દીકરાની ઝંખના – લોકગીત 9


પુત્રહીન માતાથી હવે તો મહેણાં સહેવાતા નથી. રાંદલ માની પાસે એ કેવો દીકરો માંગી રહી છે? ઘરની લીલી લીલી ગાર ઉપર પોતાની નાની નાની પગલીઓ પાડનારો, રોટલા ઘડતી વખતે નાનકડી ચાનકી માંગનારો, દળતી વખતે ઘંટીના થાળામાં લોટની જે શગ ચડતી હોય તે પાડી નાખનારો, ખોળો ખૂંદી ખૂંદીને ઘોયેલો સાડલો બગાડનારો, ને છાશ કરતી વખતે માખણ માંગનારો; આ પ્રત્યેક કામ કરતી વખતે એને એનો દીકરો સાંભરે છે. નાના મસ્તીખોર ને લાડકવાયા બાળકનું આ સર્વસ્પર્શી ચિત્ર છે. લગ્ન અથવા સીમંત પ્રસંગે ઘરમાં રન્નાદે માતાની સ્થાપના કરી ગવાય છે.

લીંપ્યુ ને ગૂંપ્યું મારું આંગણું;
પગલીનો પાડનાર દ્યોને, રન્નાદે!
વાંઝિયા-મે’ણાં માતા ! દોહ્યલાં.

દળણાં દળીને ઉભી રહી;
કુલેરનો માંગનાર દ્યોને, રન્નાદે!
વાંઝિયાં-મે’ણાં માતા ! દોહ્યલાં.

મહીડાં વલોવી ઉભી રહી;
માખણનો માગનાર દ્યોને, રન્નાદે!
વાંઝિયાં-મે’ણાં માતા ! દોહ્યલાં.

પાણી ભરીને ઉભી રહી;
છેડાનો ઝાલનાર દ્યોને, રન્નાદે !
વાંઝિયાં-મે’ણાં માતા ! દોહ્યલાં.

રોટલા ઘડીને ઉભી રહી;
ચાનકીનો માંગનાર દ્યોને, રન્નાદે !
વાંઝિયાં-મે’ણાં માતા ! દોહ્યલાં.

ધોયો ધફોયો મારો સાડલો ;
ખોળાનો ખૂંદનાર દ્યોને, રન્નાદે !
વાંઝિયાં-મે’ણાં માતા ! દોહ્યલાં.

(એ પ્રમાણે પુત્ર મળતા ગાય છે…)

લીંપ્યું ને ગૂંપ્યું મારું આંગણું;
પગલીનો પાડનાર દીધો, રન્નાદે !
અનિરુદ્ધ કુંવર મારો લાડકો.

( શ્રી ઝવેરચંદ મેઘાણી દ્વારા સંપાદીત પુસ્તક “રઢિયાળી રાતના રાસ” માંથી સાભાર.)


આપનો પ્રતિભાવ આપો....

9 thoughts on “દીકરાની ઝંખના – લોકગીત