વાઘરીવાડની રૂડકી,
એના લટિયે લટિયે લીંખ.
અંગે અંગે ઓઘરાળા,
એના લૂગડાં પીંખાપીંખ.
ભૂંડી ભઠ્ઠ રૂડકી રે..
એક કાંખે એક છોકરું,
બીજું હાથે ટીંગાતું જાય,
માથે મેલ્યા ટોપલા,
ઉપર માંખો બણબણ થાય.
ભૂંડી ભઠ્ઠ રૂડકી રે…
રૂડકીને ઘેર બોરની વાડી,
વાઘરી જવાન જોધ.
વાઘરી લાવ્યો વહુ બીજી
ને રૂડકી રૂવે ધોધ.
ભૂંડી ભઠ્ઠ રૂડકી રે….
રૂડકી લેતી ટોપલો માથે,
નાનકાં લેતી બાળ,
હાથે પગે એ હાલી નીકળે,
રામ માથે રખવાળ.
ભૂંડી ભઠ્ઠ રૂડકી રે…..
રૂડકી વેચે કાંસકી સોયા,
દામમાં રોટલા છાશ.
છાશનું દોણું કાંસકી સોયા,
એજ એનો ઘરવાસ,
ભૂંડી ભઠ્ઠ રૂડકી રે…
કોઇનો ઓટલો ચોતરો ચૌટું
રાત પડે એના વાસ,
દિન આખો તે શેરીએ શેરીએ
ભમતી રોટલા આશ,
ભૂંડી ભઠ્ઠ રૂડકી રે…
નાગરવાડે નાત મળીને,
ગૌરી ગીતો ગાય.
ધીંગડવાગે ઢોલ પિપૂડી,
ગામ આખું લહેરાય.
ભૂખી ડાંસ રૂડકી રે….
ધાવણી છોડીને તાવ ચડ્યોને
નાનકી ભૂખી થાય,
છોકરાં લઇને રૂડકી બંને,
નાગરવાડે જાય,
ભૂખી ડાંસ રૂડકી રે…
શેરીમાં બેસી નાત જમે ને
ચૂરમા ઘી પીરસાય,
શેરી નાકે ભંગિયા, ઢેડાં,
વાઘરાં ભેગાં થાય.
ભૂખી ડાંસ રૂડકી રે…
રૂડકી ઊભે એક ખૂણામાં
છોકરાં બઝાડી હાથ,
વાઘરાં કેરા થાય કોલાહલ,
ખોલકાં ભૂંકે સાથ,
ભૂખી ડાંસ રૂડકી રે…
નાત જમી ત્યાં ઊઠે આખી,
પાન સોપારી વહેંચાય.
વાઘરાં તૂટ્યાં પતરાળાં પર
એઠું ઉપાડી ખાય,
ભૂખી ડાંસ રૂડકી રે…
રૂડ્કી દોડે વાઘરાં ભેળી,
લૂંટાલૂંટ થાય,
અર્ધી ખાધેલ પતરાળી
એક હાથ આવી હરખાય,
ભૂખી ડાંસ રૂડકી રે…
ચોર્યું, ફેંદ્યુ ચુરમું શાક,
ને ધૂળ ભરેલી દાળ,
રૂડકી કોળિયો છોકરાંને દે,
ઉપરથી દે ગાળ,
ભૂખી ડાંસ રૂડકી રે…
નાતના વાળંદ લાકડી લઇને
મારવા સૌને ધાય,
એ ધમાલમાં રૂડકીના થાળ
કૂતરાં તાણી જાય,
ભૂખી ડાંસ રૂડકી રે…
પાનબીડાં લઇ નાત ઊઠે
ને રૂડકી ખંખેરે હાથ,
દુનિયા કેરી દોરંગી લીલા
દેખે દીનનો નાથ,
ભૂખી ડાંસ રૂડકી રે…
– સુન્દરમ�
ક્યાંક કોઈક મિત્રની ડાયરીમાંથી ટપકાવેલી આ કવિતા વિશે વિકિપીડિયા પર દર્શાવ્યું છે તેમ તે સંગ્રહ ‘કોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં ગીતો (૧૯૩૩)’ માંથી છે. સુન્દરમનો આ પ્રથમ કાવ્યસંગ્રહ છે જેમાં કવિએ રાષ્ટ્રઉત્થાનના સંકલ્પે ગાંધીસૈનિક તરીકે સમાજજાગૃતિ લાવવા સુધારાના આક્રોશ સાથે પ્રાથમિક અને પ્રતિબદ્ધ કાવ્યાવિષ્કારો આપ્યા છે. અખા ભગત કે ભોજા ભગતની પરંપરામાં સર્જેલા કલ્પિત કોયા ભગતના નવા પાત્ર મારફતે જૂની ઢબનાં ભજનોની ધાટીમાં નવા જમાનાના વિષયો ને એની ભાવના રજૂ થયાં છે. સામાજિક દંભ, વિષમતા, વર્ગભેદ, ઈશ્વર-ધર્મ અંગેની પોલી શ્રદ્ધા પરના કોયા ભગતના પ્રહારો હાસ્ય-કટાક્ષ સાથે અનુકંપાશીલ છે. આદમ, ભંગડી, રૂડકી, માકોરબાઈ, નભુલાલ એવાં પાત્રો અહીં ઊપસ્યાં છે. સમાજ પરત્વેનો સંદેશ પ્રમુખ હોવા છતાં કેટલીક કૃતિઓનું કાવ્યસૌન્દર્ય અળપાયું નથી. (- ચંદ્રકાન્ત ટોપીવાળા)
પ્રસ્તુત રચનામાં રૂડકીનું અનોખું ચિત્ર કવિ શ્રી સુન્દરમ ઉપસાવી આપે છે. 1933માં લખાયેલું હોવાથી આ કાવ્ય સહજરીતે અત્યારે વપરાશમાં ખૂબ ઓછા એવા શબ્દો ધરાવે છે. રૂડકીનું પાત્ર અને તેની વિવિધ ક્રિયાઓ સાથે એંઠવાડમાંથી ભોજન પામવાની તેની મથામણ, બાળકોને ખવડાવવાની તેની ઈચ્છા વગેરે કવિએ એવું તે આબેહૂબ ઉપસાવ્યું છે કે એ ચિત્ર આંખો સામે ખડું થઈ જાય.
– ગોપાલ પારેખ
બિલિપત્ર
“જ્યાં રઈ ન્યાં મોજથી રે’વું, જિગ્યાના નામ તો આપડે જ દીધાં સે ને? ઝાઝાં મકાનું હોય ઈનેં શે’ર કંઈ, નાનાં મોટાં ખોયડાં હોય ઈનેં ગામ કંઈ. ઝાઝાં ઝાડવાં હોય ઈનેં જંગલ કંઈ, નકરો વગડો હોય ઈનેં રણ કંઈ. તોય, માણાનું જ્યાં ઘર ન્યાં ઈની મોજ. બીજે રંઈ તો ખરાં પણ અમને ગયર જેવું ક્યાંય સોરવે નંઈ.”
– આઈમા (શ્રી ધ્રુવ ભટ્ટ રચિત નવલકથા ‘અકૂપાર’માંથી)
આ કવિતા વાંચિને એ દિવસો યાદ આવ્યા. લગ્ન ના જમણવાર પછી એથંપતરાળા લેવા લડતા ….એ શબ્દ લખતા પણાન્ગળી નથી ઉપડતી. ત્યરે તો સમ્જતુ નહી કે આ લોકોને જમ્વાનુ પિરસવામા કેમ ન આવે.
કવિ સુન્દરમ….જે શાળા માં ભણ્યા હતા..તે જ શાળા માં હું ભણ્યો એનો મને ગવૅ છે. આમોદ…., ચામડિયા હાઈસ્કુલ.
very touching…
la jawab chhe
aankh ni saame drashya khadu kari didhu
SHRI SUNDRAM HAS CRAFTED A NICE IMAGE.
MANY OF US MAY HAVE SEEN THIS TYPE OF SCENE, YET WHY WE HUMEN HAS NO ANY FEELINGS TOWARDS SUCH MIS-FORTUNE HUMAN BEINGS
WE SAY ,SING OR PRAY GOD AS KARUNASAGAR, KARUNAKAR AND SO ON ,BUT WE DON’T TRY TO BE KARUNAKAR- AS GOD
IF WE HAVE SOMETHING SPARE,
KARUNASANKAR, KARUNAPRASAD ETC.
કવિ સુન્દરમની શબ્દો ઉપરની પકડ અદભુત – મારી દ્ર્શ્ટીએ આ એક
સામાજિક વાસ્તવીક્તાનુ સમાજનું વર્ણન છે. દીનાનાથ દીનના સહારે ક્યારે
આવશે?
અસ્સલ તળપદી અને ગામઠી ભાષામાં આલેખાયેલ આ અદભુત અને હ્રદય સ્પર્શી તથા સચોટ અને તદ્દન સત્ય એવું આ શબ્દ ચિત્ર – જાણે રુડકી ને આપણે ક્યાંક જોઈ છે તેવો આભાસ કરાવી જાય છે આ રચનાની પંક્તિઓ.
કહેવું જ પડે કે ભાઈ સુંદરમ એટલે બસ સુંદરમ .