એક પંખી – નલિન રાવળ 2


એક પંખી,
ચાંચમાં તડકો ઉપાડી
આંગણે આવી ઉઘાડી બારીમાં બેઠું
ઊડી હળવેકથી પાંપણ ઉપર ઝૂલ્યું,
નમાવી ડોક વેગે આંખના આકાશમાં ઊડી
બધે ફેલાયેલા ફૂલો ભરેલા વન મહીં ઉતરી
સૂતેલી
પાંદડી જેવી પરીના ગાલ પર તડકો ધીરેથી પાથરી
તાજા ખીલેલાં સૂર્યને ટહુકાર પર તોળી
નરી તેજે તબકતી પાંખ ફફડાવી
ગહન અવકાશમાં અવકાશ થઇ
ઊડી ગયું.

– નલિન રાવળ
{‘અવકાશ’ માંથી}

કવિએ આ કાવ્યમાં તેજોમય અને ગતિમય એવી સુંદર સવારને એક પંખી સ્વરૂપે નિહાળીને કમાલ કરી છે. કૂણો તડકો લઇને આંગણે આવતી, બારીમાંથી ડોકીયું કરતી, દ્રષ્ટી અજવાળતી અને થોડીક ક્ષણોમાંજ અદ્રશ્ય થઇ જતી સવારને કવિએ તેને માનવ ઇન્દ્રિયોના કામો કરતી બતાવી છે. એક સુંદર સવાર જેમ આવીને જતી રહે તે કવિની કવિતાનો મુખ્ય વિષય છે અને એ જ કાવ્યનું અપ્રતિમ સૌંદર્ય છે.


Leave a comment

Your email address will not be published. Required fields are marked *

 

2 thoughts on “એક પંખી – નલિન રાવળ