પાછા ફરીશું… (ગઝલ) – જીતેન્દ્ર પ્રજાપતિ 4


અંતને આઘો કરીશું
બસ, અમે શ્વાસો ભરીશું.

સૂર્યની તો ખાતરી છે,
સાંજના ખુદ પણ ઠરીશું.

જોતરીશું ટાંકણાંને
હસ્તરેખા ખોતરીશું.

વારતાનો અંત ક્યાં છે?
પૃષ્ઠ થઈ પાછા ફરીશું.

સત્ય છું, તરકટ નથી કૈં,
આયનો સામે ધરીશું.

– જીતેન્દ્ર પ્રજાપતિ

મૂળ ખેડા જીલ્લાના કપડવંજ તાલુકાના ઘડિયા ગામના વતની અને હાલમાં મહુવા પાસે આવેલા બગદાણા ક્લસ્ટરની શ્રી રતનપર પ્રાથમિક શાળામાં શિક્ષક એવા શ્રી જિતેન્દ્રભાઈ પ્રજાપતિ અત્યારની પેઢીના તરોતાઝા ગઝલકાર છે. અક્ષરનાદ પર સમયાંતરે તેમની રચનાઓ પ્રસ્તુત થતી રહે છે તે અક્ષરનાદનું સદભાગ્ય છે. જીતેન્દ્રભાઈની રચનાઓ કવિતા જેવા અગ્રગણ્ય પદ્ય સામયિકો સહીત અનેક સામયિકોમાં છપાઈ રહી છે. આજે તેમની કલમે માણીએ એક સુંદર અને અર્થસભર ગઝલ, જેનો પ્રત્યેક શેર આફરીન કહેવા મજબૂર કરે એવો સરસ છે. નિષ્ફળતાઓથી ડર્યા વગર, સતત લડીને – હિંમતથી પરિસ્થિતિઓનો સામનો કરીને સતત ટકી રહેવાનો પ્રયત્ન કરતા માણસની વાત અહીં બખૂબી પ્રસ્તુત થઈ છે, ટાંકણાંથી હસ્તરેખા ખોતરવાની વાત તો ખૂબ જ બેનમૂન થઈ છે. અક્ષરનાદને પ્રસ્તુત ગઝલ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી જિતેન્દ્રભાઈનો ખૂબ આભાર.

બિલિપત્ર

  • A drainless shower of light is poetry, it is the supreme of power, This might half slumbering on its own right arm (પ્રકાશની અજસ વર્ષા છે કવિતા, પરાશક્તિ છે કવિતા, પોતાના જમણા હાથ પર માથુ ઢાળીને તે અર્ધતંદ્રામાં ઢળી છે.)
  • A thing of beauty is a joy for ever (આનંદનો ચિરંતન સ્ત્રોત એટલે સૌંદર્ય)

 – John Kits


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “પાછા ફરીશું… (ગઝલ) – જીતેન્દ્ર પ્રજાપતિ