અધ્યારૂ નું જગતની છેલ્લી પોસ્ટ 40


લાગે છે થાક એવો કે ક્યારેક વાટમાં,
સમજી હવાને ભીંત અઢેલી જવાય છે.

જનાબ શ્રી અમૃત ઘાયલ સાહેબનો તેમને પ્રિય આ શે’ર મને ઘણી વખત મારી સ્થિતિ સાથે બંધબેસતો લાગે છે.

બ્લોગનો, વેબસાઈટનો, કોઈ પુસ્તકનો કે સાહિત્યના કોઈ પણ પ્રકારનો મૂંળ ઉદ્દેશ શું હોય? લેખક માટે એ પોતાના ભાવવિશ્વની ઉર્મિઓ, તેની નવીનતા, સંવેદના અને અનુભવોનું આગવું નિરૂપણ છે, તો વાંચક માટે એ ભાવવિશ્વની ઉંડાઈ સુધી પહોંચવાની તમન્ના અને તેના મૂળ ગુણધર્મને પામવાનો પ્રયત્ન છે. શ્રી અંકુરભાઈ દેસાઈ કહે છે તેમ આત્મ વિસ્તરણમાં મૂળભૂત અજ્ઞાત હોવાનો ભાવ જ ઉર્ધ્વગામી પરીબળોને સાર્થક કરે છે. આત્મવિકાસના શૂન્યમાં જ્યાં સુધી “સ્વ” વિશેની સભાનતા ઓગળતી નથી ત્યાં સુધી તેના સ્વરૂપો અનંતગતિને સાધી શક્તા નથી. સાહિત્યનો કોઈ પણ પ્રકાર તેના મૂળ ઉદ્દેશ સુધી પહોંચતો નથી. વાચકને મજા આવશે કે નહીં એવું વિચારીને લખનાર પોતાની લેખનની મજાને તો જોખમમાં મૂકે જ છે પરંતુ વાચકની પસંદને પહેલેથી ધારીને તે વર્તુળ પણ સીમીત કરી દે છે. લેખન એ પૂજા જેવું કાર્ય છે, તેની પવિત્રતા, તેની અખંડિતતાને માન મળવું જો ઓછું થાય તો સાહિત્યનું સ્તર પણ નીચે ઉતરી આવે.

છેલ્લા થોડાક દિવસથી અધ્યારૂ નું જગત બ્લોગ અનિયમિત થઈ ગયો હતો, કારણમાં મૂળ “થાક”, કૌટુંબિક જવાબદારીઓ, નોકરી, પિપાવાવ થી વડોદરાની નવ કલાકની અપડાઉન જેવી આવનજાવન, અને ગીરમાં સતત ભટકવાની અદમ્ય ઝંખના, સમયનો અભાવ અને પોસ્ટ કરવાની અવગણી ન શકાય તેવી તીવ્ર ઈચ્છા જેવા બે છેડાઓ વચ્ચે હું, આ બધા પરિબળો એક પછી એક ભેગા થતા ગયાં, અને બ્લોગ પર પોસ્ટ ઘટતી રહી, અનિયમિત થતી રહી. અનિયમિત થવા કરતાં બ્લોગને સતંદર બંધ જ કરી દેવો અને એક લાંબો વિરામ લેવો એવો નિર્ણય અંતે લીધો અને મારા મતે એ યોગ્ય પણ છે. એટલે આજથી અધ્યારૂ નું જગત અને કેમેરાની આંખે – See Gujarat એ બંને બ્લોગ્સ પર હવેથી પોસ્ટ કરવાનું બંધ કરી રહ્યો છું.

સરસ મજાનું કાંઈક વાંચવામાં આવે કે મનમાં કોઈ વિચાર બીજ રોપાય કે પછી કોઈ પ્રવાસ વર્ણન મિત્રો ફોટા સાથે હકથી માંગે ત્યારે તરત એ બધું વાચનરસિકો સુધી પહોંચાડવાની વૃત્તિ શમે તેમ નથી. હવે ફેર પડ્યો તો એટલો કે દોઢ-બે વર્ષના બ્લોગવિશ્વના અનુભવ પછી વૃત્તિઓ થોડીક “મેચ્યોર” થઈ છે. પસંદગીનું ક્ષેત્ર થોડુંક વ્યાપક બન્યું છે અને તેનું ધોરણ જરા કડક થયું છે.

વીતેલા સમયે મને મારા જીવનઆનંદનું દર્શન કરાવ્યું છે, ખૂબ મૌજ કરાવી છે. એટલે એ અદમ્ય આનંદને છોડવો અઘરો છે, પણ હવે બ્લોગમાં વિરામ લેવો જ એ નક્કી કર્યું છે. અન્ય બ્લોગ્સ પર વાંચન તો ચાલતું જ રહેશે. ઈમેલ અને કોમેન્ટસ પણ એમ જ રહેશે. સંપર્કો પણ રહેશે અને ફોન પર થતાં ડાયરા પણ રહેશે…. હા જોકે એ ખરું કે રોજ સવારે પ્રતિભાવો વાંચવાની અને રોજ રાત્રે નવી પોસ્ટ ટાઈપ કરવાની આદતો હવે છોડવી અઘરી છે.

આ બ્લોગને મેં મારા સ્વજન જેટલો જ પ્રેમ કર્યો છે, અને એના જીવનકાળ દરમ્યાન હું એ “બ્લોગ” ને જીવ્યો છું. એટલે દુઃખ થાય એ સ્વાભાવિક છે પરંતુ હવે થોડીક ખટક થાય છે, આંખમાં કણું પડ્યું હોય અને ખટકે તેમ …. પૂરો સમય આપી શકાતો નથી, થોડીક જવાબદારીઓ પૂરી કરવી છે, ચશ્માના વધતાં નંબરને થોડોક પોરો ખાવા દેવો છે, થોડોક ભટકવાનો આનંદ માણવો છે અને કોઈ ડામરીયા સડકથી પંદર વીસ કીલોમીટર અંદર નેસમાં, કે કોઈક મિત્રની વાડીમાં ડાયરો માણતા કે પૂનમ અમાસે સાગર કિનારે બેઠાં બેઠાં જો મને એમ થાય કે “કાલ માટે કોઈ પોસ્ટ નથી એટલે વહેલા ભાગવું પડશે” તો એ બેય પ્રવૃત્તિનો આનંદ બગાડે છે. એટલે સંતૃપ્તતા આવે ત્યાં સુધી, મન ભરાય ત્યાં સુધી કુદરતને માણવા જવું છે. નવી ક્ષિતિજો ખૂલતી હોય ત્યારે વળગણ ન હોવું જોઈએ, અલ્પ કે અનંત, એક વિરામ તો બધાં માંગે.

ગુજરાતી બ્લોગ્સની ક્ષમતાઓ અને પ્રવૃત્તિ વિશે મારા અભિપ્રાયનું તો શું મહત્વ હોય? પણ આપણા મનને સહેજ કડવો લાગે તેવો એક અભિપ્રાય આપવાની રજા હોય તો તે આ રહ્યો “રોજેરોજ નવા બ્લોગ્સ ખૂલતાં જાય છે, પણ ગુજરાતી ભાષાની તમામ વેબસાઈટસ અને બ્લોગ્સમાં વાંચવા જેવા પાના કેમ અલ્પ હોય છે? વિચારપૂર્ણ અને વિચારપ્રેરક લેખો વેબસાઈટ / બ્લોગ્સ પર કેમ મૂકી ન શકાય? વાંચવા ગમે તેવા અને મનને મજા કરાવે કે વિચારબીજ આપે તેવા થોડાંક લેખો પણ કેમ મળતાં નથી? મહેન્દ્રભાઈ મેઘાણીએ જે સામયિકો માટે લખ્યું હતું તે બ્લોગ્સ માટે આજે એટલું જ પ્રસ્તુત નથી? આપણી કલમો કવિતાઓ (એક ની એક રચનાઓ અનેક જગ્યાઓએ) વાર્તાઓ, રાજકારણ કે ઈમેલના સીમીત ક્ષેત્રથી આગળ કેમ વધતી નથી? ઘણાં તો રોગીષ્ઠ, દંભી અને નિર્જીવ અર્પણો પણ હોય છે. પલટાતા જગતપ્રવાહોનું સ્થિર દ્રષ્ટીએ આકલન કરનારી, જીવનનાં પાયાના પ્રશ્નો સાથે બાથ ભીડનારી, રાગ દ્વેષના ઝંઝાવાતો વચ્ચે સત્યને માટે અકંપ ઉભનારી, સમાજ, રાજકારણ, અર્થકારણ, સાહિત્ય, સંસ્કૃતિ, વિજ્ઞાન એ બધાં ફલકો ઉપર સ્વસ્થપણે વિચરનારી કલમો કયા જંગલમાં ઘડવા જવી? તેમ છતાં સ્વતંત્ર વિચારોની, ગમા અણગમાની અને સાહિત્યની સેવાના પ્રયત્નોનું આવાહન કરવા માટે બ્લોગ એક ખૂબ સબળ માધ્યમ છે. જાગૃતિ અને સ્વયં શિસ્ત માંગી લેતું આ માધ્યમ કેટલાક નબળા પાસાઓને બાદ કરતા ખૂબ સારી રીતે વૈચારીક અભિવ્યક્તિની ભારતીય સ્વતંત્રતાનું મૂર્ત સ્વરૂપ છે. આ સ્વરૂપનો એક હિસ્સો બન્યા હોવાનો ગર્વ અને માન મને મળ્યા છે અને આપ સર્વેએ મને ખૂબ પ્રેમ અને આનંદ આપ્યો છે એ બદલ આપનો આભાર શબ્દોમાં માનવો તે મારા ગજા બહારની વાત છે.

એક અનંત પ્રકાશ તરફની આપણા સર્વેની સાહિત્ય યાત્રા અક્ષરનો નાદ બની રહે અને તેની અનંતવિહારી વાહકગતિનો આશિર્વાદ આપણને બધાંને મળતો રહે તેવી પ્રભુને પ્રાર્થના સાથે અંકુરભાઈ દેસાઈના બે શે’ર સાથે વિરમું છું

ન મંત્ર હો, ન મૌન હો, ન કોઈ શબદગાન હો,
ન પામવાનું હો કશું, ન બંદગી ન અઝાન હો,
સહજ હું ઓગળું અને વિરાટ વિસ્તરણ મળે,
ચરમને સ્પર્શે વૃક્ષતા ને મૂળને ક્યાં ભાન હો….

મારો મોબાઈલ નંબર ૯૭૨૭૭ ૭૭૧૨૧ (ઓફીસ સમય સિવાય) ચાલુ જ છે, ટહુકો કરવાની કે સાંભળવાની ઈચ્છા થાય તો સંપર્ક કરી શકો છો. ડોમેઇન ખરીદી રાખ્યું છે પણ એક સિવિલ એંજીનીયર કોંક્રીટ બાંધકામ સાથે સાથે વેબસાઇટ બનાવે તો પ્રોજેક્ટ કદાચ સમયના બંધનો ન નિભાવી શકે એ હિસાબે વેબસાઇટ મહીનાઓ તો ચોક્કસ લેશે.

ફરીથી કોઈક નવા સ્વરૂપે, નવી જગ્યાએ ક્યારેક આમ જ જો નવા અક્ષરની શરૂઆત થઈ તો આપણે ચોક્કસ મળીશું.

ત્યાં સુધી આભાર,

આવજો.

જીગ્નેશ અધ્યારૂ


40 thoughts on “અધ્યારૂ નું જગતની છેલ્લી પોસ્ટ

  • Pancham Shukla

    પ્રિય જિજ્ઞેશભાઈ
    ઘણા વખતે તમારા બ્લૉગની અનાયાસ મુલાકાતે પહોંચ્યો . અક્ષરનાદનું નવું સ્વરૂપ બહુ મઝાનું છે. ગમ્યું. મથાળે ફરતી કાવ્ય પંક્તિઓનું ચયન અત્યંત ઉમદા છે.

  • દક્ષેશ

    જિગ્નેશભાઈ,

    આજે જ બ્લોગની મુલાકાત લેતાં વાંચ્યું કે તમે બ્લોગ જગતને અલવિદા કહેવાની તૈયારી કરી. સર્જનશીલતાને સંપૂર્ણ વિરામ આપવો અઘરો છે. તમે ગમે ત્યાં જાવ, ગમે તે પ્રવૃતિ કરો પણ લેખક તો રહો જ છો. હા, તમારી વાત ખૂબ ગમી કે થોડોક ભટકવાનો આનંદ માણવો છે અને કોઈ ડામરીયા સડકથી પંદર વીસ કીલોમીટર અંદર નેસમાં, કે કોઈક મિત્રની વાડીમાં ડાયરો માણતા કે પૂનમ અમાસે સાગર કિનારે બેઠાં બેઠાં બ્લોગના વિચાર નથી કરવા … ન જ કરવાના હોય કારણ એનો આનંદ મૂઠી ઉંચેરો હોય છે. તો તમે એને દિલથી માણો એવી શુભેચ્છા આપવાનું રોકી શકતો નથી.

  • Nishit

    જો તમને ગુજરાતી વાંચવાનો શોખ હોય,તો મેં એક બ્લોગ શરૂ કર્યો છે જેમાં હું મારી વાર્તાઓ પોસ્ટ કરું છું…સમય મળે નજર નાંખશો…આભાર

  • pathak.phs

    બ્લોગ ઘણો સમય માગી લે છે. સારું વાંચન હમેશાં સારા લેખન તરફ દોરે છે. ક્યારેક ‘તમને સંતોષકારક’ લેખ પ્રકાશિત કરવો હોય તો ઈમેલથી મોકલજો. મારા બ્લોગ પર મૂકીશ.

  • Pinki

    …………

    પહેલાં તો લાગ્યું કે, જિજ્ઞેશભાઈએ મોડાં મોડાં એપ્રિલફૂલની પૉસ્ટ મૂકી લાગે છે… ?!!

    બ્લોગીંગ એ તો ઘર જેવું છે અને એમાંથી કોઇ એક વ્યક્તિ જતી રહે તો ખોટ તો લાગે જ ને…
    નિયમિતતા કરતાં પણ વધુ અગત્ય – ગુણવત્તા હોય છે,
    તમારું વાંચન અને લખાણ હમેશા પ્રેરણાદાયી રહેલું છે તો સમય મળે ત્યારે મળતાં રહેશો.

    “મિત્રની વાડીમાં ડાયરો માણતા કે પૂનમ અમાસે સાગર કિનારે બેઠાં બેઠાં જો મને એમ થાય કે “કાલ માટે કોઈ પોસ્ટ નથી એટલે વહેલા ભાગવું પડશે” તો એ બેય પ્રવૃત્તિનો આનંદ બગાડે છે.” It’s true….

    anyways
    good luck , be free from blogging as well as also feel free to put post anytime …….!! it’s only a personal diary. but i know our own commitment towards ourselves …. disturbs sometimes. me too suffered sometimes but never mind. positively c yaa very soon.

  • ઘનશ્યામ ઠક્કર

    ભાઈ શ્રી જીગ્નેશભાઈ,

    બ્લોગ ઘણો સમય માગી લે છે. પણ વાંચન-લેખન બંધ ના કરશો. તમારું ગદ્ય વાંચતાં જણાયું કે તમારી ભાષા શુધ્ધ છે, વિચારો મૌલિક છે, અભિપ્રાયો પ્રામાણિક છે, અને પ્રગતિની ધગશ છે.

    સારું વાંચન હમેશાં સારા લેખન તરફ દોરે છે. ક્યારેક ‘તમને સંતોષકારક’ લેખ પ્રકાશિત કરવો હોય તો ઈમેલથી મોકલજો. મારા બ્લોગ પર મૂકીશ.

    શુભેચ્છાઓ સાથે.

    ઘનશ્યામ ઠક્કર

    http://ghanshyamthakkar.com/

  • rajniagravat

    જીગ્નેશભાઈ

    આમ તો આપણો નિયમીત કોન્ટેકટ નથી પરંતુ એટલું કહું કે જ્યારે બ્લોગ જગતમાં અમુક બ્લોગ ગમતા હોય , જેમા ક્વોલીટી હોય અને હું થોડો ઘણો ઓળખતો હોવ એવા જુજ બ્લોગર્સમાં તમે આવો છો.

    તમારા લખાણની ક્વોલીટી કે ઉપર લખ્યુ એ અંગે અત્યારે કંઇ ટીપ્પ્ણી કે ચર્ચા કરવાનું બેમતલબ છે પણ ખુદના ઓરકુટ છોડવાના અનુભવ પરથી એટલું કહી શકુ કે તમારા વૈરાગ્યનું કારણ તમે જણાવ્યુ હોય એના કરતા પણ ગંભીર હોય શકે છે. જો કે ઓરકુટ અને બ્લોગ બન્ને તદ્દન અલગ બાબત છે. છતાંપણ એ વખતે મને એક મિત્રએ સરસ સલાહ આપી હતી કે ક્યારેય કોઇ દરવાજો બંધ નહી કરી નાંખવાનો!

    બાકી બધા મિત્રો એ કહ્યું એમ થોડો વિરામ લ્યો, અને મન થાય ત્યારે બેટીંગ કરવા પધારો અમે પ્રેક્ષક (આમ તો વાંચક ) હોવા છતાં પણ ફિલ્ડીંગ ભરતા રહેશું.

    તમે ધારેલા ધ્યેય સિધ્ધ કરવા માટે ખોબો ભરીને શુભેચ્છા.

    રજની અગ્રાવત

  • મનિષ મિસ્ત્રી

    મારા મતે…

    Blog તો જૂનો મિત્ર છે જે વરસે બે phone કરે તો પણ મજા પડે! અને blog એ નવોનક્કોર મિત્ર છે જેને રોજે રોજ ફોન કરવો જરૂરી નથી!

    Blogging એ કોઇ Production House ની નૉકરી કે વાચકની ગુલામી નથી કે એ કહે એવું ને એટલું સરસ અને એકધારું પિરસ્યા કરવું પડે!

    Blog ની એક એક post નું મહત્વ છે – જેમ અટલ બિહારી વાજપાયી લાંબા લાંબા વિરામો લઈને બોલે છે તેમ પણ લખી શકાય!

    સુંદર ગીત જેમ તેના આરોહ-અવરોહ અને વિરામથી શોભે છે તેમ blog પણ વિરમીને પોતાની સુંદરતા ટકાવી શકે છે!

    હું નથી માનતો કે કોઇ ચોવીસ કલાક લખ લખ કરે છે, તો વાચક જેટલી આસાનીથી એક દિવસ નો અંતરાલ પચાવી શકે છે તેટલી જ સરળતાથી અનિયમિત breaks ને પણ સ્વીકારી શકે છે! તેથીજ તો bloggingમાં હું તો “નિયમિત અનિયમિતતા”માં માનું છું!

    દિલની અસતત ચાલતી વાત અને મનના constant બકવાટ વચ્ચે આ જ તો ફરક છે!

    અને ભૈ, કોઈ “દોડતા” અને “ઊંઘતા” વખતે શ્વાસોચ્છ્વાસ ની ગતિ એકસરખી જાળવી ના શકે તો એને આમ કંઈ “પતાવી” ના દેવાય! તો સલાહ આપું છું જે વિનંતી ગણીને સ્વીકારજો કે – NEVER say NEVER!

    બીજું એ કે કાર્તિકભાઈની વાત તદ્દન સાચી છે કે technology ના સહી ઉપયોગથી તમે આ guilt ઘટાડી શકશો!

    અરે કો’ક વાર તો આપણે એક post માં ત્રણત્રણ post નો મસાલો ઠપકારી દઈયે છીયે!

    એક વાત ઉપસ્થિત છે કે એકધારું blogging કરવા માટે તો એક થી વધુ bloggers એક blog ચલાવે તે જરૂરી છે તેમ લાગે છે – અને તે છતાંય no quality guaranteed!

  • santhosh

    अच्छी ब्लॉग हे / आप की लेखनी पड़कर बहुत खुश हुवा / आप गुजराती मे टाइप करने केलिए कौनसी टाइपिंग टूल यूज़ करते हे ?

    रीसेंट्ली मैने यूज़र फ्रेंड्ली इंडियन लॅंग्वेज टाइपिंग टूल केलिए सर्च कर रहा ता, तो मूज़े मिला… ” क्विलपॅड “… आप भी ‘क्विलपॅड’ http://www.quillpad.in को यूज़ करते हे क्या…?

  • Vishvas

    જય શ્રીકૃષ્ણ જિજ્ઞેશભાઈ,

    આપના બ્લોગની કેટલીક પોસ્ટ જ વાંચી છે ને દરેક ગમી છે કારણકે વ્યસ્ત રહેવાને કારણે બધા બ્લોગની મુલાકાત લઈ પ્રતિભાવ આપવો શક્ય નથી હોતો.પણ એનો અર્થ એ તો નહી ને કે એ આપણને ગમતું નથી.મારો બ્લોગ પણ હું રોજ અપડેટ નથી કરતો પણ તેને દિવસ અને સમય સંજોગો અનુસાર માહિતી આપી દઉં છું અને કેટલીક વાર થોડી મોડી પણ રજું કરી છે.પણ કહે છે કે Late is better then never.વ્યસ્તતામાં કદાચ આપણે આપણાં સ્વજન અને આપણી જાતને પણ વિસારી દઈએ છીએ પણ એનાથી આપણૂં અસ્તિત્વ તો ઓગળી નથી જાતું ને..
    ડો.રઈશ મણીયારની બે પંક્તિઓ યાદ આવી.

    કશુંય આખરી ક્યાં છે સતત ઝુરાપા સિવાય
    દરેક મુકામ બીજું કંઇ નથી વિસામા સિવાય

    મળ્યો છે તમને પ્રતિષ્ઠાનો એક પરપોટો,
    કરો જતન હવે છૂટકો નથી ટકાવ્યા સિવાય.

    ….આપને આપના દરેક કાર્ય માટે શુભેચ્છાઓ.

    આપનો ડો.હિતેશ ચૌહાણ

  • કુણાલ

    જિગ્નેશભાઈ, ઘણો સમય અગાઉ સર્જિતભાઈના બ્લોગ પર એમણે પણ આ જ પ્રકારના મનોમંથનમાંથી પસાર થઈને આશરે બે-એક વર્ષ પહેલાં આવો જ કંઇક નિર્ણય લીધો હતો, ત્યારે મેં એમને જે વાત કહેલી એ જ અહીં તમને કહીશ, કદાચ થોડાંઘણાં ફેરફાર સાથે…

    કે, બ્લોગ એ કાંઈ સામયિક કે એવું માધ્યમ નથી કે એમાં અમુક તમુક સમયાંતરે કોઇ સામગ્રી પ્રગટ થવી જ જોઇએ… બ્લોગ આપણું સર્જન છે, આપણું બાળક છે… એને આપણી કે વાચકોની મરજી પ્રમાણે ચલાવવાનો કોઇ આગ્રહ ન રાખી શકાય, અને સામાન્યતયા કોઈ રાખતું પણ નથી હોતું…
    રીડગુજરાતી.કોમ કે લયસ્તરો.કોમ કે એ પ્રકારના બ્લોગ્સ એ પોતાનામાં મેગેઝિન છે, સેલ્ફ પ્રોક્લેઈમ્ડ સામયિક છે, એટલે મારા જેવા વાચકોને પણ સતત એમને વાંચવાની ઈંતેજારી હોય છે…

    પણ તમારા બ્લોગ જેવા સ્ત્રોત એ એવાં વાદળીયાં છે જે જ્યારે વરસે ત્યારે એમાં ભીંજાવાથી એક અલગ તૃપ્તિની લાગણી થાય … એથી પોતાના બ્લોગ પાસે મેગેઝીન જેવી નિયમિતતાનો આગ્રહ ન રખાય એ કદાચ વધુ યોગ્ય અપેક્ષા કહી શકાય …

    મારી પોતાની વાત કરું તો તમે ખુદ મારા બ્લોગ્સની આર્કાઈવમાં જોશો તો મહિનાની સરેરાશ એક કે બે જ પોસ્ટ હશે… અને છેલ્લાં ૩ મહિનાઓથી કાંઈ જ પોસ્ટ નથી કરી શક્યો … પણ એને સ્થગિત કરી દેવાનો કોઈ ઈરાદો નથી…

    બસ, એવું વિચારી લીધું કે બ્લોગની વાદળીને વરસવામાં વચ્ચે જરા દુકાળ આવી ગયો ! 🙂

    આશા રાખું કે વ્યક્તિગત જવાબદારી અને અંગત પ્રાયોરીટીઝ ને ન્યાય કરતાં કરતાં પણ આ રીતે ઓલમોસ્ટ પૂર્ણવિરામ જેવો અર્ધવિરામ ન આપો તો યે વાચકો વાદળીયું ને આવવાની રાહ તો જોવાના જ છે… પણ વાદળી આવતી જ બંધ થઈ જશે એવા ઘાતક સમાચાર ન અપાય .. 🙂

    બસ, એ જ અભિલાષા કે તમે જણાવેલ તમારી ઈચ્છાઓ તમે પૂર્ણ કરી શકો અને આનંદ મેળવતાં રહો…

  • pinke

    JEGNESHBHI TAMARA LAKHN NE VACHAVANI JANHE KA ADT PADI GYE HATI. TAME JASHO TA CHOKKSH NHI GAME PAN TAMRA PACHA AVNI UMID ANE KEY VADHAR SHARU MALVANI UMID PAR. TAMNE BYE KAHU CHU.KHR TAMRI KHOT TO SALSHA J PAN TAMRO REUST AMRA MATA KOE NAVA SNSODHNI ASHA CHA.

  • Vimal

    જીગ્નેશભાઇ થોડોક ટાઇમ વિરામ લઇ લ્યો, કામ અગત્ય ના કામો પતી જાય પછી, પાછા પોસ્ટ કરવાનું ચાલું કરી દેજો.

  • Prashil

    Hi Jigneshbhai,

    I am enjoying your blog on regular basis and provides me great joy.
    Wishing you all the very best for the future.
    Best regards.

  • hemant doshi

    we got shock when i open my computer and your last block
    i got habit like pan tea newspaper and watching t. v.
    so i again request to continue write block atleast once in a week. i’m always happy to read abt saurashtra and my native place mahuva in ur block
    thank you

  • Kartik Mistry

    જરૂરી નથી કે તમારે દરરોજ પોસ્ટ કરવી જ – ન કરી શકો તો કોઇ તમને કંઇ કહેવાનું નથી. એકાદ મહિનો આરામ લઇ ફરી પાછું પોસ્ટ કરો. ડ્રાફટ, શેડ્યુલિંગ જેવી વ્યવસ્થાનો લાભ લઇ તમે આરામથી થાક વગર બ્લોગ ચાલુ રાખી શકો છો! મારો અંગ્રેજી બ્લોગ આ પ્રકારનો જ છે. ૨૦૦૪થી ચાલે છે – પણ બહુ જ ઓછું પોસ્ટિંગ થાય છે..

  • Hemant Shukla

    Badhae badhu j kahi didhu chhe.So please “DON’T LEAVE US”.Kyarek pan malvanu rakho to khara.

  • Dr MIRAT K AGRAVAT

    DEAR JIGNESHBHAI,

    IT’S A SHOCKING NEWS FOR ALL VIEWERS, I JUST TELL YOU ONE THING YOU ARE HEART AND HEENABEN IS LUNGS OF BLOG WRITEING, AND I THINK HEART AND LUNGS NEVER TIRED OFF, WE HOPE OUR HEART WILL PUMP US AND LUNGS WILL PURIFY UNTILL THE EARTH LIVE.

  • Heena Parekh

    રોજ સવારે તમારો બ્લોગ વાંચવાની આદત હતી. પણ કાલે આપણી વાત થયા મુજબ કોઈ આદત કાયમ નથી હોતી. આપે મને જે કારણો બતાવ્યા તે બ્લોગ પર પોસ્ટ કરવા કરતાં વધારે અગત્યના છે. અને દરેક વ્યક્તિએ સમયે સમયે સતત એ વિચારતું રહેવું પડે છે કે પોતાના જીવનમાં અગ્રિમતા શેની? તમે વેળાસર તમારી હાલની અગ્રિમતાને સમજી શક્યા છો અને તે માટે કટિબદ્ધ થયા છો તે જાણીને આનંદ થયો. તમને ગમતી તમામ પ્રવૃત્તિઓ માટે અઢળક શુભેચ્છાઓ. જીવનને પૂર્ણ રીતે માણો અને આનંદમય રહો.

  • BHUPENDRA JESRANI.

    YOU MUST ENJOY YOUR LIFE..AS YOU THINK, IS THE BEST WAY!!! HALFHEARTED LIVING …CHASING THE DEADLINES LEAVING ASIDE MANY ENJOYABLE THINGS, IS NOT A GOOD LIFE, IN THE LONG RUN….. YOU MUST ENJOY ONE THING AT A TIME TO THE FULLEST!!! THAT IS THE LIFE, I THINK , WORTH LIVING AND ENJOYING!!!
    PLEASE BE COMFORTABLE AND ENJOY WHAT YOU THINK IS BEST FOR YOU!!!!
    WISHING YOU ALL THE BEST!!!
    WE SURELY WILL BE MISSING YOU BUT I WILL BE MORE HAPPY IF YOU ENJOY WHAT YOU DO!!!! THANKS FOR THE LOVELY READING YOU HAD GIVEN US ALL THESE WONDERFUL DAYS…..GOD BLESS YOU!!!

  • aruna

    i just want to say that dont stop please, there is so many things we didnt know but now we knows it because of you so please dont stop our lesson.

  • જીગ્નેશ સરવૈયા

    જીગ્નેશભાઈ,
    આપની જવાબદારીઓ પૂરી કરો અને સાથે સાથે અનીયમીત તો અનીયમીત પણ
    નવી પોસ્ટ દ્વારા અમોને નવું જણાવતા રહો તેવી નમ્ર અરજ છે ..

  • Govind Maru

    જીગ્નેશભાઈ,
    આપની જવાબદારીઓ પૂરી કરો, ચશ્માના વધતાં નંબરને થોડોક પોરો ખાવા દો, થોડોક ભટકવાનો પણ આનંદ માણો… જરુર માણો… પરં્તુ ‘અધ્યારુનું જગત’ અને ‘કેમેરાની આં્ખે’ ઉપર હવે પછી અનીયમીત તો અનીયમીત પણ નવી પોસ્ટ દ્વારા અમોને નવું જાણાવા મળે તે માટે ફેરવીચારણા કરો એવી નમ્ર વીનં્તી છે. અન્યથા આપનો નીર્ણય મને તો નહી જ ગમે…..
    આગોતરો આભાર માનીને વીરમું છું.
    ગોવીન્દ મારુ

  • Ram

    Congratulation !

    I am not happy, you are busy in your work. I request you to start on Gujarati website. I request to god no unhappiness to my friends and continue very best articles in Gujarati history come to Gujarati Jagat.

    Thanks!!!!!

  • Nirlep Bhatt

    ‘m speechless…

    I will miss your mail, I used to see early in the morning every day. (just like a newspaper). I would suggest to maintain the blog & keep sending weekly post instead of daily, u will be able to maintain balance also…your some of the posts are really nice.

    you have got a nice & standard choice and are expressive, versatile & nature-lover..

    (Y)our blog is one of the means, that keep me connected from our own language & culture.

    anyways..all d best in your all endevours.

  • Raj Adhyaru

    Jignesh,

    This is not a LAST POST of your blog…now this is the begining for all your 76k plus blog participant to wait for you… you achieved just great and wishing you a very balanced / hasselfree life ahead….

    Pehla pan juda nohta, hata matra vikhuta….
    atle to fari malya a blog ma,,, ne pachha padya vikhuta…
    bhale a moh(jal)= web todi tame,,, ame to pachhi pan nathi vikhuta…

    Will miss you for the shoftwhile…

    Wishing good luck to luck to come to your life….

  • સુરેશ જાની

    એમ કેમ કે મને પણ આવા જ વીચારો આવી રહ્યા છે? બ્લોગીંગ બાબત બીજા પણ ઘણા વીચારો ક્યારના ઉભરી રહ્યા છે. પાકટ થયે ‘ ગદ્યસુર ‘ પર લખીશ.

    શુભેચ્છાઓ. .

  • vijayshah

    Why Jignesh why?
    your work is getting its nitch.. I beleive avod self regulations.. and put the creation at your time.. but do not leave..
    76000 plus visit says you are doing good.
    Vijay Shah

Comments are closed.