કહેજોજી રામ રામ……- સુન્દરમ


સૂરજદાદાને મારા કહેજોજી રામ રામ,
રામ રામ કહેજો ને આટલું વળી કહેજો,
કે વ્હેલો ઊઠ્યો છું પરોઢમાં.

ફૂલડાંરાણીને મારા કહેજોજી રામ રામ,
રામ રામ કહેજો ને આટલું વળી કહેજો,
કે રસ્તા વાળ્યા છે મેં એમના.

કોયલબે’નીને મારા કહેજોજી રામ રામ,
રામ રામ કહેજો ને આટલું વળી કહેજો,
કે મેં તો ગોખ્યું છે ગીત તાહરું.

પીળા પતંગિયાને કહેજોજી રામ રામ,
રામ રામ કહેજો ને આટલું વળી કહેજો,
કે વીણવા જવા છે રંગ સાંજના.

ચાંદામામાને મારા કહેજોજી રામ રામ,
રામ રામ કહેજો ને આટલું વળી કહેજો,
કે હોડીને છોડવી પાતાળમાં.

નીંદરમાસીને કહેજોજી રામ રામ,
રામ રામ કહેજો ને આટલું વળી કહેજો,
કે આવે વ્હેલીક જરા આજ તો.

-સુન્દરમ

આપનો પ્રતિભાવ આપો....