અક્ષરનાદ વિશે 52


અક્ષરનાદ માં આપનું હાર્દિક  સ્વાગત છે !

‘અધ્યારૂ નું જગત’ સ્વરૂપે શરૂ થયેલી એક તદ્દન સાહજીક યાત્રા આજે ફરીથી એક વખત નવા સ્વરૂપે, એ જ ધ્યેય સાથે અને વધુ વિસ્તૃત ક્ષિતિજો સાથે આગળ વધવા જઇ રહી છે.

ગુજરાતી સાહિત્ય વિશાળ દરિયા સમાન છે. એનો કોઈ છેડો દેખાય તેમ નથી. અનેક પ્રકારના સાહિત્ય પૈકી કેટલુંક એવું સાહિત્ય હોય છે જે હૃદયને સીધું સ્પર્શી જાય છે. એ પ્રકારના લેખો સમાજ અને વ્યક્તિગત જીવન માટે પ્રેરણારૂપ બને છે. ક્યારેક એવું પણ બને કે કોઈ લેખમાંનું એકાદ વાક્ય મનમાં પથ્થરની લકીરની જેમ કોતરાઈ જાય. એ વાક્યમાંના શબ્દો અને પછી એ શબ્દોમાં રહેલા અક્ષરોનો નાદ આપણામાં સતત ગૂંજ્યા કરે. બસ, એ અવાજ તે જ ‘અક્ષરનાદ’ ! અક્ષરનાદ એટલે ભીતરની અનુભૂતિનો ધ્વનિ. જીવનને સ્પર્શી ગયેલી વાતોનું ગૂંજન. પરંતુ એ માત્ર અંદરનો જ અવાજ બની રહેતો નથી. ક્યારેક એ પ્રકૃતિનું ગાન બની જાય છે. એ વાદળોની ગડગડાહટ છે તો એ ક્યારેક દરિયાનો ઘૂઘવાટ છે. એ પવનનો સૂસવાટ છે તો અગ્નિનો તરવરાટ છે. આ એવો નાદ છે જે આપણી અંદરની અવસ્થાને બહારના વાતાવરણ સાથે કોઈક અ-ક્ષર આત્મતત્વથી જોડે છે.

અક્ષરનાદનું સર્જન એ વાંસમાંથી વાસંળી અને એ વાંસળીમાંથી રેલાતા નાદના ઉદભવની પ્રક્રિયા જેવું છે. એ કપાય છે, છોલાય છે, ઘડાય છે, છેદાય છે અને પછી મધુર સંગીત રેલાવે છે. શું માનવીનું પણ એવું નથી ? જીવનના ચઢાવ-ઉતરાવથી માનવી ઘડાય છે અને છેદાય છે ત્યારપછી જ તેનામાં ભીતરનો મધુર નાદ પ્રગટે છે. જેમ એ સ્વર વાંસળીના એક જ છીદ્રમાંથી આવતો નથી, તેમ જીવનનો નાદ પણ એક જ પ્રકારે સંભળાય તેવું હોતું નથી. એ ક્યારેક જીવનચરિત્રોમાંથી સંભળાય છે, ક્યારેક ગિરિ કંદરાઓમાં પડઘાય છે. કોઈવાર એ પ્રાર્થના કે દેશભક્તિના ગીતો દ્વારા રેલાય છે તો ક્યારેક લોકસાહિત્યના સ્વરૂપે ગુંજતો રહે છે. એના સ્વરૂપ જુદા જુદા હોઈ શકે પરંતુ તે અક્ષર અ-ક્ષર જ હોવાનો !

અહીં અક્ષરનાદમાં આ જીવનના નાદને સાંભળવાનો ઉપક્રમ છે. રોજિંદા જીવનની ઘટમાળ અને ઘોંઘાટ વચ્ચે જે કંઈ હૃદયને તીવ્રતાથી સ્પર્શી ગયું, જાણ્યું-માણ્યું કે અનુભવ્યું; તેને આપ સૌ વાચકમિત્રો સાથે વહેંચવાનો એક પ્રયાસ છે. એ ગીરના જંગલોનું પરિભ્રમણ હોય કે લોકસાહિત્યનો ડાયરો. એ મધ્યમવર્ગના માનવીની વાત હોય કે અચાનક સ્ફૂરેલા ગીતની બે પંક્તિઓ, એ કોઇક પરોપકારી રસિક સજ્જન સાથે મુલાકાત હોય કે સાવ સામાન્ય ઘટનામાંથી ઉદભવેલો વિચાર હોય – બધા જ પ્રકારના નાદને અહીં ગુંજવવાનો સાત્વિક હેતુ છે. ‘અક્ષર’ એટલે કે સાહિત્યના માધ્યમ વડે, જેનો કદીયે નાશ નથી થતો એવા પરમ શાશ્વત તત્વ તરફ જવાની આ યાત્રા. એમ કહેવાયું છે કે આખરે કોઈ પણ કલાનો ઉચ્ચતમ હેતુ પરમ તત્વને અનુભવવાનો જ હોય છે. વાંચન-લેખનની આપણી બધી જ કલાઓ ત્યારે સાર્થક નીવડે છે જ્યારે તેમાં રહેલા એ પરમ તત્વને આપણે અનુભવી શકીએ અથવા એ નાદને સાંભળી શકીએ.

વિદ્વાનોએ એમ કહ્યું છે કે કવિતા અને છબીકલાને નજીકનો સંબંધ છે. ક્યારેક ફોટોગ્રાફ પરથી કવિતા રચાતી હોય છે તો ક્યારેક કવિતાના શબ્દોથી નજર સમક્ષ આખું ચિત્ર ખડું થતું હોય છે. એ સમયે એમ લાગે છે કે જાણે ચિત્ર પણ કંઈક બોલી રહ્યું છે, ગાઈ રહ્યું છે. એનો નાદ આપણે સ્પર્શે છે. તેથી અક્ષરનાદમાં છબીકલાને પણ ‘ફોટો-ગેલેરી’ વિભાગ દ્વારા સમાવી લેવામાં આવ્યો છે. આંખોની નાદને સાંભળવાની આ અનોખી વાત છે ! કેમેરાની આંખે પ્રકૃતિના ગાનને માણવાનો આ આગોતરો પ્રયાસ છે.

આમ તો વેબસાઈટ બનાવવી એ મારૂ કામ નહીં એટલે અક્ષરનાદ નામનો આ પ્રયત્ન એકલા હાથે કર્યો હોત તો કેટલો સમય થયો હોત અને છતાં પણ એ સંપૂર્ણ થયો હોત કે નહીં એ મહાપ્રશ્ન છે, મિત્રોના સૂચનો અને પ્રયત્નો સાથે નિસ્વાર્થભાવે કરેલી અથાગ મહેનત અને લગનનું પરીણામ આપની નજર સમક્ષ આજે અક્ષરનાદ બનીને ઉભું છે. આ અમૂલ્ય મદદ બદલ તેમનો આભાર કયા શબ્દોમાં માનવો?. અક્ષરનાદ તમારી મહેનત, મદદ અને ધગશનું જ પરીણામ છે અને એ માટે આપનું ઋણ ઉતારવું એ મારા ગજા બહારની વાત છે.

આશા છે કે અક્ષરનાદનો આ નાદ આપ સૌના હૃદયને સ્મિત અને સ્નેહથી ભરી દેશે. જીવન, પ્રકૃતિ અને પરમનું મધુર ગાન આપ સૌને આહલાદકતા આપનારું નીવડે એ જ શુભેચ્છાઓ. અક્ષરનાદની મુલાકાત લઈને આપના પ્રતિભાવો અને સૂચનો જરૂરથી જણાવશો. ફરી એકવાર, આપ સૌનું અક્ષરનાદ પર સ્વાગત છે !

ધન્યવાદ

જીગ્નેશ અધ્યારૂ.


આપનો પ્રતિભાવ આપો....

52 thoughts on “અક્ષરનાદ વિશે