દીકરી મોટી કેમ થઈ જતી હશે? – હાર્દિક યાજ્ઞિક 21


આ દીકરીઓ મોટી કેમ થઈ જતી હશે?

વ્હાલના વિશાળ દરીયામાંથી
સમજણની સરિતા કેમ થઈ જતી હશે?
આ દીકરીઓ મોટી…

મારે ઘેર ક્યારે આવશો પૂછવું હતું,
તો ક્યારેય તમને નહી છોડું શીદને કહેતી હશે?
આ દીકરીઓ મોટી…

હમણાં તો ચોકલેટ માટે એને લડતો,
ને આજ દવા માંટે કેમ મને ખખડાવતી હશે?
આ દીકરીઓ મોટી…

આમ જુઓ તો મારી જ છે એ સુંગધ
પણ ફોરમ બની એના ઘરે કેમ પ્રસરાઇ જતી હશે?
આ દીકરીઓ મોટી…

મારા મતે તો એ સાવ ગાંડી ને ઘેલી,
તોય વગર કહે સઘળું સમજી કેમ જતી હશે?
આ દીકરીઓ મોટી…

– હાર્દિક યાજ્ઞિક

અમેરીકાની સફરે પોતાના સ્વર અને કૌશલનો પરિચય આપી રહેલા હાર્દિકભાઈ યાજ્ઞિકની કલમનો ચમત્કાર અક્ષરનાદના વાંચકો માટે પરિચિત જ છે. આજે તેમની એક વધુ રચના અહીં પ્રસ્તુત છે. દીકરીઓ મોટી કેમ થઈ જતી હશે એ પ્રશ્ન સાથે ઉપસ્થિત થયેલ હાર્દિકભાઈની આ પદ્ય રચના સાદ્યાંત માણવાલાયક થઈ છે. દીકરીની વિવિધ વાતોને, તેના દ્વારા લેવાતી કાળજીને, તેના નિઃસ્વાર્થ પ્રેમને અને અંતે પારકા ઘરે તેની વિદાયને – આ બધી વાતોને અહીં તેઓ એક અનોખા પરિપ્રેક્ષ્યમાં મૂકે છે. આમાં કોઈ ઉપદેશની વાત નથી, સહજ ઘટનાઓની, જીવનની અને સંબંધોની જરૂરતોની વાત છે. રચના ખૂબ જ સરસ અને સુંદર થઈ છે. અક્ષરનાદને આ રચનાઓ પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી હાર્દિકભાઈનો ખૂબ ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

21 thoughts on “દીકરી મોટી કેમ થઈ જતી હશે? – હાર્દિક યાજ્ઞિક