બક્ષીબાબુના વિચારવલોણાં… 19


શ્રી ચંદ્રકાંત બક્ષીના લેખનમાંથી કેટલાક ચૂંટેલા વિચારવલોણાં…

  • કુટુંબની આરંભિક વ્યાખ્યા એ હતી કે એમાં બંને વ્યક્તિઓ પોતાનું વ્યક્તિત્વ ભૂંસીને, પોતાનું જીવન સમર્પિત કરતી હતી, વંશ વધારવા માટે, બાળકોને શિક્ષણ આપવા માટે, વૃદ્ધોની સેવા માટે, નૈતિક ખાનદાનીનું ધોરણ કાયમ રાખવામાટે, એ સંયુક્ત પરિવાર હતો.. હવે પ્રાઈવસી જીવનનું અંગ બની ગઈ છે. ધન અને સમૃદ્ધિ વધે છે અને એક બેડરૂમ અલગ પતિ પત્ની માટે, એક બાળકો માટે એ ગણિત ગોઠવાઈ રહ્યું છે. બાળકોની આંખો એ હવે મમ્મી ડેડીના નૈતિક જીવનના કન્ટ્રોલ ટાવર નથી; મુરબ્બીઓની દખલ હવે કૌટુંબિક જીવનનો અંશ નથી, વૃદ્ધોની સેવા કરનારી આ કદાચ છેલ્લી પેઢી છે. પછી વૃદ્ધોએ ડાહ્યા થવું પડશે નહીંતો કુટુંબીઓ વૃદ્ધાશ્રમોમાં મૂકી આવશે.
  • સાધુ જો બ્રહ્મચારી હોય અને સ્ત્રી વિશે વિધાન કરે છે ત્યારે એ મને જૂઠો લાગે છે. સાધુ જ્યારે ધન વિશે વાત કરે છે ત્યારે પણ એ મને જૂઠો લાગે છે. આપણા શાસ્ત્રોએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષના ચાર આધારો પર પુરુષાર્થની વ્યાખ્યા બાંધી છે. ધર્મ સાધુનું ક્ષેત્ર છે અને મોક્ષ એક આભાસી ગન્તવ્ય છે. બાકી રહે છે કામ અને અર્થ (ધન) જેનો સાધુતા સાથે કોઈ સંબંધ નથી. જીવનને સમજવું હોય તો ધર્મ, અર્થ અને કામની અનુભૂતિ કરી લેવી જોઈએ. અને જે મનુષ્ય આ ત્રણમાંથી માત્ર એક જ અનુભવ કરે છે તેને જીવન વિશે અધિકૃત અભિપ્રાય આપવાનો અધિકાર નથી.
  • જ્યાં સુધી ગુજરાતી પ્રજામાં સ્ત્રીઓ જીવે છે ત્યાં સુધી ગુજરાતી ભાષા મટી જવાનું મને કોઈ કારણ દેખાતું નથી, કારણ કે સ્ત્રીથી ભાષા જીવે છે અને કલબલાટ કે કકળાટ કરવો એ અંગ્રેજી કરતા ગુજરાતીમાં વધારે ફાવે છે એવું ઘણાં સજ્જનોનું માનવું છે.
  • લગ્નજીવન ટકવાનો આધાર લગ્નજીવનમાંના શોક એબ્ઝોર્બર્સ પર છે. શોક એબ્ઝોર્બર એટલે જે ધક્કાને પચાવી શકે. જિંદગીના શોક એબ્ઝોર્બર્સ કયા છે? લજ્જા, શરમ, ધૈર્ય, અપેક્ષાઓ ઓછી રાખવી કે લોકો શું કહેશે? મારો સ્વર્ગસ્થ મિત્ર જીવરાજ જિંદગીની ફિલસૂફી કોઈપણ સાધુ બાવા કરતાં વધારે સ્પષ્ટ મને સમજાવી ગયો છે – આ દુનિયાના રસ્તા ઉબડખાબડ, પથરાળ, ખાડાવાળા છે, એ ખાસ આપણા માટે જ બનાવ્યા નથી, એના ઉપર આપણો કોઈ અંકુશ નથી, આપણે કકળાટ કરવાથી એ રસ્તા સુધરવાના નથી. આપણો અખ્તિયાર રસ્તાઓ પર નથી, એ ફક્ત આપણી મોટરકાર અને એના શોક એબ્ઝોર્બર્સ પર જ છે. આ જ રૂપક લગ્નજીવનને લાગુ પડી શકે.
  • પ્રેમ અને દોસ્તી છે, રહી છે માટે જીવન ખરાબા પર ટકરાતું રહ્યું છે પણ તૂટ્યું નથી. પ્રેમ છે, દોસ્તી છે માટે જિંદગી સહ્ય બની છે. અંદરથી તૂટનનો અવાજ સાંભળીને પણ સ્વસ્થ રહી શકી છે. શરીરનો ધર્મ છે મરતા રહેવાનો અને મનનો ધર્મ છે જીવતા રહેવાનો. પ્રેમ એન્જિન ઓઈલ છે અને દોસ્તી કૂલન્ટ છે. મશીન ગરમ ન થઈ જાય એ માટે પ્રેમ અને દોસ્તી એક જ પાત્રમાં મળતી નથી. જિંદગીને એટલી બધી સંકિર્ણ બનાવી મૂકવાની દાનત પણ નથી.
  • સ્વાતંત્ર્ય પછી ચાર ચાર યુદ્ધો લડી લીધા પછી આજ સુધી કોઈ હિન્દુસ્તાની સૈનિક ‘સેક્યુલારીઝમ કી જય’ કે ‘સેક્યુલારીઝમ અમર રહે’ નો નારો બોલતો મર્યો છે? એ મર્યો છે ત્યારે ‘જય ભવાની’ અને ‘એકલિંગજી મહાદેવકી જય’, ‘સતશ્રી અકાલ’ અને ‘આયો ગોરખાલી’ ના તુમુલ યુદ્ધનાદો ઉઠ્યા છે. એક પણ હિન્દુસ્તાની જવાને આજ સુધી ‘સેક્યુલારીઝમની જય’ બોલતા બોલતા આ પુનિત ધરતી પર પ્રાણ ન્યોછાવર કર્યો નથી. સેક્યુલારીઝમ.. ઓહ સેક્યુલારીઝમ !
  • જે માણસ જિદ્દી આશાવાદી છે અને જે માણસ ઝનૂન રાખીને નિરાશ થતો નથી એ માણસ વિજ્ઞાનના ક્ષેત્ર માટે યોગ્ય છે કારણ કે દરેક નવા અનુસંધાનનો વિરોધ થાય છે, યથાસ્થિતિવાદી એક પ્રબળ વર્ગ હોય છે જે દરેક નાના વિચારને ચેલેન્જ કરતો રહે છે અને આ ચેલેન્જની ભૂમિકા બૌદ્ધિક નહીં, પણ પારંપારિક વિશેષ હોય છે.
  • ગુજરાતી છોકરો લવ કરે છે, લવ મેરેજ કરે છે અને લગ્નનો ખર્ચ છોકરીના મા-બાપ ઉપર નાંખી દે છે ! એનામાં લગ્નનો ખર્ચ કરવાની ત્રેવડ નથી. કોર્ટમાં જઈને લગ્ન કરવાની હિંમત નથી અને લગ્નનિમિત્તે જે માલમલીદો મળવાનો છે એને લાત મારવાની મર્દાનગી નથી.
  • લેસન કરવાની બચ્ચાને મજા આવે એ એક માનસિક ખોડ ગણાવી જોઈએ. આટલી નાની ઉંમરે બાળક નોર્મલ હોવું જોઈએ, હોંશિયારી એ આ ઉંમરે એક એબનોર્મલ વસ્તુ કહેવાય. સાત વર્ષનું બાળક બહુ હોંશીયાર હોય… તો ડોક્ટરને બતાવવું જોઈએ.
  • વિશ્વાસ એ વ્યક્તિગત વસ્તુ છે, શ્રદ્ધા એ સામૂહિક વસ્તુ છે. આત્મવિશ્વાસ અને અંધશ્રદ્ધા આ બે પ્રયોગોથી એના અર્થ સ્પષ્ટ થાય છે. વિશ્વાસમાં જવાબદારી છે, શ્રદ્ધામાં જવાબદારીનું તત્વ બહુ ઓછું છે. વિશ્વાસ યુવાન શબ્દ છે, શ્રદ્ધા વૃદ્ધ. વિશ્વાસ નરજાતિનો શબ્દ છે, શ્રદ્ધા નારીજાતિનો. વિશ્વાસમાં પરિણામોની સામે ટક્કર ઝીલી લેવાની એક તૈયારી છે, શ્રદ્ધામાં મને કાયરતા દેખાય છે… એક રેઝીગ્નેશન. વિશ્વાસની કલ્પના જ ધારદાર છે જ્યારે શ્રદ્ધા બહુ ધૂંધળી સ્થિતિ છે.
  • જ્યારે બધી જ ઈન્દ્રિયોનું ફાઈન ટ્યૂનિંગ થઈ જાય એવી સ્થિતિને જવાની કહે છે.
  • કોઈ કોઈ ઘરોમાં સુખ વહેંચવાનું દુઃખ હોય છે અને કોઈ કોઈ ઘરોમાં દુઃખમાં ભાગ પડાવવાનું સુખ હોય છે.
  • સાંભળનારની આંખોમાં જોયા વિના બોલાયેલો શબ્દ મને હંમેશા જુઠ્ઠો લાગ્યો છે.
  • પ્રેમપત્ર એટલે પુરુષ માટે જુનિયર કે.જીની અને સ્ત્રી માટે હાયર સેકન્ડરીની પરીક્ષા.
  • વતન એવી જગ્યા છે જ્યાં માણસ ‘થેંક્યુ’ બોલતો નથી, જ્યાં હાથ મિલાવતો નથી પણ ભેટી પડે છે. જ્યાં ધૂળમાં પડેલા પગલાં આપણે ઓળખીએ છીએ. જ્યાં મરેલી દાદીમાનો અવાજ આજે પણ આંખો બંધ કરીને પડઘાતો સાંભળી શકાય છે, જ્યાં નાની બજારમાં અઢીસો રૂપયે તોલો ‘રૂહે ગુલાબ’ ની અત્તરની સાથે સાથે માણસ ‘માટીનું અત્તર’ ખરીદે છે.
  • એલોનનેસ એટલે જ્યારે તમે બારણા બંધ કરીને દુનિયાને બહાર કાઢી મૂકો અને લોનલીનેસ એટલે જ્યારે દુનિયા બારણા બંધ કરીને તમને એકલા પૂરી દે.

* * * * * * * * * * * * * * * *

ગત અઠવાડીયે એક અનોખું સંકલન હાથમાં આવ્યું, અમદાવાદના શ્રી નાથાલાલ ર. દેવાણી દ્વારા કરાયેલ આ સંકલન જાણે ડાયરીમાં જેમ ગમતી વસ્તુઓ નોંધીએ તે જ રીતે ધૂમકેતુ, ગુણવંત શાહ, સુરેશ દલાલ, કુન્દનિકા કાપડીયા, કાંતિ ભટ્ટ, ચંદ્રકાંત બક્ષી, શાહબુદ્દીન રાઠોડ અને વજુ કોટકના પુસ્તકોમાંથી ચૂંટીને પોતાના હસ્તાક્ષરોમાં મૂક્યું છે. તેમના હસ્તાક્ષરો કોઈ પ્રિન્ટને ટક્કર મારે એવા અનોખા અને મનમોહક છે. નાથાલાલભાઈના પ્રસ્તુત સંકલનમાંથી શ્રી ચંદ્રકાંત બક્ષીના ત્રણ પુસ્તકો, આદાન, પ્રદાન અને અન્ડરલાઈનમાંથી તેમણે ચૂંટેલા – પસંદ કરેલા વિચારવલોણાઓ પ્રસ્તુત છે.


આપનો પ્રતિભાવ આપો....

19 thoughts on “બક્ષીબાબુના વિચારવલોણાં…