એક લાખથી વધુ ઈ-પુસ્તક ડાઉનલોડ… 24


આદરણીય મિત્રો, વડીલો, સ્વજનો, વાચકો…

aksharnaad gujarati Ebooks for free downloadઅક્ષરનાદ આજે એક અનોખા સીમાચિહ્ન પર આપ સૌની સમક્ષ છે. હરખની અને અનોખા ગૌરવની વાત એ છે કે આપણા સૌના સહીયારા પ્રયાસ અને પ્રેમથી અક્ષરનાદ પરથી ઈ-પુસ્તકની ડાઉનલોડ સંખ્યા એક લાખને પાર કરી ગઈ છે. ડાઉનલોડના પાના પર પુસ્તકની સાથે જ સતત દર્શાવાતી અને આપમેળે અપડેટ થતી રહેતી સંખ્યાની મદદથી આપ એ અંગેના વિવિધ આંકડાઓ જોઈ શક્શો. ભવિષ્યમાં આવા વધુ ઈ-પુસ્તકો ડાઉનલોડ માટે ઉપલબ્ધ કરાવી શકાય તે માટે પ્રયત્નો આ જ રીતે કરતા રહેવાની પ્રેરણા અમને આપના આવા ઉત્સાહસભર પ્રતિભાવમાંથી જ મળે છે.

આશા છે આ આંકડાઓ ગુજરાતી પ્રકાશકોના હૈયામાં પણ ક્યાંક પ્રકાશ જન્માવી શકે અને તેઓ પણ આવી ઈ-પુસ્તક પ્રવૃત્તિ તરફ પ્રવૃત્ત થાય.

આ દિવસે જેમનો વિશેષ આભાર માનવો છે તેમાં ડાઉનલોડ વિભાગમાં મૂકેલા પુસ્તકોના સર્વે લેખકો વિશેષત: લોકમિલાપ પ્રકાશન તથા શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી, શ્રી જયંતભાઈ મેઘાણી, શ્રી ગોપાલભાઈ મેઘાણી, શ્રી સુરેશ દલાલ, શ્રી મહેશભાઈ દવે, શ્રી દિનેશભાઈ બૂચ, શ્રી મહેન્દ્રભાઈ નાયક, ડૉ. પ્રફુલ્લ શાહ, ડૉ. નિરંજન રાજ્યગુરૂ, શ્રી કાયમ હઝારી અને આ ઈ-પુસ્તક પ્રવૃત્તિ શરૂ કરવા અને તે પછી પુસ્તકો મૂકવા સતત મંડી પડેલા ગોપાલભાઈ પારેખનો ખૂબ ખૂબ આભાર અને સર્વેને આ કાર્યમાં નિખાલસપણે અને તદ્દન નિસ્વાર્થભાવે મદદ કરવા, માર્ગદર્શન આપવા બદલ પ્રણામ.

આશા છે હવે પછીનો સીમાસ્તંભ વધુ ઝડપથી મેળવી શકીશું.

આભાર,

જીજ્ઞેશ અધ્યારૂ

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

શ્રીજી બાવાની કૃપા, વડીલોના આશીર્વાદ અને આપ સૌની દુઆ તથા સતત સથવારાના પરિણામે અક્ષરનાદના ડાઉનલોડ વિભાગમાં ગુજરાતી ઇ-બુકની ડાઉનલોડના એક લાખ ક્લિક્સના મુકામે આપણે પહોંચ્યા છીએ. આપણા સૌ માટે તો એ જન્માષ્ટમીનો ઓછવ (ઉત્સવ) છે.

અક્ષરનાદેતો માત્ર ટપાલી. કે ટાઇપીસ્ટ અથવા કહો કે પીરસણિયાનું કામ કર્યું છે. આપના ટેબલ પરથી ઑર્ડર લીધા વિના અમારી પસંદની વાનગી આપની ડીશમાં પીરસી દીધી, પણ તમે સૌએ તેને પોતાની જ ફરમાયશ માની વધાવી લીધી છે એટલે તો આજે આ મુકામે આપણે પહોંચ્યા છીએ. આપ સૌનો એ બદલ હ્રદયપૂર્વક આભાર. આભાર શબ્દ વામણો – અધૂરો લાગે છે પણ અમારી લાગણીને પૂર્ણપણે વ્યક્ત કરી શકે એવો શબ્દ અત્યારે જડતો નથી.

આપણે અહીં અટકવાનું નથી, આ પળે રૉબર્ટ ફ્રોસ્ટની કવિતાની પંકિતઓ યાદ આવે છે.

‘I have miles to go, before I sleep.’

મા ગુર્જરીના લાડીલાઓના પરિવારમાં સતત વૃદ્ધિ થતી રહે (અહીં આપણે કુટુંબ-નિયોજનના સિદ્ધાંતને વળગવાનું નથી પણ તેથી તદ્દન ઊલટું કરવાનું છે.) એ જ અભિલાષા, ગુજરાતી ઇ-બુકનો આ વિભાગ હજુ વધુ ઝડપથી આગળ વધે એ માટે તમારા સૂચનોને અમે તહે-દિલથી વધાવશું. પણ અત્યારે તો અમારે ગુજરાતીમાં ટાઇપ કરી શકે એવા કાર્યકરોની તાતી આવશ્યકતા છે એ દિશામાં આપ સૌનો સંગાથ હશે તો જ વધુ વિકાસ થઇ શકશે એટલું કહીને અહીં જ અટકશું.

આવજો,

ગોપાલ પારેખ


આપનો પ્રતિભાવ આપો....

24 thoughts on “એક લાખથી વધુ ઈ-પુસ્તક ડાઉનલોડ…