આ વેલ-ઇન-ટાઈમ એટલે શું નાથ! – રમેશ ચાંપાનેરી 10


આજે ‘ વેલેન્ટાઈન ડે ‘ છે. ચમનીયો ચાર વાગ્યેનો ઉઠીને, નાહીધોઈ તૈયાર થઈને ઉંદરડાની માફક ઘરમાં આંટા મારે છે. ચંચી હજી ઉઠી નથી. વેલેન્ટાઈન ડે નો ધુમાડો એના મગજે ચઢી ગયો છે. ફૂલ કરમાવા લાગ્યું છે. ઘડીક એમ પણ થાય કે લાવ બહાર નીકળીને કોઈને ફૂલ આપી જ આવું., પણ ચંચી આગળ કેવું બહાનું કાઢીને ‘ટાંટીયો’ બહાર કાઢવો એની એને મૂંઝવણ છે.

ચમન – ડાર્લિંગ, હવે ઉઠશો? પરોઢિયું થઈ ચૂક્યું છે. આપણા ત્રણમાંથી બે મરઘા તો કૂકડેકૂક કરી ચૂક્યા. હવે શું ત્રીજાની વાટ જોઇને ઉઠવાની છે?

ચંચી – નાથ, શું સૂરજ ઉગી ગયો?

ચમન – હા, પથારીમાં લઇ આવું?

ચંચી – કેમ, આજે લડવાના મુડમાં છો કે શું?

ચમન – ના, લાડ લડાવવાના મૂડમાં છું, ડાર્લિગ!

ચંચી – ડાર્લિંગ, આ શું બોલ્યા મારા નાથ! તમારી તબિયત તો ઠીક છે ને? પ્રેશરની ગોળી તો લીધી છે ને? આજે કાંઈ ‘લાપસી-લાપસી’ જેવું બોલો છો ને? કેટલા વરસે તમે મને ડાર્લિંગ કહ્યું?

ચમન – હા, લગન પછી અઠવાડીયા સુધી કહેલું. પછી કહેવા જેવું કાંઈ લાગ્યું નહીં, આઈ મીન, જે છે તે છે એમ માની માંડી વાળેલું. તને તો ખબર છે કે ડાર્લિંગ કહીને તને બોલાવવામાં આપણા નોકરે કેવો લોચો મારેલો! નોકરને એમ લાગ્યું કે ડાર્લિંગ તારૂ નામ છે. એમ માનીને મારા ગયા પછી એ તને ડાર્લિગ.. ડાર્લિંગ કહીને બોલાવવા લાગેલો.

ચંચી – હા…. બિચારો કેવો કદરદાન હતો?

ચમન – કદરદાન… એટલે હું કોણ? બારદાન?

ચંચી – તે તમે બારદાન હોવ ને તો પણ અમારાથી તમને બારદાન થોડું કહેવાય? માટે બસ…. હવે આ વાકદાન બંધ કરો, અને જે ભસવું હોય તે ભસો, આજે કાંઈ બહુ રોમેન્ટિક મૂડમાં લાગો છો ને?

ચમન – તને ખબર છે? આજે વેલેન્ટાઈન-ડે છે.

ચંચી – તો એમાં મારે શું કરવાનું?

ચમન – કારેલાનું શાક!

ચંચી – ના આજે તો દાળ-ઢોકળી થશે. તમારે મને વેલ-ઇન-ટાઈમ કહેવું જોઈએ ને? ઘરમાં કારેલા થોડા ભરી રાખેલા છે?

ચમન – ઓ… મારી મા! વેલેન્ટાઈન-ડે એટલે પ્રેમી-પંખીડા આજે ભેગા મળી એકબીજાને વિષ કરે.

ચંચી – આ વિષ શબ્દ બોલ્યા એટલે મને યાદ આવ્યું. તમારે મને વીસ રૂપિયા આપવાના બાકી છે!

ચમન – ધંતૂરો! હું તને આજના વેલેન્ટાઈન-ડે ના દિવસે વિષ આપવાની વાત કરું છું, અને તું વીસ રૂપિયાનું કૂટે છે!

ચંચી – હા… તે યાદ આવ્યું એટલે કહી નાંખ્યું એમાં કયો તમારો ગરાસ લૂંટાઈ ગયો? તમારી પુરુષની જાત પૈસા કાઢવાના આવે ત્યારે કાયમ ઠાગાઠૈયા જ કરે. બોલો હવે, વેલ-ઇન-ટાઈમનું શું કહેતા હતાં?

ચમન – સાંધાની સૂઝ નહિ અને કેબીનમેનની નોકરી… ગાડી ઠોકાઠોક!

ચંચી – એટલે?

ચમન – કપાળ, અભણ સાથે શું ભેજામારી કરવી?

ચંચી – કોણ અભણ હું કે તમે? ગામમાં આવીને પૂછી જોજો મારા જેટલું કોઈ ભણ્યું હોય તો. એસ.એસ.સી ની પરીક્ષા મેં અઢાર વખત આપેલી. એ તો બોર્ડ વાળાએ ના ન પાડી હોત તો હજી પણ હું ભણતી જ હોત. તમારી જેમ નહીં કે, ઘરના બદલે નિશાળમાં ઊંઘ કાઢે!

ચમન – અરે, હું તો ધામધૂમથી નિશાળમાં દાખલ થયેલો અને સાંજે ધામધૂમ પૂર્વક નિશાળના શિક્ષકો ઘરે મૂકવા પણ આવેલા.

ચંચી – હા, એ બધી મને ખબર છે કારણ કે મારા બાપા જ એમાં હેડ માસ્તર હતાં. એ તમારા ઘરે એવું પણ કહી આવેલા કે આ છોકરાને ઘરે જ રાખો. અને નહીં રાખશો તો અમે બધા ઘરે રહીશું. પણ આને તમારા જેવું ઉતમ શિક્ષણ અમારાથી નહીં અપાય!

ચમન – બસ…. બસ… કોઈના ઈતિહાસ વાંચવાની જરૂર નથી. તું તારી ભૂગોળનું ધ્યાન રાખ.

ચંચી – હા….. તે બોલો, પેલું વેટેલાઇન ડે નું શું ફૂટતા હતાં?

ચમન – વેટેલાઈન નહીં, બબૂચક…. વેલેન્ટાઈન-ડે!

ચંચી – એ શું છે?

ચમન – ભજીયા. હું તને એ જ સમજાવતો હતો કે આ દિવસે પ્રેમી-પ્રેમિકા એક બીજાને વિષ કરતાં ફૂલ આપે, અને પછી બહાર હોટલમાં નાસ્તો કરવા જાય.

ચંચી – અચ્છા! તે તમે કોને વિષ કરવા જવાના?

ચમન – તને

ચંચી – હાય હાય! આ ઉમરે તે તમને આવું શોભે?

ચમન – હા, હવે આવું જ શોભે. લે, તારા માટે આ ધંતૂરાનું ફૂલ લાવ્યો છું.

ચંચી – એનું શું કરવાનું ?

ચમન – શાક બનાવીને તારે ખાવાનું. મારો તો ઉપવાસ છે.

ચંચી – એઈઈ.. સાંભળો છો? ઉપવાસ તોડી નાંખો ને.. ચાલો આપણે પણ આજે હોટલમાં જ ખાવા જઈએ. આના જેવો બીજો વેલ-ઇન-ટાઈમ કયો આવવાનો?

(અને….હે રામ કહેતા ચમન બેહોશ થઈને ઢળી પડ્યો.)

– રમેશ ચાંપાનેરી


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “આ વેલ-ઇન-ટાઈમ એટલે શું નાથ! – રમેશ ચાંપાનેરી

 • રમેશભાઈ ચાંપાનેરી ( રસમંજન)

  કોઈ વખાણ કરે તો ગમે તો ખરું જ કહેવાય છે ને કે, પ્રશંશા તો ખુદાને પણ પ્યારી હોય. પણ આ આપને અને અક્ષરનાદને આભારી છે. હું તો કોઈ સુંદરીના માથા પરથી પડી ગયેલું ફૂલ છું. આપ અક્ષરનાદના મંદિરે આવ્યા તો એ ફૂલ જોવા મળ્યું.

  માટે આપ સૌ વાંચકોના આભાર સાથે એ ભાર હું જીગ્નેશભાઈ અધ્વર્યુજી ને સમર્પિત કરું છું. આપની પ્રેરણા એ મારો ચેતના છે. સરિતાની માફક એને ખળખળ થવા દેજો.

  આભાર સાથે હાસ્ય મુબારક.

  રસમંજન ૨૪-૨-૧૪

   • રમેશભાઈ ચાંપાનેરી (રસમંજન)

    મિત્રો…..

    આપ સૌની પ્રેરણા અને શ્રીમાન જીગ્નેશભાઈ ની કૃપાને કારણે આ બધું શક્ય છે.

    આપ સૌ વાંચકોને મારા હાસ્ય મુબારક

    રસમંજન