એક ક્ષણ.. – હર્ષદ જોશી 4


એક જ ક્ષણ કે જેમાં જો માનવ પોતાના ક્રોધ પર કાબૂ ન રાખે તો સંબંધોમાં તિરાડ પડી જાય છે અને તે પોતાનું આરોગ્ય એટલી હદ સુધી બગાડે છે કે એટેક આવવાની શક્યતાઓ થઈ જાય છે.

એક જ ક્ષણ પોતાના ઉર્મિશીલ હ્રદય પર કાબૂ ન રાખી શકવાને લીધે માણસ આત્મહત્યા કરી જીવન ટૂંકાવી નાખે છે, એક જ ક્ષણ પૃથ્વીની ભીતરનો પાટો અથડાય છે. અંતે ભૂકંપ આવી જાય છે અને તારાજી સર્જાય છે.

એક જ ક્ષણ ડ્રાઈવર ગફલત ખાઈ જાય છે અને ગાડીના ચૂરેચૂરા કરી અનેકના જીવ લેવાઈ જાય.

એક જ ક્ષણ, જો શેરબજારના ઘટતા ભાવ પહેલા શેર વેચી નાંખવામાં ન આવે તો માણસ દેવાદાર થઈ શકે છે.

એક જ ક્ષણના ભૂકંપ – સુનામીને લીધે સાગરકાંઠે ઉભેલા શહેરનું નામોનિશાન ભૂંસાઈ જાય છે.

એક જ ક્ષણ જો અત્યંત તરસ્યા માણસની તરસ છીપાવવામાં આવે તો રણ જેવા રણમાં પણ વ્યક્તિ બચી જાય છે.

આગનો તણખો પડવાના એક જ ક્ષણ પહેલા માણસ દૂર થઈ જાય તો મોટી હોનારતમાંથી તે બચી જાય છે.

એક જ ક્ષણ જો માણસ વહેલો કે મોડો જન્મે તો તેની કુંડળી બદલાઈ જાય છે એમ માનવામાં આવે એ, એ ક્ષણના ફરકથી ભાગ્યશાળી કે દુર્ભાગ્યશાળી ગણવામાં આવે છે.

પતિ પત્ની તેમના મતભેદોની ટોચ જો એક ક્ષણ સાચવીને એક બીજાને સમજવાનો પ્રયત્ન કરે તો તેમની વચ્ચે થનારા છૂટાછેડા અટકી જાય છે.

એક ક્ષણ પૂરતા જો વૈષ્ણવ મોડા પડે તો ભગવાનના દર્શનથી વિમુખ રહી જાય છે.

એક ક્ષણ પૂરતી પણ માનસિક સંતાપ માંથી મુક્તિ મળે તો અનેરી શાંતિ પ્રાપ્ત થઈ શકે છે.

જીવનમાં આવી નાની નાની ઘટનાઓ – આવી દરેક ક્ષણને સાચવી લેવામાં આવે તો જીવન મધુવન બની જાય છે, આવી જ એક ક્ષણને સુદામાએ સાચવી લીધી તો તેમને કૃષ્ણનો સ્નેહ મળ્યો, અજામિલને મુક્તિ મળી, હનુમાનજીએ ક્ષણની પણ વાર ન લગાડી એટલે લક્ષ્મણને બચાવી શક્યા, સાવિત્રીએ યમરાજ પાસેથી પોતાના પતિને પાછો મેળવ્યો, માર્કંડેય ઋષિ યમરાજને પાછા મોકલી શક્યા અને એક નબળી ક્ષણે હસી પડવાથી દ્રૌપદીએ મહાભારતના બીજ વાવ્યા. કૈકયી સ્વાર્થના વિચારને એક ક્ષણ ન રોકી શકી તો રામને વનવાસ મળ્યો, બીજા વિશ્વયુદ્ધ વખતે એક ક્ષણના કુવિચારને ન રોકી શકાયો અને જાપાન પર અણુબોંબ પડ્યો, એ તહસ નહસ થઈ ગયું. દશરથ રાજાએ બાણ ચલાવતા એક ક્ષણ ન વિચાર્યું તો અંતે પુત્રવિયોગે દેહ છોડ્યો, પાંડુરાજા તિતિવિષા પર એક ક્ષણ કાબૂ ન રાખી શક્યા અને મૃત્યુને ભેટ્યા, પાણીની બૂંદે ક્ષણ ન સાચવી તો સાવિત્રી નક્ષત્રમાં મોતી ન બની શકી, એક ક્ષણ યોગ્ય વિચાર ન કરવાથી સીતાજી લક્ષ્મણરેખા ઓળંગી ગયા અને રાવણ તેમનું હરણ કરી શક્યો.

– હર્ષદ જોષી

એક ક્ષણ, પ્રત્યેક અગત્યની અને નિર્ણાયક એવી એક ક્ષણનું મહત્વ શ્રી હર્ષદભાઈ જોશી આજના લેખમાં અનેરી રીતે સમજાવે છે. દરેકે દરેક ક્ષણ પોતાનામાં એક વરદાન અને એક શ્રાપ એમ બધું જ લઈને આવે છે. એક ક્ષણે હિંમત કરવાથી વિજય મળે છે અને એ જ ક્ષણે નિરાશ થવાથી હાર મળે છે, સવાલ છે ફક્ત એટલો કે મળેલી પ્રત્યેક ક્ષણનો તમે કઈ રીતે ઉપયોગ કરી શકો છો. પ્રસ્તુત લેખ શ્રી હર્ષદભાઈ જોશીના પુસ્તક ‘પ્રેરણાનાં પુષ્પો’ માંથી લેવામાં આવ્યો છે. આ પુસ્તક અક્ષરનાદને ભેટ આપવા બદલ શ્રી હર્ષદભાઈ જોશીનો ખૂબ ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “એક ક્ષણ.. – હર્ષદ જોશી

  • Umakant V.Mehta

    અક્ષરનાદ ઉપર હું મારી રચના મોકલી શકું? કેવી રીતે ? જણાવશો ? આભાર લી. ઉમાકાન્ત વિ.મહેતાઆતુલ્”

  • Maheshchandra Naik

    ક્ષણની અને કણની કીંમત સમજાય તો બેડૉ પાર થઈ જાય એવી વાત લઈ આવવા બદલ આપનો આભાર,લેખકને અભિનદન…….

    • Umakant V.Mehta "ATUL."

      એક ક્ષણ …….
      ભાઈશ્રી હર્ષદને વાંચવાનું ચુકી જવાય તો…?
      ક્ષણની પણ રાહ જોયા અગર વાંચન શરૂ કરો. આજની ઘડી તે રળીયામણી કાલ કોણે દીઠી. ? જો સોવત હૈ વો ખોવત હૈ, જો જાગત હૈ વો પાવત હૈ. ખુબ જ સરસ. ધન્યવાદ હર્ષદભાઈ. લી. ઉમાકાન્ત વિ.મહેતા. “અતુલ”

  • Lina Savdharia

    જીવન માં આવી નાની નાની ઘટનાઓ -આવી દરેક ક્ષણ સચવાય જાય તો જીવન સાર્થક બની જાય .
    ક્ષણ ક્ષણ કરતા તો આપણું આયુષ્ય વહી જાય છે . પળ પળ પ્રભુ નાં દર્શન થાય તેવું ઈચ્છીએ .
    ડગલે અને પગલે વિચારવા ની ક્ષમતા મળે તેવી પ્રભુ ને પ્રાર્થના .
    જય શ્રી કૃષ્ણ .