સંત કબીરનું દર્શન સમગ્ર માનવજાતિ માટે છે, એ સહજ, સર્વવ્યાપી, સાર્વત્રિક અને જીવનના તમામ આયામોને સ્પર્શે છે. ચિંતનના ભાર વગરનો, અત્યંત સરળ છતાં મૂળ સુધી પહોંચતો કબીર સાહેબનો સંદેશ આપણી મૂડી છે. કબીર અધ્યાત્મ માર્ગના પથિકો માટે માર્ગદર્શક છે. કબીર સાહેબના દોહાઓને લઈ તેના સરળ અર્થ સુધી પહોંચવાની યાત્રા શ્રી શૈલેષભાઈ ત્રિવેદી આ ગ્રંથના માધ્યમે આરંભે છે. સરસ સરળ એવું આ પુસ્તક અક્ષરનાદને ભેટ આપવા બદલ શૈલેષભાઈ ત્રિવેદીનો આભાર. પુસ્તકપ્રાપ્તિની વિગતો લેખને અંતે ટાંકી છે.
મન
मन के हारे हार है मन के जीते जीत ।
कह कबीर पिउ पाईए मन ही की परतीत ॥

કબીર કહે છે, મનની હાર એ હાર છે, અને મનની જીત એ જીત છે. એ મનની પ્રતીતિથી જ પ્રિયતમ રૂપી પ્રભુને પામી લેવા.
પ્રકૃતિમાં સદાકાળથી ઘટનાઓ પોતાના પ્રાકૃતિક ક્રમમાં બન્યા કરે છે. તેમાં આપણે આપણા અજ્ઞાન અને મમત્વથી તેને શુભ, અશુભ, જય, વિજય, રૂપ-અરૂપ એમ વિભાગી લઈએ છીએ. મહાન ધનપતિઓ પણ સંતોષના અભાવે દુઃખી થઈને મૃત્યુ પામતા
હોય છે. જ્યારે અકિંચન લોકો પણ શાંતિથી પોતાનું જીવન ત્યાગતા હોય છે. હજારો અંગરક્ષકોની વચ્ચે પણ સેનાપતિ પોતાને અસુરક્ષિત માનતો હોય છે જ્યારે સાધારણ માનવી કોઈપણ પ્રકારની બાહ્ય સુરક્ષા વિના સુરક્ષિતતાનો અનુભવ કરતી હોય છે. અત્યંત સફળ માણસો અસંતોષ અને ફરિયાદમાં પોતાનું જીવન વેડફી રહ્યા હોય છે અને સામાન્ય માણસો સાદું જીવન સુખરૂપ ગાળતા હોય છે. આમ સુખદુઃખ, સુંદર, કુરૂપ એ બધી વસ્તુઓ મહદ્અંશે આપણા મનનું આરોપણ હોય છે. મન જ આપણને જિતાડે છે. મન જ આપણને હરાવે છે. આત્મસંતોષ જ મોટું ધન છે. જ્ઞાન જ મોટો પ્રકાશ છે. નિર્ભયતા એ જ મોટી સુરક્ષા છે. પરમેશ્વરમાં શ્રદ્ધા એ જ મોટો સહારો છે. પોતાને જ પોતાના મનથી હરાવતું અને જિતાડતું મન જ છે.
આત્મશ્રદ્ધા એ આત્મસંકલ્પથી મન ઉપર નિયંત્રણ મેળવવું એ જ મોટી જીત છે. તમારું મન ચંચળ અને તમારા નિયંત્રણમાં ન હોય એ જ મોટી હાર છે. તમારું મન જ તમને સુખના ઉત્તુંગ શિખર ઉપર લઈ જાય છે અને દુ:ખની ખીણમાં ઝબોળે છે તે મનને વશ કરવું એ જ મહાન પુરુષાર્થ છે અને એ જ મનને પરમેશ્વરની ભક્તિ અને જ્ઞાનના પ્રકાશમાં અજ્ઞાન અવિદ્યા દૂર કરવામાં આવે તો, માનવમાત્રના પ્રિયતમ એવા પરમેશ્વર મનની સંકલ્પશક્તિથી જ પ્રાપ્ત કરી શકાય છે. આ જ મનની શક્તિ છે. મનને પરમેશ્વરના ચિંતનમાં ધ્યાનસ્થ રાખે તે માનવીને મનથી જ પરમેશ્વરની કૃપા મળતી જ રહેવાની.
અભિમાન
माया तजी तो कया भया, मान तजा नहीं जाय ।
माया बडे मुनिवर गले, मान सबन को खाय ॥
માયા છોડવાથી શું ? અભિમાન તો છોડાતું નથી. મોટા મોટા મુનિવરોને પણ અભિમાન ગળી ગયું છે. એ અભિમાન તો સર્વનું ભક્ષણ કરનારું છે.
પરમેશ્વર અને સત્યની શોધમાં કોઈ કોઈ માણસો સમાજનો ત્યાગ કરી મુનિવર થાય છે, સંન્યાસી થાય છે, સુખ-સંપદાના બાહ્ય ભૌતિક તત્ત્વોનો ત્યાગ થાય છે, પરંતુ પરમેશ્વર પ્રાપ્તિ માટેનું આ એક જ કદમ કંઈ સત્ય સુધી પહોંચાડતું નથી. વળ સમાજમાં અન્ય વ્યક્તિઓ આવી માયા છોડી શકતા નથી અને પોતે આવું છોડી શક્યો છે, તે વાતનું અભિમાન પણ પણ કોઈ કોઈ મુનિવરને થવા માંડે છે. આ વાત તેનામાં સૂક્ષ્મ અહંકાર ઉત્પન્ન કરે છે. અન્ય સાથેની આવી પોતાની સરખામણી સત્યની શોધમાં બાધારૂપ છે.
જ્યારે માનવીમાં અભિમાન અને અહંકાર દૃઢ થાય ત્યારે તેના પોતાના પતનની ધીમી શરૂઆત થાય છે. અધૂરું જ્ઞાન અને અહંકારને કારણે માનવી પોતાના વર્તન ઉપરનું નિયંત્રણ ધીમે ધીમે ખોવા મંડે છે. તેની વાતોમાં તેનો અહંકાર છૂપી રીતે પ્રદર્શિત થવા માંડે છે. તે કોઈ અન્ય માનવી સાથે ખરું સામંજસ્ય સાધી શકતો નથી. માત્ર તમામ સાંસારિક વાતો માત્રને છોડવાથી કંઈ જ્ઞાની થઈ જવાતું નથી. પોતાનો અહંકાર અસ્તિત્વમાં ઓગાળવો પડે. નમ્ર ભક્તને જ પરમેશ્વરની કૃપા મળે છે. અહંકાર અને આડંબરયુક્ત વાણીથી માનવી સત્ય અને પરમેશ્વરથી દૂર થતો જાય છે. અહંકાર છૂપી રીતે જીદ અને મમત્વને પોષે છે. અહંકાર માનવીને દિલથી બીજા માનવીઓ સાથે ભળવામાં બાધારૂપ છે. અહંકારી માણસ અન્ય માણસો સાથે પોતાના દિલથી અતડો રહી જવા પામે છે. સમાજ છોડી ગયેલ મોટા મોટા, કોઈ કોઈ મુનિવરો પણ અહંકાર છોડી શક્યા નથી. જેમણે પોતાનો અહંકાર છોડ્યો નથી તે મુનિવર બનીને જે મેળવવાનું હતું તે મેળવી શકતા નથી. તેમની યાત્રા અધૂરી રહી જાય છે. સમાજ અને સુખ-સંપત્તિ છોડેલ અહંકારી મુનિવર કરતાં સમાજમાં રહેતો નમ્ર સાધારણ માનવી આધ્યાત્મિક દૃષ્ટિએ ઘણી ઉચ્ચ સ્થિતિએ છે. સમાજને છોડવા માત્રથી જ આધ્યાત્મિક બની શકાતું નથી. સાથે સાથે ઘણી સાધના અને તપ પણ જરૂરી છે. આધ્યાત્મિકતા તરફ આગળ વધવાનો રાજમાર્ગ અહંકારના વિસર્જનનો છે.
આ વિરાટ અસ્તિત્વ અનંત તારલાઓ યુગો યુગોનો કાળખંડ એમાં આપણું ક્ષુલ્લક અસ્તિત્વ શેનો અહંકાર કરી શકે ? અહંકાર જ માનવીના પતનનો રાજમાર્ગ છે અને આ અહંકાર જ તમામ મુનિવરોની તપો-સાધનાને ભસ્મ કરી જાય છે. આ અભિમાન જ કહેવાતા જ્ઞાનીઓના જ્ઞાનને ભક્ષણ કરી જાય છે અને આ અહંકાર જ સહુને પોતાના પાશમાં ઝકડી ખાઈ રહ્યો છે. અહંકાર એટલે અધૂરું જ્ઞાન. અહંકાર એટલે તૃષ્ણા. અહંકાર એટલે અન્યોને પ્રભાવિત કરવાની ઈચ્છા. સત્યનિષ્ઠાથી કાંઈ કહેવું અને અહંકારથી કંઈક કહેવું તેમાં એક સાંકડી ભેદરેખા છે. આત્મસન્માન, આત્મગૌરવ, આત્મસંરક્ષણ અને સદ્વર્તન એ અહંકાર નથી, પરંતુ માનવીની પોતાની ફરજ છે, પરંતુ જેને અધૂરું જ્ઞાન છે, તે આત્મસન્માન અને અહંકારની ભેળસેળ કરી નાખે છે. માત્ર મને જ જ્ઞાન થયું છે અને બીજા લોકો જ્ઞાનથી વંચિત છે તે માનવું અહંકાર પરંતુ જે મને જ્ઞાન થયું છે તે મારે અન્યને પણ તેમને ઉપયોગી થઈ શકે તે માટે જણાવવું તે સત્યપ્રીતિ.
માયા
माया मरी न मन मरा, मर-मर गया शरीर।
आशा तृष्णा ना मरी, युं कह गये कबीर॥
કબીર કહે છે કે : “માત્ર શરીર જ મરી ગયું, પરંતુ ન માયા મરી, ન મન મર્યું કે ન આશા-તૃષ્ણા મર્યાં.”
આ બાહ્ય સંસાર માયારૂપ છે. આ પ્રકૃતિ માયાસ્વરૂપ છે. તે માયાના રૂપ બદલાતાં જવાનાં પણ તે સદૈવ એક યા બીજા સ્વરૂપે રહે છે. આપણું મન આપણા અનુભવથી ઘડાય છે. તેમાં મુખ્યત્વે વાણીનું જ્ઞાન જ મનની રચના કરે છે અને તેમાં સુખદ- કે-દુઃખદ સ્મૃતિઓ જમા થાય છે. દરેક જન્મમાં અલગ અલગ મન રચાઈ જવાનું. એમ મન કે માયા બન્નેને મૃત્યુ નથી. તે સદાકાળ રહેવાનાં જ. તેનો નાશ થતો નથી. અતૃપ્ત તૃષ્ણાઓ પ્રમાણે નવા જન્મમાં નવાં નવાં મન રચાતાં રહેવાનાં. માયા પણ તેનો રૂપરંગ બદલતો રહેવાની. આમ માયા, મન અને આશાતૃષ્ણાને મૃત્યુ નથી. પરંતુ આ દેખાતું નશ્વર શરીર કે જે મૃત્યુ પામે છે, તે નાશવંત છે. એ શરીર પાંચમહાભૂતનું બનેલ છે અને અંતે તે પાંચ મહાભૂતોમાં પાછું મળી જવાનું છે.
આ દેખાતું શરીર ક્ષણભંગુર છે અને મૃત્યુની ઘડીએ પુનઃ પ્રકૃતિમાં માયામાં પાછું ભળી જવાનું છે, પરંતુ તેના મૃત્યુથી માયા, મન અને આશા તૃષ્ણાનો અંત આવવાનો નથી. તે માયા, મન અલગ અલગ રૂપ ધરી લેવાનાં. જયાં સુધી અતૃપ્ત તૃષ્ણાઓ છે ત્યાં સુધી નવું નવું મન રચાતું રહેવાનું. નવા જન્મમાં નવાં નવાં શરીરો રચાતાં રહેવાનાં અને મૃત્યુથી નાશ પામતાં રહેવાનાં. આમ મૃત્યુને તો ફક્ત શરીર જ પામે છે. દુઃખનાં મૂળ એવી આશા તૃષ્ણાનો નાશ થતો નથી. જ્યારે આશા તૃષ્ણાનો નાશ થાય ત્યારે જ માયા અને મનથી મુક્તિ મળે અને જન્મોજન્મની પીડા ભાંગે, અને ભવસાગરથી મોક્ષ મળે. એ જ પરમસંત કબીરસાહેબનો સત્ય ઉપદેશ છે.
પુસ્તક પ્રાપ્તિની વિગતો : કબીર વચન વિસ્તાર – શૈલેષ ત્રિવેદી, પ્રાપ્તિસ્થાન – નવભારત સાહિત્ય મંદિર, પાનાં – 200, કિંમત – 300/- રૂ.
પુસ્તક અમેઝોન પરથી ખરીદવા અહીં ક્લિક કરો.
Sarasanuvad for kabirji na Dohano. must read book After available on USA Amazone. EXCELLENT SAILESH BHAI. CONGRATULATION For EXPLENETION on Gujarati.