બે ગઝલરચનાઓ – કિસન સોસા 1


૧. મારો અવાજ

એક સમય અવરુદ્ધ કંઠે ટળવળ્યો મારો અવાજ,
ને પછી પાષાણ તોડી નીકળ્યો મારો અવાજ.

ચોસલા કઈ કુદ્ધ શબ્દોના ઉડ્યા ચારે તરફ,
ભીતરી વિસ્ફોટે એવો ખળભળ્યો મારો અવાજ.

આ બરફની મહેફિલે ‘ઈર્શાદ’ ને ધીમે સ્વરે,
ચિલમનેથી કોઈએ ઝીલ્યો, ઝળ્યો મારો અવાજ.

એટલે એમાં ભળી મીઠાસ, રેશમની કુમાશ,
લાગણીપૂર્વક સમય – હાથે દળ્યો મારો અવાજ.

કેટલી દા નીકળ્યો હોંશે પવન – પીઠે ચડી,
ઠેઠ તારા દ્વારથી પાછો વળ્યો મારો અવાજ.

જેટલો સંભવ હતો ખુશ્બૂ ધરી છે લહેરને,
કંટકો વચ્ચે કળી જેવો પળ્યો મારો અવાજ.

ભૂમિના અજ્ઞાત ઉંડાણે ગયો હું ઉતરી,
ઘાસપત્તી ફૂલમાં… ફૂલ્યો ફળ્યો મારો અવાજ.

(તૃષિત સૂર્ય પૃ.૧૪)

૨. ક્ષણ બની…

બે ઘડી તું ઘર બની, ઉંબર બની, આંગણ બની;
કંકણે રણકી ઉઠી, સિંદુરે સોહાગણ બની.

સ્વપ્ન જેવું યાદ તારું ઘૂંઘટે ઢાંક્યું વદન;
કેડીએથી તું વહી ચાલી ઝીણી રણઝણ બની.

રેતમાં જળના ચરણ રે કેટલું ચાલી શકે,
આખરે થાકી નદી રણમાં ઠરી ગૈ રણ બની.

જે કદી સ્વપ્નેભર્યા વિસ્તૃત સમય જેવી હતી,
એ સમેટાતી સમેટાતી હવે એક ક્ષણ બની.

બેઉ પર સરખી જ વીતી થઈ છતાં જુદી અસર;
હું શરાબી થૈ ગયો, ને શાંત તું જોગણ બની.

(તૃષિત સૂર્ય પૃ.૧૯)

– કિસન સોસા

શ્રી કિસન સોસા આપણા જાણીતા અને સિદ્ધહસ્ત ગઝલકાર છે. તેમના અનેક પ્રસિદ્ધ થયેલા પુસ્તકોમાં અનસ્ત સૂર્ય (૧૯૮૫), અનૌરસ સૂર્ય (૧૯૯૧), સૂર્યની જેમ ડૂબી ગયું હાર્મોનિયમ (૧૯૯૨), અનાશ્રિત સૂર્ય (૧૯૯૭), છબ છબ પતંગીયું ન્હાય (૧૯૯૯), સહરા (૧૯૭૭) અડધો સૂર્ય (૧૯૯૭) વગેરે મુખ્ય છે. આજે પ્રસ્તુત છે તેમની બે સુંદર ગઝલ – ‘મારો અવાજ’ અને ‘ક્ષણ બની..’ . આશા છે ગઝલરચનાની સમગ્ર પ્રક્રિયા ચાલો ગઝલ શીખીએ… શ્રેણી મારફત વિગતે શીખ્યા પછી આ ગઝલ નવોદિત ગઝલકારો માટે સીમાસ્તંભ બની રહેશે.

બિલિપત્ર

ઘરના અરીસા યે હવે તો કંટાળી ગયા છે,
એની નિત નવી રીતે ઓળખાઈ આવવાની
આ જીદથી !


આપનો પ્રતિભાવ આપો....

One thought on “બે ગઝલરચનાઓ – કિસન સોસા

  • ashvin desai47@gmail.com

    ભાઈ કિસન સોસા મારા અતિપ્રિય શાયર . એમના કેતલાક
    યાદગાર શેરો હુ ઘનિ વાર એકલો એકલો જ ગનગનતો હોઉ
    ‘ વાસિ , જુનિ , બરદ હવાનો વારસો મલ્યો
    લાચાર પ્રર્થના , દુવાનો વારસો મલ્યો ‘
    એ સાપ તો વહિ ગયો ભવરન લિસોતતો
    આજે અમે અહિ પદયા આ ધુલ ચાતતા ‘
    અશ્વિન દેસાઈ ashvin.desai47@gmail.com