બે ઘડીનો ખેલ એટલે જિંદગી.. (ગઝલ આસ્વાદ) – જિતેન્દ્ર પ્રજાપતિ 5


જીંદગી તો બે ઘડીનો ખેલ છે,
ક્યાંક એવું મેંય પણ વાંચેલ છે.

આ સમજ લઈ ક્યાં સુધી જીવ્યા કરું,
કે પ્રતીક્ષાની સૂકાતી વેલ છે.

ક્યાંક ફેંકાઈ ગયો છું એ રીતે-
જાણે ગોફણથી મને વીંઝેલ છે.

લાવ દર્પણમાં જરા હું જોઈ લઉં,
કે ચહેરો કેમ તરડાયેલ છે?

ઘર મહીં પણ હું ફરી શક્તો નથી,
વાત મેં આ ખાનગી રાખેલ છે.

– હરીશ ધોબી

કવિ શ્રી હરીશ ધોબી ગુજરાતી ભાષાના અગ્રગણ્ય ગઝલકાર છે. તેમનો પરિચય આપવા માટે આ ગઝલ પૂરતી નથી. આવી ઘણી ગઝલરચનાઓ તેમના ગઝલસંગ્રહ ‘લગભગ’ માં જોવા મળે છે. આઠમા દાયકાથી ગઝલને વરેલા કવિ છ સાત વર્ષના લેખન બાદ વિરામ લે છે ને ત્યાર બાદ છેક તેર વર્ષ બાદ શરૂ કરે છે પોતાની ગઝલયાત્રા. જે પછીથી શબ્દસૃષ્ટિ, કુમાર, કવિલોક, પરબ, અખંડઆનંદ જેવા નામચીન સામયિકોમાં રચનારૂપે પ્રતિબિંબિત થાય છે. કવિની ભાષા પોતીકી છે, બોલચાલની ભાષામાં જ લખાયેલી પ્રસ્તુત ગઝલ તેની સરળતા અને પ્રવાહીતાને કારણે ધ્યાન આકર્ષે છે.

જિંદગી તો બે ઘડીનો ખેલ છે,
ક્યાંક એવું મેંય પણ વાંચેલ છે.

ગઝલના મત્લાનો શે’ર જ કવિની જિંદાદીલીનો પરિચય આપે છે. ઉલા મિસરામાં કવિ એક સચોટ હકીકત પ્રસ્તુત કરે છે તો સાની મિસરામાં તેના સમર્થન રૂપે પોતાની જાતને સાંકળીને કહે છે કે ‘હા, ક્યાંક એવું મેંય પણ વાંચ્યું છે.’

આ સમજ લઈ ક્યાં સુધી જીવ્યા કરું,
કે પ્રતીક્ષાની સૂકાતી વેલ છે.

ગઝલના બીજા શે’રમાં કવિ પોતાની સમજણના વિસ્તારને કોઈકની પ્રતીક્ષા સાથે સાંકળીને કહે છે કે પ્રતીક્ષા નામક વેલ તો સૂકાતી આવી છે ને સૂકાશે. કોઈનો ઈંતઝાર કરવો કવિને પોસાય તેમ નથી.

ક્યાંક ફેંકાઈ ગયો છું એ રીતે-
જાણે ગોફણથી મને વીંઝેલ છે.

અનુભવસિદ્ધ હકીકત વર્ણવતો કવિનો ત્રો શે’ર કાબિલેદાદ છે. દુન્યવી પ્રપંચો અને યાતનાઓથી ત્રસ્ત કવિની મનોદશા પ્રસ્તુત શે’રમાં નજરે ચડે છે. દુનિયાદારીએ કવિને સમજણના પ્રદેશમાંથી ક્યાંય દૂર ફેંકી દીધા છે.

લાવ દર્પણમાં જરા હું જોઈ લઉં,
કે ચહેરો કેમ તરડાયેલ છે?

કહેવાય છે કે વ્યક્તિનો ચહેરો એ વ્યક્તિના વ્યક્તિત્વનું દર્પણ છે. દર્પણ તરડાય એ વાત બરાબર પણ વ્યક્તિનો ચહેરો પણ ક્યારેક ઉદાસી, વ્યથાના ખંજરથી તરડાઈ શકે એ વાત એક કવિ જ કરી શકે.

ઘર મહીં પણ હું ફરી શક્તો નથી,
વાત મેં આ ખાનગી રાખેલ છે.

કવિને ભવિષ્યની આગાહી થઈ ગઈ હોવી જોઈએ કારણકે છેલ્લાં બે વર્ષથી કવિ ખરેખર ઘર મહીં હરી ફરી શક્તા નથી, તેમની આ અનુભૂતિની સચ્ચાઈ જ આ શે’રને સૌંદર્ય બક્ષે છે.

બે ઘડીના ખેલથી લઈ પોતાની જાતને ગોફણથી વીંઝવાની વાત કરતા કવિ પોતાનો ચહેરો તરડાયેલો નિહાળે છે ને છેવટ સુધી ઘર મહીં પણ ફરી ન શકવાની તેમની આ ખાનગી વાત તેમના જ આ શે’ર દ્વારા આપણને જણાવે છે.

– આસ્વાદ : જીતેન્દ્ર પ્રજાપતિ

મૂળ ખેડા જીલ્લાના કપડવંજ તાલુકાના ઘડિયા ગામના વતની અને હાલમાં મહુવા પાસે આવેલા બગદાણા ક્લસ્ટરની શ્રી રતનપર પ્રાથમિક શાળામાં શિક્ષક એવા શ્રી જિતેન્દ્રભાઈ પ્રજાપતિ અત્યારની પેઢીના તરોતાઝા ગઝલકાર છે. અનેક સામયિકોમાં તેમની રચનાઓ છપાઈ રહી છે, સ્વીકારાઈ રહી છે. ગત મહીને ‘કવિતા’માં તેમની ગઝલ પ્રસ્તુત થઈ હતી. આજે તેમની કલમે માણીએ શ્રી હરીશ ધોબીની એક સુંદર ગઝલનો આસ્વાદ. અક્ષરનાદને પ્રસ્તુત ગઝલ આસ્વાદ પાઠવવા બદલ શ્રી જિતેન્દ્રભાઈનો ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “બે ઘડીનો ખેલ એટલે જિંદગી.. (ગઝલ આસ્વાદ) – જિતેન્દ્ર પ્રજાપતિ

 • Harshad Dave

  સુશ્રી લતાજી, નામચીન શબ્દ નકારાત્મક ભાવ વ્યક્ત કરે છે એ વાત બરાબર છે. તેને બદલે શિષ્ટ, સુપ્રસિદ્ધ અથવા સુરુચિપૂર્ણ સામયિકો શબ્દ સુયોગ્ય કહી શકાય. સાર્થ જોડણીકોશમાં એ શબ્દનો અર્થ નામીચું અથવા પ્રખ્યાત એવો દર્શાવેલો છે. કાઈ ખોટું કાર્ય કરીને જગજાહેર થઇ હોય તેવી વ્યક્તિ માટે નામચીન શબ્દ વપરાતો સંભાળ્યો કે વાંચ્યો છે. કુખ્યાત એવો એનો અર્થ વપરાશમાં થાય છે. -હદ.

 • PRAFUL SHAH

  WE ARE EXPERIENCING THE SAME THING AND VERY SPECIALLY WHEN WE ARE OLD
  AND EVERY ONE IS RUNNING IN RAT RACE, NO TALK TIME IN BETWEEN COUPLES, NOR FAMILY, NOR NABOURHOOD NOR WE GET TIME —-FIND OUT WHERE?
  JUST WAITING FOR RIDE, AS NO OTHER RIDE IS AVAILABLE FOR GOING OTHER WORLD..SO WHY NOT LIVE CARE FREE ,YOU ARE BORN AND SENT OVER HERE IN THIS WORLD WE HAS TO MANAGE ,HE MIGHT HAVE FORGOTTON YOU,TILL ENJOY WITH LOVE TO ALL ,
  YOU HAVE TO SAY GOOD BYE TO ALL AND EVERYTHING —IS REAL MOKSHA, NO WORRY TO WAKE-UP TAKE LUNCH OR DINNER OR WORRY TO SIGN CHEQUE..PARAM SHANTI..OM..SHANTI SHANTI OM

 • Harshad Dave

  ગઝલની માફક આસ્વાદ પણ માફકસર છે. એક વિચાર: ગઝલોનો આસ્વાદ કરવા/કરાવવા માટે રસિકજનોને આમંત્રણ પાઠવીને એવી એક સ્પર્ધાનું આયોજન કરી શકાય તો? આથી ગદ્યની અભિવ્યક્તિ અને પદ્યની રસાળ સમજનો વ્યાપ વિસ્તરી શકે. અને એ વાચકને સારી કૃતિઓ સમજવા, રસ લેવા, લખવા, માણવા અને કાવ્ય રચના રચવા પ્રેરી શકે. -હદ.