પાંચ કૃષ્ણકાવ્યો – સંકલિત (ભાગ ૨) 6


૧. મોરપીંછની રજાઈ ઓઢી.. – સુરેશ દલાલ

મોરપીંછની રજાઈ ઓઢી, તમે સૂઓને શ્યામ;
અમને થાય પછી આરામ.

મુરલીના સૂરનાં ઓશીકાં, રાખો અડખે-પડખે;
તમે નીંદમાં કેવા લાગો, જોવાને જીવ વલખે,
રાત પછી તો રાતરાણી થઇ, મહેંકી ઉઠે આમ. મોરપીંછની..

અમે તમારા સપનામાં તો નક્કી જ આવી ચડશું;
આંખ ખોલીને જોશો ત્યારે અમે જ નજરે પડશું,
નિદ્રા તંદ્રા જાગૃતિમાં, ઝળહળભર્યો દમામ. મોરપીંછની..

૨. હલકે હાથે તે નાથ.. – કવિ ન્હાનાલાલ

હલકે હાથે તે નાથ ! મહિડાં વ્હલોવજો;
મહિડાંની રીત ન્હોય આવી રે લોલ..

ગોળી નન્દાશે નાથ ! ચોળી છંટાશે, નાથ !
મોતીડાંની માળા તૂટશે રે લોલ.
ગોળી નન્દાશે ને ગોરસ વહી જશે,
ગોરીનાં ચીર પણ ભીંજાશે રે લોલ. હલકે હાથે..

ન્હાનીશી ગોરસીમાં જમનાજી ઊછળે:
એવી ન નાથ ! દોરી રાખો રે લોલ.
ન્હાનીશી ગોરસીમાં અમૃત ઠારિયાં,
હળવે ઉઘાડી નાથ ! ચાખો રે લોલ. હળવે હાથે..

૩. કેને રે પૂછું.. – દાસી જીવણ

શામળિયાના સમાચાર, હવે હું કેને રે પૂછું !
પાતળિયાના સમાચાર, કો’ને હું કેને રે પૂછું !

આડા સમદરિયા ને નીર તો ઘણેરાં વા’લા !
વાલીડો વસે છે ઓલ્યે પાર, હવે હું કેને રે પૂછું..

આડા ડુંગરડા ને પા’ડ તો ઘણેરા વા’લા !
પંથડો પડેલ ના મુંજો પાર, હવે હું કેને રે પૂછું..

રાત અંધારી ને મેહુલિયા વરસે વા’લા !
ધરવેં ન ખેંચે એક ધાર, હવે હું કેને રે પૂછું..

રોઈ રોઈને મારો કંચવો ભિંજાણો વા’લા !
હલકેથી ત્રુટલ મારો હાર, હવે હું કેને રે પૂછું..

દાસી જીવણ કે’ પ્રભુ ભીમ કેરે ચરણે વા’લા !
બેડલો ઉતારો ભવપાર, હવે હું કેને રે પૂછું..

૪. કાગળ હરિને લખીએં.. – રવિસાહેબ

લાવો લાવો કાગળ ને દોત, લખીએં હરિને રે
એવો શિયો રે અમારલો દોષ, ન આવ્યા ફરીને રે.

જાદવ ઉભા રયોને જમનાને તીર, પાલવડે બંધાણા રે.

વા’લે દૂધ ને સાકરડી પાઈ ઉઝેરેલ અમને રે
એવાં વખડાં ઘોળી ઘોળી પાવ, ઘટે નૈં તમને રે. – લાવો.

વા’લે હીરના હીંડોળા બંધાવી હીંચોળેલ અમને રે
એવા હીંચોળી તરછોડો મા મા’રાજ ! ઘટે નૈ તમને રે. – લાવો.

વા’લે પ્રેમનો પછેડો ઓઢાડી રમાડેલ અમને રે
એવા ઓઢાડી ખેંચો મા મા’રાજ ! ઘટે નૈ તમને રે. – લાવો.

વા’લે અંધારા કૂવામાં આજ ઉતારેલ અમને રે
એવા ઉતારી વ્રત વાઢો મા મા’રાજ ! ઘટે નૈ તમને રે. – લાવો.

ગુણ ગાય રે રવિ ને ભાણ ગુરુગમ ધારો રે.
એવી પકડેલ બાંય મા’રાજ ! ભવસાગર તારો રે. – લાવો.

૫. હરિવર સાથે હેત.. – પન્ના નાયક

હરિવર સાથે હેત
ખુલ્લેખુલ્લું કહી દઉં છું કે ખપે નહીં સંકેત

છાનુંછપનું શાને કરવું ? ક્યાં કરીએ છીએ ચોરી ?
રાધાશ્યામના પ્રેમની ઉપર કોની છે શિરજોરી ?
હું શ્યામની કુંજગલી છું ને મીરાંબાઈનો ભેખ.. હરિવર સાથે હેત.

સાંવરિયાના સૂરની સાથે હોય અમારો નાતો
શ્યામની સાથે હોય સદાયે, શરદપૂનમની રાતો.
સૃષ્ટિ આખી તન્વી શ્યામા, ‘કૃષ્ણપુરુષ છે એક.’.. હરિવર સાથે હેત.

શ્રીકૃષ્ણને કેન્દ્રમાં રાખીને લખાયેલ કાવ્યો-ગીત પ્રસ્તુત કરવાનો આ શિરસ્તો ગત જન્માષ્ટમીએ શરૂ થયો હતો. દસ રાધાકૃષ્ણ કાવ્યો અને નરસિંહ મહેતાની ૨૫ કૃષ્ણભક્તિ રચનાઓ ગત વર્ષે પ્રસ્તુત કરી હતી. એ જ શ્રદ્ધાના વહેણને આગળ વધારતાં આ પહેલાં પાંચ કૃષ્ણકાવ્યો પ્રસ્તુત કર્યા હતાં અને વધુ પાંચ આજે પ્રસ્તુત્ છે. અચાનક આવેલી વ્યસ્તતાઓએ અક્ષરનાદ પર છેલ્લા પાંચ દિવસથી પોસ્ટ કરવા જેટલો પણ સમય આપ્યો નથી એટલે આ પાંચ કાવ્યોને મોડું થયું છે. આશા છે કે આ વિલંબને વાચકો દરગુજર કરશે..


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “પાંચ કૃષ્ણકાવ્યો – સંકલિત (ભાગ ૨)