ચાર સુંદર ગઝલરચનાઓ.. – યાકૂબ પરમાર 9


ગઝલ – ૧

આપી હતી અમાનત ના સાચવી શકાતી,
એવી જ તા કયામત ના સાચવી શકાતી.

બેસી રહું ભરોસે એવા નથી ભરોસા,
મારી જ શુધ્ધ દાનત ના સાચવી શકાતી.

લુણો લગાડવાની હું પેરવી કરું છું,
મારી જ આ ઇમારત ના સાચવી શકાતી.

વીંટેલ જીવતરના ફાટેલ ચીંથરામાં,
મૂડી બઘી અનાહત ના સાચવી શકાતી.

આવી મને સતાવે આ લાગણીનાં ટોળાં,
તેથી કરી ઇબારત ના સાચવી શકાતી.

ગઝલ – ૨

સાચવી એની અમાનત રાખવાની છે,
ખેવના દીવો સલામત રાખવાની છે.

આ જગતની મુઢતા ઓછી થશે તેથી,
આપણે થોડી નજાકત રાખવાની છે.

કયાંક જો આવી પડે તો કામમાં આવે,
એક બે એવી કરામત રાખવાની છે !

શાંત પાણી સાચવી લેવા તમારે પણ,
આગના જેવી બગાવત રાખવાની છે.

જિન્દગી આપી ખુદાએ ને કહેલું કે :
એમના માટે અનામત રાખવાની છે !

ગઝલ- ૩

પોતે જ તો હદયને તોડવું પડે છે,
શાંતિ સદન બધાને છોડવું પડે છે.

ખૂંપી જવાય એવાં યાદનાં કળણ છે,
સંબંધના કમળને છોડવું પડે છે.

છે નામના સંબંધો, જાણવા છતાંયે,
કયારેક નામ એમાં જોડવું પડે છે.

છે મોકળાશ રણની, તંબુની જગા ના,
અસ્તિત્વ ખુદનું ત્યાં ખોડવું પડે છે.

છેટું પડી જવાની બીક લાગવામાં,
ધડકન વધે છતાં યે દોડવું પડે છે.

ગઝલ – ૪

વરદાન પામવાનું શાંતિ અને સમજનું,
વિહવળ થવાય એવી સંભાવનાની વચ્ચે,

ભુલા પડી જવાયું અણજાણ કેડીઓમાં,
રસ્તા ભળાય એવી સંભાવનાની વચ્ચે.

આગળ વધી જવાયું છે વેદનાના રસ્તે,
પાછા ફરાય એવી સંભાવનાની વચ્ચે.

આ બુદબુદા ધરે છે હળવાશના ભરોસા,
ડૂબી જવાય એવી સંભાવનાની વચ્ચે.

છે એક બે ગુલાબો યાદનાં ખરાં પણ,
કાંટા ભરાય એવી સંભાવનાની વચ્ચે.

– યાકૂબ પરમાર

યાકૂબભાઈ પરમારની ગઝલરચનાઓ આપણે અક્ષરનાદ પર સમયાંતરે માણીએ છીએ અને તેમની કૃતિઓને વાચકોનો સુંદર પ્રતિભાવ પણ સાંપડે છે. આ જ શૃંખલામાં આજે પ્રસ્તુત છે તેમની હાર સુંદર ગઝલરચનાઓ. આશા છે આપને ગમશે. રચનાઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ યાકૂબભાઈનો ખૂબ ખૂબ આભાર તથા તેમની કલમને શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

9 thoughts on “ચાર સુંદર ગઝલરચનાઓ.. – યાકૂબ પરમાર

 • Kalidas V. Patel { Vagosana }

  યાકૂબભાઈ,
  ચારેય ગઝલો અદ્ભુત છે. અફાટ રણની મોકળાશ હોવા છતાં… એક તંબુ ખોડવાની જગા ન મળે ! … અને, એટલે ત્યાં ખુદના અસ્તિત્વને ખોડવું પડે છે. —- કેવી અજબની છતાં વાસ્તવિક કલ્પના ! વળી, જિંદગીને ખુદા માટે અનામત રાખવાની… સલામ યાકૂબ સાહેબ.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 • અશોક જાની 'આનંદ'

  ચારે ય ગઝલ ગમી… ચોથી મત્લા વિનાની વધારે ગમી..
  બુદબુદા વાળો શે’ર માશાલ્લાહ…!!!