બે લઘુકથાઓ.. – નિમિષા દલાલ 12


૧. અપરાધી

દેવલોકની અદાલતમાં કેસ ચાલી રહ્યો હતો. વકીલ દેવદૂતોમાં ગણગણાટ હતો, “આજે આ છોકરીને નરકમાં મોકલવામાં આવશે.”

“અરે રે! આટલી કુમળી વયની આ છોકરી નરકની યાતના કેમ સહન કરશે!”

“અરે! પણ એણે કામ જ એવું કર્યું છે તો..”

“એમ? એવું શું કર્યું છે એણે?”

“અરે, વરસ પછી જેની સાથે લગ્ન થવાનાં હતાં તેના, પ્રેમીના પેટમાં ચાકૂ હુલાવી દીધું. ક્યાં એક સમયે સાવિત્રીએ પોતાના પતિને જીવતો કરવા યમરાજ સાથે… ને ક્યાં આ પોતાના થવાવાળા પતિને…. એક જ દેશની આ બે સન્નારીઓ…” એટલામાં ન્યાયાધીશ પધાર્યા. કેસની વિગતો વકીલો પાસે જાણી, અપરાધીને અદાલતમાં ન્યાયાધીશ સમક્ષ હાજર કરવામાં આવી, એમણે છોકરીને પોતે કરેલા ગુના વિશે પૂછ્યું, છોકરીએ પોતાનો ગુનો સ્વીકાર્યો અને કહ્યું, “ન્યાયાધીશ મહોદય, તમે જે સજા આપશો તે મને મંજૂર છે પણ એ પહેલાં મારી વાત સાંભળવાનો સમય ફાળવી શકશો?”

ન્યાયાધીશની મંજૂરી મળતા તે બોલી, “અમે ખૂબ ગરીબ હતાં અને ગુનેગારોથી ભરેલી શેરીમાં રહેતાં હતાં. મારી મા મને શેરીમાં રમવા જવા દેતી નહોતી. ગુનેગાર માતા-પિતાના સંતાનો સાથે રમવામાં હું પણ તેવી થઈશ એવી એને બીક હતી અને મારા બાપુ? એને તો કામ પરથી આવી દારૂ પીને મારી માને મારવા માંથી ફૂરસદ જ ક્યાં મળતી કે મારી સાથે રમે! હું એકલી એકલી ઘૂંટાતી રહેતી. એવામાં મને પ્રેમ કરનારો મળ્યો. હું ખૂબ દેખાવડી એટલે.. ખબર નહી એના મનમાં શું ચાલતુ? થોડા સમય પછી મને જાણ થઈ કે તે મને દગો દઈ કોઈ બીજી છોકરીના પ્રેમમાં છે અને મારા માટે એ જે વિચારતો તે મારી સામે આવતા હું મારા પર કાબૂ રાખી ન શકી, પ્રેમના પ્રતિક એવા વેલેંટાઈન ડે ની પાર્ટીમાં એ તેની પ્રેમિકાને લઈને આવ્યો ત્યારે મેં બધાની વચ્ચે જ એના પેટમાં ચાકૂ મારી અને નજીકના કૂવામાં કૂદકો મારી દીધો. હવે તમે જ કહો અપરાધી કોણ?”

૨. જિજીવિષા

બસ હવે થોડે જ દૂર્.. આ ટેકરીની ટોચ પરથી નીચે કૂદુ એટલે આ જિન્દગીનો અંત .. આ એકાકી જીવનનો અંત.. અને… અને આ જીવલેણ રોગ એઈડ્સથી પીડાતા આ શરીરનો અંત.. સપના આમ વિચારતી વિચારતી ટેકરી પર ચડી રહી હતી. તેની નજર સમક્ષ એ અકસ્માત આવી ગયો જ્યારે તે એના માતા-પિતા સાથે વર્લ્ડટૂર પર જવા ટ્રેનમાં મુંબઈ તરફ જઈ રહી હતી અને ટ્રેનનો ભયંકર અકસ્માત થયો હતો. જેમાં તેણે માતા-પિતાતો ગુમાવી જ દીધા હતાં પણ લોહીની તાતી જરૂરિયાતને કારણે ડોક્ટરોએ લોહી તપાસ્યા વિના દર્દીઓની ચડાવતા પોતે આ રોગનો ભોગ બની હતી. અકસ્માતની ગંભીરતા તો એને સાજા થયા પછી અખબારોના ફોટા જોઇને આવી હતી. આવા અકસ્માતમાંથી પોતે ઊગરી ગઈ એ માટે ભગવાનનો પાડ માનવો કે અકસ્માતને લીધે તેનામાં પ્રવેશેલા જીવલેણ રોગને લીધે ભગવાનને દોષી માનવા એ સપના નક્કી કરી શકતી નહોતી.

જેવી ટેકરીની ટોચ પર પહોંચી કે એક ખડક પર એક પુરુષ આકૃતિ એણે બેઠેલી જોઇ. એને ખૂબ ગુસ્સો આવ્યો. થોડી વારમાં એ જતો રહેશે પછી પોતાની ઇચ્છા એ પુરી કરી શકશે એમ વિચારી તેણે એક બીજા ખડક પર બેઠક લીધી. બેઠા પછી પેલી પુરુષ આકૃતિ તરફ એક નજર કરી. તે એકદમ સોહામણો યુવાન હતો. પ્રથમ નજરે જ પ્રેમમાં પડી જવાય તેવો. પણ…..

અંધારું થયું બંને ટેકરી ઊતરી પોતપોતાનાં ઘરે ગયાં. બીજે દિવસે ફરી સપના પોતાના કામને અંજામ આપવા એ ટેકરી પર ગઈ. પેલો યુવાન ત્યાં જ હતો. સપનાએ મનોમન પેલાને ગાળો આપી. આને કોઇ કામધંધો નથી. અહીં જ બેસી રહે છે ! એ દિવસે બંને વચ્ચે સ્મિતની આપ-લે થઈ. સપનાએ ટેકરી પર આવવાનો સમય વારંવાર બદલી જોયો પણ દર વખતે પેલો હાજર જ હોય. હવે સપનાને પેલા વિશે જાણવાની તાલાવેલી થઈ. પોતાની મરવાની ઇચ્છાતો ક્યાંય છુપાઈ ગઈ ને આ યુવાનને જોવા-મળવાની ઇચ્છા પ્રબળ થવા લાગી.

છેલ્લાં પંદર દિવસથી ચાલુ રહેલા આ ક્રમમાં બંનેએ એકબીજાના નામ-સરનામાંની જાણ કરી લીધી. એ યુવાનનું નામ પણ તેના દેખાવ જેવું જ હતું ‘સોહમ’. આખો દિવસ સાંજે મળવાના સોણલા સાથે વિતાવતા બંને પોતાની અંગત જિન્દગી એકબીજાથી છુપાવતાં હતાં. બરાબર એક મહિને આ ક્રમ તૂટ્યો. ટેકરી પરથી કૂદવાની પોતાની ઇચ્છા સોહમને કારણે પૂરી ન થતાં આજે સપના ઝેરની બોટલ સાથે લઈને નીકળી હતી. પોતાના રોગ અને પોતાની લાગણીઓ વિશે સોહમને કહી પછી અનંત યાત્રાએ જતા રહેવાનું નક્કી કરી ટેકરી પર આવી પણ ત્યાં સોહમ નહોતો. થોડીવાર રાહ જોઇ.. આજે પણ પોતાની ઇચ્છા પૂરી કરવામાં વિઘ્ન આવ્યું સપનાએ વિચાર્યું. શું સોહમને પોતાના પ્રેમ વિશે જણાવ્યા જ….. ના, ના, સોહમને મળ્યા વિના તો નથી જ જવું. સપનાએ સોહમના ઘરે જવાનો નિર્ણય કર્યો ને એ નીકળી.

ઘરનું બારણું અધખુલ્લું હતું. સપના અંદર પ્રવેશી ને તેણે સોહમ તેમજ બીજા એક પુરુષ અવાજની દિશામાં પગલાં ભર્યા. અંદર સહેજ નજર જતાં, સોહમ બેડ પર અને એક ડોક્ટર બાજુની ખુરશી પર બેઠા હતાં. સોહમ કહી રહ્યો હતો..

“ડોક્ટરકાકા, મને બચાવી લો. મારે મરવું નથી કાકા મને…” સોહમની આંખમાં આંસુ હતાં.

“દીકરા એ મારા હાથમાં નથી. આ રોગ એ અવસ્થાએ પહોંચી ગયો છે કે…”

“કાકા, મહિના પહેલા મેં આ રોગને સ્વીકારી એક ટેકરી પરથી કૂદીને શરીરનો અંત આણી રોગથી છૂટકારો મેળવવાનું નક્કી કર્યું હતું. પણ… પણ, ત્યાં મારી મુલાકાત એક સપના નામની યુવતી સાથે થઈ અને હવે મારી એની સાથે જીવન જીવવાની ઇચ્છા છે કાકા. મારી બધી દોલત લઈ લો, પણ મને બચાવી લો.”

“બેટા, દોલતથી જીવ મળતો નથી અને અચાનક પિતાની દોલત હાથમાં આવી જતાં તું છકી જઈ શરીરના સોદા કરવાવાળીઓનાં પગથિયાં ન ચડ્યો હોત તો…”

“શું કરું કાકા, આ મિત્રોના રવાડે ચડ્યો ને ત્યાંથી આ એઈડ્સ નામનો રોગ લઈ આવ્યો પણ હવે ગમે તેમ કરી મને આ રોગમાંથી મુક્તિ અપાવો.”
બારણા પછીતે ઊભેલી સપનાની આંખમાં આંસુ અને હોઠો પર એક દર્દીલું સ્મિત આવી ગયું.

– નિમિષા દલાલ

આજે પ્રસ્તુત છે નિમિષાબેન દલાલની બે લઘુકથાઓ, ‘અપરાધી’ અને ‘જિજીવિષા’. વાર્તાલેખનના ક્ષેત્રમાં નિમિષાબેનની પ્રગતિ નોંધપાત્ર છે, અક્ષરનાદ પર સમયાંતરે સતત પ્રસ્તુત થતી તેમની વાર્તાઓ સાથે ગુજરાતમિત્ર દૈનિક સમાચારપત્રની સાપ્તાહિક સન્નારી પૂર્તિ જે દર શનીવારે પ્રસિદ્ધ થાય છે તેમાં તેમની લઘુકથાઓને નિયમિત સ્થાન મળે છે. આજની બે સુંદર લઘુકથાઓ પણ તેમની નિખરતી કલમનો જ આસ્વાદ આપે છે. અક્ષરનાદને આ વાર્તાઓ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ તેમનો આભાર.


આપનો પ્રતિભાવ આપો....

12 thoughts on “બે લઘુકથાઓ.. – નિમિષા દલાલ

  • kalpana desai

    બન્ને વાર્તાઓ સુંદર છે. જો ચાર લીટીમાં વાર્તા લખવાની હોય તો પણ તમે લખી શકો એવી તમારી હથોટી બેસી ગઈ છે. અભિનંદન.

  • નિમિષા દલાલ

    પારખીબહેન તમને કદાચ જાણ નહીં હોય.. પણ આ અશ્વિનભાઈનો એક હાથ કામ નથી કરતો અને તો પણ હિંમત હાર્યા વિના એક હાથે ગુજરાતી ટાઈપ પણ કરે છે અને વાર્તાઓ તેમજ નવલકથા પણ લખે છે… તમને ચક્કર આવી ગયા એમ વાંચ્યુ એટલા માટે આ ચોખવટ કરવી પડી.. ભલે આડા અવળા શબ્દો હોય પણ ભાવાર્થ સમજાય છે ને એ બસ્..

  • પારખી પારેખ

    લેખિકા બેન નિમિષા દલાલ ની બન્ને લઘુકથાઓ ખુબ જ સુંદર પણ અશ્વિન દેસાઈ ની ગુજરાતીમાં કમેંટ વાંચીને ચક્કર આવી ગયા. જીજ્ઞેશભાઈ અધ્યારૂ ને સવિનય નિવેદન કે અશ્વિનભાઈની કમેંટ ને સુધારે.
    આભાર…

  • ashvin desai

    નિમિશા દલલ્નિ લેખિકા તરિકેનિ હરનફાલ પ્રગતિ આહર્યચકિત કરે તેવિ ચ્હે
    એમનો વાર્તાપ્રેમ અને લેખનનિશ્થા અત્યન્ત પ્રભાવક ચ્હે
    – શ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા

  • La'Kant

    સરસ ! કોઇના જીવનમાં આવું બને ,….. યથાર્થ સત્ય લાગે ….. કુદરત્ની રચના અકળ … આવા લાગણી-ભાવો કલ્પનાઓ ક્યાંથી આવે છે?
    -લા’કાંત / ૨.૫.૧૪

  • harish mehta

    લઘુ કથા નોઆન્તિમ ભાગ ખુબજ હ્રદય સ્પર્શિ લાગ્યો
    નિમિશા બેન ને ખુબજ અભિનન્દન્

  • R.M.Amodwal

    first story says about fabricated love which resultate in criminal act.Faith ends with reaction of offence & estabulish her cause of criminals.
    secound story about reasons to LOVE . Both wants end to life but their ambiton to leave the life futher.
    excellent.Nice

  • નિમિષા દલાલ

    હરનિશ સર..

    જ્યાં સુધી મને મારા માર્ગદર્શકોએ કહ્યું છે ત્યાં સુધી ટૂંકીવાર્તા ના શબ્દોની મર્યાદા ૫૦૦ શબ્દથી વધુ હોય છે અને ૩૦૦ થી ૫૦૦ શબ્દની શબ્દ મર્યાદામાં લખાયેલું લઘુકથા તરીકે ઓળખાય છે.. આ જસ્ટ સામાન્ય ઓળખ છે.. વધુ ઊંડાણમાં ઊતરી શકી નથી આ પ્રાથમિક વ્યાખ્યા છે.. અને ટૂચકા અને માઈક્રોકથા વચ્ચેનો ભેદ અત્યારે તો જાણતી નથી પણ ૧૮મી તારીખે સહિત્ય પરિષદના વાર્તા લેખન શિબિરમાં ભાગ લેવા જવાની છું ત્યારે ચોક્કસ ચર્ચા કરીશ.. ત્યાં બિન્દુબેન ભટ્ટ્. કીરિટભાઈ દૂધાત… રમેશભાઈ દવે.. અને હર્ષદભાઈ ત્રિવેદી જેવા જાણકારો શિબિરમાં લેખન અંગેનું માર્ગદર્શન આપવાના છે…

    અને ખૂબ ખૂબ આભાર મારા લેખનને પસંદ કરવા બદલ…

  • harnish Jani

    બહુ સરસ લેખન ાને એવા જ સચોટ અંત.

    મારો સવાલ સંપાદક માટે એ છે કે ટૂંકી વાર્તા અને લઘુ કથા વચ્ચે શો ફેર.
    અને ટૂચકા અને માઈક્રોકથા વચ્ચે શો ફેર?તમે એ કેવી રીતે નક્કી કરશો?