મીરાંબાઈ – લીલાવતી મુનશી 1


સુંદરીઓ સદા રસિકતાની પ્રત્યક્ષ મૂર્તિ સમી ગણાય છે. અને કવિતા રસિકતાનો પ્રગટ આવિર્ભાવ મનાય છે. કવિને મન સુંદરી ને કવિતા ઘણુંખરું સરખાં જ પ્રિય હોય છે. રસિક હ્રદયનો આનંદ કવિતાના સ્ફુરણમાં કે સુંદરીના દર્શન સમયે એક જ પ્રકારનો હોય. સૌંદર્ય કવિતાનો વિષય છે. કવિતા સૌંદર્યનો સ્ફોટ કરવા સર્જાયેલી છે, અથવા સૌંદર્યદર્શનથી ક્ષોભ પામતી રસવૃત્તિનું પ્રગટ સ્વરૂપ કવિતા છે અને સર્વ સૌંદર્યનો સાર તો સુંદરી જ છે. કવિતા જ્યાં સૌંદર્યપોષક સનાતન ભાવોને ગાતી નથી ત્યાં કવિતા કવિતા નથી રહેતી.

કવિતા અને સુંદરીઓનો આવો નિકટ સંબંધ છતાં કવિતા ગાતી સુંદરીઓ કોણ જાણે કેમ સંસારમાં બહુ થોડી જ નજરે પડે છે. પોતામાં રહેલા સૌંદર્યના પોતે જ દ્રષ્ટા ન થઈ શકાય એ કારણ તો ન હોય? પોતામાં રહેલા સૌંદર્યનું અજ્ઞાન અને બહારનું સૌંદર્ય જોવાની અશક્તિ એ બે કારણોએ કવિતા અને સુંદરીને ઘણું ખરું દૂરનાં દૂર રાખ્યાં છે. સુંદરીઓને જોવા વિચારવાના સંકુચિત પ્રદેશો, સંસારના બંધનો કે ભોગ્યદશામાં રહેલી પરતંત્રતા કે પરને અનુકૂળ થવામાં સ્વત્વના વિકાસનો વિનાશ એ બધાં પણ આ દશા આણવામાં કારણભૂત ગણી શકાય. માણસ પોતાનું વ્યક્તિત્વ વિકસાવી પછી તેનું સમર્પણ કરે અને વ્યક્તિત્વ વિકસ્યા પહેલાં જ એનું દાન દેવાય એ બે સ્થિતિ વચ્ચે બહુ ફેર છે. એકમાં સૌંદર્ય દર્શનની શક્તિની પરાકાષ્ટાએ પહોંચાય છે, અને તેમાં માણસ સ્વત્વ ખોઈ વિલીન બને છે. બીજામાં તો એ દર્શન કરવાની શક્તિ જ આવતી નથી અથવા બીજરૂપે હોય તો એ સ્વત્વ ખોતાં એ શક્તિનોયે વિનાશ થાય છે. સ્વત્વના ભાન વિના સૌંદર્યદર્શનની શક્તિ વિકસતી નથી. દેવમંદિરમાં વિકસેલાં પુષ્પ ચડે તો સુવાસ અને શોભા સધાય તેમ વિકાસ પામેલા વ્યક્તિત્વના સમર્પણથી જ સૌંદર્ય અને રસનાં ઝરણ વહે અને મહત્તા પમાય. પુષ્પની અને વ્યક્તિત્વની અણવિકસી કળીઓમાંથી શું શું થઈ શકે તેના સ્વપ્નો કોઈ કવિ ભલે રચે, પણ એ બધાં સંભવો ક્વચિત જ શક્ય બને છે.

કવિતા ગાતી સુંદરીઓ બહુ ન સર્જાવાનું એક બીજું પણ કારણ છે, પહેલા સંસ્કાર પામવા એ જનસમાજનો સામાન્ય વારસો ન હતો પણ શ્રીમંત અને ઉચ્ચ ગણાતાં કુળોમાં જ એને માટે સગવડ અને સમય હતાં. સામાન્ય જનસમાજમાંથી પુરુષો જ સંસ્કારી પાકતા કારણકે લોકો સંસ્કારની શોધમાં બહાર જઈ શક્તા, પણ સંસ્કારી કુટુંબોમાંયે સ્ત્રીઓની સંસ્કારમર્યાદા તો ઘરની દીવાલ જેટલી જ ગણાઈ હતી. સંસ્કાર વિના સૌંદર્યદર્શન થતું નથી અને સૌંદર્યદર્શન મર્યાદાઓથી પ્રાપ્ત થતું નથી. જ્યાં જ્યાં સ્ત્રીઓની આસપાસ રચાયેલો આ કોટ તૂટ્યો છે કે તેમણે પોતાને હાથે તોડ્યો છે ત્યાં જ સ્ત્રીઓ પોતાના આત્માના પરિમલ પ્રસારવા શક્તિમાન થઈ છે. દ્રૌપદીએ આ કોટ તોડ્યો અને પુરાણકાળમાં એ અદ્વિતીય સ્થાને વિરાજી રહી. નૂરજહાંએ એ કોટ તોડ્યો અને ભારતમાં બીજી નહીં એવી અપૂર્વ સામ્રાજ્ઞી તરીકે તે પ્રકાશી રહી. મીરાંએ એ તોડ્યો અને સદીઓ થયાં લોકહ્રદયના ઊંડા તંતુઓને હલાવનારી એ પ્રેરણામૂર્તિ બની રહી.

મીરાંનું જીવન અને કવિતા એ આવા એક મહાપ્રયત્નનું પરિણામ છે. બાલપણથી જ મીરાંનું મન સંસારમાં રાચેલું નહોતું. અત્યંત પ્રેમભાવના વેગથી એની આંતરવૃત્તિ રંગાયેલી હતી. આ વૃત્તિ ભક્ત પિતામહને ત્યાં બાળપણમાં પોષાઈ. વૈધવ્યે એને જીવનમાં વણવાની તક આપી. મહારાણીપદ અને રાજકુળે એના સંસ્કારો વિકસાવ્યા અને પ્રતિકૂળતાઓ સામે ઝઝૂમતા ટકવાની તાકાત અને માનેલા આદર્શનો સાક્ષાત્કાર કરવાનો ઉત્સાહ આવ્યાં અને આ બધાના પરિણામે એના વિકાસ પામેલા વ્યક્તિત્વે આદર્શની પાછળ આત્મસમર્પણ કરી ચિરંજીવતા મેળવી.

મીરાંની કવિતા અને જીવનને એકબીજાથી જુદાં ન પાડી શકાય. એના જીવનરસના નિર્ઝરણમાંથી એની કવિતા બની છે. એના કવિતાના રસપ્રવાહમાંથી એનું જીવન રચાયું છે. અને એ બંને, એનું જીવન અને એની કવિતા એક બીજાથી એતલાં અભિન્ન છે કે એમને છૂટાં પાડતાં બંને સામાન્ય થઈ રહે.

સૈકાઓ થયાં આ સ્ત્રીનું આકર્ષણ હજુ ઊતર્યું નથી. એણે કરી હોય તેથીયે વધારે કવિતાઓ એને નામે ગવાઈ છે. કોઈ પણ સારું કાવ્ય ગમે એનું હોય છતાંયે એને નામે ગાવામાં લોકોને આનંદ આવે છે. મીરાંની લોકપ્રિયતાનાં મૂળ આટલાં ઉંડા કેમ ઉતર્યા હશે?

ીની લોકપ્રિયતાનાં એક નહીં, પણ ઘણાં કારણો છે. લોકો પોતે ઘણી સામાન્ય રીતે જીવે છે પણ કોઈકના જીવનની અદભુતતામાં એમને ઘણો રસ પડે છે અને તેમાંયે આ તો સ્ત્રીજાતિ, રાજકુળમાં જન્મેલી, મહારાણી પદને માટે નિર્માયેલી, એવી સ્ત્રીનાં જાદુ લોકહ્રદય પર કેમ ન ચાલે ! એનો પ્રતાપ ગિરધરલાલના સાક્ષાત્કારને ચમત્કાર કરવાની માન્યતા પર રચાયો છે. એની શ્રદ્ધાની અવિચલતાથી એનો પ્રભાવ ફેલાયો છે. ઉપરાંત પ્રવાસને લીધે એનું ભાષાજ્ઞાન વધ્યું અને ઘણી ભાષામાં કવિતા રચવાની એની શક્તિએ એને ઘણાં પ્રાંતોમાં પરિચિત કરી, હજારો વર્ષોથી આર્યહ્રદયને આકર્ષનારો કહાન અને તેથીયે સનાતન પ્રેમ એણે પ્રિયતમા ભાવે ગાયો અને તે પણ પંડિતાઈનું પ્રદર્શન કરાવીને નહીં, પણ લોકોના નિત્યજીવનના પ્રસંગોમાં રસિકાનો ઉમળકો પૂરીને. એની લોકપ્રિયતાનાં આ બધાં કારણો છે અને જનહ્રદયની એક સ્વાભાવિક નિર્બળતા મહા પદવીધારી જન સાથે પરિચયથી વર્તવાનો સંતોષ – એ પણ એક કારણ ગણવું હોય તો ગણાય એવું છે.

પણ હરિની અને લોકોની લોકોની લાડલી મીરાંના કાવ્યો જોતાં એમાનાં ઘણાં કાવ્યો સામાન્ય છે એમ કહેવાની હિંમત કોઈ કરે તો એમાં ધૃષ્ટતા લેખી શકાય એવું નથી. મીરાંના મુલ કાવ્યો કેટલાં છે એની જ પૂરી પ્રતીતિ અત્યારે તો કોઈને થતી નથી. એનાં હાલ જે કાવ્યો પ્રસિદ્ધિમાં છે એમાંથી એના પોતાનાં કેટલા હશે એ વિશે સંશોધકોના ઘણા જુદા જુદા મતો છે. ઘણી વાર એનાં જુદાં જુદાં કાવ્યોમાં માત્ર એની એક જ વસ્તુ એને કહેવાની હોય છે અને મીરાંને નામે પ્રચલિત કાવ્યોમાં તો ગ્રામ્યતા પણ ઘણીવાર દેખાય છે.

આ દોષો દેખાડવાથી મીરાંની કવિતાનું મૂલ્ય ઉતરી જતું નથી. એને કહેવાની એક જ વાત છે અને એનું જ્ઞાન પરિમિત છે તેથી એનાં કાવ્યોમાં વિવિધતા કરતાં લાલિત્ય અને કોમળઆ વધારે આવ્યાં છે.

એનામાં વિવિધતા નથી એમ તો કોઈથી ન કહેવાય. એણે સન્યાસ લીધો છતાં શૃંગાર ગાયો. એણે તપસ્વિની થઈને રસિકતા પોષી. વિરાગિની છતાં રાગ-પ્રેમની ધૂન એણે જગાવી. સંસાર છોડ્યો છતાં સંસારીના સર્વ ભાવોથી એણે ગિરધરલાલને ગાયો અને આ બધાં પરસ્પર વિરોધાભાસી મિશ્રણોએ એની કવિતામાં એક જુદો જ રસ અને પ્રફુલ્લતા આણ્યાં છે. મીરાંની કવિતામાં વિશાળતા નથી એ દોષ એના જ્ઞાનની સાંકડી સીમાઓને લીધે આવ્યો છે. એના હ્રદયનો નથી. હ્રદયે એના ભાવોમાં પ્રબળતા આણી, સામે એની દિશાઓને મર્યાદિત કરી. મીરાં જ્ઞાની નથી, જ્ઞાની હોવાનો એનો દાવો પણ નથી, આંતરપ્રેરણાથી જદે એટલું જ્ઞાન એને સ્વયંભૂ સ્ફૂર્યું છે. મીરાં એટલે ડહાપણ નહીં, એ તો માત્ર ઉર્મિઓની પરંપરા.

મીરાં એટલે સત્તા નહીં, પણ પ્રેમનો દોર; અને વિલાસ નહીં, પણ શોભા. મીરાંમાં ગહનતા નથી, પણ રસિકતા અને ભાવ છે. યૌવનને એના ગીતમાંથી ઉલ્લાસ જડે છે. પ્રૌઢ વયમાં રસવૃત્તિને એ કરમાયા વિનાની રાખે છે. વૃદ્ધ અંતરમાં એનાથી અતિવૃદ્ધતા આવતા અટકે છે. એના સૂરમાં લહેજ્જત અને સનાતન ઈશ્કનો પુકાર છે. મીરાંના ભજનના સૂરમાં બુદ્ધિનો અને સ્થિતિનો ભેદ સર્વથા ભુલાઈ ગયો છે અને બુદ્ધિમાન કે અજ્ઞાન, ગરીબ કે તવંગર સૌ એનાં ભજનો ગાતાં રસનિમગ્ન બની રહે છે.

મુક્તિના બધા માર્ગોમાં વૈષ્ણવધર્મએ ભક્તિમાર્ગનો મહિમા વધારે ગાયો છે. તેને પરિણામે સાહિત્યમાં અને તે દ્વારા લોકહ્રદયોમાં ભક્તોનું સામ્રાજ્ય વધારે અંશે પ્રવર્તી રહ્યું છે. આપણે ત યાં જ્ઞાનીઓ પાકતા પણ તેમાંનો મોટો ભાગ વિતંડાવાદ કે દિગ્વિજયના મોહમાં શુદ્ધ જ્ઞાનના અખંડ આનંદને ભૂલી જતો. લોકોને એમની વિદ્વત્તાના આડંબરમાં સમજણું પડતી નહીં. એમની ચર્ચાઓના અખાડા સાઠમારી જોવા જેટલો જ રસ પૂરો પાડતા.

કવિ અને ભક્ત ઘણીવાર એક અર્થમાં વધારાના અથવા ભક્ત હોય તે ઘણુંખરું કવિ થતાં. વૈષ્ણવ કવિઓમાં કૃષ્ણ કે રામને સમૂગળા ન ગાયા હોય એવો કવિ ભાગ્યે જ કોઈ મળી આવશે. ભક્તનો એ જ આદર્શ મનાતો અને એ દ્વારા શ્રીકૃષ્ણ સ્વરૂપમાં સમાવાની ભક્તોની ઊંડી વાંચ્છના હતી. એ વિગ્રહભર્યા કાળમાં જ્ઞાન દ્વારા આવતી તર્કપરંપરા કરવાની કોઈને ફુરસદ કે ઈચ્છા ન હતાં. જ્ઞાન પમાવાનાં સાધનો બહુ ઓછાં હતાં અને તેથી શ્રદ્ધાથી પળાય તેવી સહેલી મુક્તિનું આકર્ષણ સૌને વધારે થતું.

મીરાંનો આદર્શ પણ આવો પ્રેમલક્ષણા ભક્તિનો જ છે. અંતઃપુરના અંધારામાં અને એવા અશાંતિ અને વિગ્રહના સમયમાં જ્ઞાનમાર્ગ એને માટે શક્ય જ ન હતો. નૈસર્ગિક બુદ્ધિનો ચમકાર તો એનાં પદોમાં સ્થળે સ્થળે દેખાઈ આવી એની સરળ કવિતાને શણગારે છે.

આદર્શ ભક્તિ દ્વારા માનવ આત્માનો સાક્ષાત્કાર કરે છે અને તેટલે અંશે એ મહત્તા પ્રાપ્ત કરે છે; એવી મહત્તાનું માપ પણ આદર્શના પ્રમાણ ઉપરથી મપાય છે. ગિરધરલાલની પાષાણમૂર્તિ જોઈ આદર્શઘેલી મીરાં પ્રભુત્વને પામીને અમર થઈ. એની કવિતાનું બળ પણ એમાં રહેલા શબ્દોમાં નથી, પણ એ શબ્દોની પાછળ દીપતી એની ભક્તિજ્યોતમાં છે.

મીરાંની કવિતામાં બીજુંયે ઘણુંબધું છે, એમાં પ્રણયઘેલી સ્ત્રીની ધૃષ્ટતા છે અને નવોઢા સમી આતુરતા છે. મોહનવરને ગાતાં એ મોહના બને છે. ગિરધરને એ ગોપીભાવે ગાય છે. વિરહની વેદનાનું તીવ્ર ભાન છતાં મિલનની આશા એને કદી છૂટતી નથી. પણ એની આશા તો નિત્ય પરિચિત ભાવોથી પુરાય એવી લાગે છે. મીરાંનો કહાન ગોપીઓમાં રાસ રમનારો છે; વૃંદાવનની ગાયો ચારનારો છે, મોરમુકુટ ધારનાર છે; દહીંમાખણનો ચોરનારો છે, ગોવર્ધનને ધરનારો છે. પનિહારીઓને સતાવનારો છે; વેણુને વગાડનારો છે ને ઘેલી વ્રજનારીઓની આશા પૂરનારો છે. વૈભવે એને સતાવી છે તેથી વૈભવી શ્રીકૃષ્ણને એ બહુ સંભારતી નથી, વિગ્રહો જોઈ એ કંટાળી છે તેથી મહાભારતના મહાબાહુ શ્રીકૃષ્ણ રૂપે ભજવાનું એને બહુ આકર્ષણ થતું નથી. મીરાંનું મન એના વેણુનાદે મોહ્યું છે. શ્રીકૃષ્ણના શસ્ત્રોના ખડખડાટ તો એ સ્વામીભાવ હોવાથી જ સહી લે છે.

સ્ત્રીકવિઓમાં પ્રથમ અને અજોડ એવી આ ભક્તકવિના ગીતના રણકારો સૈકા થયાં સંભળાય છે છતાં હજુ વીસરાયા નથી અને કોણ કહેશે કે એ કદીયે વિસરાશે?

– લીલાવતી મુનશી
(‘રેખાચિત્રો’ માંથી સાભાર)


આપનો પ્રતિભાવ આપો....

One thought on “મીરાંબાઈ – લીલાવતી મુનશી