શિયાળુ સાંજ – રાજેન્દ્ર શાહ 4


શિયાળુ સાંજની વેળ છે થોડી;
હાલ્યને વાલમ ! આંચને આધાર ખેલીએ આપણ,
નીંદરુ આવશે મોડી.

ચીતરી મેલી ચોસર મ્હોરાં, સોહ્ય છે રૂડે રંગ,
ધોળિયો પાસો ઢાળિયે, જો’યે કોણ રે જીતે જંગ,
આબરૂ જેવી આણજે થાપણ,
ગઠરીની મેં’ય ગાંઠને છોડી,
હાલ્યને વાલમ ! ખેલીએ આપણ
નીંદરુ આવશે મોડી.

નેણથી તો નેણ રીઝતાં ને કાન, વેણની એને ટેવ,
વાત કીજે એલા કેમ રે ભેટ્યાં, ભીલડીને મા’દેવ.
કોણ ભોળું, કોણ ભોળવાયું,
જે કાળજાં રહ્યાં વ્હાલથી જોડી,
હાલ્યને વાલમ ! ખેલીએ આપણ
નીંદરુ આવશે મોડી.

આપણી કને હોય તે બધું, હોડમાં મૂકી દઈ,
હાર કે જીત વધાવીએ આપણ, એકબીજાનાં થઈ,
અરધી રાતનું ઘેન ઘેરાતાં,
ઓઢશું ભેળાં એક પિછોડી;
હાલ્યને વાલમ ! ખેલીએ આપણ
નીંદરુ આવશે મોડી.

– રાજેન્દ્ર શાહ

૨૮ જાન્યુઆરી ૧૯૧૩માં કપડવંજમાં જન્મેલા શ્રી રાજેન્દ્ર શાહ ગુજરાતી કવિતાના એક આધારસ્તંભ છે. તેમના અનેક પ્રચલિત કાવ્યસંગ્રહો જેવા કે ધ્વનિ (૧૯૫૧), આંદોલન (૧૯૫૧), શ્રુતિ (૧૯૫૭), મોરપીંછ (૧૯૬૦), શાંત કોલાહલ (૧૯૬૩), ચિત્રણા (૧૯૬૭), ક્ષણ જે ચિરંતન (૧૯૬૮), મધ્યમા (૧૯૭૭), ઉદગીતિ (૧૯૭૮) સત્વશીલ અને છતાંય વિપુલ સંખ્યામાં તેમણે કરેલા કાવ્યસર્જનની સાક્ષી પૂરે છે. કલ્પનાની કલમે સૌઁદર્ય નિહાળતી નજરે તેમણે આલંકારિક રીતે કરેલું શિયાળાની સાંજનું વર્ણન આહ્લાદક અને સૌંદર્યસભર છે. શિયાળાની સાંજે પ્રણયગોષ્ઠી કરતા યુગલની આ સૌંદર્યપ્રચૂર વાત ખૂબ સુંદર રીતે મૂકાઈ છે. પ્રસ્તુત રચના લોકમિલાપ દ્વારા પ્રસિદ્ધ કાવ્યકોડિયા અંતર્ગત શ્રી રાજેન્દ્ર શાહના કાવ્યોના જયન્ત પાઠકે કરેલા સંકલનમાંથી લેવામાં આવ્યું છે.


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

4 thoughts on “શિયાળુ સાંજ – રાજેન્દ્ર શાહ

  • Ramesh Patel

    હૂંફ એ શિયાળાની વાનગી.. શ્રી રાજેન્દ્રભાઈ
    શાહના કાવ્યમાં સુંદર રીતે તે ઉજાગર થાય .માણ્યા જ
    કરીએ આ પંક્તિઓ.

    રમેશ પટેલ(આકાશદીપ)

  • Maheshchandra Naik

    સરસ શિયાળુ સાંજનુ કાવ્ય, કવિશ્રી રાજેન્દ્ર શાહ બહુ જ સરળ વાતને લઈ આવી બાળપણ જીવંત કરી દીધુ, એમને અભિનદન અને આપનો આભાર…………………

  • jjugalkishor

    * એમનો શાંત કોલાહલ રાષ્ટ્રીય ઍવોર્ડ મેળવનાર સંગ્રહ હતો.
    * એમના સોનૅટનું એક ગુચ્છ ‘આયુષ્યના અવશેષે’ને બ.ક.ઠા.એ કિનખાબ પર રેશમી દોરાથી ભરત જેમ ભરીને તોરણ તરીકે દીવાલ પર રાખવા જેવાં’ કહીને સન્માન્યાં હતાં…..

    એ આખું સોનૅટગુચ્છ વહેંચવા જેવું છે. પ્રજ્ઞાબહેને એક વાર ક્યાંક ઉલ્લેખેલું….“ખખડ થતી ને ખોડંગાતી જતી ડમણી જૂની…”

    કવિ રાજેન્દ્ર શાહ !