનો અહેસાસ કરાવે છે. એવું લાગે છે કે કેટલા વર્ષો પછી કોયલના ટહુકાને ધ્યાનથી સાંભળ્યો! ખરા અર્થમાં ગ્રહણ કર્યો.

કોયલના આ ટહુકાથી મન અત્યંત પ્રસન્ન થાય છે. આનંદની અદ્રુત અનુભૂતિ થાય છે. એમ કરીને કોયલે મારી પર મોટો ઉપકાર કર્યો છે.

છેવટે માણસની આ દોડ છે શા માટે? પૈસા માટે? બંગલા માટે? ગાડી માટે? જમીન માટે? હોદ્દા માટે કે કોયલના ટહુકા માટે? માણસ એટલું તો દોડે છે કે તે શેના માટે દોડે છે એ જ ભૂલી જાય છે, થાકી જાય છે. સમય જતાં તેનો માર્ગ ફંટાઇ જાય છે. જ્યારે સાચી વાત સમજાય છે ત્યારે સમય નીકળી ગયો હોય છે.

આનંદાનુભૂતિની પ્રાપ્તિ એ જ સાચો માર્ગ છે. પ્રસન્ન ચિત્ત એ જ આપણી દોડનો આખરી મુકામ બની શકે. પ્રસન્ન રહેવું એ ઈશ્વરની નજીક રહ્યાનો અહેસાસ કરાવે છે. પ્રસન્ન હોવું એટલે નસીબદાર હોવું. પ્રસન્ન હોવું એટલે ‘માણસ’ હોવું. પ્રસન્ન હોવુ એટલે સરળ હોવું. પ્રસન્ન હોવુ એટલે ઈશ્વરની સમીપ હોવું. પ્રસન્ન ચિત્ત થયા પછી બધી વસ્તુઓ, આ પહેલા અગત્યની હતી, તે તુચ્છ કેમ લાગવા માંડે છે? કોયલના ટહુકાની તોલે કેટલા રૂપિયા મૂકી શકાય? ટહુકાથી પ્રાપ્ત થતો આનંદ કેટલા એકર જમીન આપી શકે? પંખીઓનો કલરવ સાચે જ ઈશ્વરાનુભૂતિ તરફ દોરી જાય છે.

હવે વહેલી સવારે છાપામાં બહુ રસ પડતો નથી, ચાની ચૂસકી ફીકી લાગે છે. ફોન પર થતી વાતચીતમાં રસ પડતો નથી. સવારમા કોયલના મસ્ત મજાના ટહુકા સાંભળવાનું વ્યસન થઈ ગયું છે. પ્રસન્ન ચિત્તથી વ્યક્તિત્વમાં નિખાર આવે છે, વ્યક્તિત્વ ઉઘડે છે, ખીલે છે અને ખૂલે છે. ધ્યેયને દિશા મળે છે. દિશા વગરના વહાણની કોઈ મંઝિલ નથી હોતી. દિશા મળે તો દશા દૂર થાય. દશા દૂર કરવા વ્રત કરવું પડે? પનોતિ દૂર કરવા તપ કરવું પડે. પૂજાપાઠથી આપત્તિ દૂર થાય? શ્રદ્ધાનો પ્રશ્ન હોય તો મારી શ્રદ્ધા કોયલના ટહુકામાં છે. મારે મન કોયલનો ટહુકો સાંભળવો એટલે ઉપનિષદની ઋચા સાંભળવા બરાબર છે. કોયલનો ટહુકો ભક્તિથી તરબોળ કરી દે છે. કોઈ કુદરતી સંકેત તેમાંથી મળે છે. કોયલનો ટહુકો આનંદ આપે, દિવ્યાનુભૂતિ કરાવે છે. જીવનની ફલશ્રુતિ નિજાનંદમા સમાયેલી છે. પ્રસન્ન ચિત્ત હદયથી કોઈ કાર્ય કરવામાં કંટાળો આવતો નથી. એક અલૌકિક તાજગી અનુભવાય છે. ગામડામાં રહેતા માનવીની સુખની વ્યાખ્યા, શહેરમાં રહેતા માનવીની વ્યાખ્યા કરતા નિરાળી કેમ છે? કુદરતનું સાંનિધ્ય હંમેશા આનંદાયી નીવડે છે. શહેરમાં જ્યાં કૂતરાને પણ ડાબે-જમણે પૂંછડી પટપટાવવાનો અધિકાર નથી ત્યાં ગામડુ પોતાની મસ્તીમાં વસતા અને ભસતાં પ્રાણીઓથી ખીલી ઉઠે છે.

કોયલના ટહુકાનુભૂતિથી લઈને ઈશ્વરનાભૂતિ સુધીની યાત્રા આનંદાનુભૂતિ નો અહેસાસ કરાવે છે. અહીં ઓશો યાદ આવ્યા વગર રહે ખરો? સુખની અનુભૂતિ બહારથી ક્યારેય ન થાય. આનંદ મેળવવા બહારના બધાં ફાંફા ભારે પડશે, નિષ્ફળ જશે. પ્રસન્નતા આપણી અંદર રહેલી છે. સોય જ્યાં ખોવાઈ હોય તે જગ્યાએ શોધવી પડે. અજવાળું ભલે હોય પણ સોય જો અંધારામાં ખોવાઇ હશે, તો અંધારી જગ્યાને અજવાળ્યા પછી સોય શોધવાની રહે છે. સોય તો જ્યાં ખોવાઈ છે ત્યાંથી જ જડશે એ નક્કી છે. માત્ર અજવાળાથી આકર્ષાઇને સોયની શોધ અજવાળામા કરવી નરી મૂર્ખતા છે. આનંદ મનુષ્યના ચિત્તમાં છે. અંદરથી જ મેળવી શકાય છે. આનંદાનૂભૂતિનો પરીચય પોતાના હદયમાંથી જ થઈ શકે.

કોયલના આ પ્રસન્ન ટહુકાવાદની સામે જીવનના અન્ય વાદો બિનઅસરકારક સાબિત થાય છે. ટહુકાની અસરકારકતા મન-ચિત્ત સુધી પહોંચી છે. કોયલનો ટહુકાવાદ પ્રસન્નતાવાદમાં પરિણમ્યો છે. બહારનો કોઈ વાદ ચિત્તને પ્રસન્ન કરી શકવાને શક્તિમાન નથી એવી એક શ્રદ્ધા દ્રઢ છે. મનની પ્રસન્નતા કોયલના ટહુકાવાદનુ સ્વાગત કરવામાં સમાયેલી છે. મનને પ્રસન્ન કરી શકે એવા ટહુકા સાંભળવાની આપણી તૈયારી હોવી જોઇએ. ચાલો ગરમીમાં મનને વર્ષાની ઠંડક પહોંચાડીએ.

– ડૉ. સંતોષ દેવકર

‘જયહિંદ’ સમાચારપત્રમાં રવિવારે પોતાની લોકપ્રિય કૉલમ ‘મેઘધનુષ’ અંતર્ગત લખતા ડૉ. સંતોષ દેવકરનો આજનો લેખ કોયલના ટહુકાની, એના સ્વરની મદદથી આનંદાનુભૂતિની અને એ દ્વારા ઈશ્વરની અનુભૂતિની વાત કહે છે. એ ટહુકાએ જાણે ઉપકાર કર્યો છે, રોજીંદી ક્રિયાઓ બદલાઈ છે, અંતરની અનુભૂતિએ માનસની પ્રકૃતિને બદલી છે, એવા કોયલના ટહુકાને જેણે માણ્યો નથી એણે ઘણુંય ગુમાવ્યુ છે. અક્ષરનાદને પ્રસ્તુત સુંદર રચના પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક બદલ ડૉ. દેવકરનો ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “કોયલના ટહુકાથી ઈશ્વરાનુભૂતિ વાયા આનંદાનુભૂતિ – ડૉ. સંતોષ દેવકર

 • perpoto

  એક ગેરમાન્યતા પ્રવર્તે છે કે નારી કોયલ ટહુકો કરે છે.

 • ashvin desai

  ભાઈ સન્તોશ દેવકર ખુબ જ નજાકત્ભરેલિ કાબેલિયત્થિ આપનને કોયલના
  મધુરા તહુકા નો એહસાસ કરાવે ચ્હે
  આપનિ ભૌતિક દુનિયામા આવા વિરલ કલાકાર ખુબ જ દુર્લભ હોય ચ્હે
  – અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા

 • Name (required)

  Shri Santosh Devkarji,
  Through Koyal anubhuti with internal happiness he experienced and very well experience through above article. Bagasara is my nana’s home. Then staying at Baroda and now in Auckland New Zealand. Here in morning some time Koyal and Hola is singing.
  Hola in Baroda at 2pm where outside is quite then start singing. Lalvad temple I saw peacock and in Baroda in 1975 in early morning on our terrace peacock used for eating juvar which gave to pegeons. Here peageon eats bread by sparrow and koyal too.

 • Nina Vaidya

  એકદમ સાચી વાત! અમારે પેશન્ટની અનૂકુળતા માટે હોસ્પિટલ સાથે બનાવેલા રહેઠાણમા રહેવુ પડે છે અને અમારુ ગામમા ઘર છે તેની પાછળની આમ્બાવાડી પણ કોયલના ટહૂકાથી ગુન્જતી હોય. આ ટહૂકા સામ્ભળવાની લાલચ દર વખતે ગામ તરફ ખેન્ચી જાય……

 • natwarlal

  ખરેખર અદ્ભૂત અનુભવ મેં પણ કર્યો છે. અને લખેલો સમય પણ બરાબર છે. મારા ઘરની આજુબાજુ કોયલના અવાજની સાથે ક્યારેક દૂરના ઝાડ ઉપરથી કોયલને પણ જવાબ દેતો સાંભળ્યો છે. ક્યારેક મારા ઘરની બહાર ગુલમોહરના ઝાડ ઉપર આવી બેસે છે ત્યારે મારો શ્વાન ડારમેશન પણ ઉપર જોઈને ભસેછે જાણે કે કહેતો હોય કે નીચે આવીને દેસ્તી કેમ કરતો નથી!

 • Bharat Gadhavi

  શ્રી ડો. સંતોષ દેવકર સાહેબ નો લેખ વાંચી ને કોયલ નાં ટહુકા સાંભળ્યા જેટલો આનંદ થયો. નાનપણમાં કોયલ નાં ટહુકાઓ ખુબ સાંભળ્યા છે. સૌરાષ્ટૃ એટલે કોયલો નું પિયર…….. માંરુ સમગ્ર બાળપણ સૌરાષ્ટૃ માં વીત્યું મોટો થયો એટલે ભણવા માટે અમદાવાદ તરફ આવવાનું થયું. પણ મને તો ત્યાંય કોયલો નો કલરવ મળ્યો…..!!!!!. પણ છેલ્લા ૧૭ વર્ષ થી આફ્રિકામાં છુ ને અહીં
  કયાંય મારી કોયલો દેખાતી નથી…. !!!!!

 • Maheshchandra Naik (Canada)

  કોયલનો ટહુકો જેણે મણ્યો હોય તેને આ લેખ વિષેશ ગમી જાય એવો છે , મારા સુરતના ઘરની બાજુમા એક ખેતર અને વાડી આવ્યા છે અને મારા સુરત નિવાસ દરમિયાન એ ટહુકો માણવાની યાદ આવી ગઈ, શ્રી ડો.સંતોષભાઈ દેવકરને અભિનદન અને આપનો આભાર……………………

 • Chandrakant Lodhavia

  ડો. સ્ંતોષ દેવકર કોયલના ટહુકા ન અનુભુતિ થઈ ને કરાવવા નો આનંદ સારી રીતે કરાવ્યો. આ જાતના વાતાવરણ હમણાં ગયે અઠવાડિયે રાજસ્થાન ઉદેપુરમાં મોર ઢેલના ટહુકાનો આનંદ માણ્યો તેથી વાંચવાનો વધુ આનંદ માણ શક્યો.
  ચન્દ્રકાન્ લોઢવિયા. તા. ૧૫.જુલાઈ ૨૦૧૪