અક્ષરનાદ


About અક્ષરનાદ

સિવિલ (જીયોટેકનીકલ) એન્જીનીયર અને મરીન બાંધકામ ક્ષેત્રમાં પાછલા દસ વર્ષથી સતત કાર્યરત,૨૦૦૭ થી અક્ષરનાદ.કોમ વેબસાઈટ પર લેખન / સંપાદન તથા બ્લોગ અધ્યારૂ નું જગત પર લેખન

ચાલોને રમીએ હોડી હોડી – પિનાકીન ત્રિવેદી 5

ચાલોને રમીએ હોડી હોડી એ શ્રી પિનાકીનભાઇ ત્રિવેદીએ રચેલું સદાબહાર બાળગીત છે. ગુજરાતી માધ્યમમાં ભણતા કદાચ જ કોઇ એવા બાળકો હશે જેમને આ ગીતે નહીં આકર્ષ્યા હોય. બાળપણ વીતી જવા છતાં હોડી બનાવતા નાના બાળકોને જોઇને આ ગીત અચૂક યાદ આવેજ.


અક્ષરનાદ પર ત્રણ નવી સુવિધાઓ 6

અક્ષરનાદ.કોમ પર ઉમેરા ઇરહેલી ત્રણ સુવિધાઓની જાહેરાત. વાચક મિત્રો માટે અક્ષરનાદને માણવાની સરળતા ખાતર તથા તેમની સુવિધા માટેની આ ત્રણેય સગવડો વિશે વિગતવાર માહિતિ માટે જુઓ.


ત્યાગ ન ટકે વૈરાગ વિના – નિષ્કુળાનંદજી 5

ત્યાગ ન ટકે વૈરાગ વિના – શ્રી નિષ્કુળાનંદ દ્વારા લખાયેલું આ ભજન ખૂબજ સુંદર અને ભાવવહી છે. મુક્તિનો – ભક્તિનો માર્ગ પામવામાં આવતી તકલીફો, છલનાઓ અને વિટંબણાઓનો અહીં માર્મિક ભાષામાં સુંદર ચિતાર અપાયો છે.


ભૂતળ પ્રેમ પદારથ … – જીગ્નેશ અધ્યારૂ 7

પ્રેમને અને તેના પ્રભાવને શબ્દના વાઘાથી શણગારવો એ અશક્ય વસ્તુ છે, કારણકે પ્રેમ મૂળતો મૌનની ભાષા છે, મનનો વિષય છે, છતાંય પ્રેમ નામની એ અનોખી લાગણી, તેની અભિવ્યક્તિ, અને તેના સત્વ વિશે થોડાક વિચારો આલેખવાનો આ નમ્ર પ્રયત્ન છે.


બે પદ્ય રચનાઓ – ડિમ્પલ આશાપુરી 7

શ્રીમતી ડિમ્પલ આશાપુરી સાહિત્યના અભ્યાસી છે. ગુજરાતી સાહિત્યમાં બીએ અને એમ એ કર્યા પછી હાલ તેઓ વડોદરામાં સ્થાયી થયા છે. આજે પ્રસ્તુત છે તેમની બે સુંદર પદ્ય રચનાઓ. અક્ષરનાદને આ રચનાઓ મોકલવા બદલ તેમનો ખૂબ આભાર.


એલફેલ પ્રિપેઇડ કસ્ટમર કેર – જીગ્નેશ અધ્યારૂ 23

ગામડાનો એક વ્યક્તિ ફોન કરે છે “એલફેલ” મોબાઇલ કંપનીના કસ્ટમરકેર વિભાગમાં અને તેની ગ્રાહક સુવિધા અધિકારી સાથે થયેલી થોડીક અસામાન્ય પણ મલકાવતી વાતચીતના અંશો માણો અહીં…. માણો થોડી મરકતી, હસતી, હળવી પળો ….


કન્યા વિદાય – અનિલ જોશી 17

કવિ શ્રી અનિલ જોશી દ્વારા રચિત આ સુંદર અને ભાવસભર ગીત લગ્નની સાથે જોડાયેલી વસ્તુઓ જેવી કે ઢોલ, ઘરચોળું, દિવડો, શેરી, સાફો વગેરેના માધ્યમથી કન્યા વિદાય પછી વ્યાપેલા સૂનકારને ખૂબ અચૂક રીતે પ્રસ્તુત કરે છે.


અલક મલકની કન્યા – ઉમાશંકર જોશી 2

શ્રી યશવંત શુક્લ દ્વારા સંપાદીત પુસ્તિકા “ઉમાશંકરની વારતાઓ” શ્રી ઉમાશંકર જોશીની કેટલીક શ્રેષ્ઠ ટૂંકી વારતાઓના સંગ્રહ છે. તેમાંથી આભાર સહ આજે વાંચો કૃતિ “અલક મલકની કન્યા” જે ગુજરાતી સાહિત્યમાં સીમાસ્તંભ સમાન રચના છે.


ઘાયલ સાહેબની ત્રણ ગઝલો 21

આજે અમૃત ઘાયલ સાહેબની મને અતિ પ્રિય એવી ત્રણ ખૂબસૂરત ગઝલો…
1. મજા ક્યાં છે, ખુશી ક્યાં છે, એ દિલ ક્યાં છે જિગર ક્યાં છે,….
2. ક્યાં સાંભળું છું હું પણ દિલની પુકાર આજે, …… અને
3. છે સાચી વાત એ કે બધી ગમવી જોઇએ…..


ગીર – મન લાગ્યો મેરો યાર ફકીરીમેં (ભાગ 3) 10

ગીરયાત્રાના અનુભવો ભાગ ૧ અને ભાગ ૨ આપે અહીં વાંચ્યા. આજે વાંચો તુલસીશ્યામ પાસે આવેલી દોઢી નેસ અને આસનઢાળી નેસની મુલાકાતો સાથેનો ત્રીજો અને અંતિમ ભાગ.


ગીર – મન લાગ્યો મેરો યાર ફકીરીમેં (ભાગ 2) 2

ગીરના જસાધાર પાસે ચીખલકૂબા નેસથી થોડેક દૂર જંગવડ ની અગણિત વડવાઇઓ નીચે વનભોજન અને તે પછી આધ્યાત્મિક રંગે રંગાયેલી એ યાદગાર રાત્રી, ગઇકાલે આપે માણ્યો પ્રથમ પરિચય, આજે માણો આ અધ્યાત્મ યાત્રાનો બીજો ભાગ


ગીર – મન લાગ્યો મેરો યાર ફકીરીમેં… ( ભાગ 1 ) 8

ગરવા ગીરના એક તદન નવા સ્વરૂપનો પરિચય. આ ગીરના સિંહ કે હરણાં, કે ગીરની હરીયાળીની વાત નથી. આ વાત છે ગીરમાં અફાટ પાંગરેલા અધ્યાત્મની, તેની સંત પરંપરાઓ અને ગીરની સ્વાભાવિક ફકીરીની. માણો અમારો ગીરનો અનોખો અનુભવ.


બ્રહ્માંડની સફર કરો તમારા કોમ્પ્યુટરથી 10

શું તમે ક્યારેય અમાસની કાળી રાતે આકાશમાં તારાઓ અને ગ્રહોના સમૂહને જોયા છે?

ક્યારેય એ આકાશને નજીકથી જોવાની, એની ઉંડાઇનો તાગ મેળવવાની ઇચ્છા થઇ છે? દૂર સુદૂર પ્રકાશિત એ કયો ગ્રહ છે કે તારો છે એ તમને ખબર છે?

અહીં બે ઉપલબ્ધ નાનકડા સોફ્ટવેર વિશે આપને જણાવી રહ્યો છું જે આપને આપના કોમ્પ્યુટરમાં આખાય આકાશનો ખૂબ સુંદર ચિતાર તેના ગ્રહો અને તારાઓની ઓળખાણ સાથે આપે છે.


મારી બે ગઝલો – જીગ્નેશ અધ્યારૂ 6

જીગ્નેશ અધ્યારૂની બે રચનાઓ, ગઝલ…, પ્રથમ ગઝલ સમર્પિત છે એવા મનુષ્યને જે પોતાની સાચી ઓળખાણ શોધી રહ્યો છે, દરીયા સાથે આ સમગ્ર પ્રયાસની સરખામણી છે, તો બીજી ગઝલ યુવાનીના પ્રેમના સ્મરણો વિશેની છે.


કર્મનો સંગાથી… – મીરાંબાઇનો અમૃત પ્યાલો 1

કર્મનો સંગાથી રાણા મારૂ કોઇ નથી ખૂબ ભાવવહી, સરળ અને હૈયા સોંસરવુ ઉતરી જતુ ભજન છે. ભક્તિ સંપ્રદાયના ફેલાવામાં આવા સરળ ભજનોએ ખૂબ ફાળો આપ્યો છે…. માણો આ સુંદર ભજન અને સાથે તેની વિશદ સમજૂતી.


શેખર સેન દ્વારા ભક્તિ સંગીત સંધ્યા 9

મહુવા ખાતે યોજાયેલ શ્રી શેખર સેનનો ભક્તિ સંગીત સંધ્યાનો કાર્યક્રમ અને તેમણે પ્રસ્તુત કરેલ કેટલીક ખૂબ સુંદર અને ભાવવહી રચનાઓનો અનોખો સંગ્રહ. એક માણવાલાયક પ્રસ્તુતિ.


આજથી અક્ષરનાદ ગૂંજે છે… 8

માણો અક્ષરનાદ નો પ્રથમ સંપાદકીય લેખ. આજથી શરૂ થાય છે બ્લોગ ‘અધ્યારૂ નું જગત’ એક તદન નવા સ્વરૂપે, એ જ વૈવિધ્યસભર લેખો, વધુ સગવડો અને પોતાના ડોમેઇન પર આજે ગુરૂપૂર્ણિમાના શુભ દિવસથી ગૂંજશે અક્ષરનાદ…


અધ્યારૂ નું જગતની છેલ્લી પોસ્ટ

લાગે છે થાક એવો કે ક્યારેક વાટમાં, સમજી હવાને ભીંત અઢેલી જવાય છે. જનાબ શ્રી અમૃત ઘાયલ સાહેબનો તેમને પ્રિય આ શે’ર મને ઘણી વખત મારી સ્થિતિ સાથે બંધબેસતો લાગે છે. બ્લોગનો, વેબસાઈટનો, કોઈ પુસ્તકનો કે સાહિત્યના કોઈ પણ પ્રકારનો મૂંળ ઉદ્દેશ શું હોય? લેખક માટે એ પોતાના ભાવવિશ્વની ઉર્મિઓ, તેની નવીનતા, સંવેદના અને અનુભવોનું આગવું નિરૂપણ છે, તો વાંચક માટે એ ભાવવિશ્વની ઉંડાઈ સુધી પહોંચવાની તમન્ના અને તેના મૂળ ગુણધર્મને પામવાનો પ્રયત્ન છે. શ્રી અંકુરભાઈ દેસાઈ કહે છે તેમ આત્મ વિસ્તરણમાં મૂળભૂત અજ્ઞાત હોવાનો ભાવ જ ઉર્ધ્વગામી પરીબળોને સાર્થક કરે છે. આત્મવિકાસના શૂન્યમાં જ્યાં સુધી “સ્વ” વિશેની સભાનતા ઓગળતી નથી ત્યાં સુધી તેના સ્વરૂપો અનંતગતિને સાધી શક્તા નથી. સાહિત્યનો કોઈ પણ પ્રકાર તેના મૂળ ઉદ્દેશ સુધી પહોંચતો નથી. વાચકને મજા આવશે કે નહીં એવું વિચારીને લખનાર પોતાની લેખનની મજાને તો જોખમમાં મૂકે જ છે પરંતુ વાચકની પસંદને પહેલેથી ધારીને તે વર્તુળ પણ સીમીત કરી દે છે. લેખન એ પૂજા જેવું કાર્ય છે, તેની પવિત્રતા, તેની અખંડિતતાને માન મળવું જો ઓછું થાય તો સાહિત્યનું સ્તર પણ નીચે ઉતરી આવે. છેલ્લા થોડાક દિવસથી અધ્યારૂ નું જગત બ્લોગ અનિયમિત થઈ ગયો હતો, કારણમાં મૂળ “થાક”, કૌટુંબિક જવાબદારીઓ, નોકરી, પિપાવાવ થી વડોદરાની નવ કલાકની અપડાઉન જેવી આવનજાવન, અને ગીરમાં સતત ભટકવાની અદમ્ય ઝંખના, સમયનો અભાવ અને પોસ્ટ કરવાની અવગણી ન શકાય તેવી તીવ્ર ઈચ્છા જેવા બે છેડાઓ વચ્ચે હું, આ બધા પરિબળો એક પછી એક ભેગા થતા ગયાં, અને બ્લોગ પર પોસ્ટ ઘટતી રહી, અનિયમિત થતી રહી. અનિયમિત થવા કરતાં બ્લોગને સતંદર બંધ જ કરી દેવો અને એક લાંબો વિરામ લેવો એવો નિર્ણય અંતે લીધો […]


બહેન મારી – સોમાભાઇ ભાવસાર 5

લાલ ને લીલી, વાદળી પીળી, કેસરી વળી, જાંબલી વળી, રંગબેરંગી ઓઢણી લઉં, બહેન મારીને ઓઢવા દઉં! સોનીએ ઘડ્યાં રૂપલે મઢ્યાં, નાના નાના ઘૂઘરા ઝીણા, એવી બે ઝાંઝરીઓ લઉં, બહેન મારીને પહેરવા દઉં! ચંપા બકુલ, બોરસલી ફૂલ, માલતી ને મોગરાનાં ફૂલ, બાગમાંથી હું લાવી દઉં, બહેનને વેણી ગૂંથવા દઉં! ઓઢણી તમે ઓઢજો બેની, ઝાંઝર પગે પહેરજો બેની, વેણી માથે ગૂંથજો રે….! બાગમાં ઘૂમી હીંચકે હીંચી, સાંજરે વહેલા આવજો રે, ભાઇને સાથે લાવજો રે…..! -સોમાભાઇ ભાવસાર


મારો પ્રિય શે’ર – કાબિલ ડેડાણવી 5

ઠેસ પહોંચાડવી છે હૈયાને? કોઇ તાજું ગુલાબ લઇ આવો. -કાબિલ ડેડાણવી પ્રભુના પયગમ્બર, કુદરતના પ્રતિનિઘિ એવા કવિઓને દૈવ વાણી-આત્મસ્ફૂરણા થતી હોય એવા સ્વયંસ્ફૂરિત શે’રો-કાવ્યોને ઇલ્હામી કહે છે. એટલે આ શે’ર પોતાને કેમ પ્રિય છે, કેમ ગમે છે અને ક્યા સંજોગોમાં ઉદભવેલો એનો ખુલાસો કરવાનું કહેવામાં આવે ત્યારે એમ લાગે છે કે મને મારી જ મનોસૃષ્ટિમાં પુન:પ્રવેશી, અતીત ઉલેચીને મારી જ અભિવ્યક્તિ પર સંશોઘન – Research નું કામ સોંપવામાં આવ્યું છે. બીજાની કૃતિઓ – અન્યોનાં સર્જન ઉપર સંશોઘન કરવું કદાચ ઘણું દુષ્કર નથી હોતું. પરંતું પોતાના જ વિચાર –કાવ્યો, શે’રો કે સ્ફૂરણા પર reflect કરવું સંભવિત તો હોય છે. પણ ઇલ્હામી શે’ર માટે હું એવું ખાતરીપૂર્વક કહી શકું નહીં. ઉપરોક્ત શે’ર મેં જેટલીવાર સંભળાવ્યો છે. એના કરતાં અનેકવાર વઘારે મને અન્ય કવિમિત્રો-રસિકોએ સંભળાવ્યો છે અને શ્રોતાઓએ મને યાદ અપાવ્યો છે. ક્યારેક તો મને એવું લાગ્યું છે કે મેં આ સિવાય પણ કોઇ અન્ય સર્જન કર્યું છે ખરું? ખરી રીતે તો જેમને પંસદ છે એવા લોકોને આ પ્રશ્ર્ન પૂછવો જોઇએ કે આ શે’ર એમને કેમ પ્રિય છે? કોઇ શુભ સર્જનને પોષક એવી પળે આ શે’રે અવતાર ઘારણ કર્યો છે કે કદાચ મારી શોકસભામાંય એ સંભાળાવવામાં આવશે અને પછીય આ શે’ર મને સુખે મરેલો રહેવા નહીં દે  – કાબિલ ડેડાણવી ( પુસ્તક : મારો પ્રિય શે’ર – પોતાના પ્રિય શે’ર અને તેના વિશે રચયિતાઓના વિચારો દર્શાવતું સરસ પુસ્તક)


અંતકાળ એટલે શું? – શ્રી ગીતાજી (અધ્યાય 8 ના આધારે) 14

અર્જુને પ્રભુ શ્રી કૃષ્ણને આ અધ્યાયમાં સાત પ્રશ્નો પૂછે છે. તેને પૂછવો હોય છે એક જ પ્રશ્ન પણ જો તે સીધે સીધું જે પૂછવાનું છે તે પૂછી લે તો પ્રભુને લાગે કે હજી તેનો મોહ ગયો નથી, એટલે તે આડા અવળા પ્રશ્નો પૂછીને છેલ્લે સાતમો મુખ્ય પ્રશ્ન પૂછે છે. . . . प्रयाणकाले च कथं ज्ञेयोऽसि नियतात्मभिः ॥८- २॥ જેઁમણે પોતાનું ચિત્ત વશ કર્યું છે તેઓ મરણકાળે આપને કેવી રીતે જાણે છે? જવાબમાં પ્રભુ કહે છે કે …. अक्षरं ब्रह्म परमं स्वभावोऽध्यात्ममुच्यते। भूतभावोद्भवकरो विसर्गः कर्मसंज्ञितः ॥८- ३॥ જે અંતકાળે મારૂ સ્મરણ કરતો શરીર છોડી જાય છે તે મારો ભાવ પામે છે, એમાં શંશય નથી. અંતકાળ એટલે શું? દૈનિક મૃત્યુ, અવસ્થાંતર મૃત્યુ, અજ્ઞાનનું મૃત્યુ અને દેહનું મૃત્યુ. મૃત્યુના આ વિવિધ પ્રકારો છે. દૈનિક મૃત્યુ એટલે ઉંઘ, એમાં બધુંજ છૂટી જાય છે. ઉંઘમાં પડ્યા એટલે વિદ્યા નહીં, પૈસા નહીં, મોહ, માયા, ગાડી, બંગલો, પત્ની, છોકરા બધાં ક્યાં જતા રહે છે? પણ જેવા સવારે ઉઠ્યા એટલે એ બધાં છે. કહે છે કે શરીર મૃત્યુ પામે છે, આત્મા નહીં. આત્મા અમર છે. अजो नित्यं शाश्वतोऽयं पुराळो, न हन्यते हन्यमाने शरीरे ॥ અવસ્થાંત્તર મૃત્યુ એટલે कौमारं, यौवनं, जरा એવી અવસ્થાઓ આવે અને જાય તે. યુવાની આવે અને જાય, કુમારાવસ્થા આવે અને જાય, વૃધ્ધાવસ્થા પણ એમ જ આવે અને જાય, એ કોઇ લાખ પ્રયત્ન કરે તો પણ રોકી શકાય તેમ નથી, એટલે કુમારાવસ્થાનું મૃત્યુ એટલે યુવાની અને યુવાની નું મૃત્યુ એટલે વૃધ્ધાવસ્થા. આ અવસ્થાનું મૃત્યુ છે. ત્રીજું મૃત્યુ એટલે અજ્ઞાનનું મૃત્યુ. દરેક ઉગતા – આથમતા  દિવસ્ સાથે જીવન કાંઇકને કાંઇક શીખવે છે. બાળક જન્મે ત્યારથી લઇને મૃત્યુ […]


થાકી ગયો છું – હરજીવન દાફડા 7

ક્યારેય ક્યાં અકારણ થાકી ગયો છું હું. પુષ્કળ ઉપાડી ભારણ થાકી ગયો છું હું. પ્રગટે અહીં પળેપળ પ્રશ્નો નવા નવા, શોધી નર્યા નિવારણ થાકી ગયો છું હું. તોયે તમારાં પાવન પગલાં થયા નહીં, કાયમ સજાવી આંગણ થાકી ગયો છું હું. પીડાવિહોણો મારગ એકે મળ્યો નહીં, વેઠી અકળ વિમાસણ થાકી ગયો છું હું. જાણી શક્યો ન જીવના અસલી સ્વભાવને, બેહદ કરી મથામણ થાકી ગયો છું હું.  – હરજીવન દાફડા જીવનની અનેક નિષ્ફળતાઓ અને તેના લીધે લાગેલા થાકનો અહીં ઉલ્લેખ કરતા કવિ સરસ રીતે તે થાકના વિવિધ કારણો સમજાવે છે. તેમના મતે તેઓ ક્યારેક અકારણ થાક્યા છે તો ક્યારેક પુષ્કળ ભારણથી થાકી ગયા છે. જીવનમાં માણસને વિવિધ અનુભવો થાય છે, ઘણાં દુખદ અને ઘણા સુખદ પરંતુ અહીં કવિને ક્યારેક કોઇ ખાસ કારણ વગર, અકારણ થાક લાગે એમ અનુભવાય છે. તો ક્યારેક જીવનના વિવિધ ક્ષેત્રોમાઁ આવતા તણાવ કે કાર્યબોજને લઇને પણ કવિ ખૂબ થાકી ગયા છે. જીવનના દરેક દિવસે, દરેક પળે નિતનવા પ્રશ્નો ઉદ્ભવે છે અને એ પ્રશ્નોને નિવારવામાઁ, તેમના ઉકેલ શોધવામાઁય કવિ ખૂબ થાકી ગયા છે. કવિએ તેમના મહેમાનો માટે, પ્રેમ પામવા માટે આંગણ કાયમ સજાવી રાખ્યું છે, પણ કોઈ આવ્યું બહીં, તેથી આંગણું સજાવી રાખીને પણ કવિ થાકી ગયા છે. જીવનના કાર્યો માટે તેમને પીડા વગરનો કોઇ માર્ગ મળ્યો નથી, દરેક ક્ષેત્રમાઁ તેમણે વેઠવું પડ્યું છે એ કારણે પણ કવિ થાક અનુભવે છે. જીવનનો મૂળ સ્વભાવ છે મથામણ, જીવનના અનેક ક્ષેત્રોમાં સફળતા માટે, ભલે તે કૌટુંબિક હોય કે વ્યાપારિક, દરેક સ્થળે મથામણ કરવી પડે છે. કાંઇ મહેનત કર્યા વગર મળતું નથી એ  કાર્યનો નિયમ છે. કવિ જીવનના આ અસલી સ્વભાવને ન […]


બે ગઝલ – અમૃત ‘ઘાયલ’ 7

1. અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી, અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી … ઘડીઓ આ જુદાઇની અને તે પણ જવાની માં? અમે આ પણ સહન તલવાર બેધારી કરી લીધી … મને કંઇ વાત તો કરવી હતી અલગારી મન મારા, વળી કોના થકી તેં પ્રીત પરબારી કરી લીધી ! કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી? કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી … 2. ભૂલાતી પ્રેમમસ્તીની કહાની લઇને આવ્યો છું “કલાપી”, “બાલ”ની અંતિમ નિશાની લઇને આવ્યો છું. તમોને ભેટ ધરવા ભરજવાની લઇને આવ્યો છું, મજાના દી અને રાતો મજાની લઇને આવ્યો છું. સિતારા સાંભળે છે શાંતચિત્તે રાતભર, ‘ઘાયલ’ ઉદાસ આંખો મહીં એવી કહાની લઇને આવ્યો છું  – અમૃત ‘ઘાયલ’


માં અંબા તે રમવા નીસર્યા – ગરબો 3

ચૈત્રી નોરતાં શરૂ થઇ ગયા છે, અને આ ચૈત્ર નવરાત્રી ભક્તિ અને સાધના કરવા માટે શ્રેષ્ઠ સમય છે. જગતજનની માતાને યાદ કરતાં આજે ચૈત્ર નવરાત્રીના બીજા દિવસે માતાનો આ ગરબો …….  માં અંબા તે રમવા નીસર્યા દેવી અન્નપૂર્ણા, મા શો લીધો શણગાર રે … દેવી. મા પાવાની પટરાણી રે … દેવી. મા દાતે લેવરાવ્યું દાણ રે … દેવી. મા લીલાવટ દીવડી શોભતી .. દેવી. મા દામણી રત્નજડાવ રે .. દેવી. મા કાને કનક ફૂલ શોભતા .. દેવી. મા ઝાંઝારનો ઝણકાર રે .. દેવી. મા કોટે તે પાટિયાં હેમના .. દેવી. મા કંડીઓ રત્નજડાવ રે .. દેવી. મા બાંયે બાજુબંધ બેરખાં .. દેવી. માને દશે આંગળીએ વેઢ રે .. દેવી. મા લીલા તે ગજનું કાપડું .. દેવી. મા છાયલ રાતી કોર રે .. દેવી. મા ફૂલઝરનો ઘાઘરો .. દેવી. મા ઓઢણી કસુંબલ ઘાટ રે .. દેવી. મા પગે તે કડલાં શોભતા .. દેવી. મા કાંબીઓ રત્નજડાવ રે .. દેવી. મા ગાય અને જે સાંભળે .. દેવી. તેની અંબા પૂરે આશ રે .. દેવી. ભટ્ટ વલ્લભ મા તાહરો .. દેવી. મા જન્મોજનમનો દાસ રે .. દેવી.


એક ઓંકાર ગુરૂબાની : પંજાબી પ્રાર્થના (ભાષાંતર સાથે) – જીગ્નેશ અધ્યારૂ 9

વર્ષો પહેલા દિલ્હીમાં રહેતો ત્યારે એક બે વખત આ ગુરબાની મેં ગુરુદ્વારા નાનકાના સાહિબ, દિલ્હીમાં સાંભળી હતી. પણ તેનો અર્થ ખબર ન હતો, પછી સમય સાથે તે ભૂલાતું ગયું પણ ફિલ્મ રંગ દે બસંતી મારફત ફરીથી તેની યાદો તાજી થઈ ગઈ, આજે પ્રસ્તુત છે આ ગુરબાની અને તેનું મેં મારી સમજ મુજબ કરેલ ગુજરાતી ભાષાંતર. એક ઓંકાર સતનામ કર્તા પૂરખ નિરભા-ઓ-નિરવૈર અકાલ મૂરત, અજૂની સૈભાન ગુર પરસાદ એ એક સાર્વત્રિક સર્જક પરમેશ્વર, તેનું નામ સત્ય છે, જન્મો માટે સર્જક, કોઇ ડર નહીં, નફરત નહીં, જન્મ મૃત્યુથી પર અમિટ જીવનની છાપ, સદભાવના સભર જીવન – ગુરુના પ્રસાદ રૂપ આશિર્વાદ છે. જપ, આદ સચ, જુગાદ સચ, હૈ ભી સચ, નાનક હોસૈ ભી સચ, સોચૈ સોચ ન હોવૈ, જે સોચે લખ વાર, મંત્ર અને સાધના, પ્રથમારંભે સત્ય, અનંત અંત સુધી સત્ય, સત્ય અહીં અને હમણા, સદા અને સર્વદા સત્ય, ગુરુ નાનક ચુપ્પઇ ચુપ ન હોવૈ જે લાય રહા લિવ તાર ચૂપ રહેવાથી મનની શાંતિ મળતી નહીં, હજારો અને લાખો વખત વિચારવાથી પણ શાંતિ મળતી નથી. ભૂખીયા ભૂખ ન ઉતરી, જય બન્ના પુરીઆ બહાર, સહસ સી આનપા લખ હોહી તા ઇક ના ચલૈ નાલ ભૂખ્યાઓની ભૂખ છૂપાતી નથી, ભલે તમે જગત શબ્દોરૂપી ભોજનોનો ખડકલો કરી દે… હજારો અને લાખો ચતુરાઇઓ ભલે હોય, પણ તેમાંથી એક પણ અંતમાં સાથે નહીં આવે. કિવ સાચી આરા હો ઇ ઐ કિવ કૂરહૈ ટૂટે પાલ તો તમે વિશ્વાસપાત્ર કઇ રીતે બની શકો? અને જે નાશવંત છે તેનું સાચું જ્ઞાન કઈ રીતે મેળવી શકો? હુકુમ રજા ઇ ચલના નાનક લિખી આ નાલ નાનક દેવે લખેલું છે કે તમે પ્રભુના હુકમનું પાલન કરો […]


ખરી પડવું – રાજેન્દ્ર પટેલ 1

તમે એમ કહો છો  – કે આ બધું બરાબર નથી, પણ, મારે મન એનો કશોય અર્થ નથી. તમે માનો છો અને સતત મનાવવા મથો છો તમને જ પણ કોઇને કશી પરવા નથી તમે આક્રોશ કરો છો, બધું બદલવાં, તમને બદલ્યાં વગર પણ કશું જ થતું નથી તમે નિરાશ થાઓ છો, કશુંય સમજ્યા વગર સમજો છો, પણ બધુંય દોડ્યા કરે છે, તમે છેક આશા છોડો છો, ક્યાંય કશુંય કર્યા વગર પણ બધું વધ્યા કરે છે, રાબેતા મુજબ જ, મને કહેવાનું મન થાય છે, (જો કે તેનો અર્થ તમને કશો નથી) કે સાચું છે ઝાડ, ફળ, ફૂલની જેમ ચૂપ રહેવું અથવા ખરી પડવું, પર્ણની જેમ ફરી ફૂટવા. – કવિ શ્રી રાજેન્દ્ર પટેલ (કવિલોક સામયિક, જાન્યુઆરી – ફેબ્રુઆરી 2002, વર્ષ 45, અંક 1 માંથી સાભાર)


દુ:ખ એટલે ખુમારી બતાવવાનું ચોઘડીયું – જીગ્નેશ અધ્યારૂ 9

સિવિલ – જીયોટેકનીકલ એંન્જીનીયરીંગમાઁ એક શબ્દ આવે છે, “Bearing capacity”, જમીન પર વજન વધારતા જાઓ અને જો તે કોઇક એક ક્ષણે જમીનમાં ઉતરવાનું શરૂ કરી દે તો એ વજનને કહેવાય એ જમીનની ધારણ ક્ષમતા. પહેલા કોઇ ચોક્કસ જમીનનો તેની ધારણ ક્ષમતા ચકાસવા માટે પ્રયોગ કરવામાં આવે અને જો તે સફળ થાય તો જ તેના પર કોઇ બાંધકામ થાય નહીંતો તેને એ વજન સહન કરી શકવા માટેની ક્ષમતા લઇ શકે તે માટે તેને જરૂરી સારવાર, કહો કે સહાયતા કે સાથ આપવામાં આવે અને પછીજ તેને જરૂરી વજન મૂકીને, તેના પર બાંધકામ કરીને ઉપયોગમાં લઈ શકાય. આ વાત અહીં લખવાનું પ્રયોજન એટલું જ છે કારણકે મને લાગે છે કે ભગવાને માનવજીવન માટે પણ આવા જ કાંઇક માપદંડો બનાવ્યા હશે. દુ:ખના સમયમાં પ્રભુ આપણી ક્ષમતાની, આપણી હિંમતની અને તેના પરની શ્રધ્ધાની કસોટી કરતા હોય, જાણે તે ચકાસતા હોય કે આપણી દુ:ખ પચાવવાની કેપેસીટી કેટલી. માણસ દુ:ખના સમયમાજં તૂટી પડે છે, પ્રભુ કે ઇષ્ટ પરની તેની શ્રધ્ધા ડગી જાય છે, જીવન અકારૂ લાગે છે અને થોડુંક દુ:ખ, થોડીક તકલીફ પણ આપણને પહાડ જેટલી મોટી લાગે છે. હિંમત જવાબ આપી જાય છે, પણ આવા સમયે મારા મતે આપણો ટેસ્ટ થઇ રહ્યો હોય છે, પ્રભુ આપણને કોઇક મોટા કામ માટે, કોઇ મોટી જવાબદારી માટે ચકાસી રહ્યા હોય તેમ ન બને? જો પ્રયોગમાંજ આપણે નાપાસ થઇ જઇશું તો જવાબદારીનું વહન કેમ કરી શકીશું? જીવનમાં દુ:ખ અને તકલીફો સહન કરવા ધીરજ જોઇએ, શ્રધ્ધા જોઇએ અને પોતાના પર વિશ્વાસ જોઇએ, મધ દરીયે તોફાન જોઇ નાવિકો હોડીને મૂકીને કૂદી પડતા નથી, કે હિંમત હારીને, હાથ જોડીને બેસી જતા નથી, પણ સઢને કઇ […]


મારો પ્રિય શે’ર – દિલેર બાબૂ 10

ડૂબી ગયું છે આખું નગર રોશની મહીં. તારા સ્મરણનું મીણ અહીં ઓગળ્યું હશે. – દિલેર બાબૂ મને બરાબર યાદ છે 1973ની દિવાળીની એ રાત હતી. ઊચા પર્વતની ટોચ પર આવેલા વાંકાનેર પેલેસથી હું એકલો મારા ઘર તરફ જઇ રહ્યો હતો. ચારેબાજુ ગાઢ અંઘકાર હતો. અતીતના આગિયા મારી આંખોમાંથી બહાર આવીને ઓગળી જતા હતા. ત્યાં અચાનક પર્વતની તળેટીમાં વસેલું તિમિરથી ઘેરાયેલું નગર મને ઝ્ળહળતું દેખાયું અને ઉપરોક્ત સ્ફૂરી ગયો. હું પ્રસન્ન પ્રસન્ન થઇ ગયો. આ શે’ર ગુનગુનાવતો હું ક્યારે ઘેર પહોંચી ગયો તેનો ખ્યાલ પણ ના રહ્યો. ત્યારબાદ દિવસો, મહિનાઓ અને વર્ષો વીતી ગયાં પણ આ શે’ર પછી ગઝલ આગળ ન વઘી. પરંતુ જેણે જેણે આ શે’ર સાંભળ્યો તેને સ્પર્શી ગયો. કવિમિલનમાં, મુશાયરામાં આ શે’ર દ્રારા મારો પરિચય અપાતો રહ્યો. એ પછી પાંચ શે’ર પણ સ્ફૂર્યા એટલે ઘરમાં જઇ કાગળ પર ગઝલ ઉતારી લીઘી ત્યારે વાંકાનેર જન્મેલા શે’રનું સ્મરણ થયું પણ કાગળ પર સાતમો શે’ર લખવાની જગ્યા ન હતી એટલે એ શે’ર હાંસિયામાં લખ્યો. હસ્તાક્ષરમાં છપાયેલી ગઝ્લ વાંચી વાંચકોએ પૂછ્યું, હાંસિયામાં શે’ર લખવાનું પ્રયોજન શું? જેના પ્રત્યુતર અંગે આજ પર્યંત અનુત્તર રહ્યો છું. આ ગઝલમાંથી ઘણા સ્વરકારોએ ચાર અથવા પાંચ શે’ર સ્વરબઘ્ઘ કર્યા છે; આકાશવાણી-દૂરદર્શન પર પ્રસ્તુત કર્યા છે. શ્રોતાજનોને આ શે’ર ખૂબ ગમ્યો છે. હવે ના પૂછશો કે આ શે’ર મને શા માટે પ્રિય છે!  – દિલેર બાબૂ ( પુસ્તક : મારો પ્રિય શે’ર – પોતાના પ્રિય શે’ર અને તેના વિશે રચયિતાઓના વિચારો દર્શાવતું સરસ પુસ્તક)


વરદાન પાછું લઈ લો – ચક્રવર્તી રાજગોપાલાચારી (અનુ. મુકુલ કલાર્થી) 3

એક ગરીબ ખેડૂત ભગવાનની ખૂબ શ્રઘ્ઘાથી ભક્તિ કરતો હતો. એની નિર્મળ ભક્તિ જોઇ ભગવાન પ્રસન્ન થયા. એક દિવસ તેની આગળ પ્રગટ થઇને ભગવાને કહ્યું, “વત્સ, તને જે ગમે તે વરદાન માગ.” ભગવાને આમ એકાએક પોતાની સામે ઊભેલા જોઇ ખેડૂત અચંબો પામી ગયો. શું માગવું એ તેને સૂઝ્યું નહીં. આથી ભગવાન હસીને બોલ્યા,”તું સંકોચ રાખીશ નહીં. તારી જે ઇચ્છા થાય તે માગ. પણ એટલું ઘ્યાનમાં રાખજે કે તને હું જે આપીશ તે તારા પાડોશીઓને પણ માગ્યા વિના મળશે.” ખેડૂતે કહ્યું,: “:બરાબર છે, બાપજી. પણ શું માગવું એનીમને અત્યારે સૂઝ પડતી નથી. ઘરવાળીને પૂછીને કાલે તમને જણાવીશ.” બીજે દિવસે ખેડૂતે ભગવાનનું ઘ્યાન ઘર્યું, ત્યારે તેમણે પ્રગટ થઇને પૂછ્યું, “કેમ ભાઇ, શો વિચાર કર્યો?” ”હે કરુણાસાગર, મારામાં બુઘ્ઘિ ઓછી છે. મારી સ્ત્રી સાથે મસલત કરીને એમ નક્કી કર્યું છે કે મારી પેટી રૂપિયાથી ભરાઇ જાય અને તેમાંથી ગમે તેટલા રૂપિયા કાઢું તોયે તે ખાલી ન થાય, એવું વરદાન તમારી પાસે માગવું” ”એ તને જરૂર આપીશ. પણ મારી શરત યાદ છે ને? જે વસ્તુ તને મળશે એ તારા ગામના બઘા લોકોને પણ મળશે .” ”દયાનિઘિ! બઘું બરાબર યાદ છે. મને જે મળે તે મારા પાડોશીઓને પણ મળે, એ તો વધારે આનંદની વાત છે.” ”તસ્થાતુ!” કહીને ભગવાન અંતરઘ્યાન થયા. ખેડૂતે ઘેર જઇને પેટી જોઇ તો રૂપિયાથી ખીચોખીચ ભરેલી હતી! બીજે દિવસે ખીસામાં ખૂબ રૂપિયા ભરીને પોતાની સ્ત્રી માટે સાડીઓ ખરીદવા તે નીકળ્યો. રસ્તામાં એને જેટલા લોકો મળ્યા તે બઘાના મોં પર આનંદ આનંદ જ હતો. ખેડૂતને ભગવાનની શરત યાદ આવી. વરદાન કાંઇ તેને એકલાને જ થોડું મળ્યું હતું? બીજાની ખુશી જોઇને તે પણ ખૂબ રાજી થયો. […]


સુખ અને દુ:ખ- અમૃતબિંદુ 2

સાંસારિક વસ્તુઓને માટે થનાર દુ:ખની પરવા ભગવાન કરતા નથી અને ભગવાન માટે થતા (સાચા) દુ:ખને ભગવાન સહી શકતા નથી. ભગવાનના મંગલમય વિઘાનથી જ અનુકૂળ (સુખદાયી) યા પ્રતિકૂળ (દુ:ખદાયી) પરિસ્થિતિ આવે છે. તે આપણા હિતને માટે જ હોય છે. સુખી-દુ:ખી થવું એ પ્રારબ્ઘનું ફળ નથી. પણ મૂર્ખતાનું ફળ છે. તે મૂર્ખતા સત્સંગથી જાય છે. સાઘકે સદા લોભી વ્યક્તિની માફક બીજાના સુખને માટે તૈયાર રહેવું જોઇએ. આવું થવાથી તે સુખ-દુ:ખથી ઊંચે ઊઠી જશે. સુખ પામવા ચાહતા હો તો બીજાઓને સુખ આપો. જેવું બીજ રોપશો તેવીજ ખેતી થશે. સર્વ કાંઇ પરમાત્મા જ છે- ‘વાસુદેવ: સર્વમ’, પરંતું તેઓ ભોગ્ય નથી. જે ભોગ્ય માનીને સુખ લેવા ચાહે છે, તે દુ:ખ પામતો રહે છે. ગૃહસ્થમાં જો બઘાનો એવો ભાવ રહે કે મને સુખ કેવી રીતે મળી જાય તો બઘા દુ:ખી થઇ જશે , અને એવો ભાવ રહે કે બીજાને સુખ કેવી રીતે મળે તો બઘા સુખી થઇ જશે. સુખ સારું  લાગે છે પણ તેનું પરિણામ સારું હોતું નથી. દુ:ખ ખરાબ લાગે પણ તેનું પરિણામ સારું હોય છે. પરિસ્થિતિથી અલગ થવામાં મનુષ્ય સ્વતંત્ર નથી, પણ તેનો ભોગ ન કરવામાં અર્થાત તેનાથી સુખી-દુ:ખી ન થવામાં મનુષ્ય સર્વથા સ્વતંત્ર, સમર્થ અને સબળ છે. સુખ નિર્વિકલ્પતામાં છે. ભોગોમાં નહીં. વસ્તુંઓથી દુ:ખ જતું નથી. કારણકે દુ:ખ વિચારના અભાવથી પેદા થાય છે, વસ્તુના અભાવથી નહીં. તેથી વિચારથી દુ:ખ જતું રહે છે. (અમૃતબિંદુ માંથી)