શાંતુ બા – વિકાસ બેલાણી


“ઝુકી રાખી ઢાંકી અરધા પરધા પાલવ થકી,

પીવાડી રહી ઉછંગે અનર્ગળ અમૃત ઝરા,

મને એ ચક્ષુમાં પ્રભુ, જગત તિર્થોનન મળ્યું  “

એમનું નામ શાંતુબા. અમે પણ એમને શાંતુબા જ કહેતા. મેલી સાડીમાં સહેજ વળી ગયેલો પાતળો દેહ, ચામડી પર પડી ગયેલી કરચલીઓ અને સાથે એક પોટલુ, આ થયો શાંતુબા નો પ્રાથમિક પરીચય. અમને હંમેશા શાંતુબાની રાહ હોય જ. હતું એમ કે શાંતુબા શિયાળામાં ચણી બોર વેચવા આવતા અને ઉનાળામાં ટેટી-મતીરા લઇને આવતા. એમનો સાદ પડે અને આખી શેરીના છોકરાઓ ભેગા થઇ જતા. બધાને મન શાંતુબા એમના પોતાના બા કરતા પણ વધારે વહાલા હતાં. શાંતુબાનો ચહેરો એકદમ ભોળો, એમને એક વાર મળનારને એમના પ્રત્યે તરત જ આત્મિયતા બંધાઇ જતી.

શાંતુબા બોર વેચવા આવતા એ કરતા વધારે એમ કહેવાય કે એ બોર વહેંચવા આવતા. લાલ મિઠા ચણી બોર જ્યારે અમને એમના હાથેથી મળતાં તો એવું લાગતું જાણે શાંતુબા નહીં પણ ખુદ શબરી અમને બોર આપતી હોય. મને યાદ છે મારા મમ્મી ઘણી વાર શાંતુબાને જમાડતા અને ક્યારેક લોટ કે એવું આપતા, શેરીમાં બીજા પણ ઘણા આવું કરતાં. હું ઘણી વાર બાળ સહજ જિજ્ઞાસાથી પુછતો કે ” મમ્મી,આપણે જેમ આપણા ઘરે જમીએ છીએ એમ શાંતુબાને એમના ઘરે જમવાનું નહી હોય!”. મારા મમ્મી હંમેશા વાતને હસીને ટાળી દેતા. પણ મારું નાનકડું મન હંમેશા એ વિચારતું કે શાંતુબા એ ગરમીમાં બપોરે કેમ બોર વેચવા આવતા? મારા બા ને હું જોતો તો એ આરામ કરતા હોય અને શાંતુબા આમ ફરતા હોય. હું એ વિરોધાભાસ સમજી શક્તો નહોતો.બાળસહજ નાદાનીથી હું ઘણી વાર પુછી બેસતો કે ” મમ્મી, શાંતુબાને આપણા ઘરે જ રાખી લઇએ તો?” મમ્મી કેહતા કે એવું ના થઇ શકે. હું કાંઇ સમઝી શક્તો નહીં.

થોડા મોટા થયા પછી તો મારા પ્રશ્નો ઓર વધ્યા. હું મમ્મીને પુછતો કે કે ” મમ્મી, શાંતુબાને દિકરાઓ નહીં હોય? એ લોકો એમને કેમ આવું કામ કરાવે છે?”. ત્યારે પહેલી વાર મારા મમ્મીએ મને કહ્યું કે શાંતુબાને ચાર દિકરાઓ છે, ચારે ય  કમાય છે, પણ શાંતુબાને કોઇ રાખતું નથી. એ સાંભળી મને બહુ ઘ્રુણા થઇ. મે તો આ વાત મારા બીજા ગોઠીયાઓ ને પણ કરી. અમે તો બીજા જ દિવસે શાંતુબાને પુછ્યું કે તમારે કેટલા દિકરા?. એ સાંભળી ચહેરા પર રોષના બદલે સ્મીત સાથે શાંતુબાએ કહ્યું કે ” મારે ચાર-ચાર દિકરા છે,અને દિકરા ના ઘરે પણ દિકરા છે. બધાને અલગ,સુંદર મકાન છે. બધા સુખી છે.” મે એ હંમેશા જોયેલું કે દિકરાઓ ની વાત આવતાજ શાંતુબા ની આંખોમાં ચમક આવી જતી. એમના છોકરાઓને બધાંને પોતપોતાના ઘર છે, પણ શાંતુબાને કોઈ રાખતું નથી.

શાંતુબા હવે હયાત નથી, તેમના મૃત્યુને ઘણા વર્ષો થયા, અમે પણ હવે યુવાન થઈ ગયાં. હમણાં થોડા વખત પહેલાં એક ‘બા’ રસ્તા વચ્ચે મળ્યા. એ ભૂખ થી વ્યાકુળ હતાં. એમને જમાડ્યા પછી પૂછ્યું “શું તકલીફ છે બા?” એમનો જવાબ સાંભળીને થયું કે શાંતુબા હજી મર્યા નથી. એ ક્યારેય મરશે નહીં. જગતમાં જ્યાં સુધી છોકરાઓ તેમના માવતરોને આમ રસ્તે રઝળાવતા રહેશે ત્યાં સુધી શાંતુબાને મુક્તિ મળશે નહીં.

 વિકાસ બેલાણી


આપનો પ્રતિભાવ આપો....

0 thoughts on “શાંતુ બા – વિકાસ બેલાણી

  • gopal h parekh

    આ દુનિયામાં કાંકરા કરતાં ઘઉં વધારે છે ને એટલે જ દુનિયા ટ્કી રહી છે, બધા જ દીકરાઓ શાંતુબાના દીકરા જેવા જ હોય એ જરૂરી નથી, આ વાર્તાની જેમ આપણે આપણા દીકરા- દીકરીઓને ઉતારી ન પાડવા જોઇએ.