ત્રણ લઘુકથાઓ… – નિમિષા દલાલ 16


(૧)

ચીં..ઈ….ઈ… ધડામ … પૂરઝડપે રોંગ સાઈડ આવતી ટ્રકના ડ્રાયવરનો બ્રેક મારી મને બચાવવાનો પ્રયત્ન સફળ ન રહ્યો. ટ્રકે મને ટક્કર મારી ને હું ફંગોળાઈ. ટ્રકના પૈંડા નીચે મારો દેહ કચડાઈ ગયો ને હું દેહથી અલગ થઈ ગઈ. અકસ્માતના અવાજે રસ્તા પરના છુટા છવાયાં લોકોનું ટોળું બનાવ્યું. ૧૦૮ ની સાયરન વાગી ને મારો દેહ એમાં મુકાયો. હોસ્પિટલના ડૉક્ટરે એ દેહને મૃતદેહ કરાર આપ્યો.. મારા પતિ અને બાળકોના આક્રંદ વચ્ચે એ મૃતદેહને ઘરમાં લવાયો. સગાં-વહાલાં, પાસ-પડોશીઓ એકઠાં થઈ કલ્પાંત કરતાં હતાં. પણ મને દેહ છોડ્યાનું દુઃખ નહોતું. જ્યારથી તેના ધરતી પરથી વિદાયના સમાચાર સાંભળ્યા હતાં.. ધરતી પર મન નહોતું લાગતું. દુનિયાના એક ખૂણામાં તે એના સંસારમાં સુખી હતો.. મારે માટે તેટલું જ બસ હતું. તે જીવતો હતો તો કદીક મિલનની આશ હતી. આમતો મારા પતિ અને બાળકો સાથે મારો પણ સુખી સંસાર જ હતો. પણ કાળજે કોઈ ખોટ હતી.

આજે ફરી એના મિલનની આશ બંધાઈ.

મારા દેહને આગ મુકાઈ અને એની ધુમ્રસેર સાથે હું આકાશમાં ઊડી. વાદળો પસાર કર્યા, તારાઓ પસાર કર્યા ને મારા જેવા કેટલાયે આત્માઓ વચ્ચે હું જઈ પહોંચી. આમાં કેમ કરીને એને શોધીશ હું ? આમ તેમ જોતાં એક ખૂણામાં મેં એને જોયો.. એણે મને જોઈ.. ધરતી પર ન કરી શકેલા પ્રેમનો એકરાર કર્યો. હવે એક સંતોષ હતો કે સાથે જ છીએ ને રહીશું. થોડા સમયમાં એ ઝાંખો થવા લાગ્યો.. જાણે હવામાં ઓગળવા લાગ્યો.. થોડી વારમાં તો એ અદ્રશ્ય થઈ ગયો. તેણે ધરતી પર એક નવી ઓળખ સાથે જન્મ લઈ લીધો.

(૨)

“આજે સંગદાદીદી મળ્યા હતા.” હેમાએ પરવારીને રમેશની બાજુમાં સૂતાં કહ્યું. ત્રણે બાળકો ઉંઘી ગયાં હતાં.

“એમ ? અહી આવ્યા છે હમણાં ? મજામાં છે ને ?” રમેશે હેમા તરફ ફરતાં કહ્યું.

“હા, પણ લગ્નના દસ વર્ષ થયાં. એમને ત્યાં બાળક નથી.” હેમા દુઃખી સ્વરે બોલી.

રમેશનો હાથ હેમાના વાળ માં ફરતો હતો. એણે હેમાના વાળ ખુલ્લા કર્યા. “ઓહ !”

“રમેશ સંગદાદીદીને મારી પાસેથી બાળક જોઇએ છે.” હેમાએ રમેશ તરફ ફરી એના વાળમાં હાથ ફેરવ્યો. રમેશનો હાથ હવે વાળમાંથી ગાલ પર આવી ગયો હતો.

“હેમા, ભલે હું ઓછું કમાઉ છું. પણ મારા બાળકો મારે વધારાના નથી.” રમેશે હેમાના હોઠ પર અંગુઠો ફેરવતાં કહ્યું.

“પણ રમેશ એમને આપણા બાળકોમાંથી નથી જોઇતું. એમને પોતાનું બાળક મારી પાસેથી જોઇએ છે.” હેમાએ પોતાના હોઠ રમેશના હોઠ નજીક લઈ જઈ કહ્યું. ને રમેશે ધક્કો મારી હેમાને પોતાનાથી દૂર હડસેલી. હેમા રમેશને આલિંગનમાં લેતા બોલી,

“તું નથી ઇચ્છતો કે આપણા બાળકો સારી શાળામાં ભણે. એ બાળકના બદલામાં જે રુપિયા આપશે…” રમેશ બેઠો થઈ ગયો.

“હા, મારી પણ ઈચ્છા છે કે આપણે એક સારી જીન્દગી જીવીએ પણ એ માટે હું તને વેચવા તૈયાર નથી.”

“ઓહ રમેશ ! તું ખોટું સમજે છે.” રમેશે હેમા તરફ જોયું.

“આપણે સંગદાદીદીને એમનું બાળક આપીશું ને એ આપણને સારું ભવિષ્ય આપશે.”

“ભલે.” કહેતા રમેશે સંમતિ દર્શાવી.

સંગદાને મળીને હેમાએ રમેશની મંજુરીની ખુશ ખબર આપી. સંગદા હેમાને પોતાને ત્યાં લઈ ગઈ જેથી પ્રેગ્નંસીમાં તે હેમાનું પૂરું ધ્યાન રાખે અને હેમા એક સ્વસ્થ બાળકને જન્મ આપે. નવમો મહિનો બેસી ગયો હતો. હવે થોડાજ દિવસોમાં સંગદાના ખોળામાં એનું પોતાનું બાળક હશે. સંગદા અને એનો પતિ બંને ખુશ હતા.

ટ્રીન…. ટ્રીન …. સંગદાના બંગલાની ફોનની ઘંટડી રણકી ઉઠી.. માર્ગ અકસ્માતમાં સંગદા અને તેના પતિ બંનેનું ઘટનાસ્થળેજ મૃત્યુ થયું હતું. હેમાના હાથમાંથી રીસીવર પડી ગયું…

(3)

આજે તો ખુબજ મોડું થઈ ગયું છે. મમ્મી ખિજાશે. એક ફોન પણ નથી કર્યો. વિચારતો વિચારતો એ પોતાની પાસેની ચાવી થી દરવાજો ખોલી અવાજ ના થાય એમ દબાતા પગલે ઘરમાં પ્રવેશ્યો. આમતો મમ્મી એ આવે ત્યાં સુધી જાગતી રહેતી પણ આજે જરા વધારે મોડું થઈ ગયું હતું. બિલ્લીપગે એ પોતાના રૂમમાં આવ્યો. નાહીને ફ્રેશ થઈ બાલ્કનીમાં આવ્યો. સડક સુમસામ હતી. કોઇ અવરજવર નહોતી. સામેની દુકાનનાં ઓટલા નીચે કુતરીએ બચ્ચાં મુક્યાં હતાં. અત્યારે તો એ બધાં પણ શાંતિથી ઉંઘતા હતા. એ થોડીવાર એમજ ઉભો રહ્યો. અચાનક કુતરીના બધાં બચ્ચાં માંથી એક બચ્ચું જાગી ગયું અને ધીમે ધીમે રોડ પર આવી ગયું એટલામાં કુતરી પણ જાગી ગઈ.

એણે બચ્ચાને મોં વડે ઉંચકીને પાછું ઓટલા નીચે મુક્યું. થોડીવાર રહીને બચ્ચું પાછું રોડ પર આવી ગયું એની મા એને પાછી ઓટલા નીચે લઈ ગઈ. પેલા શેતાન બચ્ચાને ઉંઘ નહોતી આવતી. એ જાણે બગાવતે ચડ્યું હતું. એને પોતાની મા ની વાત માનવી નહોતી. વારે વારે એ શેતાન બચ્ચું રોડ પર આવતું અને એની મા એને ઓટલા નીચે લઈ જતી. એને આ રમત જોવાની મજા પડી.

દિવસ દરમ્યાન પ્રોજેક્ટ બનાવવામાં એટલો બીઝી હતો કે એણે કંઈજ ખાધું નહોતું. હવે અત્યારે નવરો પડતાં એને ભુખ લાગી. મમ્મીને તો એણે ખાવાનું રાખવાની ના કહી હતી એટલે દુધ લેવા એ રસોડામાં ગયો. હજુ તો ગ્લાસ લીધું ત્યાંતો અચાનક એક સાથે બચ્ચાંનો કણસવાનો, કુતરીનો ભસવાનો અને ફુલસ્પીડે ગાડી પસાર થવાનો અવાજ આવ્યો. એ બાલ્કનીમાં દોડ્યો. એણે જોયું કે એક બાજુ રોડપર બચ્ચું કણસતું હતું અને બીજી બાજુ કુતરી ગાડીની પાછળ દોડતી હતી. બચ્ચાંના પગ પરથી કદાચ ગાડી પસાર થઈ ગઈ હતી. એ ઉભું નહોતું થઈ શકતું. એને જખ્મી જોઈ ને એની મા પોતાના બચ્ચાંને ઈજા પહોંચાડનાર ગાડીની પાછળ દોડતી હતી. પણ એની ઝડપ ઓછી નીકળી અને ગાડીના પાછળના ભાગે એના નહોરથી ઘસરકા પડ્યા. એ ઘડીકમાં બચ્ચાંને તો ઘડીકમાં કુતરીને જોતો હતો.

ચીંઈઈઈઈ………. ગાડીની બ્રેક લાગવાના અવાજે એને ચોંકાવ્યો. એણે એ દિશામાં જોયું. ‘યુ’ ટર્ન લઈને ગાડીવાળો પાછો ફર્યો અને કણસતાં બચ્ચાં પર ગાડી ફેરવીને જતો રહ્યો. શેતાન બચ્ચાંનાં માંસના લોચા રોડપર વિખરાઈ ગયાં.

– નિમિષા દલાલ

નિમિષાબેન રચિત ત્રણ સુંદર લઘુકથાઓ આજે પ્રસ્તુત છે. લઘુકથાઓમાં ગૂઢ અર્થ અને કૃતિનું ટૂંકુ પરંતુ સચોટ અને સબળ માળખું તેને ધાર બક્ષે છે અને નિમિષાબેનની પ્રસ્તુત કૃતિઓમાં એ સુપેરે અનુભવી શકાય એમ છે. અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા બદલ તેમનો આભાર અને શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

16 thoughts on “ત્રણ લઘુકથાઓ… – નિમિષા દલાલ

 • Maheshchandra Naik

  બધી વાર્તાઓના અંત ખુબ જ સવેદનશીલ બનાવવા માટૅ એટલુ જ સંવેદનાભર્યુ મન હોવુ જરુરી, વિચારવંત વાંચકો માટૅ ાસરસ વાર્તાઓ,નિમિશાબેનને અભિન્દન્,ા

 • નિમિષા દલાલ

  ખૂબ ખૂબ આભાર સૌનો.. વિશ્વાસ નથી આવતો આંખો પર હરનીશભાઈ તમરો મેસેજ આટલો જલ્દી આવ્યો.. આભાર… અશ્વિનભાઈ હું મારું આઈ. ડી અહી લખું છું આપ સમ્પર્ક કરી શકશો.. અક્ષરનાદ ના નિયમો ની ખાસ જાણકારી નથી મમતા માં આપેલા આઈ.ડી સિવાયનું એક અહી મુકુ છુ.. એમ.ડી.ગાંધી સર.. આ સિવાયની બિજી વાર્તાઓ પર આપ સૌનો પ્રતિભાવ મળશે તો મારા લેખનને વેગ મળશે.. ફરી આપ સૌનો આભાર…

 • ashvin desai47@gmail.com

  બહેન નિમિશા તુન્કિ વાર્તા ક્ષેત્રે ઝદપિ પ્રગતિ કરિ રહેલા
  લેખિકા તરિકે ખાસ ધ્યાન ખેન્ચિ રહ્યા ચ્હે ત્ે આનન્દનિ
  વાત ચ્હે . એમ્નિ વિશેશતા એ ચ્હે કે એઓ વાર્તા વસ્તુને
  અનુરુપ ફોર્મ તરત જ પકદિ શકે ચ્હે તે આ ત્રન લઘુ કથાઓ
  વાન્ચિને એહ્સાસ થાય ચ્હે . એમનિ ‘ મમતાનિ વાર્તા
  ‘ બાલ્માનસ ‘ પન એનો તાજો જ પુરાવો ચ્હે , પન એમને આપેલુ ઇમેલ ઐઇદિ એમને મેલ પહોચાદ્તુ નથિ . ખુલાસો
  કરશો અથવા એમનિ પાસે કરાવશો? અ. દે . ઓસ્ત્રેલિયા