(ઈ પુસ્તક પ્રવૃત્તિનું અક્ષરનાદનું સૌથી મોટું પ્રેરક અને પ્રોત્સાહક બળ જો કોઈ હોય તો વાપીના શ્રી ગોપાલભાઈ પારેખ, મને આ પુસ્તકો ઓનલાઈન મૂકવા માટે સત્તત કહ્યા કરે, અને એ માટે બધાં આયોજન અને મહેનત કર્યા કરે. તેમની જ મદદથી આ ઈ પુસ્તક તૈયાર થઈ શક્યું છે. સમાજોપયોગી જીવન ચરિત્રો વિશે ઈ પુસ્તકો મૂકવાની નેમ કદાચ અજાણતાં જ સાકાર થઈ રહી છે, અબ્રાહમ લિકન, કાશીબહેન મહેતા જેવા પ્રેરક જીવનચરિત્રો આ પહેલા ઈ પુસ્તક સ્વરૂપે અક્ષરનાદ પર પ્રસ્તુત કર્યા જ છે. બબલભાઈ મહેતાનું આ સંક્ષિપ્ત જીવનચરિત્ર ખિસ્સાપોથી સ્વરૂપે લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થયું હતું. ખિસ્સાપોથીઓને અભૂતપૂર્વ આવકાર મળ્યો હતો અને મળે છે. બાળકો માટે આવા જીવનચરિત્રો પ્રેરણાના પિયુષ બની રહેશે તે નક્કી. પુસ્તકનો એક નાનકડો પ્રસંગ અત્રે મૂક્યો છે. આ આખું પુસ્તક અક્ષરનાદ ડાઊનલોડ વિભાગ માંથી ડાઊનલોડ કરી શકાય છે.)
અમારી શાળાનું મકાન ગામથી થોડેક દૂર છે. શાળાના આચાર્ય ત્યાં રહેતા હતા. ઉનાળો હોવાથી એમનાં પત્ની બહાર પરસાળમાં સૂતાં હતાં અને આચાર્યની કેડમાં વા હોવાથી એ ઓરડામાં સૂતા હતા. રાતે કોઇ બુકાનીવાળાએ છરી બતાવીને પેલી બહેનના ગળાનો સોનાનો અછોડો આંચકી લીધો. બહેન એવાં ડઘાઇ ગયાં કે એક શબ્દ પણ બોલી શક્યાં નહીં.
બહારગામથી આવ્યા પછી મેં આ વાત જાણી. આ પહેલાં મારી પાસે ખેતરોના આંબાની કેરીઓ ચોરાયાની તેમ જ તમાકુ વઢાયાની ફરિયાદો આવી હતી. મને થયું, આનું કાંઇક થવું જોઇએ. બહુ વિચાર કરીને મેં એક શુદ્ધિ-સપ્તાહ યોજવાનું ભીંતપત્ર પર જાહેર કર્યું, એમાં, “આપણામાં પેઠેલા ચોરોને કાઢવા માટે સાત દિવસ સુધી મહોલ્લે મહોલ્લે પ્રાર્થનાસભા યોજાશે અને સાત દિવસ સુધી મારા ઉપવાસ ચાલશે” એવી જાહેરાત કરી.
મારા ઉપવાસની વાત સાંભળીને લોકો ચોંક્યા. કેટલાક આગેવાનોએ માની લીધું કે ગામના વાઘરીએ ચોરી કરી હશે; એને પકડીને ઝૂડીશું એટલે એ ગુનો કબૂલ કરી દેશે ને આમ ચોરનું નામ હાથ આવી જશે. મારે કાને આ વાત આવી એટલે મેં ભીંતપત્રમાં લખ્યું, ”ચોરને પકડવાની તમારી રીત વિશે જાણીને દુ:ખ થયું છે. એવી રીતે મારે ચોરને પકડી લાવવો નથી. એથી તો કદાચ મારે વધારે ઉપવાસ કરવા પડશે. આ ઉપવાસ તો આપણા બધાના દિલમાં બેઠેલા ચોરને કાઢવા માટે છે. અછોડાની ચોરી કરનારને પણ જ્યારે એમ લાગશે કે એણે ખોટું કર્યું છે, ત્યારે એ પોતે મારી પાસે આવશે અને ગુનો કબૂલ કરશે તો મને આનંદ થશે. એની ઇચ્છા નહીં હોય તો એનું નામ પણ હું જાહેર નહીં કરું.”
પ્રાર્થનાસભામાં મને સાંભળવા મહોલ્લે મહોલ્લે લોકો ભેગા થતા હતા અને વાતાવરણ સુધરતું જતું હતું,
“ચોરી મેં કરી છે.” એ ચોર ભણેલો ગણેલો ઉજળિયાત હતો. એને જોઇને મને થયું કે કદાચ મારા ઉપવાસ છોડાવવા માટે એણે આ યુક્તિ કરી હશે. એટલે જરા તાળો મેળવવા મેં એને પૂછ્યું, “એ બહેન સૂતી હતી એની પથારીની ચાદર ક્યા રંગની હતી ?” એણે કહ્યું, “પીળા રંગની.” એટલે તાળો તો મળ્યો; ચાદર પીળા રંગની હતી.
પછી મેં તેને કહ્યું, “તેં આ ખોટું નથી કર્યું ?” એણે કહ્યું, “હા, ખોટું તો કહેવાય જ. તમે ઉપવાસ કર્યા છે એટલે આજ મેંય ખાધું નથી. મારે તો ક્યારનય તમને મળીને આ વાત કરવી હતી, પણ તમરી આજુબાજુ કોઇ ને કોઇ બેઠું હોય એટલે હું કહી ન શક્યો. આજે એકલા ભાળ્યા એટલે ચિઠ્ઠી આપી.”
“તો તું એ અછોડો પાછો આપ.”
“એ બને એવું નથી. મેં આમ કર્યું એની પણ એક કથા છે.”
“શી કથા છે ?’
“આ માસ્તરના છોકરાને જનોઇ આપી ત્યારે એમણે આજુબાજુના બધા છોકરાઓને નોતરું આપ્યું હતું; એક મારા છોકરાને ટાળ્યો હતો. ત્યારથી મારા મનમાં એમને પાઠ ભણાવવો જોઇએ એવું થયું હતું. હમણાં મારો એક ભાઇબંધ બહુ દેવામાં આવી પડ્યો હતો. એના ઉપર લેણદારોનો તગાદો થવા લાગ્યો. એ મારી પાસે મદદ માગવા આવ્યો. મારી પાસે એટલી રકમ ન હતી, પણ આ વખતે એક કાંકરે બે પક્ષી પડે એવી આ વાત મને સૂઝી આવી અને મેં એનો અમલ કર્યો.”
“એ ચોરાયેલો અછોડો ક્યાં છે ?”
“એ તો પેલા ભાઇબંધે વેચી દીધો છે, એટલે એ પાછો આવે તેમ નથી.”
“તેં આ ખોટું કર્યું. જો તને આ ચોરીનો પશ્ચાતાપ થતો હોય તો તારે કાંઇક પ્રાયશ્ચિત કરવું જોઇએ.”
“તમે કહો તે રકમ ધર્માદામાં આપું.”
“એ તો સારું છે, પણ ફરી આવી ચોરી નહીં કરવાનું તું પાણી મૂકીશ ?’
એનું તો નહીં થાય. કોઇના ખેતરમાં પાકી કેરી તૈયાર હોય તો તોડી લેવાનું મન થઇ જાય છે. તમારી આગળ પાણી મૂકું ને એ કેરી તોડું તો હું પાપમાં પડું.”
“પણ આવી મોટી ચોરી નહીં કરવાનું પાણી મૂકીશ.”
“હા, એવું કરું.”
બીજા દિઅવસે મેં ભીંતપત્રમાં લખ્યું,”ચોર મળી ગયો છે. એ તમારા-મારા જેવા જ છે, પણ એનું નામ કોઇ મને પૂછશો નહીં. એણે ફરી એવી ચોરી ન કરવાનું પાણી મૂક્યું છે અને ધર્માદામાં રકમ આપવનું પણ કહ્યું છે. તેમ છતાં શુદ્ધિ-સપ્તાહના સાતે દિવસના મારા ઉપવાસ અને પ્રાર્થનાસભા તો ચાલુ જ રહેશે. કારણ કે આપણા બધાના દિલમાં નાના-મોટા ચોર બેઠેલા છે; આપણે એમને કાઢવા છે.”
પછી તો પેલો ભાઇ રોજ મારી પાસે આવીને બેસવા લાગ્યો. એક દિવસ મને એકલો જોઇને એણે કહ્યું, “બબલભાઇ, હવે તો હું કોઇની કેરી પણ નહીં ચોરી લાવું.”
મેં કહ્યું, ”શાબાશ !તેં બહુ સારો સંકલ્પ કર્યો. પ્રભુ તને એ પાર પાડવાનું બળ આપો.”
આ શુદ્ધિ-સપ્તાહથી એ વખત પૂરતું તો અમારા ગામનું વાતાવરણ પવિત્ર થઇ ગયું હતું. કપડું ધોઇએ ને ફરી ફરી મેલું થાય છે. એને ફરી ફરી ધોતાં રહેવું પડે છે. એમ માનવમનને પણ વારંવાર ધોતા રહેવું પડે છે.
સમાજ સેવાના કામમાં પડતી વખતે જ મેં એક નિર્ણય કરી લીધો હતો કે મારે કોઇ સંસ્થા ઊભી કરવી નહીં કે કોઇ હોદ્દો સ્વીકારવો નહીં. એકલા રહીને મારાથી જેટલું થઇ શકે એટલું સમાજનું કામ કરવું. મેં કોઇ સંસ્થા સ્થાપી નથી કે કોઇ સંસ્થાનું સંચાલન માથે રાખ્યું નથી.એમ છતાં ગુજરાતની બધી રાષ્ટ્રીય કેળવણીની તેમજ રચનાત્મક સંસ્થાઓ સાથે મારે એવો ઘરોબો બંધાયો છે કે એ બધી સંસ્થાઓ મને મારી લાગે છે અને એ સંસ્થાના સંચાલકોને હું એમનો લાગું છું.
સમાજ વ્યક્તિઓનો બન્યો છે, સમાજ-સુધારણાનો પાયો છે વ્યક્તિ સુધારણા. આપણા સમાજમાં સૌથી જૂની અને કદી નાશ ન પામે એવી સંસ્થા છે કુટુંબ. બાળકના સદગુણોનું નિર્માણ કુટુંબમાં થતું હોય છે, એટલે સ્વસ્થ કુટુંબજીવન એ સ્વસ્થ સમાજજીવનની આધારશિલા બને છે. માનવજીવનની સુધારણામાં મને રસ છે. પ્રેમ અને જ્ઞાન આ સુધારણાનું રસાયણ છે. એટલે સ્વાભાવિક રીતે જ્યાં જ્યાં આ રસાયણ પહોંચાડી શકાય ત્યાં પહોંચાડવું એ મારું જાતે સ્વીકારેલું કામ છે. જ્યાં ક્યાંય ખટાકો બોલતો હોય ત્યાં આ રસાયણનું સિંચન થતાં એ બોલતો બંધ થાય છે અને બધાં ચક્રો સરળતાથી ફરવા લાગી જાય છે. આમ કુટુંબોમાં માણસ માણસ વચ્ચે ખાટા થયેલા સંબંધોને મીઠા કરવા એ મારા રસનો વિષય બન્યો છે, અને એ રીતે અનેક કુટુંબો સાથે મારો ઘરોબો બંધાયો છે. કુટુંબોમાં જવું-આવવું અને હળવું –મળવું એને પણ હું મારું એક કામ માનું છું. બધાં કહે છે કે દુનિયા બહુ બગડી ગઇ છે, પણ હું કહું છું કે એવાં કેટલાંય કુટુંબો છે કે જે આ બગડી ગયેલી દુનિયાને મીઠી મીઠી બનાવી રહ્યાં છે.
આ પુસ્તક અહીં ક્લિક કરીને ડાઊનલોડ કરી શકાય છે.
બિલિપત્ર
નામને ફૂંક્યા કરીને હાંફવાનું વ્યર્થ છે,
એક તો વરસાદ ને એમાં બુઝાતુ તાપણું !
– બકુલેશ દેસાઈ
શ્રી જીજ્ઞશભાઈ,
બબલભાઈનો સુંદર પ્રેરણાદાયક પ્રસંગ.
“તેમ છતાં શુદ્ધિ-સપ્તાહના સાતે દિવસના મારા ઉપવાસ અને પ્રાર્થનાસભા તો ચાલુ જ રહેશે. કારણ કે આપણા બધાના દિલમાં નાના-મોટા ચોર બેઠેલા છે; આપણે એમને કાઢવા છે.”
સાચી વાત છે સહુના મનમાં ક્યાંક ને ક્યાં ચોર બેઠા હોય છે અને તે કાઢવા આવા શુદ્ધિ-સપ્તાહ તથા પ્રાર્થના સભા ખૂબ જ મહત્વના છે.