મારો પ્રિય શે’ર – કાબિલ ડેડાણવી 5


ઠેસ પહોંચાડવી છે હૈયાને?

કોઇ તાજું ગુલાબ લઇ આવો.

-કાબિલ ડેડાણવી

પ્રભુના પયગમ્બર, કુદરતના પ્રતિનિઘિ એવા કવિઓને દૈવ વાણી-આત્મસ્ફૂરણા થતી હોય એવા સ્વયંસ્ફૂરિત શે’રો-કાવ્યોને ઇલ્હામી કહે છે. એટલે આ શે’ર પોતાને કેમ પ્રિય છે, કેમ ગમે છે અને ક્યા સંજોગોમાં ઉદભવેલો એનો ખુલાસો કરવાનું કહેવામાં આવે ત્યારે એમ લાગે છે કે મને મારી જ મનોસૃષ્ટિમાં પુન:પ્રવેશી, અતીત ઉલેચીને મારી જ અભિવ્યક્તિ પર સંશોઘન – Research નું કામ સોંપવામાં આવ્યું છે. બીજાની કૃતિઓ – અન્યોનાં સર્જન ઉપર સંશોઘન કરવું કદાચ ઘણું દુષ્કર નથી હોતું. પરંતું પોતાના જ વિચાર –કાવ્યો, શે’રો કે સ્ફૂરણા પર reflect કરવું સંભવિત તો હોય છે. પણ ઇલ્હામી શે’ર માટે હું એવું ખાતરીપૂર્વક કહી શકું નહીં. ઉપરોક્ત શે’ર મેં જેટલીવાર સંભળાવ્યો છે. એના કરતાં અનેકવાર વઘારે મને અન્ય કવિમિત્રો-રસિકોએ સંભળાવ્યો છે અને શ્રોતાઓએ મને યાદ અપાવ્યો છે. ક્યારેક તો મને એવું લાગ્યું છે કે મેં આ સિવાય પણ કોઇ અન્ય સર્જન કર્યું છે ખરું?

ખરી રીતે તો જેમને પંસદ છે એવા લોકોને આ પ્રશ્ર્ન પૂછવો જોઇએ કે આ શે’ર એમને કેમ પ્રિય છે? કોઇ શુભ સર્જનને પોષક એવી પળે આ શે’રે અવતાર ઘારણ કર્યો છે કે કદાચ મારી શોકસભામાંય એ સંભાળાવવામાં આવશે અને પછીય આ શે’ર મને સુખે મરેલો રહેવા નહીં દે

 – કાબિલ ડેડાણવી

( પુસ્તક : મારો પ્રિય શે’ર – પોતાના પ્રિય શે’ર અને તેના વિશે રચયિતાઓના વિચારો દર્શાવતું સરસ પુસ્તક)


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “મારો પ્રિય શે’ર – કાબિલ ડેડાણવી