પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ.. – હેમલ વૈષ્ણવ 16


(૧) ગાંધીનો માર્ગ

“તડાક…”

ચા લઈને આવેલા છોટુનો હાથ ધ્રુજતા થોડી ચા, આર કરેલી ખાદીની ધોતી પર ઢોળાઈ, અને ક્રોધાવશ સુમંતીદાસનો હાથ છોટુના કોમળ ગાલ પર છાપ છોડી ગયો.

“એ તો રસ્તામાં એક સ્કુટર વાળાને ટાયર બદલવામાં મદદ કરતા..” ગાંધી મહોત્સવમાં અતિથિવિશેષ તરીકે પધારેલા સુમંતીદાસ, પક્ષનાં કાર્યકરને ધોતિયાં પરના ડાઘા વિશે ખુલાસો આપી રહ્યા હતા. પ્રવચન માટે પોતાના નામની ઘોષણા થતા તે માઈક સુધી પહોંચ્યા, પગ પાસે ફરી રહેલા મંકોડાને ખાદી ગ્રામમાંથી લીધેલા ચંપલ હેઠળ મસળતા તેમણે “ગાંધી ચીંધ્યો ક્ષમા, સત્ય અને અહિંસાનો માર્ગ…” વિષય પર પ્રવચન શરુ કર્યું.

(૨) જવાબદારી

“પરીક્ષા માથે છે અને આખો દિવસ ક્રિકેટ…., જવાબદારીનું તો કોઈ ભાન જ નથી.” અરવિંદ ભાઈ દીકરા ઉપર તાડૂક્યા,

“કહું છું, બા ની ઘૂંટણની દવા ત્રણ દિવસથી ખલાસ થઇ ગઈ છે આજે પાછા ફરતા લેતા આવશો ?” પત્નીએ સતત ત્રીજા દિવસે યાદ અપાવતા જ અરવિંદભાઈનો પિત્તો ગયો. “મેં તને કેટલી વાર કહ્યું છે કે હું પત્તા રમવા જતો હોઉં ત્યારે ટોકવો નહિ? કમબખ્ત તારા ટોકવાને લીધે બાજી અવળી ફરી જાય છે. હવે કાલે વાત, આજે આવતા મોડું થઇ જશે. એક દિવસ દવા વગર બા મરી નહીં જાય.” ચંપલમાં પગ ઘાલતા અરવિંદભાઈ ઓટલો ઉતરી ગયા.

(૩) દર્શન

“અરે બાપુજી, એક વાત સમજો.. હવે તમારાથી મંદિરના પગથીયા નહિ ચડાય. આ કાર સાવ મંદિરની પાસે જ તો પાર્ક કરી છે. સુધા હમણાં પ્રસાદ લઈને આવતી જ હશે અને આરતીનો ઘંટારવ પણ અહીંથી સંભળાશે, હવે એટલું ઠાકોરજીનાં દર્શન કર્યા બરાબર જ છે ને..” જગદીશભાઈ વૃદ્ધ પિતાને કહી રહ્યા હતા, ત્યાં જ તેમનો મોબાઈલ રણકી ઉઠ્યો, સામેની વ્યક્તિની વાત સાંભળ્યા પછી તે કહેવા લાગ્યા… “હા ભાઈ હા.. મને ખબર છે કે આખા હોલમાં સરાઉંડ સાંઉડ સીસ્ટમ છે, કોઈ પણ ખૂણેથી મસ્ત જ સંભળાશે, પણ દલજીતસિંહ જેવો ગઝલ સિંગર આપણા શહેરમાં રોજ થોડો આવે છે? પૈસા ગમે તેટલા થાય એ બરાબર દેખાય એટલે સીટ તો આગલી રો ની જ જોઈએ..”

(૪) ધોકો

ફ્લેટના કમ્પાઉંડમાં દાખલ થાતા કમુએ મોપેડને અઢેલીને એની જ ચાલીમાં રહેતા મંગેશને જોયો. છેલ્લા ત્રણ અઠવાડિયાથી ફ્લેટમાં બીજા માળે રહેતા રીટા બેનની બાલ્કનીમાં ધોયેલાં કપડા સૂકવતી કામવાળી કમુને કઈ બોલ્યા વગર એ જોયે રાખતો હતો. ક્યારેક છાના સ્મિતની આપ લે એટલું જ…. પણ આજે તેને સામે આવતા જોઇને કમુની છાતી ધડકી ઉઠી. પાસે આવતા પચાસની નોટ સાથે ચિટ્ઠી સરકાવતાં મંગેશે કહ્યું : “ચિટ્ઠીમાં મારો મોબઈલ નંબર છે, તમારા શેઠાણીના ડોટર પલ્લવી બેનને કહેજો ને મને sms કરે..”

ઉપર જઈને ધોવાના કપડાની ડોલમાંથી કમુએ પલ્લવીનું ટોપ ઉપાડીને બમણા જોરથી ધોકા મારીને મનનો મેલ પણ કાઢવા માંડ્યો…

(૫) કજરી

સાંજનું પહેલું ઘરાક પોતાની ભૂખ મિટાવીને ખાટલાની પાંગથે દસ રૂપિયાની નોટોની થપ્પી મુકીને દાદરા ઉતરી થયું. કજરીએ અસ્તવ્યસ્ત વાળ અને કપડાં સહેજસાજ ઠીકઠાક કર્યા પછી હાથ ધોઈને બારીનો પડદો સહેજ સરકાવ્યો.

થપ્પીમાંથી એક દસ રૂપિયાની નોટમાં થોડી રેવડી મૂકી, નોટનો ડૂચો વાળીને કજરીએ નીચે બેઠેલી આઠેક વર્ષની ભિખારણના છાલીયામાં ફેંક્યો અને બીજા ઘરાકની રાહ જોતી બેઠી. આજે દુર્ગા પૂજાનો પહેલો દિવસ હતો ને !

– હેમલ વૈષ્ણવ

માઈક્રોફિક્શન લખવાનો હેમલભાઈનો આ બીજો પ્રયત્ન છે, આ પહેલા ત્રણ માઈક્રોફિક્શન વાર્તાઓ લખવાના અક્ષરનાદ પર તેમના પ્રથમ પ્રયત્નને અનેક પ્રોત્સાહક અને માર્ગદર્શક પ્રતિભાવ મળ્યા હતાં, એથી પ્રેરાઈને આજે દિવાળીના સપરમા દિવસે તેઓ પાંચ માઈક્રોફિક્શન સાથે અક્ષરનાદ પર ઉપસ્થિત થયા છે. વડોદરામાં અભ્યાસ કરી હાલ કનેક્ટીકટ, અમેરિકામાં પત્ની અને બે બાળકો સાથે વસતા અને વ્યવસાયે ફિઝિઓથેરાપિસ્ટ શ્રી હેમલભાઈ વૈષ્ણવ અક્ષરનાદના નિયમિત વાચક, સમાલોચક અને પ્રતિભાવક છે. સુંદર કૃતિઓ બદલ હેમલભાઈને અભિનંદન તથા વધુ આવી જ રચનાઓ માટે શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

16 thoughts on “પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ.. – હેમલ વૈષ્ણવ

 • Maheshkant Vasavada

  માઈક્રો -સ્ટોરી , ને માટે ગુજરાતી માં કયો શબ્દ વાપરી શકાય ? લઘુત્તમ કથા ? લઘુ કથાઓ અખંડ આનંદ તથા અન્ય સ્થળે વાંચેલ છે . લઘુકથા કરતા નાની અને ટ્વિટ કરતા મોટી આ ટાઈપ ની વાર્તામાં 150 શબ્દોની આસપાસ માં કહેવાનું હોય છે કે જે વાંચનાર 30 સેકંડ માં વાંચી શકે ! એ ઘણું કપરું કામ છે વાર્તા નો આરંભ ,મધ્યાન અને અંત આ માર્યાદિત શબ્દોમાંજ લાવવાનો હોય છે -જે ઘણો પરિશ્રમ ,વાંચન , નિરિક્ષણ અને લખવાનો અનુભવ માંગી લેછે -પાંચેય વાર્તા વાચ્યા પછી ,ડો હેમલ વૈષણ ની આ વિષયમાં માસ્ટરી છે તે માટે .અભિનંદન !

 • Mita Vyas

  Refreshing read on the New Year’s Day!
  I really like “javabdari” and “Darshan”
  Very meaningful short stories … Thought provoking!

  Keep writing!
  All the best wishes to you and your family!
  Mita Vyas .

 • સુરેશ

  સુશીલા માંદી પડી. સવારની ચા અને નાસ્તો નરેશને બનાવવો પડ્યો. બાબલાએ નાસ્તો કરતાં દુધ ઢોળ્યું. નરેશે બડબડતાં બાબલાને એક ઠોકી દીધી અને પોતું કરી, રસોડાના ખુણામાં પોતું ઉશેટી દીધું. ગઈ કાલની વધેલી ખીચડી વઘારી , એને જ લન્ચ માટે પેક કરી; બાબલાને નીશાળે ઉતારી, કડવા મને નરેશ ઓફીસ ગયો.

  સાંજે ઓફીસેથી પાછાં આવી, ખાવાનું બનાવવાની તરખડ કરવાને બદલે બાબલાને લઈ, હોટલમાં જમી આવ્યો. સાથે સુશીલા માટે સુપ પણ લેતો આવ્યો.

  ભીનું, વાસ મારતું, પોતું હજુ ખુણામાં ડુસકાં ખાતું પડ્યું હતું. થોડીક કીડીઓ પણ એની ઉપર સળવળાટ કરતી આનંદમાં મ્હાલતી હતી.

  બીજા દીવસે સુશીલાનો તાવ ઉતરી ગયો. રસોડામાં જઈ ચા બનાવતાં પહેલાં તેણે સીન્કમાં પોતું ધોઈ, નીચોવી, બાલ્કનીની પાળી પર સુકવી દીધું.

  નરેશના ઓફીસ જવાના સમયે કડકડતું પોતું સુર્યના તડકામાં ઉંડો વીચાર કરતું હતું.

  ****

  વાચકોને એક પ્રશ્ન-

  પોતું શો વીચાર કરતું હતું?