પ્રોજેક્ટ ગુટનબર્ગ – વિશ્વનું પ્રથમ ડીજીટલ પુસ્તકાલય


પ્રોજેક્ટ ગુટનબર્ગ જેને સામાન્ય રીતે PG તરીકે ઓળખાય છે, તે સાહિત્ય અને સંસ્કૃતિને ડીજીટલ સ્વરૂપમાં ફેરવી, સંગ્રહવાનો અને વહેંચવાનો અને સર્વેને ઉપલબ્ધ કરાવવાનો એક સ્વયંસેવાનો પ્રયત્ન છે. રોજ જેની મુલાકાત લઈ આખા વિશ્વના લોકો લગભગ ૮૦૦૦૦ થી ૧૦૦૦૦૦ પુસ્તકો ડાઉનલોડ કરે છે, અને મને તથા મારા જેવા અસંખ્ય લોકોને ક્લાસિક અને સમકાલીન અંગ્રેજી સાહિત્ય જ્યાંથી ઉપલબ્ધ થાય છે તેવી આ વેબસાઈટ ખરેખર અંગ્રેજી સાહિત્યના રસિયાઓ માટે આશિર્વાદ છે. અંગ્રેજી સિવાય પણ અન્ય ભાષાઓમાં થોડાક પુસ્તકો ઉપલબ્ધ છે.

આ યોજના ની શરૂઆત ૧૯૭૧માં માઈકલ હાર્ટે કરી હતી. પોતાના સંગ્રહમાં ૨૫૦૦૦થી વધુ આર્ટીકલ્સ રાખી રહેલ આ ગ્રંથાલય આજે ઘણાંયની વાંચનભૂખ સંતોષે છે. પૂરા થઈ ગયેલા કોપીરાઈટ વાળી કે પબ્લિક ડોમેઈનમાં રહેલ પુસ્તકોને ડીજીટાઈઝ કરી, સર્વેના ઉપયોગ માટે તેને ઈન્ટરનેટ પર એક સાથે ઘણા ફોર્મેટમાં ઉપલબ્ધ કરાવવાની આ યોજના ખૂબ સફળ થઈ. પ્રોજેક્ટ ગુટનબર્ગની પ્રથમ રચના હતી અમેરીકાનું સ્વતંત્રતાનું જાહેરનામું. આ પ્રોજેક્ટનું નામ આપવામાં આવ્યું જર્મન પ્રિન્ટર જોન્સ ગુટનબર્ગના સમ્માનમાં જેમણે મૂવેબલ પ્રિન્ટીંગ પ્રેસની શોધ પંદરમી સદીમાં કરી. પ્રોજેક્ટ ગુટનબર્ગની હાલની વેબસાઈટ તથા પુસ્તકોની સૂચી તૈયાર કરી પિત્રો-દ-મીસલીએ. ત્યારબાદ પ્રોજેક્ટ ગુટનબર્ગના સ્વયંસેવકોની સંખ્યા અને કાર્યભાર સતત વધતા રહ્યા, જાતે પુસ્તકો ટાઈપ કરવાથી લઈને સ્કેન કરી અને કેરેક્ટર વેરીફીકેશન વડે પુસ્તકની ડીજીટલ પ્રિન્ટ તૈયાર કરવી જેવી અસંખ્ય પ્રગતિઓ થઈ. અહીં પશ્ચિમના સાહિત્યિક અને સાંસ્કૃતિક પાસાઓની જાણકારી આપતાં અનેક પુસ્તકો છે. નવલકથા, કવિતાઓ, નવલિકાઓ, નાટકો સાથે વાનગીઓના પુસ્તક તથા રેફરન્સ પુસ્તકો પણ છે અને દર અઠવાડીયે નવા પચાસથી વધુ પુસ્તકો ઉમેરાઈ રહ્યા છે. આ મહાકાય સંગ્રહના આજના વધુ ડાઉનલોડ થઈ રહેલા સો પુસ્તકોની યાદી અહીં જુઓ, તથા પ્રોજેક્ટ ગુટનબર્ગના ઘર પાના પર અહીંથી જાઓ…..

પ્રોજેક્ટ ગુટનબર્ગ એવા પુસ્તકોને પ્રાધન્ય આપે છે જે પબ્લિક ડોમેઈનમાં હોય કે જેના કોપીરાઈટ ન રહ્યા હોય. અન્ય પ્રોજેક્ટ કરતાં અહીં નવા કોપીરાઈટસ લેવામાં આવતા નથી, પણ પુસ્તકોનું વહેંચાવુ એ અગત્યની વાત મનાય છે.

આ રીતે ગુજરાતી પુસ્તકો ક્યારે જોઈ શકાશે? આશા છે જલ્દી …..


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

0 thoughts on “પ્રોજેક્ટ ગુટનબર્ગ – વિશ્વનું પ્રથમ ડીજીટલ પુસ્તકાલય