ત્રણ કાવ્યો.. – પન્ના નાયક 7


૧. બેડરૂમની અંદર અને બહાર..

અરધી ઉંઘ
અરધું સ્વપ્ન
પહોળી પહોળી પથારી
ફ્લાવરવાઝનાં ન બદલાયેલાં ફૂલ
ભર્યા જલનો હવે તો એ કુંભ ઢોળી નાંખવો જોઈએ
અને અરીસા
કેવા ચોખ્ખા ચક્ચક્તિ દાંતથી હસી રહ્યા !
પૂરેપૂરા પડદાને ફેલાવી
બારીને તો મૂંગી કરી,
આજની જ ધોવાયેલી ધવલ ચાદર
ધોવાયેલા અતીતની કથા કહે ત્યાં જ
રણકતો ફોન – અંધારસભર રાત્રિ જાણે રણકંત –
પહોંચું ત્યાં જ મૌન.
– ઓશીકા પર એક બે આંસુ
આટલું છે રે
તો ય પી ના શકે એને
હોય એટલી શક્યતાથી
સવારે ઊઠું છું
બગીચામાં જોઉં તો
સૂર્ય સામે હજી એ જ બે લાલ ગુલાબ
એનું એ જ ઝૂલી રહ્યાં !

૨. આમ તો હું ઘરમાં છું

આમ તો હું ઘરમાં છું
છતાં ઢીંગલીઘરની એકાદ ઢીંગલી હું
કેટલાનું રમવાનું રમકડું !

સંબંધીઓ આવીને વાત કરવા વીનવે છે
હું મ્હોં ખોલું છું
પણ થીજેલા શબ્દો બહાર આવી શક્તા નથી.
ન ઓગળે એવો ય બરફ બને છે ખરો !

મારા સ્વામી મને શો-કેઈસમાંથી
સોફા પર બેસાડે છે
પંપાળે છે
કહે છે આ તો હમણાંની જ બીમારી છે –
માત્ર બોલી શક્તી નથી, પહેલાં તો બોલતી’તી જ ને !
હું સૂનમૂન જોયા સાંભળ્યા કરું છું
(અન્યને શું ખબર આવા ય અબોલા હોય !)
બહુ જ બોલકી મારી દીકરી આવીને
પ્લાસ્ટિકની શીશીમાંથી મને દૂધ પીવડાવે છે.
“તું જ મારી ખરી બેબી છે” બોલે છે
એની ચમકારા મારતી આંખોની આરસીમાં
મારાથી જોવાઈ જાય છે,
ને હું બેબાકળી
સરી પડું છું – તો ય અવાજ થતો નથી,
હું ફસડાઈ પડું છું ફર્શ પર એટલું જ નહીં
ક્યાંય અંદર અલોપ થઈ જાઉં છું
ચપોચપ ચોંટેલા મૌનના કઢણ ચોસલા ટાઈલ્સની તળે !

૩. આપણે

આપણે
આતલા નજીક
છતાંય
જિંદગીભર
એકબીજાને જોયા કર્યા છે એ રીતે
જાણે
હું સ્ટેશન પર
ને
તું
પસાર થતી ટ્રેનનો મુસાફર

– પન્ના નાયક

બિલિપત્ર

મેળે ગયેલું બાળક
માની પરવા કર્ય વિના
મેળાને
વિસ્મયથી પૂર્ણપણે ભોગવતું હોય
ત્યારે જ તેને
ીનો હાથ ખેંચી કોઈક
મેળાની બહાર ઘસડી જાય..
મૃત્યુને આવું કેમ સૂઝતું હશે ?

– પન્ના નાયક

‘વિદેશિની’ ના નામે કાવ્યો લખતા શ્રી પન્નાબેન નાયકના કાવ્યોનું સંકલન કરીને શ્રી સુરેશભાઈ દલાલે ‘કાવ્ય-કોડિયાં’ અંતર્ગત લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા હતાં, એ સંગ્રહમાંથી આજે ત્રણ અનોખા અછાંદસ અહિં પ્રસ્તુત કર્યા છે. પન્નાબહેનના વધુ કાવ્યો તેમની વેબસાઈટ http://pannanaik.com પર માણી શકાશે.


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “ત્રણ કાવ્યો.. – પન્ના નાયક