મરીઝની ગઝલ… (ટૂંકી વાર્તા) – હાર્દિક યાજ્ઞિક 15


સ્વયમ દેસાઈ, ટોરોન્ટોના જગવિખ્યાત સી.એન ટાવરની બરોબર બાજુની બિલ્ડીંગમાંની ઓફિસમાંથી છૂટીને રોજની જેમ વોટરફ્રન્ટ પાસેના ડેક પાસે આવીને ગોઠવાયો. કાનમાં હેડફોન ભરવીને કોફીના મગ સાથે આશિત દેસાઈના ગુજરાતી ગીતો સાંભળતા સાંભળતા પાણી અને કુદરતને માણવાની એને ટેવ પડી ગયેલી. કેનેડા જેવા દેશમાં એકલા રહેનાર વ્યક્તિ પાસે સમય પસાર કરવા આનાથી વધુ સુંદર જગ્યા કઈ હોઇ શકે?

રોજની જેમ લોકોની અવરજવર, કોઇપણ સમયે જોંગીગ કરવા નીકળી પડતા સ્પોર્ટ કોન્શીયસ લોકો, બુટ અને સ્વેટર પહેરાવેલ કુતરાઓને લઇ ચાલવા નીકળતા પશુપ્રેમી લોકો, જાહેરમાં કોઈનીય ચિંતા કર્યા વિના પ્રેમમગ્ન પ્રેમાળ લોકો, અનેકાનેક લોકો પણ તોય ખબર નહી એક અજબની શાંતિ… સામસામે મળેલા અજાણ્યા વ્યક્તિઓ કદાચ એકબીજાને સ્મિત ન કરે તે માની શકાય પણ અહીંતો સામસામે મળેલા કૂતરાય એક બીજાની સામે ભસે નહી… સ્વયમને આ બધું જોઈ મજા આવતી. ઉંડે ઉંડે થતું કે આ દેશ કરતા મારા દેશમા એટલુ તો છે – વ્યક્તિ અને પશુ પોતાની જાત તો ભૂલ્યા નથી જ.

આ યંત્રવત ભીડમાં અચાનક જ મોટા અવાજે વાગતું એક અજબનુ સુરીલુ સંગીત એના કાને પડ્યું. સહેજ ત્રાંસી નજર કરીતો ડેકને અડોઅડ બેન્ચ ઉપર એક ૭૦ વર્ષના દાદા ખોળામાં મોટુ કેસેટ પ્લેયર લઇ એ સંગીત માણતા હતા. બ્રાઉન ક્લરના પેન્ટ ઉપર કાળી ચોકડીવાળુ લાલ શર્ટ અને એ ઉપર મરુન કલરનો કોટ. હવાના જબરજસ્ત પ્રવાહમાં ફંગોળાતા સફેદ વાંકડિયા વાળ અને સંગીતના તાલે થિરકતા પગ આ માણસ જીવંત છે એની ચાડી ખાતા હતા.

નજીકથી નિકળતી કેટલીક છોકરીઓએ દાદાની સામે જોઇ ‘nice tune’ કહ્યુ અને એમણે આંખ મિચકારીને વળતો જવાબ આપ્યો ‘thanks beautiful.’ આ જોઈ દૂરથી સ્વયમનું સ્મિત છલકાઇ ગયું. દાદાની સામે જોઇ એણે થમ્સઅપની નિશાની કરી અને દાદાએ એ જ આગવી અદામાં બન્ને આંખો મિચકારી અને સંગીતમાં મગ્ન થઇ ગયા.
હવે આ રોજનુ થયું. સાંજ પડેને સ્વયમને વોટરફ્રન્ટ પર ખોળામાં ટેપરેકોર્ડર સાથે બેઠેલા દાદા જોવા મળે. બન્નેની નજર એક થાય. આંખોથી ખબર અંતર પૂછાય. સમય જતા થોડીઘણી વાતચીતની શરૂઆત થઈ. હવે રોજ બન્ને ડેકની બેન્ચ પર સાથે બેસીને કુદરત અને સંગીત માણતા.

બેરોન હુલી, નામના આ અજીબ વ્યક્તિત્વમાં સ્વયમને ગજબનુ આકર્ષણ લાગવા માંડ્યુ. કદાચ પારકા દેશમાં આવો સંગાથ હુંફાળો લાગ્યો. સંગીતની થોડીઘણી સમજણે બન્નેને નજીક લાવવામાં મહત્વનો ભાગ ભજ્વ્યો. શ્રીમાન હુલીના મતે સંગીતને કોઈ જ ભાષા ન હતી. તેમણે સામે ચાલીને સ્વયમના આઇપોડમાં રહેલા ગુજરાતી ગીતો માંગ્યા.
તેમને રોજ જોઇ સ્વયમે અનુમાન કર્યુ કે એમની પાસે બે જોડથી વધુ કપડા નહી હોય. હવે તે વાંરવાર હુલીદાદા માંટે કંઈકને કંઈ લઇ આવતો અને દરવખતે એ હસીને નકારી નાંખતા. સ્વયમને એ અલગારી માણસ માંટે હવે દયા આવવા માંડી હતી.

એમપીથ્રી અને આઇપોડના જમાનાંમા તેમની કેસેટસ સાંભળવાનો આંનદ જ કંઈ જુદો હતો. સંગીત સીવાય પણ થોડી ઘણી વાતો તેઓ કરતા. હવે તે સ્વયમને ‘son’ કહેવા લાગ્યા હતા.

એક દિવસ અચાનક જ દાદાએ સ્વયમને પોતાના ઘરે આવવાનું આમત્રંણ આપ્યુ. પોતે જશે તો આગતાસ્વાગતા કરવામાં નાહકનો ખર્ચો દાદા કરશે એમ માની એણે કઇંક બહાનું કાઢ્યું. આમ લગભગ બે ત્રણ વાર કર્યા પછી ન છૂટકે એણે આવતા શનિવારે આવવાનું આમત્રંણ સ્વીકાર્યુ.

દાદા માંટૅ સરસ મજાનો નવો સૂટ, મોંઘી વાઈનની બોટલ અને એક થેન્કસ કવરમાં ૧૦૧ ડોલર મૂકીને એ હુલીદાદાના ઘરે જવા નિકળ્યો. ગાડીની GPS System તેમનુ આપેલુ સરનામુ code કરીને તે મશીનના માર્ગદર્શને ચાલ્યો.

તેની ગાડી એક મહેલ જેવા ઘરની આગળ આવીને ઉભી રહ્યી. સ્વયમ આશ્ચર્યમાં હતો. એણે GPS System માં ફરી સરનામુ નાખી ખાતરી કરી પણ સરનામું તો એ જ હતું. ચોક્કસ કોઇ ભૂલ છે એમ માની એ ગાડી રિવર્સમાં લેવા જતો હતો ત્યાંજ બ્લેક કોટ અને સફેદ હાથમોજા પહેરેલ એક વ્યક્તિએ આવીને સ્વયમને અંદર આવવા કહ્યુ. સાથે એમ પણ કહ્યું કે શ્રીમાન બેરોન હુલી એમની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે.

એક પછી એક ખંડ પસાર કરતા તે એક મોટા હોલમાં આવી પંહોચ્યો. પેલો માણસ એને બેસાડીને ચાલ્યો ગયો. બાજુના રૂમમાંથી કોઇની વાતો સંભળાઈ, જેમાં એક અવાજ હુલીદાદાનો હતો.

(ગુજરાતી અનુવાદ…)

“જુઓ શ્રીમાન બેરોન, હવે કેન્સર અંતિમ તબક્કામાં છે. તમારી બેદરકારી તમારો જીવ લઇ લેશે.” અજાણ્યો અવાજ.

હુલીદાદાનો રમતીયાળ અવાજ સંભળાયો, “ડીયર ડૉકટર, જીવન અને મરણ એક જ છે. જો હું જીવતો રહીશ તો આ સુંદર દુનિયામાં સરસ મજાના લોકોની વચ્ચે રહીશ અને જો મરી ગયો તો મારી પ્રિય પત્ની ડેઇઝીની પાસે ઉપર સ્વર્ગમાં આનંદ કરીશ. મારે તો બન્ને બાજુ ફાયદો છે.”

“મને એ જ સમજાતું નથી કે તમે સ્પેન પાછા કેમ જતા નથી રહેતા? ત્યાં બધા તમને ઓળખે છે. કમસેકમ તમારા લોકોની વચ્ચે તો તમે છેલ્લા…” ડોકટરનો અવાજ થોડો ભારે થઇ અટકી ગયો

દાદા ફરી રણક્યા, “દોસ્ત, આ દેશમાં, આ ઘરમાં ડેઇઝીની યાદો એ મારા આંનદની હદ છે, એ હદથી વધી જઈશ તો તરત જ મટી જઇશ. અહીં છું એટલે જીવંત છું.’

કદાચ નોકરે સ્વયમના આવવાના સમાચાર આપ્યા હશે એટલે વાતો બંધ થઇ. એક જાડો માણસ સ્પેનિશમાં કંઇ બબડતો બબડતો સીધો ઘરની બહાર નિકળ્યો. બાજુના રૂમમાંથી એ જ અજબના ઉત્સાહ સાથે હુલીદાદા બહાર આવ્યા.

સ્વયમને ઘણુબધું ખબર પડવા છતાંય કશી જ ખબર પડતી નહોતી. તે એકીટશે હુલીદાદાને જોઇ રહ્યો.

દાદા મલક્યા, “કોઇના ઘરે જઇએ અને ગિફ્ટ આપ્યા વગર હાથમાં જ રાખીયે તે સારૂ ન કહેવાય સન” અચાનકજ ભાનમાં આવ્યો હોય તેમ સ્વયમ આગળ વધ્યો. હાથમાં રહેલ વાઇનની બોટલ અને કોટ આપતા આપતા ધીમે રહીને એણે પેલુ કવર સંતાડી મહામેહનતે પોતાના ખીસ્સામાં મૂક્યું.

“તો બોલ, પહેલા ડિનર કરીશું કે પહેલા સંગીત સાંભળવુ છે? મારૂ માનવું છે કે વાઇન સાથે તમારૂ ગુજરાતી સંગીત એક એક્સ્પરીમેન્ટલ અનુભવ થઇ રહેશે. પણ તારે મને હવે શબ્દોના અર્થ સમજાવા પડશે.” જાણે હમણાં અંદર કશું જ બન્યુ નથી એમ એકસાથે તે બધું બોલી ગયા.

સ્વયમે એકદમ હકથી પૂછ્યું, “આ ડોકટર ! કેન્સર ! આ બધું શું છે?”

દાદાએ નફિકરો જવાબ આપ્યો, “એ જવા દે ને..”

સ્વયમ અનાયાસે જોરથી બોલી ગયો, “ના.. મને કહો આ બધું શું છે? તમે કોણ છો?”

ખરેખર તો એમની આ માંદગી સિવાય,એમના આ વૈભવ અને કુંટુબના લોકો વિષે એને જાણવુ હતુ.

“ઓ.કે ઓ.કે સન, તારા મોબાઈલમાં ગૂગલ તો હશે જ ને?” દાદાએ રીતે હસતા હસતા કહ્યું.

અત્યારે આવી સિરીયસ વાતમાં ગૂગલની વાત સાંભળી એ અંદરથી ગુસ્સે થયો.

દાદાએ વાત આગળ ચલાવી, “તો ગૂગલમાં બેરોન રિચર્ડસન હુલી નામ લખીને સર્ચ કર.”

એમ કરતા સ્વયમને 3,15,600 પરિણામોની યાદી મળી. જેમા પહેલી વેબસાઇટ ખોલતા એની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. માહિતી પ્રમાણે હુલીદાદા સ્પેનના એક જમાનાના સૌથી પ્રખ્યાત સંગીતકાર હતા, જે છેલ્લા કેટલા સમયથી જનતાથી દૂર ક્યાં રહે છે એ વિશે માહિતિ ઉપલબ્ધ નહોતી.

સ્વયમથી આંખો વડે પૂછાઇ ગયું, “તો પછી?”

હુલીદાદા એક સરસ મઝાની ડોશીના મોટા ફોટાની પાસે જઇ એના ગાલે ચીમટી ભરતા હોય એમ હાથ કરી ને કહ્યું, “આ બધું આ બોખી ને લીધે છોડ્યુ.. એ ખૂબ સરસ ગાયિકા હતી. આપણે જે ગીતો ડેક પર સાંભળતા એ એણે ગાયા હતા.”

“પણ…” સ્વયમ આશ્ચર્યની ચરમસીમાએ પંહોચ્યો હતો અને આ તરફ હુલીદાદા ચહેરા પર અવી ગયેલા ભૂતકાળના વાદળને હટાવી એ જ સ્ફુર્તીથી બોલ્યા, “પ્રસિધ્ધિના શિખર પર પહોંચ્યા પછી અચાનક જ મને એમ લાગવા માંડ્યુ કે હવે હું પ્રોફેશનલ સંગીત બનાવી રહ્યો છું. મેં પોતાના માંટે સંગીત બનાવી માણવાનું ચાલુ કર્યુ. એ જમાનામાં રેપ અને ડિસ્કો સંગીતની શરૂઆત થઇ હતી. મેલોડિયસ મ્યુઝીકનુ સ્થાન ઘોંઘાટિયા સંગીતે લીધુ, સ્વભાવિક છે કે અમારૂ નામ હવે ભૂલાવા માંડ્યુ. ડેઇઝીના મને એ જીવનની સૌથી મોટી હાર હતી. એ મારા સ્થાને બીજા કોઇને સફળ થતા જોઇ જ નહોતી શકતી. એની માનસિક સ્થિતિ ખરાબ થઇ ગઇ હતી. મે એને સમજાવાનો પ્રયત્ન કર્યો કે લોકોનો રસ બદલાયો છે એમા આપણા સંગીતનો વાંક નથી. સંગીતની ખુશબુ હજીય બાકી છે, સાચા સૂરના પારખી એને સુંઘી શકશે. આપણે પાનખર નથી પણ વિતેલી વંસત છીએ. પણ એ હારને ન પચાવી શકી. જીવનમાં હારને સ્વિકારવી બહુ અઘરુ હોય છે અને આખરે એ માનસિક રોગી બની ગઇ. હું એને લઇ અહીં કેનેડા આવી પંહોચ્યો. મારા સમયમાં હું ખૂબ કમાયેલો એટલે બીજી તો કોઇ તકલીફ ન હતી. અહીં અમને ઓળખનાર લગભગ કોઇ નહોતું. બસ એકમેકને ગમતુ સંગીત સાંભળતા અને સંભળાવતા…”

“તમારા કોઇ સગાવ્હાલા? કોઇ મિત્રો?” સ્વયમને હુલીદાદાના હકારાત્મક અભિગમ પ્રત્યે અનહદ માન થવા માંડ્યુ.

અને એ ફરી પાછા સ્મિત સાથે બોલ્યા “છે ને, કેમ નહીં? જયારે હું ખૂબ પ્રખ્યાત હતો. ત્યારે મિત્રો અને સ્વજનોથી એકદમ વીંટળાયેલો રહેતો. આ ફોટામાં ડેઇઝીના વાળ ઓળલા છે ને એવો તંતોતંત અને ત્યારેય હું આમ જ મઝામાં રહેતો. આજે તારા અને આ ડૉકટર સિવાય આ ડોસાને ‘કેમ છો?’ પૂછનાર કોઇ જ નથી. મારી સાથે રહેનારા સ્વજનો કંયારે વિખરાયા એની મેં નોંધ સુધ્ધાં નથી લીધી, છતાંય મારા અંતરની મજામાં કોઇ જ ફરક મેં પડવા દીધો નથી”

સ્વયમ એ માણસના જીવન પ્રત્યેના અભિગમથી અભીભૂત થઇ ગયો અને હુલીદાદાના ચરણોમાં પડી ગયો. ભારતીય બહુમાનની આ પરંપરાથી અજાણ હુલીદાદા બે ડગલા પાછા ખસી ગયા, એને ઉભા કરી ગળે લાગ્યા અને કહ્યુ, “હું આ બધી જીવનની ફિલસૂફીની વાત કરૂ છું એટલે પાદરી (કે સાધુ સંત) નથી. આ તો મનમાં આવ્યું એટલે કહ્યુ.”

પોતાની આગવી અદામાં બન્ને આંખ મીચકારી તેઓ બોલ્યા, “હવે ચલ જલ્દી વાઇન પીયે નહી તો કંયાક ડેઇઝીનુ ભૂત આવીને પી જશે.”

એ રાતે મોડૅ સુધી સ્વયમે હુલીદાદા અને ડેઇઝીદાદીનુ સંગીત સાંભળ્યુ. પોતે આપેલ ગુજરાતી ગીતોમાંથી કેટલાકના અર્થ સમજાવ્યા અને એ સાંજને જીવનની સૌથી યાદગાર સાંજ બનાવી. હુલીદાદાએ પણ ગુજરાતી ગીતો સાંભળી સાંભળીને થોડાક જ દિવસોમાં ગાઈ બતાવાનું વચન આપ્યું.

પછીના ત્રણેક દિવસ હુલીદાદા વોટરફ્રન્ટ ડેક ઉપર ન દેખાયા. ચોથે દિવસે તે એમના ઘરે પંહોચ્યો. હવે હુલીદાદા પણ ડેઇઝીદાદીના ફોટાની બાજુનો ફોટો બની ગયા હતા. કેટલાક સ્પેનીશ લોકો કોઇ સરકારી વકીલ જેવા માણસ સાથે વાત કરી રહ્યા હતા. સ્વયમને જોઇ ભારતીય હોવાની દેખીતી રીતે જ ઓળખાણ પડી એટલે થોડી પૂછપરછને અંતે પેલા સરકારી માણસે હુલીદાદાના વિલમાં ઉમેરેલ છેલ્લી લીટી પ્રમાણે એમની સંગીતની બધીજ કેસેટો સાથે કેસેટ પ્લેયર સ્વયમને સુપ્રત કર્યુ.

સ્વયમે સ્વર્ગસ્થના ફોટા સામે જોયુ. ત્યાં એજ રમતિયાળ સ્મિત હતુ અને જાણે કહી રહ્યું હતું, “સન, જીવન કે મરણ બન્ને આમ જુઓ તો એક જ છે. પોતાના રસની વસ્તુને મૂકી બીજુ કરવા જઇશું તો જીવતેજીવત મરણ છે અને પોતાને મનગમતુ હસતાં હસતાં કરશુ તો મરીને પણ જીવી જઇશું”

સ્વયમ એ લઇને ડેક ઉપર પાછો ફર્યો. એ જ બેંન્ચ ઉપર હુલીદાદાની માફક ખોળામાં તેમનુ ટેપરેકોર્ડર લઇ એ બેઠો. અનાયાસે પ્લેની સ્વીચ દાબી અને અંદરથી મરીઝ સાહેબની ગુજરાતી ગઝલ ટહુકી…….

જીવન-મરણ છે એક બહુ ભાગ્યવંત છું,
તારી ઉપર મરું છું હું તેથી જીવંત છું.

ખુશ્બુ હજી છે બાકી જો સૂંઘી શકો મને
હું પાનખર નથી – હું વીતેલી વસંત છું.

હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ,
બિંદુની મધ્યમાં છું – હું તેથી અનંત છું.

બન્ને દશામાં શોભું છું – ઝુલ્ફોની જેમ હું
વીખરાયેલો કદી છું, કદી તંતોતંત છું.

રસ્તે પલાંઠી વાળીને – બેઠો છું હું ‘મરીઝ’
ને આમ જોઈએ તો ન સાધુ ન સંત છું

– હાર્દિક યાજ્ઞિક

હાર્દિકભાઈની અક્ષરનાદના વાચકોને સુપેરે ઓળખાણ છે, તેમની કૃતિઓને મળતા પ્રતિભાવ એ વાત સાબિત કરે છે કે તેમની કલમના અમારી જેમ અનેકો પ્રસંશકો છે. આજે પ્રસ્તુત છે હાર્દિકભાઈની કલમેથી નીતરેલી વધુ એક સુંદર વાર્તા, તેમની રચનાઓમાં બંધિયારપણું નથી હોતુ, વાર્તાના વિષયવસ્તુ પણ ચીલાચાલુ અને સામાન્ય ન હોતા અનોખુ હોય છે. મને લાગે છે ત્યાં સુધી તેમની વાર્તાઓ એક અનોખુ સ્થાન બનાવી શકે એટલી સદ્ધર અને સુઘડ હોય છે. આજે પ્રસ્તુત છે તેમની એક નવી રચના, અને વાર્તાનું નામ કદાચ તમને ગેરમાર્ગે ન દોરે એ માટે સ્પષ્ટતા કરી દઉં, કે મરીઝની ગઝલ શીર્ષક ધરાવતી આ એક ટૂંકી વાર્તા છે.


આપનો પ્રતિભાવ આપો....

15 thoughts on “મરીઝની ગઝલ… (ટૂંકી વાર્તા) – હાર્દિક યાજ્ઞિક

 • chaman kumar gajjar

  વાહ ! ભાઈ,શું સરસ વાત છે.કડવી જિંદગી માં જ મીંઠું સત્ય છુપાયેલું છે.

 • Dr. Toral Patel

  Superb creation Sir! like always very heart touching indeed! However this time the message conveyed in the end did not send a vibration through my nerves…it seems I’ve started considering the uncertainty of life!…hv really accepted it now!

 • kaushik patel

  Shri Hardikbhai,

  This short story is very heart touching, We enjoyed it. Thanks and wish to get more and more of such stories.

  kaushikkaka

 • Ramesh Champaneri valsad

  આમ તો હાસ્ય સિવાયની વાર્તામાં હું ઓછી ડૂબકી મારું છું. જોક કે મને એની સૂગ નથી,પણ હાસ્ય રસની જમાવટ ને કારણે વાસ્તવિકતા સિવાયની વાર્તામાં મને રસ ઓછો રહે છે, એ મારી કમનશીબી છે. પણ અક્ષરનાદના લેબલમાં અને તેપણ મરીઝ સાહેબના નામોલ્લેખ વાળી વાર્તા વાંચવામાં મને રસ પડી ગયો. આ વાર્તાનું વિષયવસ્તુ જ હૃદય દ્રાવક છે. આવારતા વાંચ્યા પછી એવું જરૂર કહી શકાય કે, જીવનને જીવી જવા માટે કે હૃદયને ઓળખવા માટે કે પારકાને પોતીકા બનાવી લેવા માટે આવી એક જ વાર્તા કેટલો ઉંચો સંદેશ આપી શકે છે.

  અભિનંદન.

 • PRAFUL SHAH

  HARDIKBHAI, NICE STORY FROM MARIZ’S GAZAL..VERY NICE LIFE DADA LIVED..REALLY LIFE OR DEATH ENJOY LIKE DADA…THANKS AND CONGRATULATIONS FOR VERY NICE CREATION

 • નિમિષા દલાલ.

  આંખ માં આવેલા પાણી લુછીને કોમેંટ લખવી પડી છે.. ખુબજ હ્રદયસ્પર્ષી વાર્તા છે.. ઘણા વખત પછી કોઇ વાર્તા વાંચી આંખમાં પાણી આવ્યા… અશોકભાઈ સાથે હું પણ સહમત છું.. અને હાર્દિકભાઈનો આભાર માનું છું..

 • Ashok Vaishnav

  હૃદય્સ્પર્શી વાતની હૃદયંગમ શૈલિમાં હૃદયને લાંબા સમય સુધી તરબોળ કરી દે તેવી રજૂઆત બદલ હાર્દિકભાઇનો અંતઃકરણપૂરવકનો બધા વાચકો તરફથી આભાર.