કવિ છું હું – બરકત વીરાણી ‘બેફામ’ 6


કવિ છું હું, બધાને કાજ મારે જીવવાનું છે.
બધાંના દર્દ મારા છે, ને મારું દિલ બધાનું છે.

તમારું દર્દ છે આ, કામ મારે શું દવાનું છે?
કે એ જીવવાનું કારણ છે, એ મરવાનું બહાનું છે.

નહીંતર આંખની સામે જ મશરૂનું બિછાનું છે;
મગર મારા મુકદ્દરમાં હંમેશા જાગવાનું છે.

નજૂમી, આવનારી કાલની ચર્ચા પછી કરજે;
મને છે આજની ચિંતા કે આજે શું થવાનું છે.

હું ધારું છું – સૂકાઈ ગઈ હશે સાચી તરસ મારી;
કદાચ એથી જ મારા ભાગ્યમાં મૃગજળ પીવાનું છે.

જગા એમાં મને મળતી નથી, એમાં નવાઈ શી ?
હજી મારા હ્રદય કરતાં જગત આ બહુજ નાનું છે.

હું નીકળી જાઊં છું જ્યાંથી ફરી ત્યાં નથી જાતો’
હજીયે સ્વર્ગ જેવું સ્વર્ગ પણ મારા વિનાનું છે.

મળે છે લોકની કાંધે સવારી એટલે ‘બેફામ’,
ખુદાના ઘરનું તેડું છે, ખુદાને ત્યાં જવાનું છે.

– બરકત વીરાણી ‘બેફામ’

ખૂબ ભાવવહી અને અર્થસભર આ ગઝલમાં શાયર શ્રી બરકત વીરાણી મત્લાના શે’રમાં કવિની ફરજ બતાવે છે, પોતાની ફરજ બધાંને કાજ જીવવાની એ, બીજાના દુખને પોતાના કરી એક કવિએ જીવવાનું હોય છે એમ સમજાવતા તેઓ પોતાના મુકદ્દર વિશે વાત કરતાં કહે છે કે તેમને હંમેશા જાગવાનું જ મ્મળ્યું છે. જ્યોતિષિને તેઓ કહે છે કે કાલની વાત તો પછી કરજે, મને ચિંતા છે કે આજે શું થવાનું છે, વળી તરસ સૂકાઈ ગઈ છે અને એટલે જ કદાચ નસીબમાં મૃગજળ પીવાનું જ આવ્યું છે એમ તેઓ માને છે. જગત કરતા પોતાનું હ્રદય ખૂબ વિશાળ છે એમ દર્શાવતાં તેઓ માને છે કે આ જ કારણે જગતમાં તેમને જગ્યા મળતી નથી. અંતે મક્તાના શે’રમાં ખુદાના ઘરે જવા માટે, ખુદાના ઘરનું તેડું આવ્યું છે એટલે પારકાના કાંધે સવારી કરીને જવાની વાત પણ તેઓ કહે છે. મારી અત્યંત પ્રિય ગઝલોમાંની એક એવી આ ગઝલ શ્રી બેફામની રચનાત્મકતા અને અભિવ્યક્તિનો પરિચય ખૂબ સુંદર રીતે આપી જાય છે. એક ગઝલના એકે એક શે’ર ખૂબ ચોટદાર હોય એવી સંપૂર્ણ ગઝલો ખૂબ જ ઓછી મળે છે. પ્રસ્તુત ગઝલ તેવી જ એક રચના છે.


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “કવિ છું હું – બરકત વીરાણી ‘બેફામ’