વિષાદ (વાર્તા) – નિમિષા દલાલ 17
અક્ષરનાદના સદાબહાર લેખિકા, વાર્તાકાર એવા નિમિષાબેન દલાલની આજની વાર્તા દોઢેક મહીના પછી આવેલી તેમની કૃતિ છે. અક્ષરનાદ પર કૃતિઓ આપતા મિત્રોનો એ હક્ક જોઈને આનંદ થયો કે તેઓ પૂછી શકે, ‘અક્ષરનાદ કોઇ બીજાને મેનેજ કરવા આપી દીધી કે મારી કૃતિઓનું પૂર્ણવિરામ આવી ગયું?’ આ એક સુખદ સંવાદ છે, દિવસને અંતે આવી હક્કપૂર્વકની ઉઘરાણી અને લેખક-વાચક મિત્રોનો આવો નિતાંત સ્નેહ જ અક્ષરનાદથી અમારી સાચી અને એકમાત્ર કમાણી છે. કૌટુંબિક સંવાદ, પિતા પુત્રની સમજણની વાત ખૂબ સુંદર રીતે પ્રસ્તુત કરે છે, એ રીતે વાર્તા અંતે ફીલ ગુડ કરાવતી વાર્તા છે. આ ઉપરાંત એક ઉલ્લેખનીય પ્રયાસ તરીકે તેમણે સૂરતમાં લેખિકાઓનું ગ્રુપ બનાવ્યું છે.. જેમાં સ્થાનિક સાહિત્યકારોનું માર્ગદર્શન લઈ વાર્તાલેખનની કળાને વિકસાવવાનો પ્રયત્ન થાય છે, આ બહેનો દર રવિવારે નિયમિત મળે છે, તેમના આવા પ્રયાસને શુભેચ્છાઓ તથા અક્ષરનાદ પર પ્રસ્તુત કરવા મોકલેલી આજની વાર્તા બદલ શુભેચ્છાઓ.