બે કાવ્યરચનાઓ – જગદીશ જોશી 8


૧). મળો તો –

તમે સાંજે મળો તો મને એકલા મળો,
કે મારા દિવસ આખાને વળે હાશ;
આવનારી રાતના ઝુમ્મરમાં સળગે નહીં,
ઊના ઉજાગરાની પ્યાસ.

આંખો મીંચાય પછી સમણું ઊગે,
એ તો નીંદરમાં બાવળની શૂળ;
ઝાંઝવાની જીવલેણ નદીયું પર બાંધો નહીં;
વાયદાના ભાંગેલા પુલ.

એવી તો વાવી કઈ જીવતરમાં ભૂલ,
કે તમે મળવામાં આટલા ઉદાસ !

ધોધમાર તડકો કંઈ ઓછો થયો,
અને સાંજની હવા તો હવે બાવરી;
કાળી કાળી વાદળી ખુલ્લા આકાશમાં
વરસી નહીં કે નહીં આછરી;

આદરેલી વાત તમે અધવચ્ચે આંતરી
ને શબ્દોના ટૂંપાયા શ્વાસ !

૨). મારા નાવિક !

સાવ સીધી નદીનાં વ્હેણ વાંકા થયાં
અને વાંકી નદીનાં વ્હેણ સીધાં;
કાંટા પર મ્હોરેલા લીલા પડછાયાનાં,
વેણ અમે પાંપણથી પીધાં.

સૌરભની શાલ હવે ઓઢે હવા,
પણ વાયરાનો સોળ તોય વાગે,
રણઝણતા ક્યાંક ક્યાંક ઊડે છે આગિયા
પણ આંખોમાં અંધારું જાગે !

તારી નદીની અમે નાવ, મારા નાવિક !
એવા સોગંદ અમે લીધાં.

ચરણોને ચાલવાની ઝંખના જાગી,
ત્યાં રસ્તાએ જોઈ લીધું આડું,
આંખોના કૂવામાં આંસુના મધપૂડા,
તરસ્યાંને કેમ સાદ પાડું ?

તારી વાતોમાં અમે કેવા ડૂબ્યાં
કે અમે અમને અળખામણાં કીધાં !

– શ્રી જગદીશ જોષી

પ્રસ્તુત બે ગીતો શ્રી જગદીશ જોષી વિશેષ, શ્રી સુરેશ દલાલનું સંપાદન પુસ્તક ‘સ્મૃતિપર્વ’ માંથી સાભાર લીધાં છે. તેમની કલમે આપણને અનેક માઈલસ્ટોન રચનાઓ આપી છે, જેમ કે –

ખોબો ભરીને અમે એટલું હસ્યા
કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.

અથવા

ધારો કે એક સાંજે આપણે મળ્યાં અને આપણે હળ્યાં
પણ આખા આ આયખાનું શું ?
ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ એને
ફરી ફરી કેમ કરી વાંચશું ?

અથવા

હું અધૂરી પ્યાલીને પંપાળતો બેસી રહ્યો,
આ ભરી મ્હેફિલ – મને ઉઠી જતાં ન આવડ્યું.

અથવા

તમારા પ્રેમની એ લોકોને કિંમત કેટલી?
કુત્તાને થાંભલાની હોય …. એટલી

અથવા

હરિ, મારા યાર !
આવવામાં આટલી બધી વાર ?

શ્રી જગદીશ જોષીની કવિતાને શ્રી સુરેશ દલાલ ‘કાળા ગુલમ્હોરની કવિતા’ કહે છે. તેમની કવિતામાં કવિતા વિશેના કાવ્યો છે, રાજકારણ અને સામાજિક અભિજ્ઞતા છે, કટાક્ષ છે, નગરજીવનની વ્યથા છે, જીવનનો થાક અને કંટાળો છે, મૃત્યુની ઝંખનાના કાવ્યો છે. એમની કવિતામાં પરંપરા છે, પણ એ કવિતા પરંપરાગત નથી. એ પ્રયોગશીલ છે, પણ અખતરાબાજ નથી. વેદના અને તેની સચ્ચાઈ છે ચિત્રાત્મકતા છે, અભિવ્યક્તિની તાજગી છે. આવા જ આપણી ભાષાની યાદગાર રચનાઓના કર્તા એવા શ્રી જગદીશ જોષીની બે રચનાઓ આજે પ્રસ્તુત છે.


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “બે કાવ્યરચનાઓ – જગદીશ જોશી