ત્રણ પુરાતન વટવૃક્ષો – કાકા કાલેલકર 2
‘સંસ્કૃતિનો વિસ્તાર’ એ લેખમાં હિંદુસ્તાનના પ્રતિક તરીકે મેં જે ચીત્ર આપ્યું છે.તેમાં એક વિશાળ વટવૃક્ષ તળે એક સાદી રૂપાળી ઝૂંપડીને બારણે વાછરડા સાથે ગાય બાંધેલી છે.અનેક વડવાઈઓના વિસ્તારથી આસપાસનો પ્રદેશ પોતાની છાયાં તળે લેનાર પરોપકારી વટવૃક્ષ; ઊનાળમાં ઠંડક અને શીયાળામાં હુંફ આપનાર ઘાસની ઝૂંપડી; અને આજીવન તેમ જ મરણ પશ્વાત પણ સેવા આપનાર કારુણ્યમૂર્તિ ગૌમાતા; આ ત્રણે વસ્તુઓ આશ્રમ સંસ્કૃતિની પ્રતિક છે. આ ચિત્રની અંદર હિંદુસ્તાનની પ્રાકૂતિક પરિસ્થિતિ પણ ચિત્રિત થાય છે, અને હિંદુસ્તાનનું આર્યહદય પણ વ્યક્ત થાય છે. હિંદુસ્તાન આવાં વિશાળ વટવૃક્ષ આખી દુનિયામાં વિખ્યાત છે. પરદેશના લોકો જ્યારે આપણાં દેશમાં આવે છે ત્યારે આ દેશના એક કૌતુક તરીકે આવાં વૂક્ષો જોઈ આવે છે. અડિયાર, કબીરવડ અને કલકત્તાનું વાનસ્પત્યમ એ આ રીતે આપણાં ત્રણ તીર્થસ્થાનો છે.