છે મારી આટલી થાપણ કહે તો મોકલું સ્નેહલ,
કે તુજ સહવાસની બે ક્ષણ કહે તો મોકલું સ્નેહલ.
પૂછાવે છે શું હાલત દિલની છે, તો એના ઉત્તરમાં,
પડીકામાં વીંટીને રણ કહે તો મોકલું સ્નેહલ.
ભલે સેંથીમાં ના શોભે ચરણરજ થઈને તો રહેશે,
હું મુજ અસ્તિત્વનું કણકણ કહે તો મોકલું સ્નેહલ.
દિવાનાપનનો દાવો કોઈની સામે નથી કરતા,
દિવાનાઓનું એ ડહાપણ કહે તો મોકલું સ્નેહલ.
રહે છે આંખ ખુલ્લી રાતદિવસ તુજ પ્રતીક્ષામાં,
નકામી છે હવે પાંપણ કહે તો મોકલું સ્નેહલ.
અગર તારી અધૂરપ થઈ શકે જો પૂર્ણ એનાથી,
બચેલુ મુજ અધૂરાપણ કહે તો મોકલું સ્નેહલ.
– ‘કાયમ’ હઝારી
‘કાયમ’ હઝારી એક એવા ગઝલકાર છે જે ગઝલની પરંપરિત ઈબારતનું અનુસંધાન બહુધા જાળવી રાખે છે. સરળ, બોલચાલની કાવ્યરીતિ એમને વધુ ફાવે છે, કહો કે ‘સંવાદ રીતિ’ એમને વધુ ફાવે છે. પ્રસ્તુત ગઝલમાં, ‘છે મારી આટલી થાપણ’ કહીને કવિનો મિજાજ પ્રથમ મિસરામાં જ બાંધી આપે છે, જતાવી આપે છે તેનું તીવ્ર સંધાન ચોથી પંક્તિમાં મળે છે,
પડીકામાં વીંટીને રણ કહે તો મોકલું સ્નેહલ.
અને ત્રીજા શેરમાં કવિ
ભલે સેંથીમાં ના શોભે ચરણરજ થઈને તો રહેશે,
હું મુજ અસ્તિત્વનું કણકણ કહે તો મોકલું સ્નેહલ.
ગઝલનો અંતિમ શેર પણ સુંદર છે. પ્રણયીનું અસ્તિત્વ પ્રેમ વિના, પ્રેમપાત્ર વિના નિરર્થક છે. સઘળું મોકલવાની તીવ્ર ઝંખના છેવટે પ્રતીક્ષારત પાંપણ પણ મોકલાવવા સુધી પહોંચે છે.
મને લાગે છે કે ગુજરાતી ગઝલનો એક ફાંટો મનહરલાલ ચોકસી, આદિલ, રાજેન્દ્ર, મનોજ, મનહર મોદી, જવાહર બક્ષી વગેરેનો છે. સમાંતરે છેલ્લી પેઢીનો એક ફાંટો વિકસિત થતો રહ્યો છે. તેનું નામ હવે ભાવકોની જીભે છે, હ્રદયે છે, હજુ પ્રવહમાન છે. આમાંનું કોણ, કેટલું, કેટલી ચિરસ્થાયી રીતે પોતાના નામે અંકે કરશે તે કહેવું – વહેલું ગણાશે. છતાં જે દમખમવાળી કલમો છે તેમાં એક નામ ‘કાયમ’ હઝારીનું છે. મુશાયરામાં બહુધા સફળ રહેતા આ ગઝલકાર સામે બહુધા અભિધાના સ્તરે પણ રહેવાનો ખતરો છે. વધુ સરળતા અને સુગમતા સિદ્ધ કરવા જતા ગઝલની અર્થક્ષમતા અને અર્થગંભીરતા, ચોટ અને વ્યંજનાના અનેક સ્તરે એકસાથે વિહરવાની ક્ષમતાને આઘાત પહોંચવાનો ભય છે.
પ્રસ્તુત સરળ, લયવાદી અને ચિત્રાત્મક સંવાદી ગઝલ દ્વારા ‘કાયમ’ હઝારી આશા જન્માવે છે. તેઓ ઉપરોક્ત સઘળા ભયસ્થાન વળોટી જશે. કવિશ્રી ‘કાયમ’ હઝારીને અભિનંદન
– ડૉ. શૈલેશ ટેવાણી.
શ્રી કાયમ હઝારીનું નામ અક્ષરનાદના વાચકો માટે નવું નથી. ‘કાયમ’ હઝારી એક એવા ગઝલકાર છે જે ગઝલની પરંપરિત ઈબારતનું અનુસંધાન બહુધા જાળવી રાખે છે. સરળ, બોલચાલની કાવ્યરીતિ એમને વધુ ફાવે છે, કહો કે ‘સંવાદ રીતિ’ એમને વધુ ફાવે છે. તેમની ગઝલો અને ગઝલસંગ્રહ સુદ્ધાં અક્ષરનાદ પર પ્રસ્તુત થયાં છે. આજે પ્રસ્તુત છે તેમની જ એક ગઝલનો ડૉ. શૈલેશ ટેવાણી દ્વારા સુંદર આસ્વાદ કરાવાયો છે તે આજે પ્રસ્તુત કર્યો છે. આ ગઝલ આસ્વાદ પોએટ્રી સામયિકના કવિ શ્રી કાયમ’ હઝારી વિશેષાંક (મિલેનિયમ ૨૦૦૦ અંક)માંથી લેવામાં આવ્યો છે. ‘છે મારી એટલી થાપણ…’ એ સુંદર ગઝલ અને તેનો આસ્વાદ આજે પ્રસ્તુત છે.
બિલિપત્ર