અક્ષરનાદ


About અક્ષરનાદ

સિવિલ (જીયોટેકનીકલ) એન્જીનીયર અને મરીન બાંધકામ ક્ષેત્રમાં પાછલા દસ વર્ષથી સતત કાર્યરત,૨૦૦૭ થી અક્ષરનાદ.કોમ વેબસાઈટ પર લેખન / સંપાદન તથા બ્લોગ અધ્યારૂ નું જગત પર લેખન

રોને ન દીયા – સુદર્શન ‘ફાખિર’

ઈશ્કમેં ગૈરતે જઝ્બાતનેં રોક લીયા, વરના ક્યા બાતથી જીસને રોને ન દીયા. આપ કહતેથે રોને સે ન બદલેંગે નસીબ ઉમ્ર ભર આપકી ઈસ બાતનેં રોને ન દીયા રોને વાલોંસે કહો ઉનકા ભી રોના રો લેં જીનકી મજબૂરી-એ-હાલાતને રોનેં ન દીયા તુજસે મિલકર હમેં રોના થા, બહુત રોના થા, તંગી એ વક્ત એ મુલાકાતને રોને ન દીયા એક દો રોજકા રોના હો તો રો લેં ‘ફાખિર’ હમકો હર રોજ કે સદમાતને રોનેં ન દીયા.  – સુદર્શન ‘ફાખિર’


ગાંધી ટોપી છે ને, એટલે ! 3

સત્યાગ્રહના દિવસો હતા. મુંબઈના લેમિંગ્ટન રોડ પર પોલીસની સ્ટેશન પાસે સત્યાગ્રહીઓનું એક ટોળું આવ્યું હતું. પોલીસની ગાડીમાં નીડરતાથી ઘૂસીને લોકો પોતાની ધરપકડ કરાવી લેતા હતા. એ ભીડમાં એક યુવતી હતી. પોતાના શરીર પરનાં ઘરેણાં એણે ઉતાર્યા. બાજુવાળા એક ભાઇના હાથમાં મૂક્યાં, પોતાનું નામ સરનામું આપ્યું અને કહ્યું ; “આટલા ઘરેણાં મારે ઘેર પહોંચાડી દેજો અને કહેજો કે હું સત્યાગ્રહમાં જાઉં છું!” પેલા ભાઈએ સવાલ કર્યો, “બહેન, આપણે તો કોઇ ઓળખાણ પણ નથી, ને આ ઘરેણાં હું તમારે ઘરે પહોંચાડી દઈશ એવો ભરોસો કેવી રીતે રાખો છો?” “તમારા શરીર પર ખાદી ને માથે ગાંઘી ટોપી છે ને, એટલે! *********** પંદરમી ઑગસ્ટની મધરાતે સત્તાની ફેરબદલીનો હેવાલ રેડિયો પરથી સાંભળતા હતા. પણ ભાગલાને લીધે થયેલા ક્રુર અત્યાચારોની કથનીઓ બીજા જ દિવસથી છાપાંમાં આવવા લાગી હતી. મુક્તિનું પરોઢ ઊગ્યાની ઘોષણા કાને પડી હતી, પણ આંખ સામે અંધારું લાગતું હતું. સ્વતંત્રતા માટે જેમણે મોટો ત્યાગ કર્યો હતો એવા લોકો રાજ્યકર્તા થતાં ખાદીનો સંબંધ હવે ગાદી સાથે જોડાયો હતો. દરિદ્ર્નારાયણની ચાર આનાવાળી જે ગાંધીટોપી માથા પર હોય તો એક બીડી અમથી ફૂંકવાની હિંમત ચાલતી નહિ, અ ટોપી નીચેનું માથું સત્તાના મદમાં ઝૂમવા લાગ્યું હતું. “સત્તાના લોહીનો ચટકો લાગતાં શું થાય છે, એનાં દર્શન મને થયાં છે,”એવા ઉદગાર ખુદ ગાંધીજીએ કાઢયા હતાં. બાપુએ જેની વાત કરેલી તે કાંઈ આ સ્વરાજ નહોતું, એમ સ્વરાજનાં અજવાળાંની રાહ જોઇને બેઠેલાં ગામડાંનાં દીનદલિતોને લાગતું હતું. સ્વરાજ કઈ રીતે આવ્યું, એનું એક લોકગીત મેં સાંભળ્યું હતું. એમાં પેલો ગ્રામકવિ ગાતો હતો કે, ‘સ્વરાજ આવ્યું હાથી પર મહાલતું મહાલતું. અંબાડી પર બઠેલા રાજેન્દ્ર્બાબુના હાથમાં કળશ હતો. ઘોડા પર બેસીને મોખરે આવતા હતા જવાહરલાલ. ફક્ત […]


કોણ જાણે ? – ઉશનસ

કેવું કેવુંક થશે ગુજરાત – કોણ જાણે ? આ તો ઉઘડંત રાત કે પ્રભાત – કોણ જાણે ? કંઈ પામશે કે પહેરવાં નાગાં ? સૂવા પામશે કે છાપરું અભાગાં ? ભૂખ્યાં પામશે કે પેટપૂર ભાત – કોણ જાણે ? પછી વધશે અહીં માળ ઉપર મજલો ? પારકી જમીન પર મહેનતની ફસલો ? તીડ-વાણિયાની વધશે જીવાત – કોણ જાણે ? એ સોનેરી શમણું આંખ મારી ઝૂલે, જાય ઊડી ઓસ સમું ન્હાની શી ય ભૂલે મારા શમણાની નાજુક બિછાત – કોણ જાણે ?  – ઉશનસ ( ૧ મે, ૧૯૬૦, ગુજરાતનું અલગ રાજ્ય સ્થપાયું તે દિવસે પ્રકાશિત )


પરી રાણી વાળુ હાલરડું 6

પરી રાણી તમે આવો ઉડ્તા ઉડ્તા દેશ તમારે અમને પણ લઇ જાઓ પરી રાણી તમે આવો પરીના દેશમા રંગબેરંગી ફુલોની ફુલવારી છે. પતંગિયા સૌ રંગબેરંગી રમતા સાતતાળી છે. એમની સાથે સાથે રમવા અમને પણ લઇ જાઓ પરી રાણી તમે આવો સોનેરી પંખીઓ ગાતાં દુધની નદીઓ વહેતી રે હંસ હંસીની ની જોડી માં મોતી ચારો ચણતી રે પંખીઓના ગીત સુણવા અમને પણ લઇ જાઓ પરી રાણી તમે આવો – અરર્વિંદ અમારી પુત્રી હાર્દી દોઢ વર્ષની છે, પણ તે છ મહીનાની હતી ત્યારથી તેના ફોઈને કહેતી કે પરી વાળુ ગીત ગાવ તો જ હાંલા કરું. અને આ ગીત સાંભળતાં વેંતજ તે પરીઓના દેશમાં પહોંચી જતી. આ ગીત અમારા ઘરમાં બધાંને ખૂબ પ્રિય છે.


આલેખવા છે – મુકેશ બોરીચા

ખોળિયાનાં અર્થને ઉકેલવા છે જીવનાં સંબંધ તો ખંખેરવા છે. વેદનાથી જે ઠ્સોઠ્સ છે ભરેલા દર્દના ખાબોચિયા ઉલેચવા છે વાંજણી ઈચ્છાનાં સર્પો પાળવાને વાંસળીથી સૂર ઝેરી છેડવા છે. ફૂલને નાડાછડી બાંધી સુતરની જીન્દગીના કંટ્કોને ફેંકવા છે શૂન્યતાની કૂંખે સર્જન જન્મ લે તો ગીત તેના કંકુથી આલેખવા છે. – મુકેશ બોરીચા ( ગુજરાત સામયિક, દિવાળી વિશેષાંક ‘૦૮ માંથી સાભાર )


વાત એક દરજી દાક્તરની – બી. એન. દ્સ્તુર

જેણે શ્રી દસ્તૂર સાહેબજીના લેખો નહીં વાંચ્યા હોય તેણે ઘણુંય ચાર્મ ગુમાવીયું છે. એવનની લખવાની ઈસ્ટાઈલ અને લેખનપધ્ધતિ તમને હસતા હસતા બેવડ ન વાળીદે તો જ નવાઈ. આ લેખ તેમની આ હાસ્ય નિષ્પન્ન કરવાની હથોટીનો પુરાવો છે. હું એવનનો ઘણોજ સોજ્જો રેગ્યુલર રીડર છું…..અને તેમના લેખો ખૂબ માણ્યા છે. અને તેમના દરેક લેખને અંતે આવતા…..થોરામાં ઘનું સમજ્જો……વિષે તો શું કહેવુ? ________________________________ મંચેરજી બાવા અમારા પારસીઓમાં કે’ય તેમ ‘ફીટ કૉલર’. અંગ્રેજી હિંદુસ્તાન છોરી ગયેલા તા’રે એવને વારસો આપી ગએલા. સોજ્જું લડનથી ઇમ્પોર્ટ કરેલું શર્ટ અને ટાઇ વગર બહાર નીકળે જ નહીં. પછી પિકચર જોવા જવાનું હોય, બાજુની રોમાન્ટિક રતીને તાં ખોટ્ટાં બહાનાં કાઢી ખાંડ ને ચાય ઉધાર લેવા જવાનું હોય, કે ફિશ માર્કેટમાં મચ્છી ખરીદવા જવાનું હોય. તબિયત સારી પન એક જ વારસો જૂની ફરિયાદ. કાનમાં કન્ટીન્યુઅસ ગુનગુન થયા કરે અને આંખના દોળા બહાર નીકળી પડવાના હોય એવી ફિલિંગ થયા કરે.આખ્ખરે એવન દાક્તર પાસે ગીયા. દાક્તરને કંઇ સમજ પરી નહીં એટ્લે ઈન્વેસ્ટીગેશન્સ શરૂ થયાં. – લોહી,પેશાબ, ઝારો, થૂંક, વગેરે તપાસાઇ ગયાં. – લીવર,કીડ્ની,પેનક્રિઆસ,થાઇરોડ ફેક્શન ટેસ્ટ થઇ ગઇ. – એક્સરે,અલ્ટ્રાસાઉન્ડ અને કૅટ સ્કેન બી કરવામાં આવ્યાં. – હાર્ટ સ્પેશિયાલીસ્ટે ઇ.સી.જી અને ઇકોગ્રાફી કીધાં. – યૂરોલોજિસ્ટે સિસ્ટોગ્રાફી પાયલોગ્રાફી અને પ્રોસ્ટેટોગ્રાફી. કીધી – ન્યુરોલોજિસ્ટ ઇલેક્ટ્રોએનસિફેલોગ્રાફી અને ઇલેક્ટ્રોન્યુરોગ્રામ કરાવીયા. – ગૅસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટોએ ઇલેક્ટ્રો સેલાઇવોગ્રાફી અને ઇલેક્ટ્રોગૅસ્ટ્રોગ્રાફી કીધી. – દાંતના દાક્તરે સાત દાંતની રૂટ કૅનાલ કીધી. – આંખના દાક્તરે ઇલેક્ટ્રોનિસ્ટેગમોગ્રાફી કીધી. – કાનના દાક્તરે એન્ડોસ્કોપી કીધી અને એક જનરલ સર્જને ટૉન્સિલ, એપન્ડીક્સ કાઢી નાખ્યાં. મંચરજી બાવાને બે કુંવારાં ફૂઇ, એક કુંવારાં માસી, એક કુંવારા કાકા અને એક કુંવારી બેન ના વારસાઓ મલેલા એટ્લે એવને પૈસા તો ખર્ચી નાખીયા પન કાનમાંનું ન […]


ગઝલમાં એક દર્દ – હનીફ સાહિલ 3

વિરહની રાત છે, મન છે ઉદાસ થી આગળ આ આર્દ્ર આંખ જૂએ છે શું ભાસ થી આગળ ખફા થઈને એ પડ્ખેથી થઈ ગયા ઊભા ગ્રહી શક્યો ન હાથ પણ પ્રયાસથી આગળ જીવનના માર્ગ પર ચાલ્યા કરું છું દૂર સુધી તલાસમાં હું કશાની પ્રવાસથી આગળ આ મ્રુગજળોથી સહેજ દૂર હશે જળ જેવું હું એમ માની ચાલ્યો’તો પ્યાસથી આગળ હું શોઘતો જ સ્વયંને રહ્યો તિમિરમાં અને લઈ ગઈ મને છાયા ઉજાસથી આગળ આ લખવું કહેવું બધું છે કપોલ કલ્પિત ને કશુંક સત્ય છે વાણી વિલાસથી આગળ હનીફ શબ્દના વિન્યાસનો નથી આ કસબ ગઝલમાં હોય છે એક દર્દ પ્રાસથી આગળ – હનીફ સાહિલ ( ગુજરાત સામયિક, દિવાળી વિશેષાંક ‘૦૮ માંથી સાભાર )


બાળકનું માનસ – ભગવાનદીન

કુદરત બાળકને એક એવી તાકાત આપે છે કે છ માસનું થાય ત્યાં સૂધીમાં તો તે  ભયંકર કીટાણુઓનો પણ સામનો કરી શકે છે. તેથી જ તો બાળક કોઇ પણ ચીજ નચિંતપણે મોઢામાં નાખી શકે છે અને તેની ઉપર લાગેલાં કીટાણુઓ છતાં સુરક્ષિત રહે છે. સૌથી મોટાં પશુઓ કરતાં પણ માનવબાળ વધારે બુધ્ધિશાળી હોય છે. બાળકને શ્રમ પસંદ હોય છે. જો માવતર ટોકે નહીં તો સાવ નાનું બાળક હાથે દાઝીને પણ રોટલી બનવવાની કોશિશ કરે છે, પોતાના કપડાં જાતે ધુવે છે. બાળક એક એવું પ્રાણી છે જેને કોઇ પોતાને મદદ કરે તે ગમતું નથી. તંદુરસ્ત બાળક હસતાં હસતાં જાગવું જોઇએ અને રમતાં રમતાં સૂઇ જવું જોઇએ. જેને ગમે ત્યાં ઊંધ આવી જાય તેનું નામ તંદુરસ્ત બાળક. બાળક મૂળથી હઠીલું નથી હોતું, પણ આપણે તેને એવું બનાવીએ છીએ. ક્યારેક બાળક આપણા કરતાં પણ વધુ સારું વિચારી શકે છે, એ વાતનો સ્વીકાર કરવો જોઇએ. એટ્લે બાળક કોઇ સૂચન કરે તો ધ્યાનથી સાંભળીને, યોગ્ય લાગે તો તેનો અમલ કરવો જોઇએ. નાનામાં નાનું બાળક પણ દરેક પ્રસંગે આપણી પાસેથી કંઇક શીખતું હોય છે. તેથી બાળક અમૂક કામ કરતાં ન શીખે તેવું આપણને ઇચ્છતાં હોઇએ, તો એવું કામ તેની સામે કદી કરવું નહીં. – ભગવાનદીન


ટહુકો – મનોજ ખંડેરિયા 5

છલકતું તળાવ એમ છલકાય ટહુકો પળેપળને ભીની કરી જાય ટહુકો. મહકતો રહે ફૂલ-ગજરની માફક હવામાં શી તાજપ ભરી જાય ટહુકો. તુટી પડશે તરડાઇને નીલિમા કંઇ જરા પણ જો નભ સાથે અફળાય ટહુકો. તમે મૌન દોરા સમું જો કરીને પરોવી શકો તો પરોવાય ટહુકો. ફૂટી નીકળે પાંખનું પીછું થઇને વિહગના ગળામાં જો રહી જાય ટહુકો. બરડ શુષ્ક શબ્દોના અવકાશમાં નિત લીલોછમ મૃદુ તારો સંભળાય ટહુકો. કોઇ મોરપીંછાંને મૂંગું કરી દો હવે મુજથી એકે ન સચવાય ટહુકો.  -મનોજ ખંડેરિયા


લોકસેવા જ ઇશ્વરસેવા – શંકરભાઈ ત્રિ. પટેલ 4

સ્વામી રામતીર્થ જાપાનનો પ્રવાસ કરતા હતા ત્યારે સ્ટીમરમાં તેમને અમેરિકાના એક વૃધ્ધ પ્રોફેસર સાથે ઓણખાણ થઇ. તે પ્રોફસર અગિયાર ભાષાનો અભ્યાસ કરતો હતો. તો પણ તે બારમી ભાષાનો અભ્યાસ કરી રહ્યા હતાં. તે ઉપરથી સ્વામી રામતીર્થે તેને પૂછ્યું ;’તમે આટલી બધી ભાષાઓ તો જાણો છો. હવે આટલી ઉંમરે નવી ભાષા શીખવાની કડાકૂટ શા માટે કરો છો?’ પ્રોફેસરે કહ્યું ‘હું ભૂસ્તરવિદ્યાનો પ્રોફેસર છું. અને એ વિદ્યાનો એક અદભૂત ગ્રંથ રશિયન ભાષામાં છે. એટલે એ ભાષા શીખીને હું એ ગ્રંથનું આધારભૂત ભાષાંતર કરવાની ઇચ્છા રાખું છું.’ સ્વામી રામતીર્થે કહ્યું ‘હવે તમે મૃત્યુને દ્વારે આવી પહોંચ્યા છો. હવે શીખીને શું કરશો? ઇશ્વરનું ભજન કરો.’ પ્રોફેસરે કહ્યું ‘લોકસેવા એ જ ઇશ્વરસેવા છે.’ આ મુશ્કેલ કર્તવ્ય બજાવતાં હું નરકે જાઉં તો પણ ભલે. મને તેની પરવા નથી. મારા દેશબાંધવોને જો સુખ થતું હોય અને મારે હજાર વાર નરકવાસ ભોગવવો પડે તોપણ મને હરકત નથી. આ જન્મમાં લોકસેવા કરવાનો લાભ લેવાનો હક્ક હું છોડનાર નથી.’ જે દેશમાં આવા પ્રોફેસરો શિક્ષણ આપતા હોય તે દેશ ઉન્નત થાય એમાં શું આશ્ચર્ય? – શંકરભાઈ ત્રિ. પટેલ


પર્યાવરણ સંતુલનમાં ગીધ ના મહત્વ પર પરિસંવાદ

ગીધ એ પ્રકૃતિનો સૌથી ઉપયોગી સફાઈ કામદાર છે. ગીધ કોઈ દિવસ પશુ કે પંખીનો શિકાર કરતું નથી. ગીધ માત્ર અને માત્ર મરેલા જાનવરને જ ખાય છે. અને આવી રીતે પ્રકૃતિ અથવા ઈશ્વર ગીધ દ્વારા જાનવરોના મૃતદેહનો નિકાલ કરે છે. દસ થી બાર ગીધો નું ટોળું એક મરેલી ભેંસના મૃતદેહને જોતજોતામાં પોતાના આહાર સ્વરૂપે પૂરૂં કરી દે છે. જો ગીધ ન હોય તો એક ભેંસના મૃતદેહને કોહવાઈ અને માટીમાં ભળતાં, (તેનું સંપૂર્ણપણે વિધટન થતાં) કેટલોય સમય લાગે. જો ગીધ ન હોય તો ….. તો આપણી ચારે બાજુ મરેલા અસંખ્ય જાનવર જોવા મળે, અને આ મૃતદેહો કોહવાય ત્યારે તેમાં અસંખ્ય જિવાણુંઓ અને વિષાણુંઓ પેદા થાય જે મનુષ્યને ખૂબ જ હાનિકારક છે. કુદરતી આપતો જેવી કે પૂર, ધરતીકંપ વગેરે દરમ્યાન અસંખ્ય પ્રાણીઓના મૃતદેહોનો જો યોગ્ય નિકાલ ન થાય તો રોગચાળો ફાટી નીકળે. આપણી આજુબાજુ આવા ઘણાં કારણો અને કુદરતની આહાર શૃંખલા ખોરવાવાનાં કારણથી હવે એવા ઘણાંય નવા રોગો ઉત્પન્ન થઈ રહ્યા છે જેનાં નામ પણ આપણે સાંભળ્યા ન હોય. આમ ગીધ એ પ્રકૃતિના પરીસરતંત્રનો ખૂબ અગત્યનો ભાગ છે. તે પ્રકૃતિનો સફાઈ કામદાર છે. અને માનવ જીવન માટે આશિર્વાદ છે. આ ગીધોને બચાવવા એ આપણી ફરજ પણ છે અને સ્વાર્થ પણ. ગુજરાત સરકારના વન વિભાગ તથા પક્ષી સંરક્ષણ મંડળ (BCSG) તરફથી વલ્ચર સેલના માર્ગદર્શન હેઠળ, નેચર ક્લબ, મહુવા દ્વારા એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. કે જેમાં આપણે સૌ સાથે મળી ગીધના રક્ષણ અને પ્રકૃતિના પરીસરતંત્રને બચાવવા આપણે શું કરી શકીએ તેની ચર્ચા કરીશું. આ પ્રસંગે સર્વે પર્યાવરણપ્રેમી મિત્રોને આવવા હાર્દિક આમંત્રણ છે. તારીખ – ૧૬-૧૧-૨૦૦૮, રવિવાર, સમય ૩.૦૦ થી ૬.૦૦ સ્થળ – પ્રસાદ […]


દીકરી – ભૂપેન્દ્ર ત્રિવેદી 21

દીકરી મારી સ્નેહ તણી સરિતા, કલ-કલ વહેતા ઝરણા સમી કવિતા. એકવીસ વરસ વહાલમાં ન્હાતા રહ્યા, સુગંધભર્યા વસંતના વાયરા વાતા રહ્યા. થઇ વિદાય ભીના થયા નયન, જાણે પાનખરે ઉજ્જ્ડ થયા વન. અંતરના અમી સીંચી, પુરા કર્યા સધળા કોડ, છતે પાણીએ કરમાઇ ગયો તુલસીનો છોડ્. ન કહેવાય દીકરી છે પારકી થાપણ્, એ તો અમીભર્યા પ્રેમની છે થાપણ. પડધા પડતા રહ્યા ઓરડે, થકી એના કલશોર, સુની થઇ ભીંતને મુંગા થયા ગમાણે ઢોર. મા ની મમતા ‘ને બાપના વાત્સલ્યનું ઝરણું, દીકરી માંથી વહુ બની સુકાઇ ગયું તે ઝરણું – ભૂપેન્દ્ર ત્રિવેદી


દાઢી રાખો – મસ્તફકીર 5

પ્રિય વાચક, તમે પુરુષ હો તો એકદમ ઉભા થઈ જાઓ, હાથમાં જે કૈ હોય તે બાજુએ મૂકી અરીસો – આયનો કે પેલા હજામ આપે છે તેવું ચાટલું શોધો, અરે જર્મન સિલ્વરની પોલીશ કરેલી રકાબી કે મોટો ચમચો પણ ચાલશે, અને પછી તેમાં તમારા મુખારવિંદનું પ્રતિબિંબ નિહાળો. નિહાળ્યું ? કેમ શું જણાય છે? તમે મારા જેવા માતેલા અને ગોળમટોળ હો, તમારું મુખ દૂધી જેવું લાંબુ નહીં પણ તરબૂચ જેવું ગોળાકાર હોય તો મારી માફક ક્લીન શેવ જ એટલે કે સફાચટ મેદાન જ રહેજો. લોકોની ટીકાઓનો જવાબ આપવાની હિંમત હોય તો મૂછ પણ બોડાવી નાંખજો. કારણ કે તમારી સ્થૂલતા અને બદનની વર્તુલતા, રસ્તે ચાલતાં, નાટ્ક અને સિનેમામાં, કે અન્ય સ્થળૅ લોકોનુ તમારા તરફ લક્ષ ખેંચે છે . એટલ દાઢી મૂછ રાખી વધારે આકર્ષક બનવાની ભાગ્યેજ જરૂર રહેશે. વળી, જાડા, ઘી ની બરણીઓ જેવા માણસો જો દાઢીઓ રાખે તો ગંજીપાના કે કાળી બદામના ગુલ્લા જેવા લાગે અને એવું લાગવું માનભર્યું અને ઇચ્છવાજોગ નથી. પણ જો તમે પાતળા હોવ તો શરમાવાની જરૂર નથી. પાતળીયા પ્રાણ” અને “થઈ પ્રેમ વશ પાતળીયા” એમ સ્ત્રિઓ હોંશથી ગાય છે. એકવડી કાઠીના હો, મોંઢુ પહોળુ નહીં પણ લાંબુ હોય, ગાલ ફૂલેલા નહીં પન બેઠેલા કે ઉંડા ઉતરેલા હોય, ટુંકમાં તમારો ચહેરો તમે ઈચ્છો તેવો દમામદાર કે આકર્ષક ન હોય તો મારી સલાહ છે કે જરૂર દાઢી રાખો. વળી તમે આકરા સ્વભાવના અને ઉતાવળીયા હો, તમારા મનોવિકાર તમારા મોઢા પરથી સ્પષ્ટ જણાઈ આવતા હોય, જોષી કે વૈદ્ય બની લોકોને આકર્ષી કામ કાઢવા માંગતા હો, જબરા અટપટી અને ધાંધલી હોવા છતાં તમારે સમુદ્ર જેવા ગંભીર થવું હોય, મનનાં વિચારો મનમાંજ સમાવી […]


૪૦૦૦૦ ક્લિક્સ અને ૩૦૦ પોસ્ટસ

પ્રિય મિત્રો, અધ્યારૂ નું જગત અંતર્ગત ગુજરાતી સાહિત્યજગતની મારી આ યાત્રા આજે ૪૦૦૦૦ ક્લિક્સ પાર કરી ગઈ છે. અને સાથે બુધવારે તે ૩૦૦ પોસ્ટના સીમાચિન્હ પર પણ પહોંચશે. આ શરૂઆતમાં મારું જગત હતું કારણકે હું જ પોસ્ટ કરતો અને હું જ વાંચતો. પહેલી પાંચ પોસ્ટમાં મહત્તમ દસ ક્લિક્સ મેળવી હતી….જોડણીની ભૂલો કે સાહિત્યના વિવિધ પ્રકારોની ઓછી માહિતિ જેવા ઘણાં કારણો હશે. પણ પડતાં આખડતાં આખરે બાબલો ચાલતા શીખ્યો છે. આશા છે સૌ વાચક મિત્રો, પ્રશંશકો અને રાહબર મિત્રોની આંગળી ઝાલી સાહિત્યની કુંજગલીઓમાં ફર્યા કરીશું. આ સાથે આજથી અધ્યારૂ નું જગત મારી પત્ની અને મિત્ર પ્રતિભા અધ્યારૂ ને સોંપી રહ્યો છું. સમયની ખેંચતાણ અને અન્ય કેટલીક પ્રવૃતિઓને લીધે હવેથી આ બ્લોગ તે સંભાળશે. છેલ્લા ત્રણ દિવસની પોસ્ટસ (ગુરુવાર, શુક્રવાર અને શનિવાર) પ્રાયોગિક રીતે તેણે કરી હતી. આશા છે આ પ્રવૃતિ તેના યથાયોગ્ય સ્વરૂપમાં અને સૌની વાંચન અપેક્ષા પૂર્ણ કરી શકે તે રીતે આગળ વધશે. વળી તા. ૩૦ નવેમ્બર થી ૧૨ ડીસેમ્બર સુધી અમે હરિદ્વારની યાત્રાએ જઈ રહ્યા છીએ. આ યાત્રાની રોજેરોજની અપડેટ્સ અધ્યારૂના જગત પર વિડીયો સ્ટ્રીમીંગ સાથે મૂકવાના પ્રયત્નો ચાલુ છે. જો બધુંય ધાર્યા પ્રમાણે થયું તો એક દિવસ તમને સૌને ગંગા આરતી લાઈવ બતાવી શકીશ. નહીંતો વિડીયો તો ખરોજ….. ૪૦,૦૦૦ ક્લિક્સનો આંકડો હવે એક પડાવ છે. દસ હજાર ક્લિક્સ મળે તો ભયો ભયો એવી પ્રાર્થના અને આશા હતી.. જે અપેક્ષાઓથી ઘણુંય વધારે છે, અને સાથે સંતોષ છે કે હવે મારી પાસે અભિવ્યક્તિનું એક નવું માધ્યમ છે, અસંખ્ય સહ્ર્દયી મિત્રો અને શુભેચ્છકો છે અને એક અનોખો આનંદ છે. …… આને કહેવાય મંઝિલ થઈ ગઈ પડાવ અને યાત્રા થઈ આનંદની…. જય અલખધણી….


બે બાળ જોડકણાં 11

1. એક હતી શકરી એણે પાળી બકરી શકરી ગઈ ફરવા બકરી ગઈ ચરવા ફરીને આવી શકરી ભાળી નહીં બકરી રડવા લાગી શકરી, એં એં એં, આવી પહોંચી બકરી બેં બેં બેં 2. મામાનું ઘર કેટલે દીવો બળે એટલે દીવો મેં તો દીઠો મામો લાગે મીઠો મામી મારી ભોળી મીઠાઈ લાવે મોળી મોળી મીઠાઈ ભાવે નહીં રમકડાં કોઈ લાવે નહીં


ફરી આવીશ – સિલાસ પટેલિયા

પરોઢના ઝાકળ બાઝ્યાં ઘાસ પરથી ચાલતાં ચાલતાં ઝાકળ ઝીલી લે છે તારાં આંસુઓ ઝાકળ તો ઉડી જશે કળ નહીં વળે તારા આંસુઓને લીલીઘટાનાં ઝુમ્મરોમાં સૂર્યકિરણો સળીઓ ગોઠવે છે એ સોનેરી માળામાં ફરફર ઉડતાં આવે પંખીઓ જેને રાતભર તેં તારા સ્વપ્નની કથા કહી છે. એ માળામાં ઝળહળતી તારી સ્વપ્નકથા જોવા ને એ ઘાસમાં ફરી તારી સાથે ચાલવા આવીશ.  – સિલાસ પટેલિયા ( નવનીત સમર્પણ જૂન ૨૦૦૩માં થી સાભાર…)


વાહ અમેરિકા આહ અમેરિકા ! – તારક મહેતા 14

અમે ગ્રેહાઉન્ડ બસમાં ફ્લોરીડાથી ન્યૂયોર્ક અમારા યજમાનને ત્યાં પહોંચ્યા તે દિવસોમાં આપણા દેશમાંથી એક નામાંકિત સંતપુરુષ ન્યૂયોર્ક પધાર્યા હતાં અને એમનું ધર્મકથાપરાયણ ત્યાં ચાલી રહ્યું હતું. અમેરિકાના ખૂણે ખૂણેથી શ્રધ્ધાળુ ગુજરાતીઓ કામધંધામાંથી રજા લઈ પારાયણ સાંભળવા ન્યૂયોર્કમાં ઉમટ્યા હતા. એમ તો શ્રીદેવી કે અમિતાભના સ્ટેજ શો જોવા યા લતા મંગેશકર કે પંકજ ઉધાસને સાંભળવા પણ ગુજ્જુઓ પડાપડી કરતા હોય છે. ગુજરાતમાંથી કોઈ કવિ કે સાહિત્યકાર પધારે ત્યારે શ્રોતાઓને સામેથી નિમંત્રવા પડે છે. અમેરિકાના ગુજરાતીને સૌથી વધારે રસ ધાર્મિક કથાકીર્તનમાં હોય છે, તે પછી મનોરંજનમાં તેમને રસ ખરો. ગુજરાતી સાહિત્યમાં એને રસ નહીં (આમ તો ગુજરાતમાં પણ સાહિત્યકારને સાંભળવા ક્યાં પડાપડી થાય છે?) ચંપકલાલના પેટલાદના લંગોટિયા મિત્ર છબીલદાસના પુત્ર રમણભાઈને ત્યાં અમે અગાઉ ઉતરેલા ત્યારે છબીલદાસે અમને આખું ન્યૂયોર્ક દેખાડી દીધેલું પણ અમે ફ્લોરિડાથી એમને ત્યાં પાછા ગયાં ત્યારે એ પ્રસન્ન ન થયાં. કારણકે એમને કથાશ્રવણમાં રસ હતો તેમાં વળી ચંપકલાલે છબીલદાસની દુઃખતી નસ દબાવી. “છબા, આપણે તો નાનપણમાં રામાયણ, મહાભારત, ભાગવત, ગીતા, હત્નારણની કથાનાં ઘણાં પારાયણ હાંભળ્યાં છે. હવે એ હાંભળીને શું ઉધ્ધાર થવાનાં ! આ તારા રમુડાનાં છોકરાઓને હાંભળવા મોકલી આલ. છોકરાં માંશ મચ્છી ખાતા થઈ ગયા છે, વટલાઈ ગયા છે. વાતવાતમાં તને ડેમ ફૂલ કહેતા થઈ ગયાં છે. એમને કાને કથાના બે વેણ પડે તો એમનામાં કોઈક સંસ્કાર જાગે. બાકી કથા હાંભળીને તારો શું શક્કરવાર વળવાનો ! કથામાં વાર્તા તો એ ની એજ ને? કૈકયી એ રામને વનવાશ ધકેલ્યા, રાવણ શીતાજીને ઉપાડી ગયો. રામે રાવણનો કચરો કર્યો ને શીતાજીને પાછા લઈને પાછાં વનમાં ધકેલ્યાં. મુંબઈ થી અમે નીકળ્યા ત્યારે ટીવી પર કંઈ રામાયણ દેખાડતાં’તા. આવા તે કંઈ રામ લક્ક્ષ્મણ […]


હું સૂરજ ! હું દરીયો – ગુણવંત શાહ 10

સમી સાંજનો દરિયો ધીમે ધીમે અરે ! સૂર્ય આ મારામાં આથમીયો ! હવે આ હવા લથડતી ચાલે અને આ ઢળતી આંખ અકાળે નભથી ઝરમર ઝરી રહી છે પથભૂલી વાદળીઓ ! આંખોની સામે આ ઉડ્યું અંધારાનું વન પળપળમાં પથરાયાં કેવા જોજન જોજન હું મારામાં ડૂબી રહ્યો છું હું સૂરજ ! હું દરીયો  – ગુણવંત શાહ


તરફડાટ એટલે – પન્ના નાયક

તરફડાટ એટલે તમે કહેશો જલ બહાર આણેલા કોઈ મીનને પૂછી જુઓ પણ ઘૂઘવતા ઉદધિની ભીતર જે કોરું કોરું તરફડે એને તમે શું કહેશો? – પન્ના નાયક


આ સમાજને – જીગ્નેશ અધ્યારૂ

આખરે ક્યાં સુધી હું આમને આમ જ જીવ્યા કરું? અને જોયા કરું મૂંગો થઈને ગૂંગળાતું બાળપણ જ્યાં ત્યાં ખોરવાતુ ને ખોટે રસ્તે દોરવાતું યૌવન, ને અપમાનોની આગમાં ભારે ઠુંઠવાતું ઘડપણ. ક્યાં સુધી હું જોયા કરું તમારા નિર્દય દેખાડા ભેદભાવના નગ્ન તમાશા માણસ માણસના રક્તના પ્યાસા એકને માથે, એક ખાસડે એકને આશા, એક નિરાશા ક્યાં સુધી હું જોયા કરું કે તમે કોઈના નથી મતલબના સાથી છો ને ઘોર સ્વાર્થી છો ક્યાં સુધી હું આમ જ જોયા કરું ને વિચાર્યા કરું, ક્ષણે ક્ષણે મરું કે હું ય તમારામાં થી જ એક છું.


અંતિમ પ્રયાણ – જીગ્નેશ અધ્યારૂ

સફર હજીતો જાણે શરૂ જ કરી ને રસ્તા પૂરા થઈ ગયા સુખભર્યા જીવતરના સોનેરી સોણલા ઉઘાડી આંખોમાં અધૂરા રહી ગયા બે ચાર ડચકાં, છૂટતા શ્વાસો અણદીઠાં સ્વપ્નો અધૂરી આશો મનના ઉમંગની અણકહી વાતો ચાલ્યા અમે ને એ બધાં રહી ગયા સફર હજીતો જાણે શરૂ જ કરી ને રસ્તા પૂરા થઈ ગયા મોટાં રુદનને ક્યાંક આંખોમાં પાણી જીવનની લીટીને ઘણી લાંબી તાણી પણ સુખની એકેય ક્ષણને ન માણી એ ક્ષણોના સરવાળા, ભાગાકાર થઈ ગયા સફર હજીતો જાણે શરૂ જ કરી ને રસ્તા પૂરા થઈ ગયા


સાલ મુબારક = છેલ્લી યાચના (ઉમાશંકર જોશી)

આ છેલ્લી યાચના આપ પાસે, મારા ઉંડા છેક અંતસ્થલેથી છેદી નાખો ક્ષીણતા સર્વ મારી પૂરા જોરે ખડગ ઝીંકી પ્રભુજી ! સુખોને ય જીરવી જાણવાની શક્તિ દેજો દુઃખમાં એહવી કે દુઃખો મારાં શાંત મોંએ હસીને પોતે પોતાની જ પામે ઉપેક્ષા. શક્તિ દેજો ભક્તિની નાથ એવી જેણે મારા કર્મ સાફલ્ય પામે જેણે મારાં દુન્યવી સ્નેહ પ્રેમ મ્હેંકી ઉઠે પુણ્યના પોયણાં શાં, કંગાલોને જ્ઞાનહીણાં કરું ના, જાલીમોને પાય ઝૂકી પડું ના, ઉંચે માથે ક્ષૂદ્રતાની વચાળે ચાલું એવી શક્તિ આપો, પ્રભુજી ! શક્તિ દેજો આપને પાય નામી પોતાને હું સ્થિર રાખું સદૈવ.  – ઉમાશંકર જોષી કવિ શ્રી ઉમાશંકર જોષી જેમ આ કવિતામાં પ્રભુ પાસે પોતાના હ્રદયના ઉંડાણમાં રહેલી ક્ષીણતાને અને નબળાઈઓને પૂરી તાકાતથી ખડગ ઝીંકીને દૂર કરવાની યાચના કરે છે. કવિ સુખોથી છકી ન જવાની અને દુઃખને હસતા મોંએ સહન કરવાની ક્ષમતા માંગે છે, કવિ પ્રભુ પાસે ભક્તિની શક્તિ માંગે છે, જેનાથી ઉમદા જીવનકાર્યો સિધ્ધ કરી શકાય અને જગતના લોકો પ્રત્યેનો પ્રેમ મહેકી ઉઠે. કોઈ જ્ઞાનથી વંચિત ન રહે તો બીજી તરફ જાલીમોથી ડરીને તેમને તાબે ન થવુ પડે અને જગતમાં ખુમારી પૂર્વક જીવી શકાય તેવું જીવન પ્રભુ આપણને આપે. દિવાળીના પર્વે આ જ પ્રાર્થના પ્રભુને. સર્વે વાચક મિત્રોને શુભ દિપાવલી અને નવા વર્ષે પ્રભુની કૃપાના પાત્ર બનો એ જ ઈચ્છા સાથે સાલ મુબારક !


મને એ સમજાતું નથી – કરસનદાસ માણેક 6

મને એ સમજાતું નથી કે શાને આવું થાય છે ? ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે ! ટળવળે તરસ્યાં, ત્યાં જે વાદળી વેરણ બને, તે જ રણમાં ધૂમ મૂસળધાર વરસી જાય છે ! ઘર વિના ઘૂમે હજારો ઠોકરાતા ઠેરઠેર, ને ગગનચૂંબી મહેલો જનસૂનાં રહી જાય છે ! દેવડીએ દંડ પામે ચોર મૂઠી જાર ના, લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે ! કામધેનું ને મળે ના એક સુકું તણખલું, ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે ! છે ગરીબો ના કૂબામાં તેલ ટીપું ય દોહ્યલું, ને શ્રીમંતો ની કબર પર ઘી ના દીવા થાય છે !!! – કરસનદાસ માણેક


નામ તારું – સૈફ પાલનપુરી

કાલ હું તારી ગલીમાં ભૂલથી આવી ચઢ્યો. વર્ષો પહેલાંનો પરિચિત માર્ગ એ વર્ષો પહેલાંનું પરિચિત એ મકાન મારા પગ થંભી ગયા તું નજર સામે હતી સાડીનો પણ એ જ રંગ એ જ આંખો એ જ એ મતવાલી ચાલ એ જ છલકાતી જવાની એ જ છલકાતો પ્રણય આટલા વર્ષો પછી. તારામાંથી કાંઈ ઓછું થઈ શક્યું નો’તું અને એ ભર્યા વિસ્તારમાં કોઈની પરવા વગર મેં તો સંબોધન કર્યું નામ તારું હોઠ પર આવી ગયું ઊંઘ ખંખેરીને જાણે સ્વપ્ન ખુદ જાગી ગયું. – સૈફ પાલનપુરી


ખોટો એક રૂપીયો – આત્મકથા

મારા હિસાબે તો તમે ઘણા જ નસીબદાર છો કે તમને કમ સે કમ એટલી તો ખબર જ છે કે તમારાં માતાપિતા કોણ છે ! એ અર્થમાં હું તો એવો લાવારિસ છું કે મને એ પણ ખબર નથી કે મારાં જન્મદાતા કોણ છે. મૂલ્યની દ્રષ્ટીએ મારું મૂલ્ય પૂરેપૂરું સો પૈસા એટલે કે એક રૂપીયો છે પણ મને તો તમને કહેતા પણ શરમ આવે છે કે હું એક રૂપીયાનો ખોટો સિક્કો છું. ગઈકાલે આ દુકાનના શેઠનો આઠમાં ધોરણમાં ભણતો દીકરો એની ગુજરાતી વાચનમાળાનો ખોટી બે આની નામનો પાઠ મોટેથી વાંચતો હતો ત્યારે એના લેખક શ્રી જ્યોતિન્દ્ર દવેએ જેમ પૂછ્યું છે તેમ મને પણ ઘણી વાર મારા જન્મદાતા વિશે પૂછવાનું મન થાય છે કે કયો મોરલો આ કળા કરી ગયો? પણ હજુ સુધી એ માડીનો જાયો મને મળ્યો નથી. દુકાનના ઉંબરા પર મારી સમાધિ રચાઈ તે પહેલાની મારી આ સંસારની ભ્રમણયાત્રા અત્યંત રોચક અને રસપ્રદ છે. મને “Back to pavilion” નો કડવો અનુભવ મ્યુનિસિપલ બસના કંડક્ટરે સહુથી પહેલી વખત કરાવ્યો. જે કાકાના હાથમાં હું રમતો હતો તેમણે પોતાના સિનિયર સીટીઝનના પાસ માટે રૂ. ૧ ની ટિકિટ લેવા જેવો મને કંડક્ટરના હાથમાં મૂક્યો કે અનુભવી કંડક્ટરે આ કાકાનાં હાથમાં ગુસ્સે થઈને મને પાછો પકડાવી દીધો. કાકાએ ઘેર આવી સૌને પોતાની ફજેતીની વાત કહી એટલે તેમના પૌત્રે ‘લાવો હું કોઈકને પકડાવી દઈશ’ ના આત્મવિશ્વાસ સાથે મારો હવાલો લઈ લીધો. આ જુવાનિયાએ મને આમ તો સીધીરીતે ઘણાંયને પકડાવી દેવાના પ્રયત્નો કર્યા પણ તેની કોઈ ચાલ કામયાબ ન થઈ. ચ્હા પી હોટલવાળાને પાંચ રૂપીયાના છુટ્ટા આપવાના પરચૂરણમાં મારો સમાવેશ કર્યો, પણ પેલાએ મને પાછો કરતાં કહ્યું ‘આ ખોટો […]


હજુયે યાદ છે – રઈશ મનીઆર 7

એકવેળા આપને મેં દઈ દીધેલું દિલ, હજુયે યાદ છે ને પછી ભરતો રહયો’તો હોટેલનાં બિલ, હજુયે યાદ છે પ્રિયતમ! હા,તારા ચહેરા પર હતા એ ખિલ હજુયે યાદ છે મારા પૈસે તેં ઘસી બેફામ ક્લેરેસીલ હજુયે યાદ છે સાયકલ અથડાવીને સોરી કહ્યાની સ્કીલ હજુયે યાદ છે ને પછીથી સાંપડેલી સેન્ડલોની હીલ હજુયે યાદ છે માનતો’તો હું કે પૈંડા બે જ છે સંસારરથનાં હું ને તું ને પાડોશમાં હતા તારાં ઘણાં સ્પેરવ્હીલ હજુયે યાદ છે -રઈશ મનીયાર સુધારા સૂચવવા માટે આભાર, અને ભૂલ બદલ ક્ષમા…..


શિયાળુ પવનોની વાત – પીયુષ ઠક્કર 2

સાંભળે છે કે! આંખોમાં આકાશ સમેટાઈ રહ્યું છે. તારોડિયા, ચાંદો ને સૂરજ બધ્ધાયે બધ્ધા ઉડીને વડલે ચોંટ્યા છે ને વડલો જો’તો તળાવડીમાં ઉતર્યો છે. ને તળાવડીએ ઉગ્યા છે લીલા મોટા વેલા વેલે ચરે છે વડલાના બગલા બગલે ભાળી’તી એ તો ભેંસો એક બપોરે પાણીએ ઉતરી’તે વેલે વેલે કોણ જાણે ક્યા પેટાળે જઈ પૂગી છે જો સાંભળ ! મધરાતોનાં ગજરા ભાંગે એવું બને નહીં હવે લાગે છે થીજતા જાય છે અવાજોનાં ટોળાં શ્વાસોના કિનારે કિનારે હોલવાતી જાય છે ઝીણેરી આ હથેળીઓની છાપો ને એમાં છવાતી જોઉં છું શિયાળુ પવનોની ભીની ભીની શેવાળ સાંભળ્યું છે ને! – પીયુષ ઠક્કર


કારગીલ – પરવેઝ મુશર્રફનો દ્રષ્ટીકોણ 4

પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રમુખ પરવેઝ મુશર્રફની આત્મકથા કે કથની ઈન ધ લાઈન ઓફ ફાયર મારા હાથમાં આવી. આમ તો તેને વાંચવાની ઈચ્છા ઓછી હતી પણ જેણે મને એ પુસ્તક આપ્યું તેણે મને કારગીલ વિશેના પ્રકરણને વાંચી જવા સૂચવ્યું. માણસ પોતાની ભૂલ કે ખંધાઈને કેવા કેવા ઓથા અને અંચળા હેઠળ છુપાવી શકે છે તે જોવા પણ આ પ્રકરણ વાંચી ગયો. પોતાના અસત્યને અને ખોરી દાનતને તેમણે શબ્દોમાં કેમ મઠારી છે તે દર્શાવવા આનું અક્ષરશઃ ભાષાંતર કર્યું છે. આતંકવાદીઓ કે ત્રાસવાદીઓ કે ઘૂસણખોરોને તે આઝાદીના લડવૈયાઓ કહે છે….અને છડેચોક સ્વિકારે છે કે તેમને પાકિસ્તાન સેનાએ મદદ કરી….અને છતાંય હજી આ લખવા જેટલી હિંમત તેમનામાં છે…..આ ભાષાંતરનો ઉદ્દેશ્ય એક જ છે, એ સમજવું કે આપણા સૈનિકો ફક્ત પાકિસ્તાની સૈનિકોજ નહીં પણ કહેવાતા નાગરીક ધૂસણખોરો સામે પણ લડે છે, એ પણ એવી જગ્યાઓ પર જ્યાં બે ઘડી ઉભું રહેવું એ આપણા માટે વિચારવાની વસ્તુ છે.  ——> કારગીલ સમસ્યાને સમજવા એ કહેવુ જરૂરી છે કે કારગીલ એક વખતમાં થયેલી તકલીફ ન હતી. પણ એ આવા ઘણા ફેરફારો અને તેના જવાબમાં થયેલ ફેરફારો હતા જે ભારત અને પાકિસ્તાન પહોચી પણ ન શકાય તેવા, બરફથી ઢંકાયેલ વિસ્તારોમાં રાજકીય ચાલોથી રમતા હતા. ભારત એવા વિસ્તારો કબજે કરી લેતું જેમાં અમારી હાજરી ખૂબ પાતળી રહેતી, અને અમે પણ એમજ કરતાં. આ રીતે તેમણે સિયાચીન કબ્જે કર્યું હતું. અને આ જ રીતે કાશ્મીરની આઝાદી માટે લડતાં મુજાહીદ્દીન કારગીલની એ ઉંચાઈએ પહોચ્યા હતા જે ભારતીય સેનાએ ઠંડીની મોસમને લઈને ખાલી કરી હતી. ઓક્ટોબર ૧૯૯૮માં ભારતે દાવો કર્યો કે તેણે બે પાકિસ્તાની હુમલાઓ સિયાચીન વિસ્તારમાં પાછા વાળ્યા, ઓક્ટોબર ૧૬ અને ૧૮. મારો સ્ટાફ […]


શાંતુ બા – વિકાસ બેલાણી

“ઝુકી રાખી ઢાંકી અરધા પરધા પાલવ થકી, પીવાડી રહી ઉછંગે અનર્ગળ અમૃત ઝરા, મને એ ચક્ષુમાં પ્રભુ, જગત તિર્થોનન મળ્યું  “ એમનું નામ શાંતુબા. અમે પણ એમને શાંતુબા જ કહેતા. મેલી સાડીમાં સહેજ વળી ગયેલો પાતળો દેહ, ચામડી પર પડી ગયેલી કરચલીઓ અને સાથે એક પોટલુ, આ થયો શાંતુબા નો પ્રાથમિક પરીચય. અમને હંમેશા શાંતુબાની રાહ હોય જ. હતું એમ કે શાંતુબા શિયાળામાં ચણી બોર વેચવા આવતા અને ઉનાળામાં ટેટી-મતીરા લઇને આવતા. એમનો સાદ પડે અને આખી શેરીના છોકરાઓ ભેગા થઇ જતા. બધાને મન શાંતુબા એમના પોતાના બા કરતા પણ વધારે વહાલા હતાં. શાંતુબાનો ચહેરો એકદમ ભોળો, એમને એક વાર મળનારને એમના પ્રત્યે તરત જ આત્મિયતા બંધાઇ જતી. શાંતુબા બોર વેચવા આવતા એ કરતા વધારે એમ કહેવાય કે એ બોર વહેંચવા આવતા. લાલ મિઠા ચણી બોર જ્યારે અમને એમના હાથેથી મળતાં તો એવું લાગતું જાણે શાંતુબા નહીં પણ ખુદ શબરી અમને બોર આપતી હોય. મને યાદ છે મારા મમ્મી ઘણી વાર શાંતુબાને જમાડતા અને ક્યારેક લોટ કે એવું આપતા, શેરીમાં બીજા પણ ઘણા આવું કરતાં. હું ઘણી વાર બાળ સહજ જિજ્ઞાસાથી પુછતો કે ” મમ્મી,આપણે જેમ આપણા ઘરે જમીએ છીએ એમ શાંતુબાને એમના ઘરે જમવાનું નહી હોય!”. મારા મમ્મી હંમેશા વાતને હસીને ટાળી દેતા. પણ મારું નાનકડું મન હંમેશા એ વિચારતું કે શાંતુબા એ ગરમીમાં બપોરે કેમ બોર વેચવા આવતા? મારા બા ને હું જોતો તો એ આરામ કરતા હોય અને શાંતુબા આમ ફરતા હોય. હું એ વિરોધાભાસ સમજી શક્તો નહોતો.બાળસહજ નાદાનીથી હું ઘણી વાર પુછી બેસતો કે ” મમ્મી, શાંતુબાને આપણા ઘરે જ રાખી લઇએ તો?” મમ્મી કેહતા કે એવું ના […]


છાપાંને વ્યક્તિત્વ નિષ્ઠાનું – ઝવેરચંદ મેઘાણી

વાચક, તમારું નવું તંત્રીમંડળ પોતાની વિશિષ્ટ સિધ્ધિઓ કે સાધનાઓની પિછાન કરાવવા માંગતું નથી. લોકસેવા એણે કરી નથી. ઊંડા જીવનપ્રશ્નો એણે વલોવ્યા નથી. પ્રજાજીવનની એકેએક દિશાઓમાં ઘૂમી વળવાના એને ઘમંડ નથી. ક્રાંતિની જ્યોતને એણે ઉપાસી નથી. આજ ને આજ, અત્યારે ને અત્યારે, અમારા શબ્દોના હથોડાને આઘાતે સમાજનું પરિવર્તન આવી જવું જોઈએ, ને ન આવે તો સમાજ નાલાયક છે. એવી વિચારસરણી સેવનારા મહાન પુનર્વિધાયકો આંહી નથી આવ્યા. ફૂટી ચૂકેલી આતશબાજીના ઉકરડા વાળવાનું કામ લઈને આવે છે માટીના માનવો. એમની પણ ખામીઓ છે ને ખૂબીઓ છે. ‘ફૂલછાબ’ ની વિશિષ્ટ ફરજ છે કાઠીયાવાડના લોકપ્રશ્નોને અવલોકી આગળ કરવાની. કાઠીયાવાડના સંસ્કારજીવનમાં રંગ પૂરવાનો. નવું તંત્રીમંડળ એ કરવાનો ઉદ્યમ સેવશે. એક કે બે વ્યક્તિઓની મહિમાનો પડછાયો બનવાની કોઈ પણ છાપાંને જરૂર નથી. છાપાંને વ્યક્તિત્વ હોય છે, વિચારોનું, સંસ્કારોનું, નિષ્ઠાનું, એ વ્યક્તિત્વને હયાતિ પુરવાર કરવા નોખાં ફાંફા મારવાનાં ન હોય. છાપાંનું સાહિત્ય એ વ્યક્તિત્વનું રૂપ હોય છે એટલેજ વાચક ફૂલછાબના શબ્દદેહમાં જો તને તારું મનમાન્યું વ્યક્તિત્વ ન જડે તો તે શોધવા તું તંત્રીમંડંળની એક કે વધું વ્યક્તિની વિભૂતિથી ન દોરવાતો. બીજું જોતા રહેજો નવા તંત્રીઓનું વલણ. સમાચારપત્ર ચલાવતા હોઈને સમાચાર બેશક પીરસશે પણ સૌ સારા સમાચાર આપવાના રહી જાય તેને ભોગે પણ એક ખોટા સમાચાર ન છાપી મારવાની નીતી એ સાચવશે. સત્યનો ભોગ દેનારી નાની મોટી સનસનાટીઓ ફેલાવવાથી, હાલતાં ને ચાલતાં માત્ર ગંદવાડો ખુલ્લો પાડવાથી લોકહિત સધાતું હોવાની વાત અમને માન્ય નથી. વારસામાં મળેલી અનેકવિધ વિટંબણાઓની વચ્ચેથી પોતાની નવી પિછાન આપનાર આ હાથ, વાચક, તારા હાથ જોડે મૈત્રીનો મિલાપ યાચે છે. ( ફૂલછાબ અઠવાડીકનો તંત્રીલેખ – ૧૯૩૬, અરધી સદીની વાંચનયાત્રા – ૨ માંથી સાભાર )