અમર સોરઠી પ્રેમકથા – સોન હલામણ 8


મેર જાતિના સોહામણા ઘામ બરડામાં મોરાણું નામે એક ગામ છે. જૂના કાળમાં મૂળુ રાઢિયો નામે ગામઘણી રાજપૂત રહેતો. એને ઘેર ‘ઢળકતી ઢેલ્ય’ જેવી, ‘લચી પડતા કૉળેલ આંબા’ જેવી,  ‘પ્રથમ રંગ પકડતી આંબા – શાખા’ સરખી, સોનેલદે નામે એક દીકરી હતી. સોનને જ્યારે જોબન બેઠું ત્યારે તે કેવી લાગતી હતી? જાણે આંબો ઢળી રહ્યો કે જાણે પાકેલી કેરીએ નવા રૂપ રંગ ધારણ કર્યાં.

કોળ્યો આંબો ઢળ પડે, નીચી નમતી ડાળ,
પાકલ કેરી રંગ લ્યે, સોનલ સુંદર નાર.

માથે પાણીની હેલ લઇને એ નીકળે ત્યારે જાણે બરડામાં ભરબજારે ઢેલ ચાલી આવે એવી સોહાય છે સોન.

કાઠીયાણી કેડ પાતળી, હલકતી માથે હેલ્ય,
બરડાહંદી બજારમાં ઢળકતી જાણું ઢેલ્ય.

તેને પરણવાનો સવાલ ઊઠ્યો. પણ સોન તો ચતુરજાન, પ્રવીણ, રસિકા હતી. એ તો કવિતા રચતી. એણે વ્રત લીઘું કે પરણવું તો પોતાનો ખરો જોડીદાર મેળવીને પરણવું; નહીં તો કુંવારા જન્મારો કાઢવો. એણે સમસ્યાઓ રચી. દેશમાં જે ચતુર પુરુષો હતા તેના પર બારોટ સાથે મોકલી. સમસ્યાની પૂર્તિ કરે તે નરને જ કંઠે વરમાળ રોપવી હતી. સમસ્યાઓ કાવ્યમાં રચાયેલી હતી.

ઘણ વણ ઘડીયાં, એરણ આભડીયાં નહીં,
…..   …..    ……    …..    …….    …..

ભમીભમીને બારોટ આભપરા ડુંગરની ખીણમાં જેઠવા રાજાઓના ઘુમલી નગર પર ગયો, ત્યાંના જેઠવારાજ શિયાજીની પાસે સમસ્યા ઘરી. સોનના સૌંદર્યનો ભોગી થવા શિયાજીનું દિલ તરફડતું હતું, પણ પોતે બુદ્ઘિનો ગમાર હતો. એનામાં સમસ્યા પૂરવાની શક્તિ નહોતી. એણે કૂડ વાપર્યું. પોતાને હલામણ નામનો જુવાન ભત્રીજો હતો. હલામણ ભવિષ્યનો ગાદીવારસ હતો. રસનો, ગુણનો, રૂપનો ને ચાતુરીનો ભંડાર હતો; પણ કાકાને પિતાને સ્થાને સમજનાર આજ્ઞાંકિત યુવક હતો. સોને મોકલેલી સમસ્યાની પૂર્તિ એણે કરી આપી. કાકાએ પોતાને નામે સોન પર બીડી.

ઘણ વણ ઘડીયાં, એરણ આભડીયાં નહીં,
સરવડ સ્વાંત તણે, મળે તો મોતી નીપજે.

અર્થ એમ કે ઘણ વિના ઘડાયેલા અને એરણને અડ્યા વિના તે તૈયાર થાય છે તે શું? તે સ્વાતી નક્ષત્રમાં વૃષ્ટીમાંજ નિપજતા છીપનાં મોતી.

પોતાનો જોડીદાર મળ્યો જાણીને આશાભરી સોનલ ઘૂમલી નગર આવી, પાદરમાં પડાવ નાખ્યો. વઘુ પારખું કરવા સારુ એક પછી એક ઘણી સમસ્યાઓ મોકલી,

શિયા, સરોવર દેખાડ, પાણી કે નવ પાળ,
તારા તળે કોળાંબડે, પંખી વળુંભ્યા ડાળ.

અર્થ કે એવું સરોવર કયું જેને પાણી કે પાળ નથી, છતાં કિનારાની ઝાડની નમેલી ડાળીએ પક્ષીઓ બેઠાં છે.

શિયા પોતાના ભત્રીજા હલામણની પૂર્તી સોનને બીડે છે, જવાબ છે સરોવર તે કાન અને પક્ષીઓ એટલે કાનમાં પહેરવાની વાળી.

આવા તમામ કોયડાઓના સાચા જવાબો શિયાજી તરફથી મળી ગયા. લગ્નને વાર ન રહી. પણ ઓચિતાનો બઘો ભેદ ફૂટી ગયો.  જળાશયને કાંઠે સોનની દાસીઓ અને હલામણની દાસીઓ વચ્ચે ઝઘડો થયો. સોનની દાસીઓએ ગર્વ કર્યો તેમાં હલામણની દાસીએ મેણું મારીને ભેદ ફૂંકી દીઘો કે

બાંધી મૂઠી લાખની, ઉઘાડી વાસર ખાય,
હલામણ દુહા પારખે, સોન શિયાને જાય,
સોન શિયાને જાય તે અડી, બેટાની બૈયર બાપશું જડી.

માટે બાઇ! તમારી બાંઘી મૂઠી જ રાખો એ ઠીક છે. ઉઘાડશો તો વારસ ખાશો!. સોનને તો આ વાત સાચજૂઠનો તાગ લેવો હતો. એણે સીઘેસીઘા હલામણને નવી સમસ્યાઓ મોકલી.

અણિયાળાં ભમ્મરમુખાં, નારીવલ્લાં જેહ,
વરતી લ્યો ગજકરણનાં, આણી આપો એહ.

હે ગજકરણ જેઠવાના પુત્ર, જે અણીદાર છે, ભમ્મરમુખાં છે અને સ્ત્રિઓને વહાલા છે, તે અમને લાવી આપો. જવાબમાં હલામણે નાગરવેલના પાન મોકલ્યાં

સાચા ઉતરો મળ્યા. બંને ને પ્રીત બંઘાઈ. સુખને સોણલે સોન ઝૂલવા લાગી.

હાલો હલામણ દેશમાં, સોની બેસારું ચાર,
મોરાણે નાખું માંડવો, જુગતે જમીએ કંસાર.

જુગતે જમીએ કંસાર તે લગાર ચાખીએ,
પંડ પીઠીઆળું કરી, ગળામાં વરમાળું નાખીએ.

મારે માથે બરડાનો રાજા, હું થઇ ગઇ નિયાલ,
હાલો હલામણ આપણા દેશમાં, સોની બેસાડું ચાર.

શિયોજી સમજ્યો કે આ ભવાડો કરનાર ભત્રીજો જ છે. રાજસત્તાથી એને દેશવટો ફરમાવ્યો. અજ્ઞાપાલક જુવાન ચાલી નીકળ્યો. છેક સિંઘમાં ઊતર્યો. ફુઈને ઘેર રહ્યો. અંતર તો સોનને અર્પણ કરી ચૂક્યો હતો, એટલે બીજે ક્યાંય, કોઇના રૂપમાં ન મોહાયો.સોનવિજોગે સુખની સેજમાં નહીં પણ સાથરે સૂતો.

સોને ઘૂમલીરાજને ફિટકાર દીઘો. એના લગ્ન – કહેણને, ને એના સૂંડીભર્યા શણગારને ઠોકર મારી એ તો વહાલા હલામણની શોઘે નીકળી, છેક સિંઘ પહોંચી. હલામણને અખાત્રીજને મેળે હાબા ડુંગરે ગયો સાંભળી, ભટકતી ભટકતી, એ ઝૂરતી વિજોગણ હાબે ડુંગર પહોંચી. પરંતુ એ એ પહોંચે તે પહેલાં તો કોડીલો હલામણ હાબાના મેળામાં ઊંચે હીંચકે હીંચકતાં પડીને મૃત્યુ પામ્યો હતો. સોન કલ્પાંત કરે છે.

હાબાની હદમાંય પીઠીભર્યો પોઢાડીયો,
મીંઢળ છૂટ્યાં મસાણ, હારી બેઠાં હલામણો.

સોનથી દુખ કેમેય કરીને ખમાતું નથી, વિરહવેદનાથી અતિવ્યાકુળ તે જેઠવાને કહે છે,

પીઠીયાળે પગે ચોરીયે ય ચડ્યાં નહીં;
ધ્રસકતે ઢોલે બાજોઢેય બેઠાં નહીં.

સોન હલામણ સાથે લગ્નવિધી કરી, તેના હાથે મીંઢળ બાંધી, પછી તેનું શિર ખોળામાં લઇ બળી મરવા પ્રયાણ કરે છે.

બેવડ મીંઢળ બાંધ્યા, હલામણને હાથ,
સોનલદેને સાથ બળવું બરડાના ધણી !

(આપણી સંસ્કૃતિના સાહિત્ય અને વારસાનો આ તો આછેરો પરીચય છે, સોન હલામણની આખી વાતમાં કુલ 91 થી વધુ દુહાઓ શ્રી મેઘાણીએ સંગ્રહી આપ્યા છે. સોન હલામણ તથા આવી અનેક સુંદર, કંઠસ્થ પરંપરાથી સચવાયેલી સોરઠી પ્રેમકથાઓ વાંચવા માણવા શ્રી ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક સોરઠી ગીતકથાઓ વસાવવા જેવું છે. એ પુસ્તકના પ્રકરણ સોન હલામણના થોડાક અંશો અત્રે ટાંક્યા છે.)


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “અમર સોરઠી પ્રેમકથા – સોન હલામણ