Yearly Archives: 2010


તમે ટહૂક્યાં ને….. – ભીખુ કપોડિયા 4

શ્રી કૃષ્ણની વાંસળીના સૂર વહેતા થયા અને જાણે આખુંય આકાશ તેના સૂરમાં ગુલતાન થઈને ઝોલે ચઢ્યું એમ વર્ણવતું આ સુંદર ભાવગીત એક ગોપીની મનોભાવના પર આધારીત છે. લીલી કુંજમાંથી સારસની જોડ જેવા વેણ વહે અને આંખો કા’નને જોવા અધીર થઈ રહે છે. ઝરણાંને જોઈને જેમ તરસ્યું હરણું દોટ મૂકે તેમ વાંસળીના સૂર સાંભળી કૃષ્ણને જોવા મન દોટ મૂકે છે એમ ગોપીના મનોભાવ કહે છે. મોરના પીંછાની મધ્યે આલેખાયેલા ર્ંગોને આંખ તરીકે કલ્પીને કવિએ કમાલ કરી છે. તેઓ કહે છે કે એ આંખે આખુંય વન નીરખ્યા કરવાનું મન થાય છે. આમ કૃષ્ણની વાંસળીના એક જ ટહુકારે આખુંય આભ પણ પ્રેમભર્યા મનને ઉડવા માટે ઓછું પડે છે. “શાંત તોમાર છંદ” માંથી સાભાર લેવાયેલું આ ભાવગીત ખૂબ ઉર્મિસભર અને પ્રેમભર્યું છે.


(સંકલિત શે’ર) તું બરફની મીણબત્તી – વિજય રાજ્યગુરુ 20

વિજયભાઈ રવિશંકર રાજ્યગુરુ સિહોરની મુની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે, પરંતુ તેથી સવિશેષ તો તેઓ એક કવિ, લેખક અને સારા રચનાકાર તરીકેનો કાર્યભાર ખૂબ ખંતથી અને નિષ્ઠાથી નિભાવી રહ્યા છે. તેમના પ્રકાશિત સંગ્રહો “ચાલ પલળીએ!” (૨૦૦૦), “તું બરફની મીણબત્તી” (૨૦૦૩), “અવઢવ” (૨૦૦૫) અને “રૂપેરી વાળ” (૨૦૦૫) તેમની સક્ષમતાઓનો પરિચય સુપેરે આપી જાય છે અને ત્રણેય પ્રકાશનો ખૂબ સુંદર રચનાઓનો ભંડાર છે. “તું બરફની મીણબત્તી” એ શ્રી વિજયભાઈ રાજ્યગુરુની ગઝલોનો સુંદર સંગ્રહ છે. ૧૯૭૭ થી ૧૯૯૦ દરમ્યાન લખાયેલી આ ગઝલો અર્થસભર છે, મનહર છે, છંદબધ્ધ છે અને ભાવકો – ચાહકો દ્વારા ખૂબ પ્રશંશાપ્રાપ્ત છે. ૨૦૦૩ માં પ્રકાશિત આ ગઝલસંગ્રહની ગઝલોના કેટલાક સંકલિત શે’ર આજે પ્રસ્તુત છે.


પ્યાલો મેં પીધેલ છે ભરપૂર – દાસી જીવણ 2

જીવનના જ્ઞાનને, ગુરૂએ આપેલા પ્રેમરસને ભક્તકવિ અમૃત સાથે સરખાવતાં કહે છે કે તેમણે અમૃતનો પ્યાલો ભરપૂર પીધો છે. શરીરની માયા છૂટી ગઈ છે અને પ્રભુભક્તિનો રંગ લાગતાંજ તેમને રોમેરોમ નૂર પ્રગટ્યાં છે, સતગુરૂ તો બધાંયને સાનમાં જીવનનો સાચો મર્મ સમજાવતાં જ હોય છે, પરંતુ જે એ અર્થને પામી જાય છે, તેમની કૃપાથી, સાક્ષાત્કારથી સદાય જીવનમાં ભરપૂર રહે છે એમ અહીં કવિ વર્ણવે છે. શ્રી હેમંત ચૌહાણના કંઠે ઉપરોક્ત ભજન પ્રથમ વખત સાંભળ્યું હતું.


“તત્વમસિ” નવલકથા વિશે મારી વિચારયાત્રા – જીજ્ઞેશ અધ્યારૂ 6

નવલકથા “તત્વમસિ” નર્મદા અને તેની આસપાસના વનો, જીવન અને સૌથી વિશેષ એક પાત્રની “પર” થી “સ્વ” સુધીની યાત્રાની વાત આલેખાઈ છે. ૨૦૦૨ માં ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ મેળવનારી આ કથા સહજીવનની કથા છે, માનવની માનવ સાથે, કુદરત સાથે, લોકમાતા નર્મદા જેવી નદી સાથે અને સમગ્ર સંસ્કૃતિ સાથે. નવલકથાને શરૂઆતથી અંત સુધી સાંકળતી કડી સ્વરૂપે લોકમાતા નર્મદા અને તેની આસપાસના વિસ્તારોનું મનોહર વર્ણન છે. સચોટ અને સત્યાર્થ ધરાવતું વર્ણન અને જ્ઞાનના ભાર વગરની ફીલસૂફી જ આ નવલકથાનું હાર્દ બની રહે છે. તો પ્રસ્તુત છે શ્રી ધૃવ ભટ્ટ સાહેબનું સુંદર સર્જન “તત્વમસિ” વિશે મારી વિચારયાત્રા


સંબધ ની નાવ – જીજ્ઞેશ ચાવડા 8

વૈવિશાળ અને લગ્ન વચ્ચેનો સમયગાળો યુગલ માટે, પ્રેમીઓ માટે જીવનના સ્વપ્નોને શણગારવાનો એક અનોખો અવસર છે. વૈવિશાળ થઈ ગયા હોય અને લગ્ન બાકી હોય ત્યારે હૈયામાં અનેક સ્વપ્નો હોય છે, ઉમંગો અને જીવનના આયોજનોથી મન છલકાઈ જાય છે. આવાજ સંજોગો દરમ્યાનની લાગણીઓને શ્રી જીગ્નેશ ચાવડાની ઉપરોક્ત રચનામાં સુપેરે વ્યક્ત થઈ છે. એક બીજાનો સાથ સહકાર, મિત્રો અને સગાવહાલાંનો વિશ્વાસ અને જીવનના ગમે તેવા કપરા સંજોગોમાં સતત આગળ વધ્યા બંનેને એક મજબૂત તાંતણે એક બીજા સાથે જોડે છે, એ બંધનમાં બંધાવાની, ઉલ્લાસથી જીવન જીવી જવાની ભાવના અહીં વર્ણવાઈ છે. અંતિમ પંક્તિઓમાં તેઓ સહજીવનની શરૂઆત થયા પછીની વાત કહે છે.


અંધકાર – હરિન્દ્ર દવે 3

શ્રી હરિન્દ્ર દવે આપણી ભાષાના રચનાકારોમાં શીર્ષસ્થ છે. તેમણે કેટલીક ખૂબ સુંદર અને મરમી રચનાઓ ગુજરાતી સાહિત્યજગતને આપી છે. અંધકાર વિશેની આ રચના પણ એવીજ એક ખૂબ સુંદર કૃતિ છે. અંધકારને વિવિધ સ્વરૂપોમાં, વિવિધ સમયોના દર્પણમાં, અનેકવિધ કલ્પનાઓ રૂપે તેમણે આભાસ આપ્યો છે. અને છેલ્લે અંધકારને દાદાની વાર્તામાં આવતા દરિયા તરીકે કલ્પીને તેમણે કમાલ કરી દીધી છે.


હોસ્ટેલનો ટેલીફોન – જીજ્ઞેશ અધ્યારૂ 13

અમારી હોસ્ટેલના મુખ્ય પ્રવેશદ્વાર પાસે એક નાનકડી ગોખલા જેવી જગ્યામાં એક ટેલીફોન રહેતો. એ ટેલીફોન પણ અન્ય વસ્તુઓની જેમ એક જડ પદાર્થ જ હતો, પણ તેનું મહત્વ અન્ય વસ્તુઓથી થોડુંક વધારે હતું, કારણકે એક નિર્જીવ પદાર્થ બે સજીવોને સાંકળતો, તેમના મનોભાવો, લાગણીઓ એક બીજા સુધી પહોંચાડતો, અને પ્રેમીઓ માટે તો એ એક આશિર્વાદ હતો, જો કે એ ફોન પર કલાકો ચોંટી રહેનાર બીજા માટે તો એ ચોંટડુકને મનમાં ગાળો આપ્યા સિવાય કોઈ ઉપાય ન રહેતો. આવી જ એ ફોન વિશેની ઘણી ખાટી મીઠી યાદો અને વિચારો અત્રે પ્રસ્તુત કર્યા છે.


બાળક મૂળશંકર – ઝવેરચંદ મેઘાણી 2

આપણામાં હવે ઉપવાસનો મતલબ પૂજા અને આરાધના થતો નથી. મનની એકાગ્રતા અને પૂજામાં ધ્યાન લાગી રહે તે માટે કરવામાં આવતા ઉપવાસ હવે દિવસમાં બે વખત, થાળીમાં સાત આઠ ફરાળી વાનગીઓના આહાર સાથે કરવામાં આવે છે. દિવસો બદલાય છે, વૃત્તિ નહીં, દિવસની પવિત્રતા વૃત્તિમાં, આચરણમાં ન આવે ત્યાં સુધી શિવ તત્વ કેમ મળે? પ્રયત્ન કરવો જોઈએ કે આ શિવરાત્રી ફક્ત એક કર્મકાંડ કે ઉપવાસનો વધુ એક દિવસ ન બની રહેતા શિવ તત્વની આરાધનાનો મહાઉત્સવ બની રહે. બાળક મૂળશંકર એટલે કે શ્રી દયાનંદ સરસ્વતિને શિવરાત્રીના દિવસે થયેલા અનુભવની વાત અત્રે પ્રસ્તુત કરી છે. શિવરાત્રીનો સાચો અર્થ કદાચ અહીં ઈશારામાં કહેવાયો છે.


“તેમ છતાં ….” – હાવર્ડ યુનિવર્સિટીના આચરણ સૂત્રો 8

ઘણી વખત એવું બને કે કોઈકની ખરાબ આદતો, ખરાબ આચરણ કે અપ્રામાણિક નીતીઓથી મળતી ક્ષણિક સફળતાઓથી દોરાઈને, એ નકલી દોરદમામથી આકર્ષાઈને જીવનમાં ખોટા રસ્તે ચાલવાનો નિર્ણય કે વિચાર આવે, કદાચ એટલે જ વિદ્યાર્થીઓના મનમાં આવા કોઈ પણ વિચારના ઉદભવને પહેલેથી જ ડામવા હાવર્ડ યુનિવર્સિટી ઉપરોક્ત આચરણ સૂત્રો બતાવે છે. આપણી સારી આદતો, સંસ્કારો અને આચરણો જ આપણી સૌથી મોટી મૂડી છે, કોઈ ઈમારત પડી જાય તો તેના પાયા પર તેને ઉભી કરી શકાય, પણ પાયા વગરની ઈમારતનું ભાવિ બિસ્માર હોય છે, એ ભલે ગમે તેટલી ઊંચી હોય, નાનકડા વિઘ્ને પતન નિશ્ચિત છે.


હઝારોં ખ્વાહિશેં ઐસી – મિર્ઝા ગાલિબ 3

મિર્ઝા અસદુલ્લાહ બેગ ખાન ઉર્ફ મિર્ઝા ગાલિબની પર્શિયન અને મુખ્યત્વે ઉર્દુ ગઝલો સાહિત્યના ક્ષેત્રમાં, ગઝલોના રચનાત્મક ક્ષેત્રમાં એક આગવું આદરણીય સ્થાન ધરાવે છે. જો કે એમ મનાય છે કે ગાલિબની મોટાભાગની પ્રખ્યાત ગઝલો તેમની ૧૯ વર્ષ સુધીની ઉંમરમાં લખાયેલી છે. ગાલિબનો અર્થ થાય છે શ્રેષ્ઠ, સૌથી ઉચ્ચ. ઉર્દુ ભાષાના મહાનતમ અને સૌથી વધુ પ્રચલિત શાયરોમાં, રચનાકારોમાં તેમનું નામ મુખ્ય છે. પ્રસ્તુત ગઝલ પણ ગાલિબની ઘણી રચનાઓમાંથી અગ્રગણ્ય અને ખૂબ જ પ્રખ્યાત છે. પ્રેમીજન વિશેની હજારો ઈચ્છાઓમાંની દરેક ઈચ્છા પર શાયરનો દમ નીકળે છે એવા શરૂઆત વાળી આ ગઝલના દરેક શે’ર બેનમૂન છે.


શું તમે આ ખણખોદ વાંચી? (9) – સંકલિત 15

તમે છેલ્લે ક્યારે હસ્યા છો? જ્યારે બ્લોગ ‘અધ્યારૂ નું જગત’ ચાલતો ત્યારે શું તમે આ જોક વાંચ્યો છે ના શિર્ષક હેઠળ ઘણી પોસ્ટ કરી, એક લીટીના ચતુર વાક્યો અને નવા જોક શોધીને મૂકવાની મજા અલગ જ છે, બની શકે કે આજના સંકલનમાંથી ઘણાં જોક તમે સાંભળેલા હશે, કારણકે આ પોસ્ટ યાદશક્તિને આધારે બનાવી છે, પરંતુ આમાંથી કોઈ એક પણ જો તમારા ચહેરા પર સ્મિત લાવવામાં સફળ થાય તો તેની પાછળ લેવાયેલી મહેનત સફળ થઈ ગણાશે.


તોતો ચાન

પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે નવી આશાનું કિરણ : તોતો ચાન – તરૂણ મહેતા 4

મૂળ મહુવાના અને હાલ પ્રસારભારતી, રાજકોટ ખાતે શ્રી તરૂણભાઈ મહેતા ફરજ બજાવે છે અને ગુજરાતી સાહિત્ય, ગુજરાતી સામયિકો અને પુસ્તકો પ્રત્યે તેમનો પ્રેમ અનન્ય છે. એક સારા કવિ અને લેખક હોવા સાથે તેઓ એક અચ્છા સમીક્ષક પણ છે. તોતો ચાન પુસ્તકનું બાળમાનસ પરિચય અને બાળ શિક્ષણ ક્ષેત્રે એક આગવું સ્થાન છે અને એ પુસ્તક વિશે, તેના મુખ્ય પાત્ર એવી તોત્સુકો કુરોયાનગી ની અનુભવની સચ્ચાઈ વિશે અહીં સુંદર વિવરણ છે. તેને પ્રાથમિક શિક્ષણના સંસ્મરણોનો સાચો ગ્રાફ પ્રસ્તુત કર્યો છે. તેણીને જગતભરનાં માતા પિતાને તેના બાળકોને અપાતા શિક્ષણની પધ્ધતિ અંગે ઘણું કહેવું છે. તેણે કેટલુંક બહુંજ અગત્યનું ખૂબ સહજભાવે કહી દીધું છે. આ નવલકથામાં ભાષા પ્રપંચ નહીં, પરંતુ અનુભવની સચ્ચાઈનો રણકો છે. આ સુંદર પુસ્તક્ની સમીક્ષા બદલ શ્રી તરૂણભાઈ મહેતાનો ખૂબ ખૂબ આભાર. આશા છે આવા સુંદર લેખો તેમની કલમથી આગળ પણ મળતા રહેશે.


બોધ – બાળાશંકર કંથારિયા 3

કવિ શ્રી બાલશંકર કંથારીયા ફારસી, હિન્દી, અરબી, સંસ્કૃત અને વ્રજ ભાષાના ઉપરાંત સંગીત પુરાતત્વ વગેરેના જાણકાર કવિ, અનુવાદક અને ગઝલકાર તરીકે ખૂબ જાણીતા છે. પ્રસ્તુત ગઝલમાં કવિ જીવનને ઉત્તમ રીતે જીવવાની ગુરૂચાવી આપે છે. સંસારને સ્વીકારવાની રીત સમજાવતી આ ગઝલ ઉપદેશાત્મક છે પણ એ ઉપદેશ ક્યાંય કઠતો નથી. સ્વ-આનંદમાં, પોતાનામાં રહેવામાં જ સાચું સુખ છે એમ સમજાવતી આ રચના ખૂબ સરળ અને ખૂબ સુંદર રચના છે.


સલામ – મંગેશ પાડગાંવકર, અનુ. સુરેશ દલાલ 10

ગત વર્ષે મહુવા ખાતે યોજાયેલા સંસ્કૃત સત્રના એક દિવસે રાત્રે જોયું નાટક “મહોરું”. નાટક ખૂબ સ્પર્શી ગયું, પરંતુ તેથીય વધુ સ્પર્શી ગઈ એક અછાંદસ, સીધી મરમ પર ઘા કરતી, અદભુત રચના…. એ રચના માટે ખૂબ શોધ ચલાવી અને અંતે શ્રી મંગેશ પાડગાંવકરની મૂળ મરાઠી કવિતાનો શ્રી સુરેશ દલાલ દ્વારા થયેલો અનુવાદ મળી આવ્યો. 10 માર્ચ 1929 ના રોજ મહારાષ્ટ્રના રત્નાગિરીમાં જન્મેલા કવિ લેખક શ્રી મંગેશ પાડગાંવકર અછાંદસ કવિતાઓના અનોખા જાદુગર છે. તેમની કેટલીક મરાઠી કવિતાઓના ગુજરાતી અનુવાદો કરીને ‘કવિતાસંગમ’ – મરાઠી કવિતા હેઠળ 1977માં શ્રી સુરેશ દલાલે સંપાદિત કર્યા છે. આ પુસ્તકની પ્રસ્તાવનામાં શ્રી ઉમાશંકર જોશી કહે છે તેમ, “જમાનાની વિગતો આરપાર, તેના ઉંડાણમાં કવિની વાત રમતી હોય છે.” જ્યારે આપણે પ્રેમ કરીએ છીએ, સલામ, વિદુષક, હિપ્નોટીસ્ટ, મારાં ઘેટાંઓ, પ્રારંભ વગેરે તેમની કેટલીક અનન્ય અપ્રતિમ સુંદર અને મને ખૂબ ખૂબ ગમતી રચનાઓ છે. આજે તેમાંથી એકનો આનંદ આપ સૌ સાથે વહેંચી રહ્યો છું.


મારી લેખન યાત્રા – પ્રફુલ ઠાર 5

કાંદીવલી, મુંબઇના રહેવાસી એવા શ્રી પ્રફુલભાઇ ઠારની અક્ષરનાદ પર આ ત્રીજી રચના છે. આ લેખમાં તેઓ પોતાની લેખનયાત્રાની અને કલમની સાથેના સંબંધની વાત કહે છે. દરેક લેખક્ને ક્યારેકને ક્યારેક પોતાના લેખન અને એ સંબંધે પોતાના રચનાત્મક પાસાના ઉજાગર થવાની વાત કહે ત્યારે એ સાથે તેમની અનેક યાદો અને પ્રસંગો સંકળાયેલા હોય છે. પ્રફુલભાઈના આ લેખ સાથે તેઓ આવી જ કેટલીક યાદો આપણી સાથે વહેંચી રહ્યા છે.


પરિવર્તિત દિવાળી – જીગ્નેશ દેખતાવાલા 3

અક્ષરનાદના વાંચક મિત્ર શ્રી જીગ્નેશ દેખતાવાલા વ્યવસાયે કોમ્પ્યુટર ઈજનેર છે અને મુંબઈ ખાતે ઓરેકલ ફાઈનાન્સીયલ સર્વિસિસમાં પ્રોસેસ કન્સલ્ટન્ટ તરીકે સેવાઓ આપી રહ્યાં છે. પ્રસ્તુત વાર્તા તેમની અક્ષરનાદ પર પ્રથમ રચના છે. જીવનના વિવિધ સંજોગોમાં પણ પોતાની ઉપકાર કરવાની સ્વભાવગત ખાસીયતો ન છોડનાર ગૌરીબેનનું ખૂબ સુંદર પાત્રાલેખન તેમણે આ વાર્તામાં કર્યું છે. આવી વધુ રચનાઓ તેમની કલમ થકી આપણને મળતી રહે તેવી શુભકામનાઓ સાથે અક્ષરનાદને આ કૃતિ પ્રસિધ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને શુભેચ્છાઓ.


શ્રદ્ધા અને અંધશ્રદ્ધા નો ભેદ – જીજ્ઞેશ ચાવડા 19

લગભગ ચોક્કસ સમયાંતરે મળતી રહેતી શ્રી જીજ્ઞેશ ચાવડાની ગદ્ય પદ્ય રચનાઓ અક્ષરનાદ પર આપણે પહેલા પણ માણી છે, આજે તેમના તરફથી શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વિશે, તેમના સૂક્ષ્મ ભેદ વિશેની થોડીક વાત. આ મહત્વપૂર્ણ પરંતુ અછૂતા વિષય પર સામયિકોમાં – બ્લોગજગતમાં સમયાંતરે ચર્ચાઓ થતી રહે છે. શ્રદ્ધા, અશ્રદ્ધા અને અંધશ્રદ્ધાના તફાવત અને તેની સૂક્ષ્મ ભેદરેખા વિશે અહીં તેમણે વિશદ છણાવટ કરી છે. તેમના વિચારોની સ્પષ્ટતા અને ચિંતનનું ઊંડાણ ખરેખર વિષયને રસમય બનાવી દે છે.


મા કેમ મરી ગઈ? – કોઈચી એગુચી (14 વર્ષનો છોકરો) 12

વાત થોડીક જૂની છે, જાપાનના પહાડોની ગોદમાં યામામોટો નામનું નાનકડું ગામડું વસેલું છે, બીજા વિશ્વયુધ્ધ પછી આ શાળામાં ફરજીયાત અભ્યાસ શરૂ કરાયો છે, પણ શાળામાં છાજલી વરસાદ અને બરફ વર્ષાની રાહ જોઈને ઉભી છે, કોઈ સાધનો નથી, નકશા નથી, સંદર્ભગ્રંથો નથી, પુસ્તકો નથી, દરેક વિષયનું એક પાઠ્યપુસ્તક, પાટી અને ચોક છે. પણ શાળાની સૌથી મોટી મૂડી તેના વિદ્યાવ્યસની વિદ્યાર્થીઓ અને લગની વાળા શિક્ષકો છે. પહાડના બાળકોની આ માનીતી શાળા છે, અને તેના માટે એ બધી મુસીબતો વેઠે છે. સેઈક્યો મુચાકુ નામના ૨૪ વર્ષના શિક્ષક પોતાના દેશની – ગામની હાલત એ નિશાળીયાઓ સમજે, સુધારવાની તમન્ના જાગે એ માટે તે મહેનત કરે છે. પોતાના જીવનના કોયડાઓ, મુસીબતો અને સમાજ માટેના ખ્યાલો વિશે જાણવા તે વિદ્યાર્થીઓ પાસે નિબંધ લખાવે છે, છોકરાઓએ ગામડાનું જીવન જેવું જોયું, એવું આલેખ્યું. આ લખાણોમાં એ બાળકોએ એમના જીવનનું, આસપાસના વાતાવરણનું હૂબહુ પ્રતિબિંબ પાડ્યું છે, જાપાનમાં એક સમયે સહુથી વધુ વેચાતી, વંચાતી અને ચર્ચાતી આ નાનકડી પુસ્તિકા એટલી પ્રખ્યાત થઈ કે જાપાનના શિક્ષણ પ્રધાને એ ગામ સુધીની સફર ખેડીને એ ગામઠી શાળાના શિક્ષકો – બાળકોને શાબાશી આપી. આ ચોપડી પરથી ફિલ્મ પણ ઉતરી, “ઈકોઝ ફ્રોમ એ માઊન્ટેન સ્કૂલ”. કોઈચી એગુચી નામના ૧૪ વર્ષના એક કિશોરની વાત મને ખૂબ સ્પર્શી ગઈ, આજે પ્રસ્તુત છે એ કિશોરના મનોભાવો.


જે ગાંધીને મેં જાણ્યા – વિનોબા ભાવે 7

મહાત્મા ગાંધીજીને યાદ કરવા કોઈ વિશેષ દિવસની જરૂરત ન હોય, જો કે તેમના વિચારો અથવા સિધ્ધાંતો વિશે વાંચવાની જેટલી મજા આવે છે એથી વધુ મજા તેને સમજવાની કસરત કરવાની આવે છે. વિનોબા ભાવેના આપણા રાષ્ટ્રપિતા વિશેના વિચારોનું આ સંકલન થોડાક દિવસ ઉપર વાંચવા મળ્યું. વિવિધ વિષયો અને સિધ્ધાંતો પર ગાંધીજી વિશે શ્રી વિનોબાના આ સુંદર વિચારો મનનીય અને એથીય વધુ સરળતાથી સમજી અને અનુસરી શકાય તેવી ભાવનાઓ છે.એ મહાત્મા વિશે વિનોબાથી વધુ સારી સમજણ કોઈ ન આપી શકે, આજે ગાંધી નિર્વાણ દિવસે, ગાંધીજી વિશે વિનોબાના વિચારો પ્રસ્તુત છે.

Gandhiji and Vinoba Bhave at Vardha 1934

ખુદા હાફિજ ! – હરિશ્ચંદ્ર 3

પ્રસ્તુત વાર્તામાં એક નાનકડા ગામડાંના તદન ભોળા અને માસૂમ લોકોની વચ્ચે જીવતા સેનાના એક ડોક્ટરની અનુભવવાણી અને ગ્રામ્યજનોની લાગણીની અનુભૂતીની વાત સાહજીક રીતે કહેવાઈ છે. પરસ્પર મદદ કરવાની અને માનવીય સંબંધોની સાચી કદર કરવાની ભાવના અહીં ખૂબજ સુંદર રીતે વર્ણવાઈ છે.

ભૂમિપુત્રનું માત્ર એક જ પાનું, ૮૦ થી ૮૨ લીટી, સાતસો સાડા સાતસો શબ્દ, સચોટ મનોભાવ અને પ્રગટ સંવાદો દ્વારા એક સીધી સાદી વાત, ક્યાંય શીખવવાની, ઉપદેશની વાત નહીં, ક્યાંય એકેય શબ્દનો ખોટો ખર્ચ નહીં, ચુસ્ત માધ્યમ, નક્કર કદ રચનાને લીધે સચોટ વક્તવ્ય, ભૂમિપુત્ર માં હરિશ્ચંદ્ર બનેનોની આ વાર્તાઓ પ્રગટ થતી અને તેમને પુસ્તકાકારે વીણેલા ફૂલ તરીકે પ્રકાશિત કરવામાં આવી, જૂન ૧૯૭૨માં પ્રસિધ્ધ થયેલી પ્રથમ આવૃત્તિ. એક ભાગમાં ચાલીસ આવી વાર્તાઓ, અને આવા અનેકો ભાગ, ગુજરાતી સાહિત્યનું એક અણમોલ રત્ન એટલે ” વીણેલા ફૂલ “.


એક છોકરી સાવ અનોખી….. – અનોખી છોકરીની વાસ્તવિક કહાની 5

આજે પ્રસ્તુત છે એક સુંદર સરળ, હાસ્યસભર અને છતાંય એક અનોખો હકારાત્મક અભિગમ દર્શાવતા લાગણીભીના ગુજરાતી નાટક “એક સાવ અનોખી છોકરી” વિશે થોડુંક. એ એક એવા રંગમંચનો ખૂબ સુંદર પરિચય આપી જાય છે જેમાં હાસ્યની સાથે, પ્રેમની સાથે જીવનના મૂળભૂત સત્ય સુધી પહોંચવાનો પ્રયત્ન છે, એ પ્રેક્ષક વર્ગ માટે ફક્ત મનોરંજન નથી રહેતું, કાંઇક નક્કર “પોઝિટીવ થીંકીંગ્ આપી જતું માધ્યમ બની રહે છે. હોઈ શકે કે ફક્ત મનોરંજનના માધ્યમથી કહેવાતી વાતો લોકોને ગળે ન ઉતરે, પરંતુ એક કલાકાર પોતાના ધર્મને અનુસરી પોતાના કર્તવ્યને પૂરી ભાવનાથી ન્યાય આપી આવા સુંદર પ્રેરણાદાયક મનોરંજક નાટકો કરતા રહેશે, રંગમંચ પાસે ત્યાં સુધી આપવાલાયક કાંઈક ને કાંઈક સદાય રહેશે. એક ગુજરાતી હોવાના લીધે આપણી ફિલ્મોમાં હજીય બીબાંઢાળ વાર્તાઓ અને પાત્રો હોવાના અફસોસ સાથે આપણા રંગમંચમાં આવા સુંદર પ્રયત્નો થતાં રહેતા હોવાનો એક અનોખો ગર્વ આજે મને થયો છે. આ માટે “એક છોકરી સાવ અનોખી” ની આખીય ટોળકી અભિનંદનને પાત્ર છે.


હિંદમાતાને સંબોધન – કાન્ત 1

આપણા પ્રજાસત્તાક્ દિવસે, લોકશાહીના મહોત્સવસમા પ્રજાના અધિકારની ઉજવણીના આ પ્રસંગે ઘણા વર્ષો પહેલાં કવિતા રૂપે શાળામાં ભણેલું આ સુંદર ગીત આજે પ્રસ્તુત છે, આશા છે કવિ શ્રી કાન્તની આ રચનાના શબ્દોને આપણે જીવનમાં ઉતારી શકીએ, સમાજના વિવિધ વર્ગો, ભેદભાવોને ત્યજીને ભારતીય હોવાના સ્વમાન સાથે, અધિકાર અને ફરજ સાથે જીવી શકીએ. આપ સૌ ને આ પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.


પ્રશ્નાર્થ છે મિત્રો – અમૃત ઘાયલ 5

શું ચીજ છે આ પ્યાર એ પ્રશ્નાર્થ છે મિત્રો, આ ‘શું’ નો ‘શું’ છે સાર એ પ્રશ્નાર્થ છે મિત્રો. આ પાંખ છે કે ભાર એ પ્રશ્નાર્થ છે મિત્રો, આ મુક્તિ છે કે માર એ પ્રશ્નાર્થ છે મિત્રો.


ભોજન ટાણે યજમાન બિરદાવળ – ઝવેરચંદ મેઘાણી 3

આપણે ત્યાં દરેક પ્રસંગને, દરેક નાનામાં નાની રોજીંદી ઘટનાને અનુલક્ષીને ગીતો રચાયાં છે. ચારણી સાહિત્યમાં ઘણાં એવા ગીતો મળી આવશે જે વિશે કલ્પના કરવી પણ મુશ્કેલ હોય. ઉપરોક્ત ગીત એવું જ એક ગીત છે. ઘરે આવેલા યજમાનોને જમવામાં ‘તાણ કરવી’ એટલે કે આગ્રહ કરીને જમાડવું એ સાથે તેઓ જમતાં હોય ત્યારે તેમને બિરદાવતું ગીત ચારણ ગાય એ આ ગીતની પધ્ધતિ છે. લોકબોલીમાં હોવાથી તેના અમુક શબ્દોના અર્થ રૂઢીગત શબ્દોથી અલગ પડે છે, તેની યાદી અલગથી આપી છે.


ખોટી બે આની – જ્યોતીન્દ્ર દવે 10

જ્યોતિન્દ્ર દવે આપણી ભાષાના સીમાસ્તંભ રૂપ હાસ્યકાર છે, તેમની ડ્ંખ કે કટુતા વગરની સરળ અને સુંદર રચનાઓ ખૂબ વંચાય છે. ખોટી બે આની શીર્ષક ધરાવતા તેમના પ્રસિધ્ધ પ્રસ્તુત હાસ્યનિબંધમાં તેઓ માનવના સહજ સ્વભાવની કેટલીક આગવી વાતો વર્ણવે છે. તેમને મળેલી ખોટી બે આની બીજાને પધરાવી દેવાની પેરવી અને પ્રયત્નો સૂક્ષ્મ હાસ્ય સરળતાથી નિષ્પન્ન કરે છે. તો અંતે બીજાને છેતરવા જતા અને ખોટી બે આની ચલાવવા જતા તેમને પાવલી ગુમાવવાનો વખત આવે છે તેનું કઠાક્ષભર્યું વર્ણન આ સુંદર નિબંધમાં સુપેરે થયું છે.


ભારતીય કવિતાઓમાં મૃત્યુ ચિઁતન – સંકલન : જીગ્નેશ અધ્યારૂ 6

મૃત્યુ વિશેની કવિતાઓ અને એ વિશેનું ચિંતન આપણા સાહિત્યમાં અઢળક જોવા મળે છે. મૃત્યુ એ દૈહિક રીતે મર્ત્યાવસ્થા છે, સર્જકો મૃત્યુને જીવનની સફરનો કિનારો, છેડો કે અંત તરીકે નિરૂપતા આવ્યા છે, પરંતુ આ સર્વમાન્ય સ્વરૂપો સિવાય પણ ભારતીય સાહિત્યમાં મૃત્યુ વિશેનું ચિંતન ખૂબ સુંદર અને ભિન્ન સ્વરૂપોમાં જોવા મળે છે. મૃત્યુ વિશે અક્ષરનાદ પર આ પહેલા ઘણી વખત ચિંતન કરેલું છે, કદાચ એ એક વિષય એવો બચ્યો છે જેના માટે આપણા બધાંનો અનુભવ સરખો છે, બનવા જોગ છે કે પ્રેમ વિશે, લાગણીઓ વિશે કે અનુભૂતીઓની અભિવ્યક્તિ વિશે અનુભવો અને આવડત ઓછી વધુ હોય, પરંતુ જીવન પછીના જીવન વિશે વિચારો જ માત્ર સાધન છે, એ ઘટનાને ડરથી જોવાની બદલે અભિભૂત થઈને, આવકારીને જોવાની જરૂરત છે. આજે પ્રસ્તુત છે ભારતીય ભાષાઓમાં આ વિષય પરત્વે ચિઁતનના કેટલાક અંશો.


શિશુની કવિતા – જયંત પાઠક 4

એક બાળકના અભિવ્યક્તિ સામ્રાજ્યમાં, તેની લીટાઓની અભિવ્યક્તિમાં કવિ કવિતા ગોઠવવાનો પ્રયત્ન કરતા જણાય છે, પરંતુ પછી તેઓ પોતે જ તેની વ્યર્થતા સમજાવે છે, બાળકની અભિવ્યક્તિની ગોઠવણ કરવાનું કામ છોડતાં તેઓ કહે છે,

બાળકે લખેલી કવિતા વચ્ચે
આડા અવળા લીટા કરવાનું માંડી વાળું છું

અભિવ્યક્તિની આ જ ઉંચાઈ અને સરળતા શ્રી જયંત પાઠકની કવિતાઓને મનનીય, સુંદર અને વિશેષ બનાવે છે.


ઇબ્રાહીમકાકા – મહાદેવભાઇ દેસાઈ 4

“ઈબ્રાહીમકાકા” – વર્ષો પહેલા શાળામાં ભણતી વખતે ક્યાંક આ સુંદર વાર્તા આવી હતી એવું આછું આછું યાદ છે. ઈબ્રાહીમકાકા, જુમો ભિશ્તી, મંગૂ ડોશી જેવા પાત્રોની વચ્ચે વસતું, તેમના વિચારોમાં ખોવાઈ જતું એ બાંળપણ કેટલું સુંદર હતું, લેખકના શબ્દો ક્યાંક મારા માટે પણ એટલા જ સાચા છે, આ ચમત્કારનો અર્થ ને તેનો મહિમા એ વખતે હું કળી શક્યો ન હતો, પણ હવે હું કળી શકું છું. જીવનઘડતર માટે પસંદ થયેલી આવી સુંદર વાર્તાઓ આજે વર્ષો પછી જ્યારે વાંચવા મળે ત્યારે મન ખૂબ પ્રફુલ્લિત થઈ જાય એ તદન સ્વાભાવિક છે.


હીરાની પરીક્ષા – ધીરા પ્રતાપ બારોટ 1

વડોદરા જીલ્લાના ગોઠડા ગામે ૧૭૫૩માં જન્મેલા ધીરા ભગતનું મન નાનપણથી ભક્તિ તરફ ઢળેલું હતું, તેમના પદો ‘કાફી’ નામના રાગમાં ઢળેલા હોઈ તે કાફી તરીકે જ જાણીતા થયા છે. પ્રસ્તુત કાફીમાં ધીરા ભગતે પરમતત્વનું વર્ણન કર્યું છે. એ તત્વ હીરા સમાન છે જેની પરખ સાચા ભક્તને જ થાય છે. અજ્ઞાની અને મૂર્ખ માણસો તેને સમજી કે પામી શક્તા નથી. જાગ જગન જપ તપ અને તીરથ એ જ સૌથી મોટો સાચો સત્સંગ છે એ વાત અહીં ખૂબ સુંદર રીતે વર્ણવાઈ છે.


બે દેડકાઓ – અનુ. જીગ્નેશ અધ્યારૂ 2

આ નાનકડી વાર્તા બે મહત્વની વાતો કહી જાય છે,

૧. આપણી જીભમાં, આપણા શબ્દોમાં, જીવન અને મૃત્યુની શક્તિઓ રહેલી છે. કોઈકને, એવા હતોત્સાહી, દુઃખી માણસને પ્રોત્સાહનના બે શબ્દો તેમનો દિવસ, તેમની જીંદગી સુધારી આપવા આપણા બે શબ્દો પૂરતા છે.

૨. કોઈક હતોત્સાહી, દુઃખી માણસને આપણો કહેલો એક હતાશાનો શબ્દ નિષ્ફળતા સુધી, પ્રયત્નો કરવાની તેની ફરજને ચૂકાવી દેવા સુધીની હદે લઈ જઈ શકે છે.