વરઘોડો – હાર્દિક યાજ્ઞિક 13


“વાત ખર્ચાની નથી, પણ પછી નાચશે કોણ?” શ્રેયસભાઈએ ચશ્મા કાઢતા પ્રશ્ન કર્યો.

ભાઈના લગ્નના ઉત્સાહમાં મિલીએ તરતજ જવાબ આપ્યો, “હું અને મારી ફ્રેન્ડસ”

“હવે ૨૦૦ જણના વરઘોડામાં તમે બે ત્રણ જણા રસ્તા વચ્ચે નાચો, કંઈ સારુ લાગવાનું છે?” તનસુખકાકાએ એની વાતને કાપી નાંખી.

અને આ આખી વાત સાંભળીને મીતાકાકીએ વર્ષોથી દબાવી રાખેલી પોતાની રીસ દર્શાવી, “કેમ ખબર છે ને, મારા સચિનના લગ્નમા મસમોટો ખર્ચો કરીને બેન્ડવાળા બોલાવ્યાતા ત્યારે તો કોઇને નહોતુ નાચવુ. આગળ એ લોકો વગાડતા હતા અને પાછળ શોકસભામા જતા હોય તેમ બધા ….. મારો તો દિકરો પરણાવવાનો ઉત્સાહજ જતો રહ્યો હતો.”

શ્રેયસભાઈએ વાતને વણસતા બચાવી, “હશે ! પણ હવે કોણ સારા ઘરોમાં લગ્નપ્રંસગે વરઘોડામાં નાચે છે ! અને વાતેય સાચી છે, આપણે કોઇના લગ્નમાં ન નાચ્યા હોઇએ તો આપણા ઘરના વરઘોડામાં કોણ નાચે ?”

મિલીએ જીદ પકડી, “ના પપ્પા ! તમારે સારામા સારુ .. મોંઘામા મોંઘુ આર્મી બેન્ડ જ ભાઇના લગ્નમાં નોંધાવવાનું છે. કશુંજ ચાલશે નહી. કેમ મમ્મી ?”

આખાય લગ્નપ્રંસગના આયોજનમાં પોતાના સ્વભાવ મુજબ ક્યાંય દખલ ન કરનાર નંદિનીબહેનનું ધ્યાન દિકરી ઉપર હતું જ નહીં. વરઘોડાની વાતો ચાલુ થઇ અને તેમના હાથ શાક સમારતા સમારતા અટકી ગયા. ડાબા કાને દૂર દૂર તેમને સીસોટીઓ સંભળાવા લાગી. અચાનક રસોડા બાજુથી કોઇ અજાણ્યો વ્યક્તિ મોંમાં રૂમાલનો એક છેડો દાબી બીજા છેડેથી બીન વગાડતો તેમની પાસે ધસવા લાગ્યો હોય તેમ તેમને લાગ્યું. તેમની આંખ સામે પરસેવાથી નીતરતુ એક માદક પણ લચીલુ, નાજુક શરીર નૃત્ય કરતું હતું. જોનારાની આંખોમાં કળાના સન્માન કરતાં લોલુપતા વધુ હતી. અને ચોતરફ ઘોંઘાટ. સ્ત્રીના અવાજમા તીણું તીણું ગાતો પુરુષનો અવાજ અસ્પષ્ટ હતો, અને નંદિનીબહેન પોતાના ભૂતકાળમા સરી પડ્યાં.

“નંદુ બહેન, ઝટ દરવાજો ખોલો. જુઓ તો ખરા તમારા માટે શું લાવ્યા છીએ ? ” રઘુભાઇની ચાલીની પાછળ આવેલા ઝૂંપડામાં પતરું ઠોકીને પ્રતાપે બૂમ પાડી.

પોતાના માનેલા ભાઈનો અવાજ સાંભળી ૨૨ વર્ષની નંદુએ પતરું ખસેડ્યું. પ્રતાપે પોતાની શરણાઈ અને ટોપી બાજુમાં મૂકી નંદુની સામે પાંચ કોથળીઓ ધરી અને બે દિવસની ભૂખી નંદુના ચહેરા પર રંગત આવી. કોઇક કોઇક વાર પ્રતાપના બેન્ડવાળાઓને લગ્નમાં જમવા મળતું અને કોઇવાર ઘર માટે લઇ આવવા પણ. પ્રતાપનો આ ઉપકાર નંદુ માટે નવો નહોતો.

બે વાંકીચૂકી ડિશમા જમવાની કોથળીઓ ખાલી કરી, પહેલી એણે પ્રતાપની માંને આપી અને બીજી પોતે ખાતા ખાતા પ્રતાપ અને તેના દોસ્ત દીનુ જોડે વાતે વળગી. એ લગભગ પાંચ વર્ષની હશે જયારે મુંબઇ સ્ટેશન પર આ મનુડોશીને તે એક સરસ મઝાના સુંવાળા કપડામાં મળી હતી.

“પણ હવે તો હદ થાય છે. આ સુમનશેઠ કહે છે તેમ કંઇ નવું કરવું પડશે” સ્ત્રીના અવાજ મા ગાતા ગાતા દીનુનો અવાજ પણ તીણો થઇ ગયો હતો.

“પણ થઇ શું શકે ?” પ્રતાપે પોતાનો બેન્ડનો લાલ કોટ કાઢતા કહ્યું.

“કેમ શું થયું ?” નંદુને અજાણતાંજ પૂછવાનું મન થયું.

દીનુએ સમજાવ્યુ કે બેન્ડબાજાના ધંધામા હવે હરીફાઇ વધી ગઈ છે. હજી હમણાં સુધી તો ખાલી ગીત ગાઈએ એટલે ચાલતુ હતું. હવેતો એની સાથે સારા માઈક, ડ્રેસ, લાઈટ્સ અને જાણે કેટલાય નખરાં કરવા પડે છે. પણ હજીય લોકો કહે છે, ‘કંઈ નવું કરો.’

“અને ગમે તેટલું કરીએ પણ માંડ એક કે બે વરઘોડામાં નાચવાવાળા લોકો હોય અને બાકીના લગ્નમાંતો વગાડી વગાડીને થાકીએ તોયે કોઈના પગ ન થરકે.”

“તો એમા શું ? તમારા શેઠને કહો કે જેમ વગાડવાવાળા પૂરા પાડે છે એમ નાચવાવાળા પૂરા પાડે.” એકદમ સાહજીક રીતે નંદુએ બેન્ડવાળાના બીઝનેસમા નફો કરી આપતી સલાહ મફતમાં આપી.

“જુઓ, સુમનશેઠે બસ સારા ઘરના દેખાતા ત્રણ ચાર છોકરા છોકરીઓને નોકરી પર રાખવાના, તેમને લગ્નોમા પહેરાય તેવા સારા કપડાં આપવાના અને શરત એટલી કે એ લોકો નાચી શકતા હોવા જોઇએ. બસ તમારો તાલ શરૂ થાય અને એ લોકો નાચે અને નાચતા નાચતા બીજાને પણ તેમા શામેલ કરી દે એટલે વરઘોડાવાળાનું પણ સારુ દેખાય અને તમારા બેન્ડનું પણ નામ થઇ જાય, સાથે સાથે તમારા સુમનશેઠને પૈસા પણ કમાવાય.”

પ્રતાપતો એકીટશે ફડફડાટ બોલતી નંદુને જોઈ જ રહ્યો. એને થયું નક્કી નંદુબહેનમાં કોઈક પાક્કા વેપારીનું લોહી હશે.

બડબડિયા સ્વભાવનો દીનુ બોલી ઉઠ્યો, “વાત તો ૧૦૦ ટચના સોના જેવી છે. ચાલો, માન્યુ કે એક તો નંદુબહેન તમે છો, પણ બીજુ એવુ નાચવાવાળું કોણ મળશે ?”

પ્રતાપ ચીડાયો, “અરે ! બહેનનું નામ લેતા પહેલા એમને પૂછ તો ખરો !”

હાથમા રહેલી જલેબી ગોળ ફેરવતા ફેરવતા ગરીબીથી કંટાળેલ નંદુ બોલી, “એમા શું, આવડત પર વિશ્વાસ અને નસીબ ઉપર શ્રદ્ધા હોય તો કોઈ કામ નાનું નથી. અને આ તો આપણી કળાના પૈસા છે ને ! આપણે ક્યાં મોં કાળુ કરીને કમાવુ છે?”

સુમનશેઠને પૈસા કમાવવાનો અને બેન્ડવાજાની દુનિયામા એક નવી શરૂઆત કરવાનો મોકો મળ્યો અને આવા મોકા છોડે એવો ગાંડો એ હતો નહી. ફકત ૩૦૦ રૂપિયા લગ્ન દીઠ નક્કી કરીને તેણે રૂપરૂપના અંબાર સમી નંદુને બેન્ડમાં ભાડુતી નાચવાવાળી તરીકે રાખી. વિચાર ખૂબ ચાલ્યો. નંદુ પણ દિલ દઇને નાચતી. એનુ હોવું એ વરઘોડાની સફળતા બની જતી. એનો નાગિન ડાન્સ દરેક વરઘોડા માંટેની અનિવાર્ય વાત બની ગયેલી. નંદુને પણ આમાં ફાવટ આવી ગયેલી, નાચતાં નાચતાં કોનો પગ થરકે છે કે કોણ તાળી પાડે છે એ બધું જ જોતી અને એવી સીફતથી તેમને નાચવા ખેચી લાવતી કે આજુબાજુ ઉભેલા બધાં તેમા અજાણતાં જ જોડાઈ જતા. જનતાબેન્ડ હવે વરઘોડાને યાદગાર બનાવવાનો પર્યાય બની ગયેલો.

બીજા બેન્ડબાજા વાળાઓએ પણ આ રીતે સ્ત્રીઓને ભરતી કરવા માંડી. નંદુ તેના કામથી ખુશ હતી. એને મન આ કળાનુ કામ હતું. એ રાત્રે તે સુંદર રીતે તૈયાર થઇ હતી. બેન્ડવાળાને બાજુના ગામમા જવાનુ હતું. તેમનો ટેમ્પો ભરાતો હતો અને ત્યાંજ સુમનશેઠ પોતાનુ સ્કુટર લઇને આવ્યા. નંદુને પોતાની જોડે સ્કૂટર પર આવવા કહ્યુ. રસ્તામા ખેતરોની વચ્ચે સ્કૂટર ઉભુ રહ્યું. સ્કૂટર બગડ્યું કે કોઇ એક આખી જીંદગી એની તો કોને ખબર પણ થોડી ઝપાઝપી પછી પોતાના કપડા સંકોરી નંદુ મૂઠ્ઠી વાળીને નાસી. બે કોસ દૂર આવેલ રેલ્વેના નવા બનતા પુલ પર જઈ તેણે પડતું મૂક્યું.

“કેવુ લાગે છે હવે તમને ?” આંખે અંધારા હતા પણ કોઈનો ખૂબ પ્રેમાળ અવાજ નંદુને સંભળાયો.

નંદુ જાગી, પોતાની જાતને એણે કોઈ ભવ્ય હોસ્પિટલના ઓરડામાં જોઈ અને સામે હતા શ્રેયસભાઈ. રેલ્વે એન્જીનિયર અને સ્વભાવે ઠરેલ શ્રેયસભાઈએ ત્યારબાદ ૧૨ દિવસ સુધી તેની સેવા કરી. જીવનમાં પહેલી વાર નંદુએ પોતાની ઓળખ છૂપાવી અને પોતાના નામ સિવાય બીજુ કાંઈ પણ કહેવાનુ ટાળ્યુ. વિધુર અને એક નાનકડા પુત્રના પિતા શ્રેયસભાઈ તેના એ રાતના કપડાં જોઈ એટલુ જાણી ગયા કે છોકરી છે સારા ઘરની અને હવે એને સહારો આપનાર કોઇ નથી.

વખત વીત્યો.. બન્ને જણાએ એકબીજાના ભૂતકાળને પ્રગટ કરવાનુ ટાળ્યું અને પછી સૌ સારાવાના થયાં..બીજા લગ્ન શ્રેયસભાઈએ કોર્ટમાં કર્યા. નટખટ અને ઉત્સાહી નંદુ હવે ખપ પૂરતું બોલતા નંદિનીબહેન થઇ ગયા.

“મમ્મી હું તને પૂછું છું, ક્યાં ખોવાઈ ગઈ ?” મિલીએ મમ્મીને હલબલાવી દીધી.

ભૂતકાળમાંથી વાસ્તવિકતા આવેલા નંદિનીબહેને સહેજ ગળુ ખંખેર્યું અને અચાનક ઊગી નીકળેલા ડૂમાને પાછા હ્રદયના બંધ ઓરડામાં ધકેલીને પરિવારના બધાંને સંબોધીને બોલી ઉઠ્યા, “તમે એની ચિંતા ન કરો, તન્મયના લગ્નના વરઘોડામાં બધાં જ નાચશે, જવાબદારી મારી.”

– હાર્દિક યાજ્ઞિક

હાર્દિકભાઈની ઓળખાણ અક્ષરનાદના વાંચકોને હવે આપવી પડે એમ નથી. ચોક્કસ સમયાંતરે તેમની કૃતિઓ અહીં મળે છે અને પ્રસ્તુત થતી રહે છે. આજે પ્રસ્તુત એવી ટૂંકી વાર્તામાં હાર્દિકભાઈની નિરૂપણની, એક પ્રસંગને કેન્દ્રમાં રાખીને આખી વાત વર્ણવી શકવાની ક્ષમતા દેખાઈ આવે છે. નંદુનું એક આબેહૂબ પાત્રચિત્ર ઉપસાવે છે. તેના ભૂતકાળને વાર્તાનું આગવું તત્વ બનાવીને વર્તમાનમાં તેના મનોજગતને પ્રસ્તુત કરે છે. વાર્તાનો અંત તેની સતત રહેતી પ્રવાહિતા જેટલો જ સુંદર આપ્યો છે. આવી સુંદર કૃતિઓ તેમની કલમ થકી અક્ષરનાદને મળતી રહે તેવી અપેક્ષા સાથે હાર્દિકભાઈનો આ રચના અક્ષરનાદને મોકલવા બદલ ખૂબ ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

13 thoughts on “વરઘોડો – હાર્દિક યાજ્ઞિક

  • renuka

    Khubaj Sarars,garibi ni niche jivta manas ne su su vethvu padtu hoy che teni ek vat ahi raju thayeli che, ek nankada prasang ne ahi jordar rite raju karayel che,nandini nu character bahu gamyu,dukhad ane bhyavah atit ne bhuli jindagi ma aagad vadhvani prerna aapi che. very good

  • HEMAL VAISHNAV

    રમ્મ્ફાસટ કાકાની જેમ ટૂંકી વાર્તાના ક્ષેત્રે તમારી પ્રગતિ પણ રમ્મ્ફાસટ થતી જાય છે.ખુબ ખુબ અભિનંદન…

  • Devang Buch

    અદ્‌ભુત . . . . એક નાનકડા પ્રસંગ નું અલૌકિક રીતે કરેલું નિરુપણ. સમાજ ના એક બિહામણા ચહેરાનુ તદ્દન સાત્વિક રીતે અને ઘણી જ સમજણ પુર્વક કરેલુ તાદ્રશ ચિત્રણ.

    લેખક ને અભિનંદન…..

  • Yogesh Chudgar-Chicago US

    હાર્દિકને અભિનંદન..

    હંમેશા ઉચ્ચ વર્ગના જીવનની વાતો પર લેખ લખાત હોય છે. હાર્દિકે
    બેન્ડ વાળાના ઘરની વાતને સાંકળી લઇ સરસ રજૂઆત કરી છે, તે બદલ અભિનંદન.

  • PH Bharadia

    આપણી ગરવી ગુજરાતીમાં હજુ પણ આવા બૌધિક
    સાહિત્યસર્જનકાર છે ત્યાં સુધી આપણી ગુજરાતીનો
    છેદ કોઈ નહીં કરી શકે,અગર જો તેને ઈતર ભાષાઓમાં તરજુમો કરીને પ્રકાશિત કરવામાં આવેતો ચોક્કસ તેમની કદર ને નામના મળે.આ વાર્તામાં નંદીનીના પાત્રનું ‘પશ્ચાદભૂમિ’નું આરોપણ ખુબજ કલામય રીતે રજુ કરી ‘હાર્દિક યાજ્ઞિક’એ તેમની જોરદાર કલમપર ‘ક્લ્ગી’ ચડાવી દીધી છે!!
    લખતા રહો,વાંચકોને સારું બૌધિક સાહિત્ય પીરસતા રહો.વાચકો પણ કમરકસીને તમને પ્રોત્સાહન આપતા રહેશે તે વાતની ગેરેંટી છે.

  • nidhi

    kharekhar khub jj adbhut rite nirupayeli aa varta nu patr nandu jivan ni kahinai o no samno kv rite karvu ane kastdayak bhutkal ne bhuline jivan ma agad kv rite vadhvu ee sikhvi jay chhe.. nani pan jivan no mahatva no updes aapti aa varta kharekhar arth ma koik na dubta jivan ne prerna aapnar banvani xamta dharave chhe

  • RAMESH MAINTHIA

    ITS EYE OPENING ARTICLES IN OUR COMMUNITY – POOR PERSON ADOPT HIS OR HER PROFESSION TO WIN THE BREAD – WHERE AS BAD ELEMENT OF SOCIETY ???? SHOLUD BE WATCH AND TO BE KEPT AWAY FROM SUCH ACTIVITY