વરસાદમાં વતનની યાદ… – ઉશનસ 2


આ પરથમ પહેલા ઘનઘેર્યા આકાશે
વતન હો વ્હાલા ! આપણ એટલ પાસે,
આપણ એટલ પાસે.
ઘરવાડે જે ઘાસ ઉઠ્યો તવ શ્વાસ
ભળી જાય અહીં આવીને મુજ શ્વાસે

આ પરથમ પહેલા ઝરમર ઝરિયા ઘાસે;
વતન હો વ્હાલા એક કાંકરી ફેંકુ,
અહીંથી એક કાંકરી ફેંકુ
આપણું પેલું તળાવ ડહેકું ડહેકું,
તેમાં જઈને પડે,
– ને તળાવ છંદે ચડે લ્હેકું લ્હેકું,
તળાવ છંદે ચડે?
– ઓ દેખાય …
ઓ રહી આપણી રૂં રૂં સ્મરમ સ્મરમ
રવરવતી રે સીમ,
આપણો પેલો કાંસ વહે રીમઝીમ,
ઓ કાંઠે કોઈ મગના ફૂટ્યા ફણગા જેવું
આપણું ઘર દેખાતું લાગે;
એક કાંકરી ફેંકુ, વતન હો વ્હાલા !
એક કાંકરી ફેંકુ.

પણિયારાની માટલીએ જઈ વાગે
તરડ તો ટપટપ, ટપટપ
ટપકીને વહી જાય
‘ટપટપ’ ‘ટપટપ’ અહીંના મારા
શ્રવણોમાં નીક થઈ ટપકાય !
અહીંથી ઉઘડ્યું ઈન્દ્રધનુ કોઈ નળિયાથી
અહીં આ મારા ઝળઝળિયાંથી
વતન હો વ્હાલા !

આપણ પેલા આથમણા પાદરિયે ઉગ્યા
જાંબલીયા ડુંગરીયે
જતુંકને ભળી જાય
આ પરથમ પહેલા ઝરમર ઝરિયા ઘાસે,
આ પરથમ પહેલા ઘનઘેર્યા આકાશે..

– ઉશનસ

રોજીરોટી કમાવા અથવા અન્ય વિટંબણાઓને લઈને વતનથી દૂર જવું પડ્યું છે તેમને માટે અમુક ક્ષણો એવી આવે છે જ્યારે વતનની યાદ સતાવે છે. એમાં વર્ષાઋતુ મુખ્ય છે. પહેલા વરસાદમાં પોતાના વતનને – ગામને યાદ કરતા એ અદના માણસની મનોવેદના કવિશ્રી ઉશનસના પ્રસ્તુત કાવ્યમાં સુપેરે વ્યક્ત થાય છે. આ પરથમ પહેલાના ઘનઘોરેલ આકાશે માટીની સુગંધ અને હરીયાળી થઈ રહેલી ધરાને જોઈને કવિને પોતાના વતનથી દૂર હોવા છતાં ત્યાં જ હોવાનો અહેસાસ થાય છે. ગામના કાંઠે વહેતી નદી, ઘર, પણિયારાની માટલી અને આથમણા પાદર જાણે કવિને હાથવેંત છેટા જ લાગે છે. આવી સુંદર રચના એ સર્વેને અર્પણ જે ગોરંભાયેલા વતનના આકાશને યાદ કરીને તેનાથી દૂર રહીને પણ પાસે હોવાનો અહેસાસ જીવંત રાખી શક્યા છે. પ્રસ્તુત રચના શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી સંપાદિત અને લોકમિલાપ ટ્રસ્ટ પ્રકાશિત ‘કાવ્યકોડીયાં’ માંથી સાભાર લેવામાં આવી છે.


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “વરસાદમાં વતનની યાદ… – ઉશનસ