દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ – પુસ્તક પરિચય


પુસ્તક પરિચયકર્તા : રિપલકુમાર પરીખ

પૃથ્વી સત્યના બળ પર ટકેલ છે. અસત્ – અસત્ય – એટલે ‘ નથી ‘, સત્ – સત્ય – એટલે ‘છે’. અસત્ને જ્યાં હસ્તી જ નથી ત્યાં તેની સફળતા શી હોય? અને ‘છે’ તેનો નાશ કોણ કરી શકનાર છે? આટલામાં સત્યાગ્રહનું આખું શાસ્ત્ર છે.

– ગાંધીજી

ગાંધીજીએ પ્રયોગ કરેલાં સિદ્ધાંતો સત્ય અને અહીંસા દ્વારા આપણને સ્વતંત્રતા મળી હતી. ગાંધીજીને આ ‘સત્ય’ નો સિદ્ધાંત ક્યાંથી મળ્યો હતો? સૌપ્રથમ વાર ‘ સત્યાગ્રહ ‘ શબ્દની વ્યુત્પત્તિ ગાંધીજીને કેવી રીતે થઈ હતી? દક્ષિણ આફ્રિકાના હિંદીઓ સાથે થઈ રહેલા અન્યાય વિરુદ્ધની લડાઈમાં ‘ સત્યાગ્રહ ‘ નો સિદ્ધાંત કેટલો અસરકારક સાબિત થયો હતો? આ જ ‘સત્યાગ્રહ’ ના સિદ્ધાંત સાથે ગાંધીજીએ ભારતમાં પણ સ્વતંત્રતાની ચળવળને વેગ આપ્યો હતો. આવો આ અમૂલ્ય શબ્દ ‘સત્યાગ્રહ’ અને ગાંધીજીની સૌપ્રથમ લડતની સાક્ષી એવું ઐતિહાસિક પુસ્તક એટલે ગાંધીજીની કલમે જ લખાયેલું પુસ્તક ‘ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ ‘.

દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ - ગાંધીજી - પુસ્તક પરિચય
દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ – ગાંધીજી – પુસ્તક પરિચય

‘સત્ય એ જ પરમેશ્વર ‘ સૂત્ર આપનાર અને તે પ્રમાણે જીવી જનાર આ મહામાનવ મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે, ‘મારું જીવન એ જ મારો સંદેશ’. પોતાની આત્મકથાને પણ ‘સત્યના પ્રયોગો’ કહેનાર આ પ્રયોગશાળી રાષ્ટ્રપિતાનો તમે વિરોધ કરી શકો પરંતુ ક્યારેય તેમને અવગણી ન શકો. સમાજના દરેક ક્ષેત્રે તેમની આગવી ભૂમિકા આપણને સતત તેમની યાદ અપાવે છે. સ્વચ્છતાથી શરુ કરીને આત્મનિર્ભર ભારત બનવા સુધીનાં તેમનાં શબ્દો આપણને નવું ભારત બનાવવાની પ્રેરણા ચોક્કસ આપે છે.

પ્રસ્તાવનામાં ગાંધીજી લખે છે, ‘દક્ષિણ આફ્રિકામાં હિન્દીઓની સત્યાગ્રહની લડત આઠ વર્ષ ચાલી. ‘સત્યાગ્રહ’ શબ્દ તે લડતને અંગે શોધાયો ને યોજાયો. એ લડતનો ઇતિહાસ મારે હાથે લખાય એમ હું ઘણાં વખત થયાં ઈચ્છતો હતો. કેટલુંક તો હું જ લખી શકું. કઈ વસ્તુ કયા હેતુથી થઈ એ તો લડાઈનો ચલાવનાર જ જાણી શકે. અને મોટા પાયા ઉપર રાજ્યપ્રકરણી ક્ષેત્રમાં આ અખતરો પહેલો જ હતો એટલે એ સત્યાગ્રહના સિદ્ધાંતનો વિકાસ લોકો જાણે, એ ગમે તે પ્રસંગે આવશ્યક ગણાય. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ આપણને એ પણ બતાવશે કે હજી સુધી આપણી લડતમાં નિરાશાનું કારણ એક પણ નથી. વિજયને સારુ કેવળ આપણી યોજનાને દ્રઢતાપૂર્વક વળગી રહેવાની જ જરૂર છે. ચાલુ લડાઈમાં મદદરૂપ થઈ પડે અને નવરાશવાળા સાહિત્યવિલાસીના હાથથી એ ઇતિહાસ વિગતવાર લખાય તો તેના કાર્યમાં મારો પ્રયત્ન સુકાનરૂપ થઈ પડે એ આશય છે.’

નવજીવન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત આ અદ્ભુત પુસ્તક વિશે પ્રકાશક લખે છે, ‘ગાંધીજીની આત્મકથા પછી જેનો નંબર આવે એવું પુસ્તક, આત્મકથા પેઠે જ મૂળ ગુજરાતીમાં તેમણે લખેલો દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો આ ઇતિહાસ છે. આ ગ્રંથનું મહત્ત્વ માત્ર એટલું જ નથી. ગાંધીજીના ઘડતરનો સૌથી મહત્વપૂર્ણ સમય અને સત્યાગ્રહની તેમની શોધનો સમય – આનો ઇતિહાસ પણ એમની જ કલમેથી આ ચોપડીમાં મળે છે. જ્યારે જ્યારે પોતાના આત્માના ઊંડાણમાં જઈને જોવા-વિચારવાનું આવે, ત્યારે ઘણીખરી વખત તેઓશ્રી આફ્રિકાના પોતાના જીવનકાળની વાતો અને અનુભવો યાદ કરતા. આ પુસ્તક આવા મહત્ત્વવાળો ઇતિહાસ છે. તેનો આ રીતનો ખ્યાલ વાચકવર્ગ પર જોઈએ તેટલો પડ્યો નથી, એ આ ચોપડીની અત્યાર સુધીની ખપત પરથી જણાઈ આવે છે. આ ચોપડીની આ ત્રીજી આવૃત્તિ છે. અત્યાર સુધીમાં તેની ૩૫૦૦ નકલો ખપી છે. તે પૂરી થવાથી આ તેની નવી અને સચિત્ર આવૃત્તિ કાઢી છે. ગાંધીજીએ લખેલાનું પુન:મુદ્રણ આ છે, કેમકે એમાં તો સુધારો સંભવી ન શકે. પરંતુ પ્રકાશનદ્રષ્ટિએ એક-બે ફેરફારો એમાં કર્યા છે, તે નોંધવા જોઈએ.’

પુસ્તકમાં સત્યાગ્રહ વિશે સમજાવતાં ગાંધીજી લખે છે, ‘સત્યાગ્રહની એક ખૂબી છે. તે આપણી પાસે આવી પડે છે, તેને શોધવા જવું પડતું નથી. એ તેના સિદ્ધાંતમાં જ રહેલો ગુણ છે. જેમાં કાંઈ છૂપું નથી, જેમાં કાંઈ ચાલાકી કરવાપણું નથી રહેતું, જેમાં અસત્ય તો હોય જ નહીં, એવું ધર્મયુદ્ધ તો અનાયાસે જ આવે છે; અને ધર્મી તેને સારુ હંમેશા તૈયાર જ હોય છે.‌ પ્રથમથી રચવું પડે તે ધર્મયુદ્ધ નથી. ધર્મયુદ્ધનો રચનાર અને ચલાવનાર ઈશ્વર છે. તે યુદ્ધ ઈશ્વરને નામે જ ચાલી શકે અને જ્યારે સત્યાગ્રહીના બધા પાયા ઢીલા થઈ જાય છે, તે છેક નિર્બળ બને છે, ચોમેર અંધકાર વ્યાપે આપે છે, ત્યારે જ ઈશ્વર સહાય કરે છે. મનુષ્ય જ્યારે રજકણથી પણ પોતાને નીચો માને છે ત્યારે ઈશ્વર સહાય કરે છે. નિર્બળને જ રામ બળ આપે છે. આ સત્યનો અનુભવ તો આપણને થવાનો છે તેથી દક્ષિણ આફ્રિકાનો ઇતિહાસ આપણને મદદરૂપ છે એમ હું માનું છું.’

દક્ષિણ આફ્રિકામાં કમાણી અર્થે ગયેલા હિંદીઓ પર થયેલા હુમલાઓ, તેમને હેરાન કરવા માટે બનાવવામાં આવેલા ખૂની કાયદાઓ વિરુદ્ધ સત્યાગ્રહની આ લડાઈ આઠ વર્ષ ચાલી. આ આઠ વર્ષમાં ગાંધીજીએ સત્યાગ્રહની લડાઈ કેવી રીતે લડી તેનું વર્ણન તેમણે તેમની અનુભવી કલમે અહીં કર્યું છે. સચિત્ર આ પુસ્તકમાં દક્ષિણ આફ્રિકાની લડાઈ વખતના ગાંધીજીના દુર્લભ ચિત્રો પણ આ પુસ્તકમાં આપવામાં આવ્યા છે, જે વાચકને પુસ્તક વાંચવા માટે જકડી રાખવાનું કામ કરે છે.

સત્યવચન

હું અક્ષરશઃ માનનારો છું કે સત્યનું સેવન કરનારની આગળ આખા જગતની સમૃદ્ધિ ખડી થાય છે ને તે ઈશ્વરનો સાક્ષાત્કાર કરે છે. અહિંસાના સાન્નિધ્યમાં વેરભાવ નથી રહી શકતો, એ વાક્ય પણ હું અક્ષરેઅક્ષર ખરું માનું છું. દુઃખ સહન કરનારાઓને કશું અશક્ય નથી હોતું, એ સૂત્રનો હું ઉપાસક છું. આ ત્રણે વસ્તુઓનો મેળ હું કેટલાયે સેવકોમાં જોઉં છું. તેઓની સાધના નિષ્ફળ ન જ થાય એવો મારો નિરપવાદ અનુભવ છે.

ગાંધીજી

પુસ્તક પ્રકાશક: નવજીવન ટ્રસ્ટ, અમદાવાદ. કિંમત : ₹ ૧૦૦/-

આપનો પ્રતિભાવ આપો....