પ્રયોગશીલ નાટ્યક્ષેત્રનો વીર : મનોજ શાહ – મનોજ જોશી 6
મનોજભાઈ શાહના નાટ્યક્ષેત્રમાં પદાર્પણ, તેમના સશક્ત નાટકો અને તેમના દિગ્દર્શનની હથોટી વિશે મિત્ર વિપુલભાઈ ઉપાધ્યાય (વિપુલ ભાર્ગવ) પાસેથી પૃથ્વી થિયેટર, મુંબઈના કૅફૅટેરીયામાં બેસીને આયરીશ કોફીની ચુસકીઓ વચ્ચે મનોજભાઈની હાજરીમાં જ સાંભળેલું, એ પછી તેમની સાથે ડિનરનો લાભ મળ્યો ત્યારે તેમના સરળ પરંતુ સાહિત્ય પ્રત્યે સમર્પિત વ્યક્તિત્વનો સુપેરે પરિચય થયો. આપણી કૃતિઓને નાટ્ય રૂપરંગમાં વણીને જે રીતે તેઓ મંચ પર મૂકે છે એ અવર્ણનીય અને અદભુત છે. અહીં એક અફસોસ પણ છે, અન્ય કોઈ પણ ભાષાએ પોતાના આવા લાડકા સપૂતને માથે બેસાડ્યો હોય જ્યારે ગુજરાતના કેટલા લોકોને મનોજભાઈના આ પ્રદાન વિશે ખ્યાલ હશે? હાલમાં રજૂ થયેલું ‘હું ચંદ્રકંત બક્ષી’ ના દિગ્દર્શક પણ તેઓ જ છે. તેમના વિશે શ્રી મનોજ જોશીએ ‘ફુલછાબ’ દૈનિકમાં સાપ્તાહિક કટાર અંતર્ગત થોડાક વર્ષ પહેલા લખેલ પરિચય લેખને આજે અહીં પ્રસ્તુત કર્યો છે જે પુસ્તક ‘શબ્દસૂરના સાથિયા’ માંથી સાભાર લીધો છે.