ગુજરાત ગૌરવગાન.. (બે ગીત) – જીજ્ઞા ત્રિવેદી 10


૧. ગુજરાતી

માતૃભાષા પ્રાણસમી પ્યારી લાગે છે ગુજરાતી
ગુર્જરવાસીના ઉરમાં ઉર્મિ ઉછળે છે ગુજરાતી.

ગુજરાતી ભાષાનો પાલવ પકડી સૌ સંતાન,
જીવી રહ્યા એ બાબતનું ગુર્જર છે અભિમાન
આશીશ દઈ સૌને હરપળ પ્રેમસુધા રસ પાતી
ગુર્જરવાસીના ઉરમાં ઉર્મિ ઉછળે છે ગુજરાતી

શબ્દતપસ્વીઓ રાખે છે જેની સુંદરતમ શાન,
જેના શ્વાસોમાં નિત ધબકે છે સંસ્કૃતિ આન,
શસ્ય શ્યામલ શી જેમાં ગુર્જર અસ્મિતા લહેરાતી,
ગુર્જરવાસીના ઉરમાં ઉર્મિ ઉછળે છે ગુજરાતી.

માતૃભાષાનું જીવનમાં અવિચળ રાખી સ્થાન,
ખુદના અસ્તિત્વને પામી શક્શે ગુર્જર સંતાન
છે જનની ગુર્જરની ગુર્જરના હૈયે એ હરખાતી,
ગુર્જરવાસીના ઉરમાં ઉર્મિ ઉછળે છે ગુજરાતી.

૨. ગૌરવગાન

પાવન ચરણોની આરતી ઉતારે સૌ સંતાન
જય હો (૩) જય હો ગુર્જરી માત
ગાયે નિશદિન ગૌરવગાન.

ગરવો ગઢ ગિરનાર અપાવે નરસિંહ કેરી યાદ
સોમનાથને દ્રારકેશથી ધરતી છે રળિયાત,
છે પાવાગઢના ડુંગર કેરી પણ સદીઓથી શાન,
જય હો (૩) જય હો ગુર્જરી માત
ગાયે નિશદિન ગૌરવગાન.

જુદી જુદી જીવનશૈલી લઈ વિધવિધ વસતી જાત,
અતિથિઓ એને મન જાણે ઈશ્વર છે સાક્ષાત,
મૈત્રીસભર છે સ્મિત અને વ્યક્તિત્વ જાજરમાન,
જય હો (૩) જય હો ગુર્જરી માત
ગાયે નિશદિન ગૌરવગાન.

લોકભરત, ગૂંથણ, પાટણના પટોળા જગવિખ્યાત,
બાંધણી, બંધેજ, માટીકામ છે હસ્તકલાનો તાજ
પીઠોરા, રાઠવા શૈલીનું કરતા સૌ સન્માન
જય હો (૩) જય હો ગુર્જરી માત
ગાયે નિશદિન ગૌરવગાન.

પર્વ મેળાઓથી ઝળહળતું લાગે છે ગુજરાત,
છે માધુપુર ને તરણેતરથી સાવ અનોખી ભાત
સાત નદીના સંગમ સ્થાને વૌઠાને છે માન
જય હો (૩) જય હો ગુર્જરી માત
ગાયે નિશદિન ગૌરવગાન.

રણોત્સવ ને પતંગમહોત્સવ સંસ્કૃતિના સોપાન,
કીર્તિસ્તંભમાં સંભળાશે તાનારીરીની તાનમ્
મોઢેરાના સૂર્યમંદિરે થાય કલા રસપાન
જય હો (૩) જય હો ગુર્જરી માત
ગાયે નિશદિન ગૌરવગાન.

જનશક્તિ, રક્ષાશક્તિ, જળશક્તિ, ઉર્જાશક્તિ
અને જ્ઞાનશક્તિથી બનશે ગુજરાત મહાશક્તિ
વિધવિધ અભિયાનો સંગાથે કરશે સૌ ઉત્થાન
જય હો (૩) જય હો ગુર્જરી માત
ગાયે નિશદિન ગૌરવગાન.

– જીજ્ઞા ત્રિવેદી

આજે ગુજરાતના જન્મદિવસે પ્રસ્તુત છે ભાવનગરના ગઝલકાર શ્રી જીજ્ઞાબેન ત્રિવેદીની કલમે પ્રગટ થયેલ બે સુંદર ગુજરાત – ગુજરાતી ગીત, ગુર્જરગીરાના ગૌરવગાન કરતા અને તેની ભાતીગળ પ્રકૃતિ તથા અનેકતામાં એકતાનો સંદેશો આપતી સંસ્કૃતિના દર્શન તો આ ગીતમાં થાય જ છે, સાથે સાથે એક સુરક્ષિત, સુવિકસીત અને સુનિયોજીત એવા ભવિષ્યની કલ્પના પણ અહીં સુપેરે વ્યક્ત થઈ છે. ગુજરાત રાજ્ય અને ગુજરાતી ભાષાના ગૌરવની વાત કરતાં આ ગીતો ખરેખર ઉમદા છે. પ્રસ્તુત ગીત અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી જીજ્ઞાબેનનો ખૂબ ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “ગુજરાત ગૌરવગાન.. (બે ગીત) – જીજ્ઞા ત્રિવેદી