ગુજરાતી સાહિત્ય પરિષદનું ૪૭મું અધિવેશન – યોગેશ વૈદ્ય 13


ઊભી સ્કાયસ્ક્રેપર સમી શ્હેર વચ્ચે, ઉદાસીનતા આપણી દોસ્તો….

ગુજરાતી સાહિત્ય પરિષદનું ૪૭મું અધિવેશન તા. ૨૪-૨૫-૨૬ ડિસેમ્બરે યોજાઈ ગયું. કડકડતી ટાઢમાં વેરાવળથી વહેલી સવારે ટ્રેઈનમાં બેસીને રંગેચંગે આણંદ જવા નીકળ્યો ત્યારે મન પર ભૂતકાળની કેટલીક રમણીય સ્મરણરેખાઓ ઊપસી આવેલી.

૧૯૮૭માં મુંબઈના વિલેપાર્લેમાં યોજાયેલું ગુ.સા.પ.નું એ અધિવેશન. ભોગીલાલ સાંડેસરાની અધ્યક્ષતા. ગુજરાતી સાહિત્ય જગતનો લગભગ સમગ્ર તારકગણ ત્યાં ઊતરી આવ્યો હતો. યશવંત શુક્લ, ગુલાબદાસ બ્રોકર, જયંત પાઠક, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, ધીરુબેન પટેલ, ભોળાભઈ પટેલની ઉપસ્થિતિથી કેવું હર્યુંભર્યું ને ગૌરવમંડિત હતું તે અધિવેશન ! પ્રસ્થાપિતો અને નવોદિત સાહિત્યકારોની મંડળીઓ જામી હતી. કવિ સિતાંશું યશશ્ચંદ્રને તેમના સૂટ-બૂટમાં સજ્જ થયેલા (તેમની કવિતા જેવા !) અને વર્ષા અડાલજાને તેમના ઠસ્સા સાથે સવારના નાસ્તાના મંડપમાં મ્હાલતાં ભાળ્યાંનું સાંભરે છે. વિનોદ ભટ્ટને, વિનોદ કરાવતા અને બકુલ ત્રિપાઠીને ગંભીર મુદ્રામાં બેઠેલા પ્રથમ વખત ભાળેલા તે યાદ આવે છે. કવિ વિનોદ જોષી કોઈ ફિલ્મી હીરોની અદામાં બસમાંથી ઊતરેલા. કવિ હરીન્દ્ર દવેને સંસ્થાના દ્વાર પર નમસ્કાર કર્યા ત્યારે તેમનો માયાળુ હાથ મારા પર ફરેલો. યોસેફ મેક્વાનનું લાંબું વક્તવ્ય ( કેફિયત ) પણ લાંબું ન્હોતું લાગ્યું. કવિ રમેશ પારેખને તો ટગર ટગર જોતાં જ રહ્યા હતા અમે. આ સહુની વચ્ચે ઉમાશંકર જોષીના મારી કાવ્યપોથીમાં મેળવેલા હસ્તાક્ષર હજુ પણ મોરપગલાં માફક સાચવીને રાખ્યા છે. ગુજરાતી સાહિત્ય જ નહીં પણ અન્ય કળાઓના નામાંકિત કળાકારોનો પણ એક ગૌરવભર્યો મેળાવડો જામ્યો હતો ત્યારે. ગુજરાતના ગામેગામથી સાહિત્યકારો ત્યાં ઊતરી આવ્યા હતા. ગુજરાતી સાહિત્ય પરિષદ એ ગુજરાતીભાષીઓની, ગુજરાતી સાહિત્યની એકમાત્ર અને પ્રમુખ માતૃસંસ્થા હોય તેવું નિર્વિવાદપણે, આપોઆપ જ પ્રસ્થાપિત થઈ રહ્યું હતું. અહીં મુંબઈગરા ગુજરાતીઓનો પણ ખાસ્સો જમઘટ જામ્યો હતો પણ એકંદરે દશમાંથી સાત-આઠ વ્યક્તિ સાહિત્યકાર જ હતી. સહુ પોતાની ભાષા માટે, પોતાની ભાષાના સાહિત્ય માટે ઊલટભેર ઊમટી પડ્યા હતા. એ ઉમંગ, એ ઉલ્લાસ આજે પણ રોમાંચિત કરી મૂકે છે.

આ બધી મધુર સ્મૃતિઓને આણંદના ૪૭મા અધિવેશને નંદવી નાંખી. સાહિત્યકારોથી ભર્યાભર્યા વડોદરા, વિદ્યાનગર અને અમદાવાદથી સાવ પાસે અને સુરતથી પણ બહુ દૂર ન કહેવાય તેવા આણંદ નગરના આ અધિવેશનમાં સાહિત્યકારોનો કારમો દુકાળ પડેલો જણાયો. ગુજરાતના ગામેગામના તો છોડો, આણંદની ૫૦ કિલોમીટરની ત્રિજ્યામાં વસતા સાહિત્યકારો પણ પૂરી સંખ્યામાં આ અધિવેશનમાં ફરકવા ન આવ્યા. બગલથેલામાં કાવ્યપોથીઓ અને આંખમાં કવિતાનાં પતંગિયાં લઈને ઉમટેલા નવકવિઓ ક્યાંયે નજરે ના ચડ્યા. (કેટલા યુવા કવિઓનો ભેટો થઈ જવાની અપેક્ષા હતી મને !) એ તો ઘણું જીવાડે શૈક્ષણિક સંસ્થાઓને કે શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સભામંડપમાં મૂકેલી ખુરશીઓને સાચવી લીધી. યજમાન સંસ્થા એન.એસ.પટેલ આર્ટ્સ કોલેજના આયોજનમાં કશી જ કચાશ નહીં. ભાઈ અજયસિંહ અને તેમની ટોળકીએ પૂરા ઉત્સાહ સાથે વ્યવસ્થા સાચવેલી અને ઉમંગભેર સજાવટની રંગોળી પૂરેલી. પણ સાહિત્યકારોની અકળ અને અકળાવનારી અનુપસ્થિતિએ સહુને અંદરથી ખિન્ન કર્યાં. રાત્રિ બેઠકમાં અકાદમી મહામાત્ર હર્ષદ ત્રિવેદીએ તેમની ખિન્નતા જાહેરમાં વ્યક્ત કરી અને જનક નાયકે તો છેલ્લા દિવસની બેઠકમાં પરિષદને તેના અભિગમો મૂળથી બદલવાનું સૂચન પણ કર્યું.

શાની છે આ ઉદાસીનતા? આ અભિગમ આપણને ક્યાં લઈ જઈ રહ્યો છે ? આ એ ગુજરાતી સાહિત્ય પરિષદ કે જેનું અધિવેશન ૧૯૦૫માં ગોવર્ધનરામ ત્રિપાઠીની અધ્યક્ષતામાં ભરાયું અને ૧૯૩૬માં તેના અધ્યક્ષ મોહનદાસ કરમચંદ ગાંધી હતા ! ગુજરાતી સાહિત્યની જગજૂની અને કેન્દ્રિય સંસ્થાના અધિવેશનની આવી અવદશા ? એ પણ એવા સમયે કે જ્યારે ઠેરેઠેરેથી ગુજરાતી ભાષાને બચાવી લેવાનાં અરણ્યરુદનો થઈ રહ્યાં હોય ! ભૂગર્ભમાં રહીને વિકસેલાં વૈયમનસ્યો અને વાંધાવચકાઓની આઈસબર્ગની ટોંચ સરખી ઠંડીગાર અભિવ્યક્તિ તો નહીં હોયને આ ? આવું થવાનાં કારણો તો ગુ.સા.પ.ના મોભીઓ અને ગુજરાતી સાહિત્યના રાજમાનરાજેશ્રીઓ જાણે, પણ આ ઉદાસીનતા આ લખનાર જેવા અનેકનાં કાળજામાં કરચ થઈને ખૂંચી રહી છે. જય જય ગરવી ગુજરાત ગાતો ગુજરાતી સ્હેજ ઝંખવાયો છે આજે.

જોકે આવાં આયોજનોના ઉદ્દેશ્યો અને આયોજનરીતિઓ વિષે પણ આપણે ફેરવિચારણા કરવી રહી અને સંસ્થાકીય ઢાંચાઓથી આયોજનનાં ખોખલાં માળખાં તો ઊભાં કરી શકાય છે પણ તેમાં ભાગ લેનારાઓનો ઊજમ ઊભો નથી કરી શકાતો તે પણ સમજવું રહ્યું. આ તકે બકુલ ત્રિપાઠીએ તેમના અધ્યક્ષકાળમાં કહેલી ગુ.સા.પ.ને જિલ્લા અને તાલુકા સ્તરે લઈ જવાની વાત યાદ આવે છે. આ વાતને પછીથી ડીપ ફ્રીઝરમાં મૂકી દેવાઈ. આપણી વ્યાવહારિકતાએ આપણને તાર્યાં છે તેમ માર્યાં પણ છે.

ગુજરાતી સાહિત્ય પરિષદે તેનો ગૌરવપૂર્ણ દરજ્જો જાળવવા અને સર્વસ્વીકૃતિ બનાવી રાખવા કશુંક નક્કર કરવાનો સમય આવી ગયો હોવાની આલબેલ આ અધિવેશેને વગાડી દીધી છે. નર્યા કૃતક, ક્રિયાકાંડ જેવાં આયોજનોથી ગુ.સા.પ. અને ગુજરાતી સાહિત્યનું કશું દળાવાનું નથી.

અધિવેશનમાં વર્ષો બાદ મળેલા કવિ રાજેશ પંડ્યાએ મને ભેટી પડીને અનાયાસે જ મારો શે’ર સંભળાવેલો: “ઊભી સ્કાયસ્ક્રેપર સમી શ્હેર વચ્ચે, ઉદાસીનતા આપણી દોસ્તો.” શું કહું, દોસ્ત ? આ ઉદાસીનતાની ઝીણી ઝીણી કરચો અધિવેશન પૂરું થઈ ગયા પછી પણ મને અંદર અંદર ખૂંચ્યાં કરે છે.

અંતે અધિવેશન દરમ્યાન બનેલ નોંધનીય ઘટના : વિવેચનની બેઠકમાં મંચ પર વિદ્યમાન હર્ષવદન ત્રિવેદી, રાજેશ પંડ્યા અને હસિત મહેતાની યુવા ત્રિપુટીએ તેમની સજ્જતા અને વિષયનિષ્ઠાને લઈને ગુજરાતી વિવેચનની આવતીકાલ ઊજળી હોવાની સુખદ પ્રતીતિ કરાવી. (વિવેચનની બેઠકોમાં ભાગ્યે જ પડતી તાળીઓ સાંભળવાનો લ્હાવો પણ મળ્યો !) જ્યારે કવિ હરીશ મીનાશ્રુની કલામંડિત સૂક્ષ્મ કેફિયતે અને કવિ મનોહર ત્રિવેદીની નિર્ભેળ અને ખુલ્લા દિલની પોતીકીએ સહુનાં દિલ જીતી લીધાં.

જય હો.. જય ગરવી ગુજરાત.

– યોગેશ વૈદ્ય
તા. ૩૧.૧૨.૨૦૧૩

બિલિપત્ર

One way to gauge the pace of cultural dissolution is to look at trends in Language; since a culture’s essential ideas are inextricably bound to the language that expresses them – through story, prayer or the naming of things in the natural world – The death of a language often heralds the death of a culture.

– Michael Benanav, “Men of Salt: Crossing the Sahara on the Caravan of White Gold”


આપનો પ્રતિભાવ આપો....

13 thoughts on “ગુજરાતી સાહિત્ય પરિષદનું ૪૭મું અધિવેશન – યોગેશ વૈદ્ય

  • Laxmikant Thakkar

    ઉપર જણાવેલી વાતો બધી સાચી જ.બધાને પોતાની વાત જ કહેવી હોય છે.

    ” પ્રાપ્ત સૂર-સાઝકે સહારે અપના તરાના સબ ગાતે હૈં,યાર,”

    આપણે આપણી પોતાની વીક્નેસિસ-નબળાઇઓને અતિક્રમવા અ-સમર્થ છીયે. નામી સાહિત્યકારો પોતાની મગરૂરીઓ અને અહમ-વાદીપણામાંથી અને નવોદિતો શરમ-સંકોચની ગ્રંથિમાંથી બહાર આવી શકતા નથી.બધાને પોતાની પિપૂડી વગાડવાની સહજ તમન્ના !
    સારા -સફળ કાર્યક્રમ માટે સંસાધનો [અને છેવટે આર્થિક રીતે સમ્રુધ્ધ લોકો વાહવાહી-પ્રશંશા અને “અગત્ય” [ભાવ=માનપાન-આદર-સત્કારના] મહદ અંશે મોથાજ ] ,સમય અને સાથ અને સહકાર ભર્યા આયોજન અને નામી સંસ્થાઓના કે વ્યક્તિઓના પીઠ્બળ વગર આવા કાર્યો મુશ્કેલ બની જતા હોય છે. દા.ત.મોરારીબાપુના ” અસ્મિતા-પર્વ” નું આયોજન.જ હોયજ. આમાં “મોરારીબાપુ” પણ બાકાત નથી. એવું ત્રણેક વર્શ પહેલાં વાંચ્યાનુ યાદ આવે છે કે વિડિયોનો કેમેરો ૪૦%થી વધુ તેમનેજ ફુલ ફ્રેમમાં ક્વર કરતો જોવામા અવેલ.સાહિત્યિક કે કોઇ પણ અન્ય ક્શેત્રના કલાકારો- (સન્માન હોય તે ) જેમનો મૂખ્ય પ્રોગ્રામ હોય તેમને પૂરતી અગત્ય અપાવી જોઇયે .
    અંતત: પાણીદાર લોકો -વ્યક્તિત્વો પોતપોતાની સપાટી શોધીજ લેતા હોય છે.

    ———————————————————————————————————
    QUOTE:
    “SOMEONE SAYS: “WE HAVE BECOME SHALLOW HUMAN BEINGS ““WE HAVE LOST FOR EVER THE MIRACULOUS GLORIUS ERA OF OUR OWN PAST !
    I SAY:- IT’S THE GIFT OF CHANGING TIMES, TREND AND TENDENCIES!
    QUITE CORRECT ! TRUE!!…….. BUT , MANY BETTER THINGS ALSO HAVE BEEN HAPPENING.
    WE ALSO MUST FATHOM-OUT OUR OWN POTENTIALS AND CAPABILITIES WHICH CREATE GREATER, BRIGHTER AND SHINING THINGS FOR US.
    TWISTS AND TURNS…. THEY ARE TWO SIDES OF THE COIN OF OUR LIFE!
    IT WHIRLS ROUND [CICULAR] MULTI-DIMENTIONALLY…SEEMINGLY STRAIGHT…THE ONLY DIFFERENCE IS WHICH SIDE IS UP AND ‘IS BEING SEEN’ [ SO IT IS LIKE OUR HAND,WHETHER WE SEE DARK SIDE[NEGATIVE] (BACK/PANJA) OR THE PALM (HATHELEE)-,THE WHITE SIDE [POSITIVE] WITH ASTRO-LINES? IT’S LIKE “LIFE DEPENDS ON THE LIVER!”
    -લા’કાંત / ૩.૩.૧૪

  • tej

    નમસ્કાર્,
    ‘જય જય ગરવી ગુજરાત ગાતો ગુજરાતી સ્હેજ ઝંખવાયો છે આજે. ‘ વાળો કટાક્ષ થોડો અંદરથેી વાગ્યો. આ પહેલા ના કોઈ અધિવેશનમા મે હાજારેી આપેી નથેી ,હજુ પાપ્પા પગલેી માંડુ છુ,પણ આવુ કોઈ અધિવેશન -ઓપન ફોરઓલ હોય છે એનેી જાણ પણ નથેી હોતિ મારા જેવા નવોદિતોને. ખેર્, હુ જો અમદાવાદ મા હોત અને મને ખબર હોત તો ચોક્કસ આવત્ આપ્ણે આવેી સભાઓ ને સોશિયલ મેીડેીયા દ્વાર ઍડ કે ઈવેન્ટ નુ પૅજ બનાવેીને પણ લોકો સુધેી પોણ્હચાડેી શકેીયે… આ વિશે મારેી કોઈ મદદ જોઇએ તો જરુર જણાવજો.

    tejzabkar@gmail.com

  • નિમિષા દલાલ

    પ્રથમ તો હું જણાવે દઉ કે મેં આવા કોઇ સાહિત્યના અધિવેશનમાં ભાગ નથી લીધો.. હા મને નીવડેલા સાહિત્યકારોને મળવાનું મન હોય છે પણ કેટલીક મર્યાદાઓને કારણે હું આવા અધિવેશનોમાં હાજરી આપી શકતી નથી.. અને મારો લેખન પ્રકાર છે ટૂંકી વાર્તા.. હજુ હમણાં બે વર્ષથીજ ગંભીરતાથી લખવાનું શરુ કર્યુ છે.. પણ મારા આ બે વર્ષના અનુભવ માંથી મેં જે અનુભવ્યું છે તે હું અહીં શેર કરવા માગું છું…

    જેમ ઉપર વાત થઈ કે નવોદિતોની ગેરહાજરી પણ સાલી.. એ માટે મારે કહેવું છે કે. નીવડેલા લેખકો નવોદિતોની રચનાને નાપસંદ કરે છે પરંતુ એમની ક્યાં ભૂલ છે એને સુધારવા નવોદિતોએ શું કરવું જોઇએ એવું માર્ગદર્શન આપતા નથી. એટલે નવોદિતો એની એ ભૂલ વારંવાર તેની રચનાઓમાં કર્યા કરે અને વારંવાર પોતાની કૃતિ નીવડેલા જુદા જુદા લેખકો દ્વારા નાપસંદ થાય એટલે લખવાનું છોડી દે…

    સ્થાપિત લેખકો પોતે એક સ્થાન બનાવી ચૂક્યા છે. તો નવોદિતોને ચડવા એક સીડી બતાવવાની તેમની ફરજ બને છે.. આ માટે લેખનના જે તે પ્રકારના વધારે ને વધારે શિબિરો સાહિત્ય પરિષદે યોજવા જોઇએ.. અને તે માત્ર અમદાવાદમાં નહીં ગુજરાતમાં અલગ અલગ સ્થળે… જેમકે મેં હંમેશા જોયું છે કે દક્ષિણ ગુજરાતમાં લેખકોને પ્રોત્સાહિત કરે એવી પ્રવૃત્તિઓ અમદાવાદમાં જેટલી થાય છે એટલી થતી નથી..

    આ મારું નાનકડું અવલોકન માત્ર છે.. જેમાં કદાચ હું ખોટી કે અજાણ પણ હોઇ શકું છું.. પણ મને મારા વિચારો રજુ કરવા અને સહિત્યના નામી લેખકો.. યોગેશભાઈ અને હર્ષદભાઈ જે સાહિત્યના એક એક સામયિક પણ ચલાવે છે. એમના સુધી મારું મંતવ્ય પહોંચાડવા અક્ષરનાદ.કોમ નો સહારો લઈ રહી છું.

    આભાર.. સાહિત્યના માંધાતાઓ સુધી મારો અવાજ પહોંચાડવાનો આ એક પ્રયત્ન કર્યો છે આશા છે વાત તેઓ ધ્યાન પર લઈ શિબિરોનું આયોજન નિયમિત અને વધુમાં વધુ કરશે..

  • Hemant Merchant

    The time for introspection was long overdue. For any event to be successful qualitatively and quantitatively, active participation of Government agencies, corporate giants, celebrities,educational institutions and intellectuals is a must. Very strong and sustained marketing or publicity is another need of the hour.Some attractions, programs, innovative schemes, entertainment (not cheap ) events ,prizes, awards token free gifts, lucky draws,heavy discounts , affordable lodging and boarding facilities and many such incentives will have to be put in motion. It is difficult to find genuine lovers of Gujarati with dedication and commitment as in last 3 decades the English commercialism and benchmarks of smartness and style have completely overshadowed real respect,esteem and love fpr one the best languages on Earth.

  • Shirish Mehta

    Lack of presence does not mean that people are not interested.They are very much interested in such convention which gives us new ideas, resolutions, new openings/ avenues for such conventions.Reasons for less presence may be many like preoccupations, venue selections, and personal reasons(family, sickness , unavoidablility etc.).Feedback may be asked from such people about presences.

  • હરીશ થાનકી

    એકને એક ઢાંચો અને એકને એક રસમ કેટલો સમય નભી શકે? કૈક નવું આકર્ષણ ઉમેરાય તો સારું..બહુ જુનું મકાન હોય ઓ તેને રીપેર કરવા કરતા તેને પાડી અને નવું ચણતર આવશ્યક બની જાય…એવું કેટલાક ડાહ્યા લોકો કહેતા હોય છે..

  • ચન્દ્રકાન્ત લોઢવિયા

    જીજ્ઞેશભાઈ તથા યોગેશભાઈ
    આ માટે આયોજકોએ મિમાંશા કરવી જોઈએ. તેઓએ તેમનું મંતવ્ય આપવું જરૂરી છે. શક્ય હોય ત્યાં આ વિભાગમાં આવતા દરેકના પ્રત્યુર પણ દેવા જોઈએ.
    ચન્દ્રકાન્ત લોઢવિયા – ૫.૦૨.૨૦૧૪

  • Harshad Dave

    Shri Yogeshbhai is quite right. Sahity Adhiveshan should be an adhiveshen for, of and by Sahitya. Here it appears to be far, off and bye-bye Sahitya. The height of the sadness is as good as skyscraper, instead, it should be of happiness of being in adhiveshan. Let us all unite, be one and have our voice raised upto their ears. (If they listen to) – Harshad Dave.

  • Yogesh Vaidya

    આભાર….આ બાબતે વધુ ચર્ચા થાય તેવી અપેક્ષા છે. એક સામયિકના સઁપાદક તરીકે અને સાહિત્યકાર તરીકે મેઁ મારી વાત મૂકી છે.

  • R.M.Amodwal

    All Interestest person of G.S.P. should be invited for such work shop . Subsciption should be collected to confirm agenda activity. May person not be Authore or Poet or writer , all cultural lover should be invited to avoid mention sitution, Propagada shoud be done before the meeting.

  • Mitul Thaker

    હું આણંદનો જ રહેવાસી છું અને મેં આ અધિવેશનની મુલાકાત પુસ્તકો ખરીદવા લીધી ત્યારે જોયું હતું પરંતુ મને થયું કે આવી રીતે જ અથવા તો આવું જ વાતાવરણ દરેક અધિવેશન માં હોતું હશે પણ આપનો લેખ વાંચ્યા પછી હું કહીશ કે તમે તદ્દન સાચા છો, ગણ્યા ગાંઠ્યા લેખકો અને કવિઓ પોતાની આત્મ પ્રશંસા કરતા નાની નાની ટોળીમાં એકબીજાને થપથપાવતા (અને ગેર હાજરી માં ભાંડતા) જોયા, વધારે રોકાયા વગર ગમતા પુસ્તકો મળ્યાની ખુશી અને જોઇતા હતા તે ના મળ્યાની નિરાશા સાથે ઘરે આવતો રહ્યો.

    • vishnu pandya

      મારા પ્રિય ભાઈ, સંસ્થાઓ વિષેની આવી નિરાશાનું કારણ પેલી મુગ્ધતા છે! આટલા મુગ્ધ ના થવાય…કારણ કે સંસ્થાઓ સંવેદનાને મોટે ભગે જલાવતન કરી દે છે અથવા જરૂર હોય ત્યાં તેને સાંચવે છે, અન્યથા ત્યાં વ્યવહાર, વ્યવસ્થા, પદપ્રતિષ્ઠા, એકબીજાના સ્થાપિતોની કુશળતા અને અચલાયતન… આટલું જ હોય છે. સત્વ-તત્વ તો મુઠ્ઠી જેટલું. ….