મહાવીરસ્વામીએ આપેલા અજોડ સિદ્ધાંતો – યોગતિલક સૂરિશ્વરજી મહારાજ


એક સરસ મજાનું પુસ્તક છે ‘અધ્યાત્મનું એવરેસ્ટ : ભગવાન મહાવીર’ એમાંથી પ્રસ્તુત છે મહાવીરપ્રભુએ પ્રબોધેલા સિદ્ધાંતોમાંથી ચાર મુખ્ય સિદ્ધાંતોનો પ્રારંભિક પરિચય. મને આ અમૂલ્ય પુસ્તક પાઠવવા બદલ અધ્યાત્મ પરિવાર, સૂરતનો હ્રદયપૂર્વક આભાર.

પુસ્તક અર્પણ છે ભગવાન મહાવીરના ઉપદેશોને 2550 વર્ષોથી જીવન, પ્રવચન અને ગ્રંથસર્જન દ્વારા વહેતા રાખનારી ઉજ્જવળ આચાર્ય પરંપરાને.. ભગવાન મહાવીરના જીવનચક્રને વર્ણવતા આ પુસ્તકમાં ત્રિશલારાણીની ગર્ભાવસ્થા, વર્ધમાનનો જન્મ, તેમની બાલ્યાવસ્થા, વર્ધમાનકુંવરની વીરતા, યૌવનવય, વિરક્તિકાળ, વરસીદાન દીક્ષા, સાધનાકાળ, કેવળજ્ઞાન, ધર્મબોધ અને નિર્વાણ વિશેની વાત ખૂબ હ્રદયંગમ રીતે આલેખાઈ છે.

આત્મવિકાસ

सम्यग्दर्शन-ज्ञान-चारित्राणि मोक्षमार्गः।

આપણી આંખ સામે દેખાતું જગત બે ભાગમાં વહેંચાયેલું છે : ચેતન અને જડ. માણસ, પશુ, પંખી, માખી-મચ્છર, કીડી-મકોડા વગેરે ચેતન છે. દીવાલ, છત, બારી, બારણા, ખુરશી, ટેબલ આ બધા જડ પદાર્થો છે. જડ અને ચેતન વિશેનું મુખ્ય ભેદક તત્ત્વ છે : સંવેદના. સંવેદના એ જેનો ગુણધર્મ છે તે છે,આત્મા.જડમાં સંવેદના હોતી નથી.

અત્યારે આપણા બધાનો આત્મા જડ એવા શરીરના બંધનોમાં ફસાયેલો છે. જૈન ધર્મ એવું કહે છે કે માણસના ખોળિયે જન્મ લઈ એવું જીવવું જોઈએ કે તમારા આત્માની સંવેદના સારી બને. ‘આત્મા સારો બનશે તો તમે પણ ચોવીશ કલાક આનંદમાં રહી શકશો ને તમારા કારણે બીજાને પણ કશી જ તકલીફ નહીં થાય.’

‘આત્મા સારો બનશે તો એક દિવસ એવો ઉગશે કે આત્માને કોઈ બંધનોમાં જકડાયેલા રહેવું નહીં પડે. આત્મા પરમાત્મા બની જશે.’ આવું જૈન શાસ્ત્રોમાં સમજાવાયું છે, અર્થાત્ આત્મવિકાસ એ આપણા જીવનનો પાયાનો સિદ્ધાંત હોવો જોઈએ.

ચાલવું ન પડે તે માટે નવી નવી જાતના ઝડપી વાહનો શોધાય એ શરીરની અનુકૂળતા માટેનો વિકાસ છે. દૂરનું સાંભળી કે જોઈ શકાય એ માટે ટેલિફોન કે ટેલિવિઝન જેવા સાધનો ને જીભના ટેસ્ટ માટે નવી નવી વાનગીઓ કે છેવટે માંસાહાર જેવી રીતભાતો એ ઈન્દ્રિયો માટેનો વિકાસ માને છે. પણ ક્રોધ-અભિમાન- માયા – લોભ- ઈર્ષ્યા-સ્વાર્થ – ક્રૂરતા – દમન જેવી ખરાબ સંવેદનાઓની જગ્યાએ ક્ષમા-નમ્રતા-સરળતા-નિ:સ્પૃહતા-પરોપકાર જેવી સારી સંવેદનાઓ વધતી જાય એ આત્માનો વિકાસ છે.

જૈન ધર્મ સમજાવે છે કે શરીર અને આંખ-કાન-નાક-જીભ-ચામડી જેવી જ્ઞાનેન્દ્રિયો છે ત્યાં સુધી એની સાથે જીવવું પડે, એને જરૂર પૂરતી સાચવવી પણ પડે પણ એ બધા દ્વારા લક્ષ્ય તો આત્માની સંવેદનાઓ સારી બનાવવાનું જ હોવું જોઈએ.

આથી જ બીજાના જાનની પરવા કર્યા વિના બેફામ ઝડપથી વાહન ચલા- વવાની મજા ન લેવાય. ક્રૂરતા વધે એવી જીભની મજા માંસાહાર દ્વારા ન લેવાય.અરે! દારુ પીવાથી મનની મજા મળે તો ખરી, કેમકે થોડા સમય પૂરતું બધા ટૅન્શન ભૂલાઈ જાય. પણ એના કારણે બેકાબૂ બની તમે આજુબાજુના પર ક્રોધ ઉતારશો તો આવી ખરાબ સંવેદનાના શિકાર બનાય તેવી મજા પણ ન લેવાય.

એવું જીવવું કે આત્મા સારો બને! તેનો માર્ગ છે : સાચું જોવું, સાચું જાણવું અને સાચું જીવવું. આ છે આત્મવિકાસનો સિદ્ધાંત.

અહિંસા

प्रमत्तयोगात् प्राणव्यपरोपणं हिंसा।

જૈન શાસ્ત્રોમાં આ અહિંસાને સમજાવવા માટે હજારો પાના ભરાય એટલું લખાણ આજે પણ મોજુદ છે. દેખીતી રીતે અહિંસાનો અર્થ થાય ઃ હિંસા ન કરવી અને હિંસા એટલે બીજા જીવને મારવો.

પણ જૈન શાસ્ત્રો અહિંસાની આટલી ટૂંકી વ્યાખ્યા નથી બાંધતા, એમાં જણાવ્યું છે કે પહેલા એ વિચારો કે કોઈ કોઈને મારવાનું કામ શેના માટે કરે છે? દેખીતી હિંસાના મૂળમાં રહેલા કારણો જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી પૂર્ણ અહિંસા આવવી શક્ય નથી.

એ મૂળમાં રહેલા કા૨ણો બીજા કોઈ નથી પણ‘આત્મવિકાસ’ના વિશ્લેષણ- માં જેનો વિચાર કરવામાં આવ્યો તે ક્રોધ-માન વગેરે ખરાબ સંવેદનાઓ જ છે. અલબત્ત, એ બધી જ ખરાબ સંવેદનાઓને પણ વિસ્તારથી સમજાવવામાં આવી છે.

જેમ કે લોભ એટલે વધારે ને વધારે પૈસા કમાઈને સંઘરી રાખવાની વૃત્તિ આટલું જ માનીએ તો એ અધૂરું છે. માણસને પૈસા કેમ જોઈએ છે? એના પણ મૂળ- માં જાઓ. શરીર, ઈન્દ્રિય અને મનની મજા માણવા માટે પૈસા જોઈએ છે. માટે આવી મજા માણવાની મનોવૃત્તિ પણ લોભ જ છે, જેને ‘રાગ’ શબ્દથી પણ ઓળખવામાં આવે છે.

મતલબ કે રાગ અને દ્વેષ જેવી ખરાબ સંવેદનાથી પ્રેરાઈને અથવા તો આવી ખરાબ સંવેદનાઓ પોષવા માટે જે કાંઈ પણ કરવામાં આવે તે એક રીતે ‘હિંસા’ જ છે એમ જૈન ધર્મ સમજાવે છે.

આથી ઉલ્ટું ક્ષમા, નમ્રતા,પરોપકાર વગેરે સારી સંવેદનાથી પ્રેરાઈને અથવા તો સારી સંવેદના પોષવા માટે જે કાંઈ પણ કરવામાં આવે તે‘અહિંસા’ જ છે.

માટે જ તો પંખીઓને ચણ નાંખવા જેવી ‘સારી’ ગણાતી પ્રવૃત્તિ પણ જો પારધી જેવા દ્વારા સ્વાર્થ પોષવા કરાતી હોય તો તેને ‘અહિંસા’ કેવી રીતે ગણાય? અને,પંખીઓ પારધીની જાળમાં સપડાઈ ન જાય તે જ એકમાત્ર ભાવનાથી બીજો કોઈ રસ્તો ન હોય ત્યારે પથ્થર ફેંકી બધાને ઉડાડી દેનાર ખરેખર‘દયાળુ’જ ગણાય!

આ મુજબ માણસ જેમ જેમ પોતાની ખરાબ સંવેદનાઓ ઓછી કરતો જાય તેમ તેમ તેના જીવનમાં સૂક્ષ્મ અહિંસા આવતી જવાની. જ્યારે સંપૂર્ણપણે સારી સંવેદનાથી પ્રેરાઈને અથવા સારી સંવેદના પોષવા માટે જીવન જીવાતું હોય ત્યારે સંપૂર્ણ અહિંસા આવે. તે જ સાધુજીવન છે.

અપરિગ્રહ

मूर्च्छा परिग्रहः।

ભગવાન મહાવીરે માત્ર ઊંચા-ઊંચા સિદ્ધાંતો ને આદર્શો જ બતાવવાનું કામ નથી કર્યું પરંતુ એ આદર્શો સુધી પહોંચવા અદ્ભુત જીવનશૈલી પણ બતાવી છે. અપરિગ્રહનો સિદ્ધાંત એના માટે જ છે.

સૌપ્રથમ એ સમજીએ કે પરિગ્રહ એટલે શું? ભગવાન મહાવીર કહે છે : પરિગ્રહ એટલે એવા સાધનો જે તમારા આત્મામાં ખરાબ સંવેદનાઓને બહેકા- વવાનું કામ કરે. અને આગળ વધીને એ ભગવાને એમ પણ કહ્યું છે કે, તમારી અનિવાર્ય જરૂરી વસ્તુઓ પ્રત્યે આસક્તિનો ભાવ એ પણ પરિગ્રહ છે.

મતલબ એ થયો કે મનમાં વધારે ને વધારે ઈચ્છાઓ પેદા કરવી ને તે પૂરી કરવા માટેના સાધનો મેળવવા પૈસા ભેગા કર્યે જવું આ પરિગ્રહનો રસ્તો છે. આથી ઉલ્ટું,જીવનમાં નકામી ઈચ્છાઓને તિલાંજલિ આપી જરૂરીયાતો પણ ઘટાડતા જવું એ અપરિગ્રહનો માર્ગ છે. સાથે સાથે લોકો સારી સંવેદના પામે તેવા ઉપાયો માટે ભેગું થતું ધન એ પણ અપરિગ્રહ સિદ્ધાંતને ટકાવનાર અને ઉજ્જ્વળ ક૨ના૨ થતું હોવાથી અપરિગ્રહ જ છે.એને ધર્મદ્રવ્ય (ધર્મ માટેનું ધન) કહેવાય છે.

ભગવાન મહાવીરના પરિચયમાં કેટલાક એવા અબજોપતિ લોકો આવેલા જેઓ આખી જિંદગી સંસારી ગૃહસ્થ તરીકે જીવેલા પણ ભગવાનના ઉપદેશોને જીવનમાં ઉતારી શરૂઆતમાં દશ-દશ હજાર ગોકુળોના માલિક એ લોકો પોતાની જરૂરીયાત ઘટાડતા જ ગયા. ઘટાડતા જ ગયા તે ત્યાં સુધી કે છેલ્લે પોતાના એકમાત્ર કક્ષ (રૂમ) સિવાયની બધી જ વસ્તુઓનો ત્યાગ કરી દીધો! આવા મહા- શ્રાવકોના જીવન જૈનોના મૂળભૂત ગણાતા આગમશાસ્ત્રોમાં વર્ણવાયા છે.

આ પરિગ્રહ એવી ચીજ છે કે તેમાંથી વિગ્રહ થયા વિના રહેતો નથી. એક ટૂકડો જમીન પરના મમત્વને કારણે ખેલાયેલા લોહીયાળ યુદ્ધોથી સદીઓની સદીઓનો માનવજાતનો ઈતિહાસ ખરડાયેલો છે!

આપણી તળપદી ગુજરાતીની એક કહેવત પણ આ વાત કેવી ચોટદાર રીતે કહી આપે છે! એ કહેવત છે : જર, જમીનને જોરું, ત્રણ કજિયાનાં છોરું.

અપરિગ્રહ સિદ્ધાંતનો સારાંશ એ છે કે તમારી ઈચ્છાઓને બહેકાવે એવા સાધનોથી દૂર રહો ને જરૂરીયાતો ઓછી કરતા જાઓ. આસક્તિ ઘટાડતા જાઓ. જીવન નંદનવન બની જશે. સંપૂર્ણ પરિગ્રહનો ત્યાગ એટલે જ સાધુજીવન.

અનેકાંતવાદ

सिद्धिः स्याद्वादात्।

આ સિદ્ધાંત ભગવાન મહાવીરે બતાવેલા તમામ સિદ્ધાંતોમાં શિરમોર છે. ભગવાન મહાવીરના આ સિદ્ધાંતને જાણ્યા બાદ જ કદાચ વિનોબા ભાવે તેમને ‘સર્વધર્મસમન્વયાચાર્ય’ કહેવા પ્રેરાયા હશે.

અનેકાંતવાદની પ્રારંભિક વ્યાખ્યા એવી આપી શકાય કે, વસ્તુના તમામ પાસાઓને ધ્યાનમાં રાખી ‘સત્ય’નો નિર્ણય કરવો.

એક સાવ સાદા દૃષ્ટાંતથી આને સમજી શકાય છે. એક સોનાનો ઘડો છે. તેના માટે એવો પ્રશ્ન પૂછવામાં આવે છે કે આ સ્થિર છે કે નાશવંત છે? આનો કોઈ એક જવાબ પૂર્ણ સત્ય ન બની શકે. કારણ કે એ ઘડાને ગળાવીને મુગટ બનાવવામાં આવે ત્યારે ઘડો નષ્ટ થઈ ગયો છે. મુગટ નવો ઉત્પન્ન થયો છે, પણ સોનું તો એનું એ જ છે. એનો તો નાશ નથી થયો. અર્થાત સ્થૂલ વૃષ્ટિએ એવું કહેવાય કે સોનાના ઘડાના સ્વરૂપને ધ્યાનમાં લો તો તેને નાશવંત ગણવો પડે.પણ સોનાને જ ધ્યાનમાં લો તો એને સ્થિર ગણવું પડે. અને મુગટને ધ્યાનમાં લો તો તેમાં ઉત્પત્તિ માનવી પડે. ભગવાન મહાવીરે જગતનાં જડ-ચેતન તમામ પદાર્થો માટેના આ પૂર્ણસત્યને પોતાના ११ पट्टशिष्यो समक्ष आ शन्होमां वर्णवेनुं उप्पन्नेइ वा, विगएइ वा, धुवेइ वा। અર્થાત ઉત્પત્તિ, નાશ અને સ્થિરતા ત્રણેય ગુણધર્મો જગતના તમામ પદાર્થોમાં માનવા પડે.

આ અનેકાંતવાદ તમામ જગ્યાએ લાગુ પડે છે. પણ એટલું ચોક્કસ છે કે તે વાસ્તવિકતાના આધાર પર ઉભેલો છે. માત્ર કાલ્પનિક તરંગોના આધાર પર નથી.

આ અનેકાંતવાદના આધાર પર જ હિંસા-અહિંસા આદિ બધા જ આચારોનું માળખું ગોઠવાયેલું છે. સાચા દૃષ્ટિકોણથી કરાયેલી એક પ્રવૃત્તિ અહિંસા બને છે તો એ જ જ્યારે ખોટા દૃષ્ટિકોણથી કરવામાં આવે તો હિંસા બને છે. એવી જ રીતે લાલચ નામની ખરાબ સંવેદના પોષવા માટે જો લોકોનું ધર્મપરિવર્તન કરાવવામાં આવે તો એ ખરેખર અધર્મ છે અને સંતોષ નામની સારી સંવેદના પોષવા માટે આચારપરિવર્તન કોઈ કરાવે તો એ ધર્મ ગણાય.

અર્થાત સાચા દૃષ્ટિકોણથી વસ્તુનો નિર્ણય કરવાનું આ અનેકાંતવાદ શીખવે છે.જે સહુને માટે જીવનોપયોગી છે.


પુસ્તક પ્રાપ્તિની વિગતો : અધ્યાત્મનું એવરેસ્ટ : ભગવાન મહાવીર (ભગવાન મહાવીરનું સંક્ષિપ્ત જીવન ચરિત્ર), પૂ. આ. વિ. શ્રી. યોગતિલક સૂરીશ્વરજી મહારાજ; પ્રકાશક – અધ્યાત્મ પરિવાર, સૂરત. મો. 7676769600

આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.