શિશુની કવિતા – જયંત પાઠક 4


બાળકે કાગળમાં કરેલા
આડા અવળા લીટા વચ્ચે હું,
હારબંધ શબ્દોમાં કવિતા લખવા જાઊં છું
ત્યારે

આનંદવર્ધન શિખા ઉપર હાથ ફેરવતા
બોલી ઉઠે છે :
काव्यस्थ आत्मा ध्वनिः !

કવિ મૅકલિશ પાઈપના ઉંચે ચઢતા ધુમાડાના
અમળાતા અક્ષરોમાં ઉદગારે છે :
A Poem should not mean, but be !

હું
બાળકે કરેલા આડા અવળા લીટા વચ્ચે
કવિતા લખવાનું માંડી વાળું છું,
બાળકે લખેલી કવિતા વચ્ચે
આડા અવળા લીટા કરવાનું માંડી વાળું છું !

– જયંત પાઠક

એક બાળકના અભિવ્યક્તિ સામ્રાજ્યમાં, તેની લીટાઓની અભિવ્યક્તિમાં કવિ કવિતા ગોઠવવાનો પ્રયત્ન કરતા જણાય છે, પરંતુ પછી તેઓ પોતે જ તેની વ્યર્થતા સમજાવે છે, બાળકની અભિવ્યક્તિની ગોઠવણ કરવાનું કામ છોડતાં તેઓ કહે છે,

બાળકે લખેલી કવિતા વચ્ચે
આડા અવળા લીટા કરવાનું માંડી વાળું છું

અભિવ્યક્તિની આ જ ઉંચાઈ અને સરળતા શ્રી જયંત પાઠકની કવિતાઓને મનનીય, સુંદર અને વિશેષ બનાવે છે.


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “શિશુની કવિતા – જયંત પાઠક