પ્રિયંકા સોનીની અછાંદસ રચનાઓ – કવિતાઓ અનેકવિધ સામયિકોમાં સમયાંતરે છપાતી રહે છે. આજે પ્રસ્તુત અછાંદસમાં તેમના મનના અનેકવિધ ભાવો સહજ પ્રસ્તુત થયા છે.
સાચી દિશા
જ્યારે સાંપડે છે
દિશા શૂન્ય જેવી
નરી એકલતા ત્યારે
ચાલવા માંડુ છું
નાકની દાંડીએ દાંડીએ
અને
જડે છે એક જ દિશા
તેનું નામ કવિતા.
આશા
તૂટેલા-ભાંગેલા
ઘરનાં
નળિયા પર,
ફૂટેલી કૂંપણમાં
ઊગી નીકળ્યું
એક લીલુંછમ્મ ઘર..!!
શિશુ વિના..
જ્યારથી મળ્યો છે,
એને પ્રસિધ્ધિનો દેહ
ત્યારથી ચાલે છે
મારી કવિતા,
દસ પગલા
આકાશમાં અધ્ધર.
નથી આવતી,
કરવા
મારી નાભીને
ફરીથી ઝળહળ.
સૂની પડી છે,
મારી નાભી-
જેમ
સૂની પડી હોય
કોઈ ‘મા’ની કૂખ,
શિશુ વિના..!
છિન્નભિન્ન
મનને આંગણે
પહોંચતાવેંત,
કવિતાના શબ્દો
થઈ જાય છે
વેરણ છેરણ.
એ સાથે
હું પણ થઈ જાઉં છું
સીસમના ફળની
જેમ
સેંકડો ટુકડાઓમાં
છિન્નભિન્ન.
હું ના રહું તો
હું ના રહું તો
મારી કવિતાઓ વાંચીને જ
મારૂ પીંડદાન કરજો
હું ના રહું તો
મારા ફોટા પાસે
મારા કાવ્યોના પુસ્તકો મૂકજો
હું ના રહું તો
મૌનીને બદલે વધુ બોલીને
શબ્દોથી જ મારા આત્માને શાંતિ આપજો
હું ના રહું તો
મારા કાવ્યોના પુસ્તક ખોલીને વાંચજો
કદાચ દરેક પાને હું તમને મળી જઈશ..
હું ના રહું તો
શબ્દોથી જ મને શ્રધ્ધાંજલિ આપજો
આપોઆપ મારું શ્રાધ્ધ થયેલું ગણાશે
હું ના રહું તો
મારા લખેલા શબ્દોના દીપ
વાંચીને પ્રગટાવજો,
કોને ખબર એમાંથી
કોઈને સાંત્વનાના બે શબ્દો મળી જશે તો
ખરાં અર્થમાં
મારા આત્માને શાંતિ મળશે.
– પ્રિયંકા સોની
Gujarati, Poetry, Priyanka Soni