પ્રસન્ન રહેવાના સરળ રસ્તા.. – હર્ષદ દવે 8


મનનાં ઉપવનમાં પ્રસન્નતાનો પ્રવેશ…

જૈસે સૂરજ કી ગરમી સે જલતે હુએ તન કો મિલ જાએ તરુવર કી છાયા..
ઐસા હી સુખ મેરે મન કો મિલા હૈ જબ સે મૈં શરણ તેરી આયા.. મેરે રામ…

મનની શાંતિ અને પ્રસન્નતા ઉછીની મળતી નથી. તે ધનદોલતથી ખરીદી શકાતી નથી. પોતાને કે બીજા કોઈને છેતરી પ્રસન્નતા પામી શકાતી નથી. મનમાં દુર્ભાવના અને છળકપટ હોય તેનું ચિત્ત શાંત કે પ્રસન્ન ન હોઈ શકે. પ્રસન્નતાના પુષ્પો તો સુખ, શાંતિ અને સ્વસ્થતાના બાગમાં જ ખીલે. સહુને પ્રસન્નતા મળે તેવું કાંઇક કરવું જોઈએ. ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવના વિકસાવી શકાય.

અશાંતિના અરણ્યમાં શોધીએ તો પણ સુખ-શાંતિ કે સુંદરતાનું સરોવર ન મળે. મનની આંતરિક શાંતિ હોય તો મન પ્રસન્ન હોય. પ્રસન્નતામાં દંભ નથી, તે અંતરથી ઉભરાતો આનંદ છે અને આંખ વાટે તે ચહેરા પર છલકે છે, મલકે છે.

સુખી થવાનો ઈજારો કોઈ પાસે નથી. પરંતુ જો તમે પ્રામાણિકપણે, નિખાલસપણે, અહીં કહેલી બાબતો પર વિચાર કરી યથાશક્તિ તેનાં પર અમલ કરશો તો સુખ-શાંતિ તમારા હૃદયમાં જરૂર આવી વસશે. ત્યારે તમે સુખ-શાંતિ અને પ્રસન્નતાના સરોવરમાં તરી શકશો અને આહ્લાદક શીતળતા અનુભવી શકશો. તો તમે જીવનનો સાચો, પરમ આનંદ અનુભવશો અને પ્રકૃતિ સાથે તાદાત્મ્ય પણ કેળવી શકશો. તમને પ્રસન્ન થતાં તમારા સિવાય કોઈ અટકાવી નહીં શકે એ અભય વચન છે!

એલ્બર્ટ હબ્બાર્ટ કહે છે કે સુખ-શાંતિ ટેવ છે, તેને કેળવવી જોઈએ.

સુખ બધાને લેવો ગમે તેવો શ્વાસ છે. સહુને તેની આકાંક્ષા હોય છે. કોઈને ય દુખી કે હતાશ થઈને રહેવું ગમતું નથી.

આપણે સહુએ કાયમ શાંત, પ્રસન્ન રહેતા લોકોને જોયા છે. મુશ્કેલીમાં પણ માણસ પ્રસન્ન રહી શકે. એનો અર્થ એવો નથી કે પ્રસન્ન લોકો ક્યારેય ઉદાસ નથી થતા; પરંતુ તેઓ દુખી થઈને પોતાનો જીવ નથી આપી દેતા. ‘જે થવું હોય તે થાય’ એવો ભાવ રાખી તેઓ પોતાનાં જીવનને મૃત્યુને ભરોસે છોડી નથી દેતા.

  • જીવનની કદર કરો: રોજ સવારે તમે જાગો છો અને જીવિત છો એ માટે આભાર માનો. જીવન પ્રત્યે બાળસહજ વિસ્મય ધરાવો. દરેક જીવનાં સૌન્દર્ય પર તમારું ધ્યાન કેન્દ્રિત કરો. દરેક દિવસનો વધારેમાં વધારે લાભ લો. કોઈપણ વસ્તુ આપોઆપ મળી જશે તેવું ધારી ન લો. નાની નાની બાબતોની બહુ વધારે પડતી પરવા ન કરો.
  • મિત્રોની પસંદગી કરવામાં કાળજી રાખો: તમારું મહત્વ સમજે અને તમારા ધ્યેયોને પામવામાં સહાયક બને તેવા પ્રસન્નવદન અને સકારાત્મક લોકોને તમારા મિત્રો બનાવો અને શક્ય હોય ત્યાં સુધી તેમની વચ્ચે જ રહો. જે મિત્રો તમારા જેવી જ સારી નીતિમત્તા ધરાવતા હોય તેઓ તમને તમારા સપનાં સાકાર કરવા માટે પાનો ચઢાવશે. તમારા માટે તમને પોતાને સારું લાગે તે માટે તેઓ તમને મદદ કરે છે. તેઓ જરૂર પડ્યે ખભેખભા મિલાવી તમારી પડખે ઊભા રહે છે, તેઓ તમને અણીના સમયે સાથ આપે છે.
  • બીજાની લાગણીનો વિચાર કરો: બીજા લોકો તેમનાં જીવનના જે તબક્કે હોય, તેઓ જેવા હોય તેવા સ્વરૂપે તેમનો સ્વીકાર કરો. તેઓ જે છે તે માટે તેમને આદર આપો. તેમને હૂંફ અને સ્નેહ આપો, તે માટે તમારો હળવો પ્રેમાળ સ્પર્શ પણ પૂરતો બની રહે છે. તમે કરી શકો તેમ હો તો તેમને યથાશક્તિ મદદ કરો, એ મદદ કરવા પાછળ એવી ભાવના અથવા અપેક્ષા ન રાખો કે તે તેનાં બદલામાં કશુક કરે. તમે જે કોઈ વ્યક્તિના સંપર્કમાં આવો તેનો દિવસ આનંદમય બનાવો. તેને અંતરમાંથી આનંદ થાય તેવું કાંઇક કરો.
  • શીખવાનું ચાલુ જ રાખો: તમારી કારકિર્દી અને શોખ વિષે છેલ્લામાં છેલ્લાં સમાચારોથી વાકેફ રહો. તમને રસ પડતો હોય તેવા વિષયમાં કે ક્ષેત્રમાં કાંઇક એવું નવું સૂઝે કે જેમાં સાહસ ખેડવું પડે તેમ હોય કે જોખમ ઉઠાવવું પડે તેમ હોય તો બેધડક તેવું કરો – આંધળું સાહસ નહીં – જેમ કે, ડાન્સિંગ, સ્કીઈંગ, સર્ફિંગ અથવા સ્કાય-ડાઈવિંગ જેવું કાંઈપણ.
  • મુશ્કેલીઓનો રચનાત્મક ઉકેલ શોધો: ‘હું એકલો શું કરી શકું?’ ‘બધા મને બિચારો કહે છે.’ એવા વિચારોને તિલાંજલિ આપો. શેખચલ્લી જેવાં દિવાસ્વપ્નોમાં ન રચો. આત્મદયાને હાંકી કાઢો. જેવો તમારી સામે કોઈ પડકર આવે કે તરત તેનો સામનો કરો, તેનો ઉપાય શોધવા તેની પાછળ પડો. તેમાં થાકો નહીં, હારો નહીં કે પાછા ન પડો. જાણે તમને નવેસરથી તમારું કામ વધારે સારી રીતે કરવાની તક મળી છે એમ માની દરેક અવરોધોનો સામનો કરો. તમે જ તમને હિંમત આપો, આત્મવિશ્વાસ રાખી આંતરિક પ્રેરણા મેળવો. તમારું મન તમને સાચી દિશામાં આગળ વધવા પ્રેરે છે.
  • ગમતું કામ કરો: એક અભ્યાસ મુજબ ૮૦ % લોકોને પોતાનો કામ-ધંધો ગમતો નથી! તેથી જ કદાચ આપણી આસપાસ આટલા બધા લોકો દુખી થઈને ભાગમભાગ કરતાં દેખાય છે. આપણે આપણા જીવનનો મોટો ભાગ કામ-ધંધા પાછળ વિતાવીએ છીએ. તમને ગમતી હોય તેવી પ્રવૃત્તિ અથવા કારકિર્દી પસંદ કરો. ન ગમતું કામ કરવાથી મળતી વધારાની આવકનું મૂલ્ય એટલું નથી. તમારા શોખને માણવા માટેનો સમય મેળવો અને અમુક ખાસ રસ પડે તેવાં વિષયો તો હોવા જ જોઈએને!
  • જીવનને આનંદથી જીવો : તમારી આસપાસના સૌંદર્યને નિહાળવાનો સમય કાઢો. કામ કરવા સિવાય પણ જીવનમાં ઘણું બધું હોય છે. તમારા પ્રિય પાત્ર સાથે ગુલાબની સુગંધ અનુભવો, સૂર્યાસ્તને કે સૂર્યોદયને જુઓ, દરિયાકિનારે ચાલો, મોજ ખાતર વન-જંગલમાં ઘૂમો. ભૂતકાળમાં નવું કાંઇ નથી અને ભવિષ્યમાં શું હશે તેની કલ્પનાઓમાં રાચવું તેનાં કરતાં વર્તમાનને વહાલો કરો. વર્તમાન ક્ષણોની સાથે રહી તેને પ્રેમથી જીવતા શીખો.
  • ખડખડાટ હસો : જીવનને કે તમને પોતાને બહુ ગંભીરતામાં શા માટે ડૂબાડો છો? તમે ગમે તેવી પરિસ્થિતિમાંથી પણ રમૂજી વાત શોધી શકો. પોતાની જાત પર હસો – દુનિયામાં કોઈપણ માણસ સંપૂર્ણ નથી. ઉચિત સમયે મુક્તપણે હસો અને વાતાવરણને હળવુંફૂલ બનાવી દો. (ગંભીર પ્રસંગે આમ હસવું બેઅદબી ગણાય, એટલો વિવેક તો આપણામાં હોય જ!).
  • માફ કરી દો: મનમાં અંટસ રાખવાથી તમે પોતે જ વધારે વ્યથિત થશો. પૂર્વગ્રહો પાળવા કરતાં તમારા પોતાનાં મનની શાંતિ માટે બીજાને માફ કરો એ વધારે સારું કહેવાય. જયારે તમારાથી ભૂલ થઇ જાય ત્યારે નિખાલસ બની તેનો સ્વીકાર કરો, તેમાંથી બોધપાઠ લો અને તમને પોતાને પણ માફ કરો. કારણ કે ‘ક્ષમા વીરસ્ય ભૂષણમ’.
  • કૃતજ્ઞતા : [આભારવશ બનો] કૃતજ્ઞતાનો ભાવ વિકસાવો અને એવું વલણ રાખો. તેનો મનોમન હિસાબ રાખો. ભલેને સાવ નાની વાત હોય. તમારા ઘરનો, કામનો અને તેથી પણ વધારે મહત્વના એવા તમારા પરિવારનો તથા મિત્રોનો આભાર તો તમે માની જ શકો. પ્રયત્નપૂર્વક તમે તેમને કહો કે તમારા જીવનમાં તેમનું સ્થાન અનન્ય છે કેમ કે તેમનાં પર જ તમારા સુખનો, આનંદનો આધાર છે.
  • સંબંધો જાળવો અને વિકસાવો: તમારા પ્રિયપાત્રોને હંમેશાં એવી અનુભૂતિ થવી જોઈએ કે ભલે ગમે તેટલો ઝઘડો થાય તો પણ તમે તેમને હૃદયથી ચાહો છો. તમારા પરિવાર અને મિત્રો સાથેના સંબંધોને જાળવી રાખો, વિકસાવો અને ગાઢ બનાવો, તેમનાં માટે ખાસ સમય ફાળવીને. તમે તેમને આપેલાં વચનોનો ક્યારેય ભંગ ન કરો. તેમને હંમેશાં ટેકો આપો.
  • પ્રિયજનોની વાત પણ માનો: પ્રામાણિકતા દર્શાવવી એ સારામાં સારી નીતિ છે. તમે જે નિર્ણય લો તે પ્રામાણિક હોવો જોઈએ. તેની પાછળ તમારો ઈરાદો શુદ્ધ હોવો જોઈએ. તમારા પોતાના પ્રત્યે અને તમારા પ્રિયજનો પ્રત્યે પ્રામાણિક રહો.
  • ધ્યાન ધરો : ધ્યાન તમારા સતત સક્રિય રહેતાં મગજને આરામ આપે છે. જયારે તેને આરામ મળે છે ત્યારે તમારામાં વધારે શક્તિ ઉભરાશે અને તમે વધારે ઊંચા સ્તરે વધારે કાર્યક્ષમતાથી કામ કરી શકશો. ધ્યાનનાં પ્રકારોમાં યોગ, સંમોહન, ટેપ, દૃઢ સંકલ્પો, માનસપટ પર જોવું અથવા સાવ શાંતિથી બેસવું વગેરેનો સમાવેશ થાય છે. તમને જે ગમે તે કાંઇક પસંદ કરી લો અને રોજ તેને માટે સમય ફાળવો, તે કરો.
  • બીજાને તેમનું કામ કરવા દો : તમારી ઈચ્છા મુજબનું જીવન જીવવા માટે કાંઇક કરો. તમારી અને તમારા કુટુંબની કાળજી લો. બીજા લોકો જે કરે છે અથવા જે કહે છે તેની બહુ ચિંતા ન કરો. ખોટાં ગપ્પાં મારવામાં કે કોઈની કૂથલી કરવામાં રચ્યાપચ્યા ન રહો. કોઈ વિષે સાચી-ખોટી ધારણા કે અટકળ ન કરો, કોઈ વિષે ભળતોસળતો અભિપ્રાય ન બાંધી લો. દરેકને પોતાનું જીવન પોતાની રીતે જીવવાનો હક્ક છે – તમને પણ એવો હક્ક છે.
  • આશાવાદી બનો : પ્યાલો અડધો ભરેલો છે તે જુઓ. ગમે તે પરિસ્થિતિમાં કાંઇક સારું શોધી કાઢો, તેની સારી બાજુ જુઓ. ભલે તે શોધવી મુશ્કેલ લાગતી હોય પણ દરેક બાબતની સારી બાજુ હોય જ છે. દરેક બનાવ બનવા પાછળ કોઈ ને કોઈ કારણ હોય છે, ભલે તમને એ કારણની ક્યારેય ખબર ન પડે. નકારાત્મક વિચારોને મનનાં પ્રવેશદ્વારેથી જ પાછા વળાવી દો. જો નકારાત્મક વિચારો ચોરીચૂપકીથી તમારા મનમાં આવી જાય તો તેને ફેરવીને હકારાત્મક વિચારોમાં બદલી નાખો.
  • પારાવાર પ્રેમ કરો : બીજાને તેઓ જેવા છે તેવાં સ્વરૂપમાં સ્વીકારો. બીજાની કમી કે ઉણપને કારણે તમે તેનાં પ્રત્યેના તમારા પ્રેમને મર્યાદિત ન કરો. ક્યારેક તમને તમારા પ્રિયજનની કોઈ હરકત ન ગમતી હોય તો પણ તમે તેમને ઉત્કટપણે પ્રેમ કરવાનું ચાલુ રાખો. જે અણગમામાં ફેરવાઈ જાય તે પ્રેમ તકલાદી છે.
  • આત્મવિશ્વાસથી સામનો કરો : ક્યારેય નાસીપાસ ન થાઓ. એવા વલણથી દરેક નવા પડકારોનો સામનો કરો કે પડકારોથી તમે તમારા ધ્યેયની વધારે નજીક પહોંચો છો. જ્યાં સુધી તમે હારીને પ્રયત્ન કરવાનું છોડી નથી દેતા ત્યાં સુધી તમે ક્યારેય નિષ્ફળ નથી થતા. તમે જે ઈચ્છો છો તેના પર જ તમારું ધ્યાન કેન્દ્રિત કરો, જરૂરી હોય તેવી આવડત મેળવી લો, સફળ થવા માટે યોજના બનાવો અને તેનો અમલ કરો. જયારે આપણે દૃઢ ઈશ્છાશક્તિથી નિર્ધારિત મૂલ્યવાન લક્ષ્યને પ્રાપ્ત કરવાના જોશમાં હોઈએ છીએ ત્યારે આપણે સહુથી વધારે આનંદમાં હોઈએ છીએ.
  • સકારાત્મકપણે સક્રિય બનો : જે તમારાથી બદલી શકાય તેમ ન હોય તેનો સ્વીકાર કરો. સુખી માણસો ક્યારેય પોતાની શક્તિ એવી બાબતો પાછળ નથી વેડફતા કે જે તેમની પહોંચની બહારની હોય. એક માણસ તરીકે તમે તમારી મર્યાદાઓનો સ્વીકાર કરો. મન ફાવે તેવો જવાબ આપી દેવાને બદલે ઈચ્છિત પરિણામ મેળવી શકો એવી પરિસ્થિતિ કેવી રીતે સર્જી શકાય તે નક્કી કરો.
  • પોતાની કાળજી લેવી : તમારા મનની, શરીરની અને સ્વાસ્થ્યની કાળજી તમે પોતે જ લો. ડોક્ટરને મળી નિયમિતપણે શારીરિક તંદુરસ્તીની તપાસ કરાવો. પૌષ્ટિક આહાર વિષે યોગ્ય વિચાર કરો, સમજો અને તે લો. સારો એવો આરામ કરો. પુષ્કળ પાણી પીઓ. મનને સતત સ-તેજ બનાવે અને તેને સક્રિય રાખે તેવા રસપ્રદ કોયડા, પડકારજનક સમસ્યાઓથી તમને અને તમારા મનને જીવંત રાખો.
  • આત્મવિશ્વાસ : જે તમે નથી તેવા એટલે કે બીજા કોઈના જેવા બનવાનો પ્રયત્ન ન કરો. છેવટે તો કોઈને ય દંભ, બનાવટ કે દેખાડો ગમતો નથી. તમે અંદરથી કેવા છો તે તમે જાણી લો પછી જ તમારા પોતાના અંગત ગમા-અણગમા વિષે નિર્ણય કરો. તમે જે છો તેમાં જ, તમારા પોતાના પર શ્રદ્ધા રાખો. તમારાથી જેટલું સારું થઇ શકે તેટલું કરો અને પછી બીજી કોઈ અટકળો ન કર્યાં કરો કે ‘આમ કર્યું હોત તો સારું હતું.’
  • જવાબદારી સ્વીકારો : પ્રસન્ન અને સુખી લોકોને એ ખબર છે અને તેઓ એ વાત સમજે પણ છે કે પોતાનાં જીવન માટે તેઓ પોતે જ ૧૦૦ ટકા જવાબદાર છે. પોતાનાં વલણ, વાણી, વ્યવહાર, વર્તન, વિચારો, વચનો તથા લાગણીઓ અને કાર્યો માટેની પૂરેપૂરી જવાબદારીઓ તેઓ સ્વીકારે છે. જયારે તેમનાથી કોઈ ભૂલ થઇ જાય ત્યારે તેઓ સહુથી પહેલાં તેનો સ્વીકાર કરે છે.

સહુને સુખી – સ્વસ્થ જીવન જીવવાનો માનવતાસિદ્ધ હક છે.

– અંગ્રેજીમાંથી અનુવાદ અને સંકલન – હર્ષદ દવે


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “પ્રસન્ન રહેવાના સરળ રસ્તા.. – હર્ષદ દવે

  • harish mehta

    ખુદ હિ કો કર બુલન્દ ઇત્ના કે જમાને કે હર પલ કો શાન્તિ સે ગુજાર શ્ કે

    બધિ વાતો ને અમલ મા મુકો અને મન થિ સન્તોશ માનો તો શાન્તિ મલ્શે

    હર્શદ્ ભાઇ ને ખુબ જ અભિનન્દ ન

    હરિશ મ હેતા

  • HARSHAD UDESHI

    Dear Harshabhi,
    This artile needs every man or woman,
    and also must be try to follow-up in life.
    I will try to keep in mind,

    Rgds
    Harshad Udeshi

  • jacob davis

    સુખ શાંતિ ટેવ છે એ ખૂબ સુંદર વાત છે. સરળ લાગતા સુખી થવાના રસ્તા પર ચાલવાનું કોણ જાણે કેમ, આપણને ફાવતું નથી. મુશ્કેલીમાં રચનાત્મક થવું પણ ખૂબ મુશ્કેલ છે. આની ઉપર એક આર્ટીકલ થવા દેજો.

  • જયેન્દ્ર પંડ્યા

    હર્શદભાઇએ લેખ મા પ્રસન્નમય રહેવાની કળા મોકલી છે. પ્રસન્નતા એ બાહરી થતા અનુભવો નો આપણે કેવી રીતે સામનો કરીએ છીએ અને દરરેક પ્રસંગો વિષે આપણુ વલણ (ATTITUDE) કેવું છે તેના ઉપર પણ નિર્ભર કરે છે.
    લેખ સુંદર અને મજાનો છે….

  • M.D.Gandhi, U.S.A.

    બહુ સુંદર અને ઉચ્ચ ભવનાવાળો લેખ છે. દરેકે દરેક sub heading બહુ સુંદર અને એ દરેકને જો જીવનમાં ઉતારીએ તો જીવન જીવવાનું સ્વર્ગ જેવું લાગવા માંડે…..
    લેખ બહુ ગમ્યો…..