સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય


અમ તમોને મળ્યા – જીજ્ઞેશ ચાવડા 5

ગમે તેવી કપરી અને પ્રતિકુળ પરિસ્થિતિઓ વચ્ચે પણ પોતાના પ્રિયપાત્રને મળવાની ઝંખના શું નથી કરાવતી પરિસ્થિતિઓ ભલે ગમે તેટલા વિઘ્નો ઉભા કરે, પરંતુ અડગ મન અને મક્ક્મ નિર્ધાર ગમેતેવા કષ્ટોની સામે પણ ઉભા થવાની હિંમત આપે છે. પ્રસ્તુત ગઝલમાં શ્રી જીજ્ઞેશ ચાવડા એવું જ કાંઈક કહેવા માંગે છે. ગમે તેવી મુસીબતોને વેઠીને પણ તેઓ પોતાના પ્રિયપાત્રને મળ્યાનો સંતોષ વ્યક્ત કરી રહ્યાં છે. ફક્ત એક અલપઝલપ મુલાકાતની, એકમેકને નીરખવાની ઉત્કટ ભાવનાનો તેઓ અહીં પરિચય કરાવે છે. તેમની કલમે આમ જ સત્તત સર્જન થતું રહે તેવી શુભેચ્છાઓ.


દીકરીની મહેંદી – દિવ્યા રાવલ 4

મહેંદી દરેક કુમારીકાના મનોદ્રશ્યમાં એક આગવી ભાત ધરાવે છે. બાળકીઓ જ્યારે ગોરમાને પૂજતા તેમના હાથની મહેંદીને નિરખે છે ત્યારે તેના ભાવિ જીવનસાથીના સ્વપ્નો તેના મનમાં કેવા આકારો જન્માવે છે, કલ્પનાની પાંખે સવાર થઈને મનના એ વિચારોમાં અવનવા રંગો પૂરાય છે. પરંતુ કવયિત્રી આ વાતથી વિશેષ કાંઈક કહેવા માંગે છે, રચનાને અંતે મહેંદીને એક સ્ત્રીના જીવન સાથે સરખાવીને આખીય રચનાને એક અલગ પરિમાણ આપી જાય છે, તો લગ્ન પછી વિદાય થતી દીકરીને મહેંદીની જેમ જીવનને, કુટુંબને રંગ આપવાની વાત સમજાવતા એક માં નો ધ્વનિ અંતે કેવો સમજણનો રાગ છેડે છે? ખૂબ સુંદર અને લાઘવસભર આ અછાંદસ ખરેખર માણવાલાયક રચના છે.


થોડાંક હાઇકુ – મુકુંદ જોશી 3

થોડાક દિવસ પહેલા સ્નેહરશ્મિના ૧૪ હાઈકુઓ મૂક્યા હતાં. તેનાથી પ્રેરાઈને શ્રી મુકુંદભાઈ જોશીએ તેમના દ્વારા રચેલા કેટલાક સુંદર હાઈકુ અક્ષરનાદને મોકલ્યા છે. આજે તે આપ સૌની સાથે વહેંચી રહ્યો છું. જાપાનમાં હાઈકુ એક જ લીટીમાં લખાય છે, અંગ્રેજીમાં તેને ત્રણ લીટીમાં લખાય છે. હાઈકુ એવું નામકરણ ૧૯મી સદીમાં માશોકા શીકી દ્વારા કરવામાં આવેલું. પાંચ, સાત અને પાંચ એમ સત્તર અક્ષરની સીમામાં રહીને અભિવ્યક્તિને પાંખો આપતો આ પદ્યપ્રકાર પોતાનામાં એક વિશેષ લય લઈને આવે છે. નાનકડી પણ ચોટદાર રચના એ એક સુંદર હાઈકુના લક્ષણ છે. હાઈકુ પોતાનું અર્થગાંભીર્ય લઈને આવે છે અને કવિ જે વાત ભાવક સુધી પહોંચાડવા માંગે છે તે ખૂબ સચોટ છતાં સરળ રીતે મૂકી જાય છે. આ હાઈકુઓ અક્ષરનાદ સુધી પહોંચાડવા બદલ શ્રી મુકુંદભાઈ જોશીનો ખૂબ ખૂબ આભાર


કવિતાનો શબ્દ – સોનલ પરીખ 7

કવિતાનો શબ્દ શોધવાથી જડે એવી કોઈ સ્થૂળ વસ્તુ નથી, એ આવતો નથી, ગોઠવી કે બનાવી શકાતો નથી, એ તો કોઈક ધન્ય ક્ષણે અવતરે છે. મનમાં થતી પ્રાર્થનાની જેમ કવિતાનો શબ્દ પણ તેનો એક અનોખો નાદ ગૂંજાવે છે. આ સાક્ષાત્કાર એક ગૃહિણીના મનની દ્રષ્ટિએ, એક કવયિત્રીના મનોદ્રશ્યમાં કઈ રીતે સ્થાન પામે છે તેની વાત કહેવાનો અહીં પ્રયત્ન કરવામાં આવ્યો છે. એ શબ્દ ક્યારેક સાવ અચાનક રોજીંદી પ્રક્રિયાઓ વચ્ચેથી મળી આવે છે, સાવ અચાનક ઉગી જાય છે અને ક્યારેક મનોમંથનોના અનેકો તબક્કાઓ પછી પણ આવતો નથી એ અર્થની વાત અહીં ખૂબ કાવ્યાત્મક અને અર્થપૂર્ણ દ્રષ્ટિએ કહેવામાં આવી છે.


પ્રેમસૂત્રમાં પરોવાયેલાં – ક્ષિતિમોહન સેન 1

પહેલાના સમયમાં ગુરૂ શિષ્ય પરંપરાનો યુગ હતો, વિદ્યાર્થીઓ ગુરૂના આશ્રમે રહી વિદ્યા અભ્યાસ કરતા, સાથે આશ્રમના બધાં કામ કરતાં, નાના મોટા કે ઉંચા નીચા કામનો ભેદ ત્યાં કદી આડો ન આવતો અને આમ જીવનનો સૌથી મહત્વનો પાઠ તેઓ ત્યાં શીખતાં. તો સામે પક્ષે ગુરૂઓ પણ વિદ્યાર્થીઓના જીવનમાં ઉચ્ચ ભાવનાઓ અને સદવિચારના પ્રસાર માટે બધું કરી છૂટતાં. ગુરૂ શિષ્યના સુંદર સંબંધો વિશેની વાતો અને કથાઓ આપણે ત્યાં અપાર છે. એક ગુરૂની પોતાની મુશ્કેલીઓ અને અંગત સંબંધોને વીસરીને વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાની ઉચ્ચભાવના અહીં પ્રસ્તુત કરેલા પ્રસંગમાં વર્ણવાઈ છે. ગુરૂપૂર્ણિમા આવી રહી છે ત્યારે આશા છે પ્રસ્તુત પ્રસંગ સમયોચિત બની રહેશે.


ભાડાના ઘરની લાગણીઓ – જીજ્ઞેશ અધ્યારૂ 11

આ કવિતા છે, અછાંદસ છે કે ગીત છે એની પળોજણમાં પડ્યા વગર એટલું સ્પષ્ટ કરી દેવું ઉચિત સમજું છું કે પીપાવાવથી મહુવા આવતા બસમાં તા. ૮ જુલાઈ ૨૦૧૦ના રોજ અચાનક જ કોઈ પૂર્વસંદર્ભ વગર, આ ‘ગીત’ (મેં એને ગાતાં ગાતાં ઉતાર્યું છે એટલે) અવતર્યું. તેના ભાવ સ્પષ્ટ છે. દરિયો જીવનને કહ્યો છે અને એમાં સ્વ-સાક્ષાત્કારના ઝાંઝવા આવતા નથી, જો આવે તો મુક્તિની ધરતી જ આવે. મુક્તિ મારા મતે કોઈ દાદરો નથી જેને પગલે પગલે ચઢી શકાય, એ તો એક છલાંગે નાનું બાળક જેમ ઊંચાઈએથી ગમતી વસ્તુ મેળવી લે એમ મેળવવી પડતી હશે. અને સ્વભાવિક છે કે મુક્તિનો ઉલ્લેખ હોય તો મૃત્યુ વિશે પણ કાંઈક કહેવાઈ જ જાય. “હું” નામનું ઝબલું જ્યાં સુધી ઉતરતું નથી ત્યાં સુધી મુક્તિનો ભેખ ક્યાં ચઢાવવો?


સંસ્કૃત સુભાષિતો (ગુજરાતી ભાષાંતર સાથે) – સંકલિત 6

આજે પ્રસ્તુત છે સંસ્કૃત ભાષામાંથી કેટલાક સુભાષિત અને તેની ગુજરાતી સમજણ. સુભાષિત એટલે સુષ્ઠ ભાષિતમ્ – સારી રીતે કહેવાયેલું એક એક ખંડને કવિતા નામથી પણ ઓળખી શકીએ. સુભાષિતને મુક્તક, સૂક્તિ વગેરે નામોથી પણ ઓળખાય છે. આ સુભાષિતો સુચારુ અભિવ્યક્તિની દ્રષ્ટિએ મોતી જેવા હોય છે એટલે તેને મુક્તક પણ કહેવાય છે. સંસ્કૃત સુભાષિતોની દ્રષ્ટિએ સૌથી સમૃધ્ધ ભાષા છે પરંતુ તેનો વૈભવ વીસરાઈ રહ્યો છે. સુભાષિતો જીવનના સત્યોને બે કે ચાર પંક્તિઓમાં વણી લેતાં હોય છે. આ સત્યો જીવનનાં અર્ધસત્યો પણ હોઈ શકે, વ્યવહારૂ વાત કે સમજણ પણ હોઈ શકે, યશોગાન પણ હોઈ શકે અને વિચારનો પડઘો પણ હોઈ શકે. સુભાષિતોની વિનિયોગ્યતા સાર્વત્રિક હોય છે.


એકલવ્યની ગુરુદક્ષિણા – ગણપત ભાવસાર ‘શ્રવણ’ 7

જેમના માત્ર બે જ કાવ્યો સાહિત્યમાં આજ સુધી પ્રગટ થયાં છે અને જે બેમાંનું એક શ્રી બળવંતરાય ઠાકોરે પોતે સંપાદિત કરેલી ‘આપણી કાવ્યસમૃદ્ધિ’ માં ઉતાર્યું છે તે શ્રી ગણપત ભાવસારે ‘શ્રવણ’ ની સહીથી લખેલું કાવ્ય ‘એકલવ્યની ગુરુદક્ષિણા’ જૂન ૧૯૮૩ના કુમાર સામયિકમાં પ્રસિધ્ધ થયેલું. કવિએ એ પછી કોઈ અન્ય રચનાઓ કરી નથી પરંતુ તેમની કાવ્યરચનાની શક્તિ આ કાવ્યો સુપેરે વ્યક્ત કરી જાય છે. મહાભારતના એક નાનકડા પ્રસંગ એવા એકલવ્યની ગુરુદક્ષિણા રૂપે અંગૂઠો આપવાની વાત અને એ છતાંય શ્રેષ્ઠ ધનુર્ધર થવાની તેની તમન્ના, ગુરુદક્ષિણા આપી શકાઈ તેનો હાશકારો અને અર્જુન સાથેની સરખામણી વગેરે એકલવ્યના મનનાં ભાવો સુપેરે અને ખૂબ પ્રભાવશાળી રીતે વ્યક્ત થયાં છે.


કિસ્મત મારું પાજી – લાલજી કાનપરિયા 1

આજે બિલિપત્રમાં શ્રી શૂન્ય પાલનપુરીનો જે શે’ર મૂક્યો છે, તે કદાચ શ્રી લાલજી કાનપરિયાની પ્રસ્તુત રચનાનો સાર કહી જાય છે. જો કે બંને રચનાઓનાં ભાવો અલગ છે. પ્રસ્તુત રચનામાં કવિને કિસ્મત સાથે કોઈ ફરીયાદ નથી, તેમણે સ્વીકારી લીધું છે કે કિસ્મત બેઅદબ, લુચ્ચું અને બદમાશ છે, તેમણે કિસ્મતની આ દુષ્ટતાને પ્રસ્તુત રચનામાં કોઈ ફરીયાદ વગર સહજતાથી વર્ણવી છે. એક સાંધતા તેર તૂટે એવા જીવનને તેઓ રાબેતા મુજબનું કહે છે, એ જ દર્શાવે છે કે તેમને હવે નસીબના સાથની કોઈ આશા નથી. છતાંય લાગણીઓની બાબતમાં એક કરમાય અને બીજી ખીલી ઉઠે તેવું તેમની સાથે થયા કરે છે, અહીં પણ તેઓ કિસ્મતને પાજી કહે છે, જેનો અર્થ જરીક જુદો તારવી શકાય.


જનક ની જાનકી (કન્યાવિદાય) – ડો. પ્રવીણ સેદાની 10

દિકરી વહાલનો દરીયો એ ફક્ત કહેવાની કે સાંભળવાની કોઈ વાત નથી, એ તો અનુભવવાની એક અનંત લાગણી છે. અક્ષરનાદના વાચક મિત્ર ડો. પ્રવીણ સેદાની કન્યાવિદાયની કપરી ક્ષણોને શબ્દોમાં, ભાવમાં કાંઈક આમ વર્ણવે છે. તેમનો ભાવ અને સુર શુધ્ધ સ્નેહ અને પુત્રી પ્રત્યેના પ્રેમથી છલોછલ છે. જીવથીય વધુ જાળવીને ઉછેરેલી, આંખના રતન સમી એ દિકરી જ્યારે પળમાં પારકી થઈ વિદાય માંગે છે ત્યારે ગમે તેવા કઠણ હૈયાનો પિતા પણ રડી ઉઠે છે. પ્રસંગની કરુણતા અને દિકરીના સુખી ભવિષ્યની વાંછનાની મિશ્ર લાગણીએથી ભીંજાયેલી પ્રસ્તુત રચના આપને પણ અવશ્ય સ્પર્શી જશે જ એવી ખાતરી સહ આ કૃતિ અક્ષરનાદને મોકલવા બદલ ડો. પ્રવીણ સેદાનીનો ખૂબ આભાર.


ચિત્ર દોરેલાં બધાં પાછાં મળે – અલ્પ ત્રિવેદી 6

શ્રી અલ્પ ત્રિવેદી મહુવા (ભાવનગર) ની એક આગવી રચનાત્મક પ્રતિભા છે. જાન્યુઆરી 1977માં તેમની એક નવલકથા “છેલ્લું પગથીયું પ્રેમનું” પ્રસિધ્ધ થઇ હતી. તે પછીથી તેઓ શ્રી પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દાદાના સ્વાધ્યાય પરિવારમાં જોડાયા અને વર્ષો સુધી તેમાં ખૂબ સક્રિય રહ્યાં અને હજુ પણ છે. એ સમયગાળામાં તેમની રચનાત્મકતા તેમણે રચેલા ભાવગીતોમાં સુપેરે વ્યક્ત થઇ.

પ્રસ્તુત કૃતિ તેમની ગઝલરચનાની હથોટીનો ખ્યાલ સુપેરે આપી જાય છે. અક્ષરનાદને આ રચના પ્રસિધ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


મળી ગયો પવન! – સુરેશ જોષી 5

સમય પસાર કરવા ખાતર જ ફક્ત જે સાહિત્ય ન વાંચતો હોય તેવો માણસ શ્રી સુરેશ જોષીને જાણતો હોય જ. ગુજરાતી સાહિત્યમાં નવી ‘ક્ષિતિજ’ નો ઉઘાડ સુરેશ જોશીથી થયો. ગુજરાતી ટૂંકી વાર્તાની વાત એમના વિના થઈ શકે નહીં. એમના પ્રવેશે વિવેચનની આબોહવા બદલી નાંખી, તો કવિ તરીકે તો તેમણે પોતાનામાંના કાવ્યપુરૂષને સિધ્ધ કર્યો છે. ‘ઉપજાતિ’, ‘પ્રત્યંચા’, ‘ઈતરા’, ‘તથાપિ’ જેવા એમના કાવ્યસંગ્રહો માણવાલાયક છે.

તેમની પ્રસ્તુત રચના ઈમેજ દ્વારા પ્રકાશિત “૬૦૦ વર્ષની ગુજરાતી કવિતાની ઝલક ઝાંખી, બૃહત ગુજરાતી કાવ્યસમૃધ્ધિ” ની વિમોચન પ્રસંગની નિમંત્રણપત્રિકામાંથી સાભાર લેવામાં આવી છે.


૧૪ હાઈકુઓ – સ્નેહરશ્મિ 13

જાપાનમાં હાઈકુ એક જ ઉભી લીટીમાં લખાય છે (જેમ કે 古池や 蛙飛込む 水の音 ), અંગ્રેજીમાં તેને ત્રણ લીટીમાં લખવાની શરૂઆત થયેલી. હાઈકુ એવું નામકરણ ૧૯મી સદીમાં માશોકા શીકી દ્વારા કરવામાં આવેલું. પાંચ, સાત અને પાંચ એમ ચૌદ અક્ષરની સીમામાં રહીને અભિવ્યક્તિને પાંખો આપતો આ પદ્યપ્રકાર પોતાનામાં એક વિશેષ લય લઈને આવે છે. નાનકડી પણ ચોટદાર રચના એ એક સુંદર હાઈકુના લક્ષણ છે. મૂળે જાપાની કાવ્યપ્રકાર એવા અહીં પ્રસ્તુત ૧૪ હાઈકુઓ આદરણીય શ્રી સ્નેહરશ્મિની કલમની હથોટી ખૂબ સુંદર રીતે દર્શાવી જાય છે. દરેકે દરેક હાઈકુ પોતાનું અર્થગાંભીર્ય લઈને આવે છે અને કવિ જે વાત ભાવક સુધી પહોંચાડવા માંગે છે તે ખૂબ સચોટ છતાં સરળ રીતે મૂકી જાય છે. પ્રસ્તુત હાઈકુઓ ઈમેજ દ્વારા પ્રકાશિત “૬૦૦ વર્ષની ગુજરાતી કવિતાની ઝલક ઝાંખી, બૃહત ગુજરાતી કાવ્યસમૃધ્ધિ” ની વિમોચન પ્રસંગની નિમંત્રણપત્રિકામાંથી સાભાર લેવામાં આવ્યા છે. આ ૨૦૦૫ ની નિમંત્રણપત્રિકા છે. આ પત્રિકા અક્ષરનાદ સુધી પહોંચાડવા બદલ શ્રી ગોપાલભાઈ પારેખ (વાપી) નો ખૂબ ખૂબ આભાર.


અમો એવા રે એવા, ગુજરાતીઓ – રતિલાલ બોરીસાગર 4

શ્રી રતિલાલ બોરીસાગરનો પ્રસ્તુત હાસ્યલેખ નવનીત સમર્પણના દીપોત્સવી વિશેષાંકની એક જ વિષય “અમો એવા રે એવા ગુજરાતીઓ” વિશે વિવિધ હાસ્યલેખકોના લેખો માંથી લેવામાં આવ્યો છે. લેખકે નરસિંહ મહેતાના કાવ્ય “અમો એવા રે એવા” નું સરસ પ્રતિકાવ્ય પણ સાથે આપ્યું છે. હાસ્યરસનો ખજાનો એવો આ લેખ પ્રસ્તુત કરવાની તક અક્ષરનાદને આપવા બદલ શ્રી રતિલાલ બોરીસાગર સાહેબનો ખૂબ ખૂબ આભાર.


પારદર્શી ક્ષણો – જીજ્ઞેશ અધ્યારૂ (અછાંદસ) 3

આજે પ્રસ્તુત છે મારી એક અછાંદસ રચના ‘પારદર્શી ક્ષણો’, ક્યારેક ક્ષણો ખૂબ અગત્યની હોય છે, ક્યારેક વર્ષો નકામાં, એ અગત્યની ક્ષણો વેડફાઈ જાય અને એની પારદર્શકતાને જો પીછાણવામાં થાપ ખાઈ જવાય તો પછી વર્ષો પણ અપારદર્શક થઈ જાય છે, પણ શું એ લાગણીઓ આટલી ક્ષણિક હોઈ શકે? એ ક્ષણિક અનુભવ જીવનભર પીડા આપી શકે?


પાણી બતાવશું – શૂન્ય પાલનપુરી 3

એકે એક શે’રમાં ખુમારી અને સ્વમાનની ઝલક આપતી આ સુંદર ગઝલ ખરેખર માણવાલાયક છે. ગઝલમાં જોમ અને ઉત્સાહનું વાતાવરણ છે. કવિની ધગશ કોઈ કિનારાઓમાં બાંધી ન બંધાય એવી ધસમસતી નદી છે. મૃગજળને ઘોળી ને પી જવાની તેમની ખુમારી અને રણને પાણી બતાવવાની વાત પણ તેમના કવિત્વનું ખૂબ સુંદર ઉદાહરણ છે. ક્યાંક રણને, ક્યાંક સાગરને, ક્યાંક સભાને તો ક્યાંક આખાય જગને કાંઈક કરી દેખાડવાની તમન્નાનો આવો સુંદર સાદ બીજે ક્યાંય સાંભળવો શક્ય છે?


વખત વાવણીનો…. – જીજ્ઞેશ અધ્યારૂ 8

વરસાદની શરૂઆત થઈ રહી ગઈ છે, અને ધરતીપુત્રો ખેતરને ખેડીને વાવણી માટે તૈયાર થઈ ગયાં છે. બાકી રહી ગયેલા ખેડુતો પણ અત્યારે હળ કે ટ્રેક્ટર સાથે ખેતરોને ખેડી રહ્યાં છે, પહેલા વરસાદમાં ખેડાતા કે વાવણી પામતા ખેતરોમાં ખેડુતોના આખાંય પરિવાર મહેનત કરવા મંડી પડે, વાવણીના ગીતો ગૂંજે અને માટીની સુગંધ ચોમેર ફેલાય એથી આહલાદક દ્રશ્ય શું હોઈ શકે? વખત ખરેખર મારા માટે પણ વાવણીનો જ છે… વિચારોની વાવણી માટેનો


મારી દીકરી જ મારી ખુશી … – હિમાંશુ દવે 15

ગુજરાત ના ભાવનગરમાં જન્મેલા હિમાંશુ દવે, ૩૭ વર્ષના અને છેલ્લા ૧૦ વર્ષથી બેંગલોર સ્થાયી થયેલ છે. વ્યવસાયે મિકેનિકલ એન્જિનીયર અને એમ.બી.એ. – ફાઇનાન્સ, અત્યારે બેંગલોરમાં મલ્ટીનેશનલ કંપની માં ઉચ્ચ પદવી ઉપર કાર્યરત છે. ગુજરાતી કવિતા અને સાહિત્ય એ હિમાંશુ માટે શોખ, નિજાનંદ અને લાગણી વ્યક્ત્ત કરવાનુ શ્રેષ્ઠ માધ્યમ છે. ઉપરોક્ત કવિતા, પોતાની ૧૦ વર્ષની દીકરી – ખુશી, કે જે હાલમાં અમેરિકાના વેકેશન પ્રવાસે છે અને તેના જન્મદિવસે, તેની યાદ આવતા, એક પિતાની – દીકરીને આપેલ – જન્મદિવસની ભેંટ છે. તેમની કલમે આવી અનેક રચનાઓ આપણને મળતી રહે તેવી શુભકામનાઓ.


કવિતાની ઓળખ – સ્નેહરશ્મિ (ભાગ ૨) 4

કવિતા અંગેની પ્રાથમિક સમજ શ્રી સ્નેહરશ્મિએ સાતમી શ્રેણીના બાળકોને કેટલી સુંદર રીતે આપી, કવિતાની વ્યાખ્યા કઈ રીતે તેમણે બાળકો પાસે બંધાવી એ આપણે ગઈકાલની રચનામાં જોયું. આજે એનો બીજો ભાગ અહીં છે, વ્યાખ્યાથી આગળ વધીને એક કવિતાના ભાવને આત્મસ્થ કરવાથી લઈને તેના હાર્દને કવિ કઈ રીતે શબ્દસ્થ કરે છે એ આખીય પ્રક્રિયા અહીં ખૂબ સુંદર રીતે સમજાવી છે. બાળપણમાંજ કવિતા વિશે આવું સુંદર અનુભવજ્ઞાન મળી રહે તો એ જ્ઞાનનો પ્રભાવ ખરેખર જ અદકેરો બની રહેવાનો. ઉમાશંકરની કવિતાનું ઉદાહરણ પણ કેવું સરસ ! કવિતા વિશે આનાથી વધુ સમજ કોણ આપી શકે?


કવિતાની ઓળખ – સ્નેહરશ્મિ (ભાગ ૧) 8

ભગવદ્ગોમંડળ મુજબ કવિતા એટલે, “પદબંધ; અમુક નિયમાનુસાર ગોઠવાયેલ અક્ષર અને માત્રા એ બેના નિયમથી થતી રચના; છંદ; વૃત્ત. તેની ત્રણ જાત; ગીતકવિતા, વીરકવિતા અને નાટ્યકવિતા. અંતર્ભાવપ્રેરિત તે જ ખરી કવિતા ગણાય છે.” પરંતુ પ્રસ્તુત અનુભવવાણીમાં સ્નેહરશ્મિ કવિતા એટલે શું ? એ વિશેની એક નોખી, સાહજીક અને બાળમાનસમાં પણ સહેલાઈથી ઉતરી શકે તેવી વ્યાખ્યા બાંધવાનો યત્ન કરે છે. ક્યાંક બાળપણથીજ જો આવા શિક્ષકો મળી જાય તો એ શિક્ષણની મજા અને તેનો પ્રભાવ ખરેખર જ અદકેરો બની રહેવાનો એમાં શંકા હોઈ જ ન શકે. આજે પ્રસ્તુત છે શ્રી સ્નેહરશ્મિના પ્રયોગનો આ પ્રથમ ભાગ


મંદિરનો બંદી – પ્રભાબહેન પંજવાણી 1

પ્રભાબહેન પંજવાણીનો જન્મ ૧૯૧૨માં થયેલો. આઝાદી પછીના સમયમાં તેમના અનેક કાવ્યસંગ્રહો આવ્યાં હતાં. “અર્વાચીન ગુજરાતી કવયિત્રીઓના કાવ્યો” એ પુસ્તકના સંપાદક શ્રી ઉષાબહેન ઉપાધ્યાય તેમના ૨૩ કાવ્યસંગ્રહો નોંધે છે, જે ૧૯૫૧ થી ૧૯૬૬ વચ્ચેના સમયગાળા દરમ્યાન મુખ્યત્વે લખાયેલા છે. શ્રધ્ધાંજલી, પ્રાર્થનાપરાગ, ક્રાતિને પગલે, રણકારો, ગીત-ગુર્જરી, ફૂલ પાંદડી, શીળો સ્પર્શ, કેવડો, ગાંધીરાસ, ઉરસૌરભ વગેરે તેમના કાવ્યસંગ્રહો છે. પ્રસ્તુત ભક્તિરચનામાં કવયિત્રી પ્રભુને ફરીયાદ કરે છે. પ્રભુ હવે ફક્ત મંદિરમાં બંદી બનીને રહી ગયા છે અને માનવજાત પોતાના અનેક દુર્ગુણોની સાથે સ્વાર્થવશ થઈને પ્રભુની સૃષ્ટિમાં નફરત ભરી રહ્યાં છે, એક બીજાનું ખરાબ કરી રહ્યાં છે અને પોતાની ફરજો ભૂલી ગયાં છે. આ બધાં પાપમાંથી પોતાને બચાવવાની પ્રાર્થના તેઓ ભગવાનને કરે છે.


એક નહિં જન્મેલી દીકરીનો મરસિયો – સરૂપ ધ્રુવ (કાવ્ય) 6

એક નહિં જન્મેલી દીકરીનો મરસિયો ‘, શિર્ષકમાં જ કેટલી ધગધગતી વાત સાથે આ રચનાની શરૂઆત કરાઈ છે. અહીં કવયિત્રી ખરેખર તો એક દીકરીનો નહીં જન્મવા પહેલાનો, ગર્ભમાં આવે અને ગર્ભમાં જ મૃત્યુને ભેટે એ દરમ્યાનનો સમયગાળો, એ જીવનકાળ એક પરપોટો લેખીને આખીય રચના પ્રસ્તુત કરે છે. એ જીવને વિશ્વમાં પગ પણ માંડવા નથી મળવાના, જેમ પરપોટાને આયુષ્યની કોઈ બાંહેધરી હોતી નથી તેમ આવી ગર્ભસ્થ પુત્રીની જરૂરત તેની માં ને નથી, તો પિતાને પણ એ ઝાંખપ જેવી લાગે છે, પુત્રી ભ્રૃણહત્યાની આખીય કુપ્રથાને ખૂબ આકરા પ્રહારોથી, જાણે વખોડતી આ રચના અત્યાર સુધીની આવા વિષય પર વાચેલી કોઈ પણ રચના કરતાં સ્પષ્ટ અને ભાવપૂર્વક પોતાની વાત કહી જાય છે. અને એ આકરી રચના બદલ કવયિત્રી ખરેખર ખૂબ અભિનંદનને પાત્ર છે.


આણાં – દામોદર બોટાદકર (ગીત) 1

લગ્ન પછી પહેલું આણું વાળીને પિયર જવા તૈયાર દિકરી રાહ જુએ છે કે પિયરથી ભાઈ તેને લેવા ક્યારે આવે. આપણાં લોકજીવનની અને ખાસ તો હજુયે ગ્રામ્યસમાજમાં સચવાઈ રહેલી આણું વાળવાની આ પરંપરા અનેરી છે. લગ્ન થઈ ગયા પછી પ્રથમ વખત પોતાના પિયરે પાછાં જવાનો ઉત્સાહ સમાતો નથી એવામાં ભાઈને આવવામાં સહેજ મોડું થાય તો અનેક વિચારો તેના મનને ઘેરી વળે છે, અને અંતે ભાઈ આવે ત્યારે તેની સાથે પિયરની બધી યાદોને ફરી જીવવા તે નીકળે છે એમ દર્શાવતું આ ગીત ખરેખર એક લોકગીતનો હોદ્દો ભોગવે છે. કવિ શ્રી બોટાદકરનું આ ગીત તેમના ગીતોનું સંપાદન એવા મધુરૂ માંગલ્ય માંથી સાભાર લેવામાં આવ્યું છે.


અમે અમારી કબર….. – દક્ષા દેસાઈ (અછાંદસ) 3

માણસ જીવનની બધી તૈયારીઓ કરે છે, જીવવા માટેની બધી જ સુખ સગવડોની, સાધનોની, ઐશ અને આરામની તેઓ વ્યવસ્થા કરી રાખે છે પરંતુ જીવન પછીના સફરની તે કોઈ તૈયારી કરતો નથી. પ્રસ્તુત અછાંદસ ક્યાંક આ વાતની જ મજાક ઉડાવે છે. મૃત્યુ પછીની તૈયારીઓ એટલે સાધન સગવડોની તૈયારી કરવાની વાત કરીને કવયિત્રીએ અહીઁ આપણી સમજની નિષ્ફળતા દર્શાવી છે. માણસ પોતાની ભૌતિક સગવડોથી જીવન પછીની સફર પણ તોળવાનો યત્ન કરે છે, જે વ્યર્થ છે એમ સમજાવવાનો અહીં પ્રયત્ન છે.


શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં ? – વિશનજી નાગડા (કાવ્ય) 8

રામને માટે જીવનભર રાહ જોનારી ભીલડી એટલે ‘શબરી’. શ્રધ્ધા અને ભક્તિ બંને છેક સુધી તરસાવે અને અંતે મુક્તિના મધુર રસનું અમૃતપાન કરાવે એનું શ્રેષ્ઠ ઉદાહરણ, પરંતુ પ્રસ્તુત ભાવગીતમાં વાત કાંઈક અલગ છે. ક્રિયાત્મક તથ્યોથી અલગ કવિને ઘટનાઓમાં કાંઈક ભાવાત્મક ઊંડાણ દેખાય છે. એ બોર ચૂંટતા શબરીના હાથના ટેરવે નીકળેલા લોહીને લીધે બોરનો લાલ રંગ હોય કે રામ રામ બોલીને થાકેલી એની જીભ, કવિનું મનોવિશ્વ એની સાબિતિ પોતે જ આપે છે. ખૂબ ભાવસભર અને સુંદર રીતે ગાઈ શકાય એવા આ ગીતને અંતે એટલું તો કહેવું જ જોઈએ, ” ઘૂંટવી છે જીંદગીને એટલી, જેટલી કડવાશ પામે, એટલી મીઠાસ દે “


Pirated Software જેવી જીંદગી – જીજ્ઞેશ અધ્યારૂ 13

જીવનને કોમ્પ્યુટર સિસ્ટમ સાથે સરખાવતાં આવું વિચારાઈ ગયું, કેટકેટલી વાતો સરખી ને તોય કેટલી અલગ? કી બોર્ડ જે છાપે એ સ્ક્રીન બતાવે, પણ મનના કી બોર્ડ અને આપણા ચહેરાના સ્ક્રીનનું શું? કેટલાક તો એક સાથે બે ત્રણ જીંદગી જીવી શકે છે, મહોરામાં જીવી શકે છે. કોમ્પ્યુટર માં જેમ My Computer, My Documents એમ જીવનમાંય મારું ઘર, મારા મિત્રો, મારા પૈસા……. પણ એ ક્યાં સુધી? બીજાની માન્યતાઓ અને ઈચ્છાઓ પર જીવતા આપણે કોઈકના બનાવેલા નિયમો પર જીવીએ છીએ તો આપણે Pirated Software જેવા નથી શું? આવી ઘણી વિચારધારાઓને અહીં વહેવા દીધી છે ને રહેવા દીધી છે…..


તમારે લગ્ન કરવા છે? શરતો અને પૂર્વધારણાઓ … – જીજ્ઞેશ અધ્યારૂ 10

શ્રી સુરેશ દલાલની ક્ષમાયાચના સાથે તેમની ખૂબજ સુંદર રચના “તમને તારાઓની બારાખડી ઉકેલતાં આવડે છે ?” નું પ્રતિકાવ્ય બનાવવાનો પ્રયત્ન કર્યો છે.

અમારા સહકાર્યકર અને મિત્ર અને વ્યવસાયે સિવિલ ઇજનેર શ્રી ભરત માલાણીના શુભલગ્ન પ્રસંગે તેમને આ રચના સપ્રેમ પ્રસ્તુત કરી છે. પ્રભુ તેમના સહજીવનને આનંદ-ઉલ્લાસભર્યું, સફળ અને સુખદ બનાવે તેવી પ્રાર્થના. જો કે મિત્રોને લગ્નપ્રસંગે આવા કાવ્યો આપવા એવી કોઈ પ્રથા પાડી નથી પરંતુ એક મિત્રના લગ્નપ્રસંગે લખેલી રચના તારા Marriage થઇ જશે પછી આ બીજી એવી જ રચના થઈ છે.


તમને દીકરીના પપ્પા થવાનું ગમે? – જીજ્ઞેશ અધ્યારૂ 25

દીકરી વગરનું જીવન એટલે ધબકાર વગરનું હૈયું. દીકરી હોય અને તેનાથી થોડાક દિવસ પણ દૂર રહેવું પડે તો જાણે જીવનની સૌથી મોટી સજા મળી હોય એમ લાગે. ક્યાંક દૂર રહેલી દીકરી શું કરતી હશે, મારા વગર કેમ રહેતી હશે એવા વિચારે પિતાનું હૈયું વ્યાકુળ થઈ જાય છે. અને એ જ દીકરીને વળાવ્યા પછી તો વાત જ ન પૂછશો. પિતા અને દીકરીની વચ્ચે એક અલગ જ સંબંધ હોય છે. પ્રસ્તુત રચનામાં એ જ સમાવવાનો પ્રયત્ન કર્યો છે. મારી પુત્રી વિશે હું તો આવું જ અનુભવું છું. આશા છે દરેક પિતાને પણ આવી લાગણીઓ જ થતી હશે. તમને દીકરીના પિતા થવાનું ગમે એ સવાલ છે એક પિતાનો સમાજના એવા બધાંય લોકોને જેઓ આજે પણ પુત્રઝંખનામાં ઘેલા છે.


દલિતોના બેલી – દાન વાઘેલા 4

ભાવનગરના શ્રી દાન વાઘેલાની રચનાઓ ઘણાં પ્રતિષ્ઠિત સામયિકોમાં સમયાંતરે માણવા મળતી રહે છે, અને પ્રથમદર્શી રીતે તેઓ પ્રેમીઓના કવિ જણાય છે, પણ ના ! પ્રસ્તુત દલિત કાવ્ય તેમની દલિતોની, વંચિતોની વેદનાને વાચા આપવાની હથોટીનો સબળ અને સક્ષમ પુરાવો છે. આપણી ભાષામાં આ પ્રકારની રચનાઓની ચર્ચા જવલ્લે જ થાય છે, અને એથીય ઓછું તેમને માણવાનું, એમાંય કરકસર કરાય છે. પરંતુ દલિત સાહિત્ય એક વિશાળ વિસ્તૃત રચનાકારોનું વૃત્ત છે, અને એટલે વંચિતો અને સમાજના આ મહત્વના પણ ઉપેક્ષિત વર્ગની વાતો વ્યક્ત કરતી રચનાઓની અગત્યતા સમજવી જરૂરી છે.


મૃત્યુ – જયન્ત પાઠક 5

મૃત્યુ વિશે શ્રી જયંત પાઠકની ઉપરોક્ત રચના ઘણુંય અર્થગંભીર કહી જાય છે, કાંઈક એવું જે સમજવા થોડુંકં આંતરદર્શન કરવું પડે, તે મૃત્યુને કાચબો કહે છે, મધમાખી કહે છે, ઈંડુ કહે છે અને એ બધાંયના સ્પષ્ટીકરણ પણ તેમની આગવી છટામાં આપે છે. જીવનની ઘણી તારીખો, ક્ષણો આખાય જીવનની દિશા બદલી દેતી હોય છે. આવીજ એક ખૂબ જ કપરી ક્ષણ અમારા પરિવારને તા. ૧૦ એપ્રિલ ૨૦૧૦ના દિવસે ધ્રુજાવી ગઈ. મારા પત્નિ પ્રતિભા અધ્યારૂના પિતાજીનું અવસાન થયું. મહુવાથી મુંબઈનો એ રસ્તો, એ સફર જીવનનો સૌથી અઘરો પંથ હતો, કોઈક આપણી આસપાસ સત્તત વહાલનો વરસાદ હોય, છત્રછાયારૂપ હોય, અને અચાનક જતા રહે, વહાલથી હસતા, હસાવતા, સદાય વાતાવરણને જીવંતતાથી ભરી દેનારા જ્યારે સાવ અચાનક મૂંગા થઈ જાય ત્યારે એ મૌનને પચાવવું અઘરું હોય છે. કોઈકની ગેરહાજરી જ આપણને એ અહેસાસ કરાવી જાય કે તેમના વગરના જીવનનો વિચાર પણ નહોતો ત્યારે એવું જીવન જીવવાનું આવ્યું. થાય કે કાશ ! ભગવાન વીતેલો સમય, થોડોક સમય ફરીથી જીવવા આપે…..