રે મન ! (ટૂંકી વાર્તા) – રીતેશ મોકાસણા 10


હા.. હા.. હા… અને ધીમી ખીખીયારીનો ગણગણાટ રૂમની બહાર જતો સંભળાયો. એટલી તો જરૂર ખબર હતી કે બધું શું ચાલી રહ્યું છે. રૂમમાં ચારેબાજુ નજર ફેરવી જોઈ. એક ધીમો આહ્કારો નખાઈ ગયો. દીદી.. દીદી.. હું તારી જોડે આવીશ હાં કે ! નાનો ભાઈ તોફાન કરતા કરતા તેની સાથે બહાર જવાની હંમેશા જીદ કરતો. “દીપુ, આજે મારે કોલેજની બુક લેવાની છે. પ્લીઝ, કાલે હું તને જરૂર લઇ જઈશ.” ને લગભગ દરેક વખતે તે માની જતો, કયારેક જ જીદ પકડતો,. કયારેક મને એની દયા આવતી ત્યારે તેને સાથે લઇ જતી તો રૂપા પણ દોરાઈ જતી. ને બંને સાથે હોય એટલે અચૂક તોફાન કરે જ. વાદવિવાદ કે નકલ કરીને આખે રસ્તે બંનેને સાચવીને ઘરે લાવતી ત્યારે નિરાંત થતી. ક્યારેક સ્વત્રંતા છીનવાઈ જવાનો વસવસો થતો. જયારે રીક્ષા ન મળે ત્યારે દીપુની ગેરહાજરી જરૂર સાલતી. કમસેકમ દીપુ હોય તો વાતચીતમાં રસ્તો જલ્દી કપાઇ જાય.

“શાલુ, એ, શાલુ આજે તારા પપ્પા વ્હેલા બહાર જવાના છે , જલ્દી આવ , બે-ચાર રોટલી વણવા મને હેલ્પ કરજે ” વાંચવામાં માંડ ચેન પડે ત્યારે ઘણી વાર મમ્મી ડીસ્ટર્બ કરતી. ને બૂક ને લગભગ પછાડતી રસોડા માં પહોંચી જવું પડતું. રોટલી વણવા કરતા તે મમ્મી ની સાથે વાત કરવામાં વધારે ધ્યાન આપતી.

“આજે ઓફીસ પહોંચવામાં મોડુ થઇ જશે… શાલુ, મને જરા બસસ્ટોપ સુધી ડ્રોપ કરી દઈશ?”

ને પપ્પા ને હું કદી ના નહોતી પાડી શકતી. ને એટલી તો સમજ પડતી કે તે કામ કરવું ખૂબ જ જરૂરી પણ હતું. ક્યારેક દીપુ સ્કુટી આગળ ઉભો રહી જતો, એટલે વળતા તેની સાથે વાત કરતી. જવતલ વિધિ દરમ્યાન દીપુ નો રડમસ ચહેરો એની સામે તરી આવ્યો. કેવો દયામણો થઇને એ જવતલ હોમતો હતો. લગ્નની વિધિ દરમ્યાન ન રડવાની પ્રોમીસે તેણે આંસુ રોકી રાખ્યા હતા.

પગપ્રક્ષાલન અને કન્યાદાન વખતે મમ્મી અને પપ્પા ની સામે અપલક જોયે રાખેલું ને બધી હામ હૈયે સંઘરી રાખી. ને નાનલી રૂપા તો કોણ જાણે કેટલું રડેલી એનો અંદાજ લગાવવો ખરેખર મુશ્કેલ હતો.

મમ્મી ની અશ્રુધારા તો જાનની વિદાય પછી પણ નહી રોકાઈ હોય તેની ખાતરી હતી. પપ્પા પણ બિચારા ગમની પોટલી દબાવી ને ફરતા, તે પણ આખરી વિદાય વેળાએ આંખોની ધારને રોકી નહોતા શક્યા .કદાચ જીવનમાં પહેલી વાર રડતા પપ્પા જોયેલા. ને પોતાની હાલત કેવી હતી ? કાશ કોઈ એનો અંદાજ લગાવે ! કઈ કેટલાયે આંસુ વહી ગયા….. તેને એક ગઝલ યાદ આવી.

બીજાનું રેલાતું મુક્ત હાસ્ય જોઈ,
હસવાની લાખો કોશિશ કરી જોઈ
જ્યાં ગમ વિષાદની નથી નવાઈ,
અશ્રુઓની ધારને નથી રોકી શકાઈ,

……. તેથી જ તો રડવાની આદત પડી ગઈ છે.

ઘરના આંગણે માં પા પા પગલીથી લઈને સહિયારો સાથેના રાસ કે ગમ્મત, ને છેલ્લી ઘડીની વેળા ને જાણે કપડાની કોરે બાંધીને નીક્ળવાનો વારો આવશે તેની તૈયારી તો હતી જ. બધાની વચ્ચેથી વિદાઈ લેતા ભાર હૈયામાં ભારે અકળામણ રૂપ હતો. કેટલા આંસુઓ વહી ગયા ! કેટલા સરવાળા ને કેટલી બાદબાકી ! કદાચ આનેજ જીવન કહેવાતું હશે.

ચારે બાજુ રૂમ માં નજર કરી .દિવાલ પર રહેલા પોસ્ટર પર નજર સ્થિર થઇ. અરે કંઈ તો દેખાતું નથી. મોડર્ન આર્ટ ! દીવાલો પર નજર ફરી રહી .કેવો કલર કે પોસ્ટર ! નજર ને તે રોકી નથી શકતી . પાછી વાળવા પ્રયત્ન કર્યો પણ વાહ રે સમય ! આજ નજરથી પણ પોતે બંદી ? નાનીમા ઘણી વાર કહેતા કે બહુ દબાવો તો સ્પ્રિંગ છટકે. નાનીમાની સલાહ માની ને તેને નજરને ખુલ્લો દોર આપી દીધો . પછી તે ઝાલી રહે ખરી ! તેની સામે અરીસો દેખાયો. જેવી નજર ત્યાં ગઈ કે તેને નવો ઓર્ડર મળ્યો. ધીરે પગલે તે ડ્રેસીંગ ટેબલ નજીક ગઈ .પાસે પડેલા સ્ટુલ પર બેસી ગઈ ને સામે જોવા લાગી.

અરે !! અરીસો તો કેવળ એક નિર્જીવ ને એક સિમિત દીવાલે રાખેલી વસ્તુ છે તો પછી દીવાલ તો દેખાતી નથી .અરીસામાં તો પ્રતિબિંબ દેખાય ,પણ કાં આજ નવું ? અરે અરે આ શું દેખાયશે ? ને વળી તે પાછી ઘરના આંગણામાં જઈ ચડી. સખીની કીક્યારીઓ સાથે તે મહાલતી દેખાઈ. કાકાના ઘરમાં જઈને ઢબુને ખેંચી આવતી દેખાઈ. વિશાખા નામ હતું પણ કોલેજમાં આવી ગઈ પણ તે ઢબુ જ રહી. ખબર હતી કે કાકી જરૂર ખીજાશે. પણ છતાં તેને મજા આવતી. અન્ય સખીઓની સાથે ઢબુ વગર રમવાની મજાજ નહોતી આવતી. રે ! મન ને તેણે મનને પાછું વાળ્યું. હં હવે કઈ બરાબર લાગ્યું. પોતાનો ચહેરો અરીસામાં દેખાયો. ઓહ ! આ પોતાનોજ ચહેરો છે ?

કેટકેટલી મેહનત કરીને પાર્લરવાળીએ પોતાને તૈયાર કરેલી. જાતજાતની વસ્તુઓથી પોતાના ચહેરાને એવોતો મેક અપ કરેલો કે તૈયાર થયા બાદ ખુદનો ચહેરો જોઇને ખુદ શરમાઈ ગયેલી. પહેલીવાર અહેસાસ થયેલોકે પોતે ખરેખર આટલી સુંદર છે ? અને અત્યારે ? ચહેરા પર નું નૂર હણાઈ ગયું છે. લાલીમાં વિલીન થઇ ગઈ છે અને ચહેરો કાળાશ પડતો માલૂમ પડ્યો. વધારે તે પોતાને જોઈ ન શકી. ઉઠી ને જોયું તો એક ખૂણામાં પડેલ ખુરશી દેખાઈ કે શરીરમાં થાકનો અહેસાસ થયો. પગની ગતિ ને તે રોકી ન શકી. કેમ જાણે આજે પોતાના શરીર પર કોઈજ અધિકાર ન હોય તેમ પોતે અંગોની આજ્ઞા માનતી હોય તેમ દોરાયે જતી હતી. ખુરસી પર શરીર લંબાવ્યું ને ગીરનાર પર થી ઉતરી ને આવી હોય તેટલો થાક મહેસૂસ થયો. આંખોને બંધ રાખી ને બે પળો રીલેક્સ થવાનો પ્રયત્ન કર્યો, પણ કોણ જાણે આજે મન પોતાને ક્યાં દોર્યે જતુ હતું. બચપણમાં યુવાનીનાં વિચાર ? ખુશીની પળો વધુ સમય ના ટકે તેનો આજ પ્રત્યક્ષ અનુભવ થયો. નજર તો હજી પોતાના કાબુ બહાર જ હતી.

આહ ! ના ઉદગાર સાથે તે ઉભી થઇ ને વળી પગ ની આજ્ઞા એ તે આગળ વધી. ફૂલોની ખુશ્બુ થી નાક એનું ઘેરાઈ વળ્યું ને આખા શરીર માં એક મીઠી સુગંધનો ધોધ ફરી વળ્યો. સામેજ ફૂલોથી ઢંકાયેલ પલંગ તરફ તે દોરાઈ. ચપ્પલ ને ઉતારી, સાડી સંકોરી તે ઉપર બેઠી. પોતે કોઈ અબુધ બાળકી નહોતી, કે નહોતી કોઈ ચીજથી અજાણ, આશ્ચર્ય એકજ વાતનું હતુકે પોતે આજ મનને નાથી શકવામાં અસફળ રહી હતી. ફૂલથી સજાવેલ પલંગ એક જાજરમાન આવૃત્તિ સમાન દેખાતો હતો.

વિચારો ને અટકાવી તે પોતાનું ભાન સંભાળી વર્તમાન કાળ માં અવી ગઈ. જે જરૂરી હતું ને સમજણે શાન ને મન નિરાભિમાન, એજ તો પોતાએ જાળવવાનું હતું. પણ ખરેખર પોતે હજી તંદ્રાવસ્થા માંથી બહાર આવી છે ખરી કે ? રૂમ તરફ કોઈ નો અવાજ આવતો સંભળાયો કે તેની વિચારધારા તૂટી ગઈ.

– રીતેશભાઈ મોકાસણા

અક્ષરનાદના કતાર (દોહા)થી વાચક મિત્ર શ્રી રીતેશભાઈ મોકાસણા મૂળ સાયલાના વતની છે, વિજ્ઞાનના વિદ્યાર્થી પણ સાહિત્ય પ્રત્યે પ્રીત ખરી. લખવાનો તેમનો પ્રયત્ન આજે સૌ મિત્રો સાથે તેઓ વહેંચી રહ્યા છે. તેમની કૃતિ વર્ણવે છે એક યુવતી પોતાના લગ્નની પહેલી રાત્રે પતિની રાહ જોવા દરમ્યાન મળેલી થોડીક ક્ષણોની વિચારધારા, એ પળોની લાગણીનું મિશ્રણ. અક્ષરનાદને તેમની કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી રીતેશભાઈનો ખૂબ ખૂબ આભાર અને અનેક શુભકામનાઓ. તેમની કલમે વધુ કૃતિઓ ઝરતી રહે એવી શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “રે મન ! (ટૂંકી વાર્તા) – રીતેશ મોકાસણા